દરજીડો અથવા દરજી : ચકલીના કદનું ભારતમાં સર્વત્ર જોવા મળતું ગાયક પક્ષી. (અં. ટેઇલર બર્ડ, લૅ. ઑર્થોટોમસ સુટોરિયસ) કુળ મ્યુસિકૅપિડી, શ્રેણી પાસરિફૉર્મિસ. નગરો તથા ગામોમાં, ઉદ્યાનો તથા વાડીઓમાં છોડવેલ ઉપર ઊડતું જોવા મળે છે. પીઠ અને પાંખો લીલાશ પડતાં, પેટ સફેદ, માથું બદામી રંગનું અને પાછળ બહુ લાંબી નહિ એવી ઊભી પૂંછડી. લંબાઈ 12 સેમી. આસપાસ. એને ઓળખવું અઘરું નથી. જોકે ફુત્કી નામનું તેનું જાતભાઈ છેતરી જાય એવું બને. નરમાદા ઘણી વાર જોડમાં ફરે છે. લજ્જાળુ છતાં દોરા અથવા આહારની શોધમાં તે ઘરના વરંડામાં આવતાં ખચકાતું નથી.
મોટાભાગનાં પક્ષીઓની જેમ મુખ્ય આહાર જીવાત તથા તેનાં ઈંડાં છે. પુષ્પરસ પણ ભાવે. સ્વર મીઠો અને બુલંદ ટિવટ્ , ટિ્વટ, ટિ્વટ અથવા જરા બદલાયેલો પ્રીત પ્રીત પ્રીત ઉદ્યાનોમાં સાંભળવા મળે. પક્ષીનું દરજીડો નામ તેના માળાને કારણે સાર્થક છે. છોડ કે વેલ અને કોઈ વાર પહોળાં પાંદડાંવાળાં નાનાં વૃક્ષ પર મીટર – બે મીટર ઊંચાઈ સુધીમાં બે કે ત્રણ પાંદડાંને સીવીને, સિલાઈ ઊકલી ન જાય તે માટે ગાંઠ વાળીને નાળચાના ઘાટનો માળો બનાવી, તેમાં વાળ, મૃદુ રેસા, રૂ, દોરા અને કુમળી ડાંખળીઓ પાથરી સુકોમળ આચ્છાદન કરે છે. માળા ઉપર ઢાંકણ જેવી રચના પણ હોય છે. તેથી ટાઢતાપ અને વર્ષામાં રક્ષણ મળે છે. સાધારણ ર્દષ્ટિમાં માળો પરખાતો નથી.
વર્ષાઋતુ દરજીડાનો સંવનનકાળ છે. સ્વભાવે નરમ અને લજ્જાળુ પક્ષી આ સમયે ઉન્માદમાં આવે છે. 3 કે 4 ઈંડાં મૂકે છે. ઈંડાંનો રંગ રતાશ કે ભૂરાશ પડતો શ્વેત, ઉપર બદામી ટપકાં. માણસ માળાનો સ્પર્શ કરે તો પક્ષી તેનો ત્યાગ કરે છે અને નવો માળો સીવે છે.
બંસીધર શુક્લ