દરભંગા (જિલ્લો) :  બિહારના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 26 00´ ઉ. અ. અને 86 00’ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે મધુબની જિલ્લો, દક્ષિણે સમસ્તીપુર જિલ્લો, પૂર્વે સહરસા જિલ્લો જ્યારે પશ્ચિમે સીતામરહી અને મુઝફર જિલ્લા આવેલા છે.

આ જિલ્લો મધ્યગંગાના મેદાની વિસ્તારમાં આવેલો છે. તે ગંગાના ખીણના ઉત્તર ભાગમાં આવેલો છે તેમ કહેવાય. આ મેદાની વિસ્તાર ખૂબ નીચા છે. આ મેદાનનો કોઈ પણ ભાગ સમુદ્રની સપાટીથી  150 મીટરથી વધુ ઊંચો નથી. તેના નીચાણવાળા ભાગમાં કળણ અને તળાવો આવેલાં છે. ગંગાને મળતી અનેક નાની નદીઓ અહીંથી પસાર થાય છે. સમગ્ર જિલ્લો સપાટ છે અને જમીન કાંપની બનેલી છે.

અહીંની આબોહવા વિષમ છે. સરેરાશ શિયાળુ તાપમાન 16 સે.થી 18 સે. તથા ઉનાળુ તાપમાન 35 સે. જેટલું રહે છે. કેટલીક વાર મે માસમાં 43 સે. તાપમાન પહોંચે છે.

વરસાદનું સરેરાશ પ્રમાણ 1200 મિમી.થી 1500 મિમી. છે. મોટા ભાગનો વરસાદ એટલે કે 92% જેટલો વરસાદ વર્ષાઋતુના સમયગાળામાં જ પડે છે.

અર્થતંત્ર : આ જિલ્લો ભારતના સૌથી વધુ 250 (2006) પછાત જિલ્લાઓમાંનો એક છે. હાલમાં સૌથી પછાત જિલ્લાઓ 640 છે. આ જિલ્લાને કેન્દ્ર સરકાર તરફથી ‘પછાત પ્રદેશ સહાય ફંડના કાર્યક્રમ હેઠળ’ આર્થિક સહાય અપાય છે. આ જિલ્લામાં ખેતી અને પશુપાલન એ જ આજીવિકાનું સાધન ગણાય છે. બાઘમતી અને નાની નદીઓના જળ અને વરસાદને આધારે ખેતી થાય છે. જેમાં શણ, શેરડી, મકાઈ, જુવાર, તેલીબિયાં, તમાકુ વગેરે છે. પશુધનમાં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં મુખ્ય છે. ખેડૂતો આર્થિક રીતે પછાત હોવાથી પ્રાથમિક ખેતીના સાધનોના સહારે ખેતી થાય છે. અહીં યાંત્રિકીકરણ વધુ જોવા મળતું નથી. અતિવૃષ્ટિના સમયે નદીઓમાં આવતા પુરને કારણે લોકોને પારાવાર નુકસાન સહન કરવું પડે છે.

પરિવહન – વસ્તી : આ જિલ્લામાં જિલ્લામાર્ગો અને ગ્રામ્ય માર્ગો આવેલા છે. રાજ્ય પરિવહનની અને ખાનગી બસોની સુવિધા છે. આ સિવાય પગરિક્ષા અને ઑટોરિક્ષા પણ મળી રહે છે. મોતીહરી અને પૂર્ણિયાને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 28 પસાર થાય છે.

આ જિલ્લાનું ક્ષેત્રફળ 2,279 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 39,37,385 છે. સાક્ષરતાનું પ્રમાણ 56.56% છે. જ્યારે સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1024 છે. અહીં હિન્દુઓની વસ્તી 77.28% જ્યારે મુસ્લિમોની વસ્તી 22.39% છે. શહેરી વસ્તીની સંખ્યા 9.74% છે. પછાત જાતિ અને આદિવાસીઓની સંખ્યા અનુક્રમે 15.64% અને 0.07% છે. આ જિલ્લામાં મહત્તમ લોકો મૈથીલી ભાષા બોલે છે. જ્યારે ઉર્દૂ 20.67% અને હિન્દી 5.96% પણ બોલાય છે.

દરભંગા (શહેર) : બિહારમાં વસ્તીની દૃષ્ટિએ પાંચમા ક્રમે આવતું શહેર.

આ શહેર 25 53´ ઉ. અ. અને 85 45´ પૂ. રે. પર આવેલું છે. તે સમુદ્રની સપાટીથી 52 મીટરની ઊંચાઈ ધરાવે છે. નાની બાઘમતી નદીના ડાબા કિનારે વસેલું છે. પટણાથી ઈશાને આશરે 96 કિમી. દૂર આવેલું છે.

અહીંની આબોહવા ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય કહી શકાય. ઉનાળામાં મે માસમાં સરેરાશ તાપમાન 43 સે. અનુભવાય છે. જ્યારે શિયાળામાં નવેમ્બર માસમાં સરેરાશ તાપમાન 34 સે. રહે છે. વર્ષાઋતુમાં સરેરાશ વરસાદ 1142 મિમી. પડે છે.

દરભંગા શહેર એક મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર છે. આજુબાજુના પ્રદેશમાંથી આ શહેર ડાંગર, જુવાર, મકાઈ, ઘઉં જેવા ખાદ્યપાકો અને તમાકુ, શેરડી, શણ જેવા રોકડિયા પાકો તેમજ કેરી, મત્સ્ય જેવી વસ્તુઓનું મુખ્ય બજાર છે. અહીં શણની મિલ, ખાંડનું કારખાનું, ડાંગર ભરડવાની મિલો અને પગરખા બનાવવાનું એકમ આવેલું છે. હાથશાળ અને હૅન્ડલૂમ કાપડનું મુખ્ય વેચાણ મથક છે. ખાદીના વસ્ત્રો બનાવવાના કુટિર ઉદ્યોગો આવેલા છે.

તે વિવિધ માર્ગો અને રેલવેનું જંકશન છે. દરભંગા રેલવે જંકશન ‘પૂર્વ મધ્ય રેલવે’ વિભાગમાં આવે છે. તે ભારતના મહત્ત્વના શહેરો સાથે સંકળાયેલ છે. લહેરીયા – સરાઈ (LaheriaSarai) રેલવેસ્ટેશન જે દરભંગાનું બીજું મહત્ત્વનું સ્ટેશન છે. દરભંગા શહેર પાસેથી ‘ઈસ્ટ-વેસ્ટ ધોરી માર્ગ’ નં. 27 પસાર થાય છે. આ સિવાય રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 527B પણ પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ નં. 50, 56 અને 75નો પણ લાભ આ શહેરને મળે છે. તેમજ ‘ઈસ્ટ-વેસ્ટ કોરિડોર એક્સપ્રેસ’ માર્ગ જે ગુજરાતના પોરબંદર અને અસમના સિલચર શહેરને સાંકળતો માર્ગ આ શહેર પાસેથી પસાર થાય છે. આ સિવાય રાષ્ટ્રીય ધોરી માર્ગ NH119Dનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ શહેરને વ્યાપારી હવાઈ મથકનો લાભ મળ્યો છે. જે ભારતના મહત્ત્વના શહેરોને સાંકળે છે. આ હવાઈ મથક ‘દરભંગા હવાઈ મથક’ તરીકે ઓળખાય છે. આ શહેરથી 6 કિમી. દૂર ભારતીય હવાઈ દળનું હવાઈ મથક પણ આવેલું છે.

વસ્તી – પ્રવાસન : આ શહેરનો વિસ્તાર 39.83 ચો.કિમી. જ્યારે વસ્તી  (2011 મુજબ) 2,96,039 છે. સમુદ્રની સપાટીથી સરેરાશ 52 મીટરની ઊંચાઈએ આવેલું છે. સાક્ષરતાનું પ્રમાણ 79.40% છે. શહેરી વસ્તી (2021 મુજબ) 3,80,125 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 910 છે. અહીં મૈથિલી, ઉર્દૂ, હિન્દી ભાષા બોલાય છે. જેની ટકાવારી અનુક્રમે 50.25%, 26.80%  અને 20.98% છે. આ શહેરમાં હિન્દુઓની વસ્તી 71.76%  જ્યારે મુસ્લિમોની વસ્તી 27.76% છે.

અહીં શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓ આવેલી હોવાથી શિક્ષણની સારી સુવિધા છે. મેડિકલ કૉલેજો, એન્જિનિયરિંગ અને ટૅકનૉલૉજી કૉલેજો આવેલી છે. યુનિવર્સિટીઓમાં ઇંદિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU), કામેશ્વરસિંગ દરભંગા સંસ્કૃત યુનિવર્સિટી, લલિત નારાયણ મૈથિલી યુનિવર્સિટી અને મૌલાના આઝાદ નૅશનલ ઉર્દૂ યુનિવર્સિટી આવેલી છે.

આ શહેરમાં પ્રવાસીઓને આકર્ષતા અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. જેમાં ચંદ્રધારી મ્યુઝિયમ, દરભંગા ફોર્ટ, મહારાજાધિરાજ લક્ષ્મીધરસિંઘ મ્યુઝિયમ, દરભંગા પ્લેનેટોરિયમ, શ્યામા માઈ ટેમ્પલ, નારગોના પેલેસ, આનંદબાગ પેલેસ વગેરે આવેલા છે.

ઇતિહાસ : ભારતના સૌથી જુના શહેરોમાં આ શહેરનો સમાવેશ થાય છે. દરભંગા એ બંગાળનું પ્રવેશદ્વાર ગણાય છે. (દર-ઈ-બંગાલ). આ શહેર સંગીત, નૃત્યકલા તેમજ સંસ્કૃત, ઉર્દૂ, હિન્દી અને મૈથિલી સાહિત્ય ક્ષેત્રે તેનું સ્થાન આગવું છે. આ શહેર ‘બિહારની સંસ્કૃતિનું પાટનગર’ તેમજ મથિલાનંચલના હૃદય સમાન ગણાય છે. મુઘલકાળ દરમિયાન અહીં લશ્કરી થાણું હતું. 16મી સદીમાં દરભંગાનું દેશી રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ નગર તેની રાજધાની હતું. અઢારમી સદીમાં મહારાજા પ્રતાપસિંહના વખતથી વિકાસનો પ્રારંભ થયો હતો. બ્રિટિશ રાજમાં દરભંગા સરકાર તિરહટનો એક ભાગ હતો.

શિવપ્રસાદ રાજગોર

નીતિન કોઠારી