દરજ્જો : દરજ્જો અને ભૂમિકાની વિભાવના રાલ્ફ લિંટને (1893–1953) પોતાના અભ્યાસ ‘ધ સ્ટડી ઑવ્ મૅન’(1936)માં આપી છે. દરજ્જો સમાજમાં વ્યક્તિના સ્થાન કે હોદ્દાનો નિર્દેશ કરે છે. દરજ્જાનાં મૂળ સામાજિક ધોરણોમાં છે કારણ કે ધોરણો વ્યક્તિને હકો અને ફરજો આપે છે; દા. ત., શિક્ષક અને વિદ્યાર્થીનો દરજ્જો. દરજ્જા અર્પિત અને પ્રાપ્ત સ્વરૂપે જોવા મળે છે. અર્પિત દરજ્જામાં વ્યક્તિનાં પોતાનાં આંતરિક લક્ષણો અથવા ખાસિયતો જેવી કે લિંગ, ઉંમર, પ્રજાતિ, કુટુંબની પૃષ્ઠભૂમિ અને સગાંસંબંધોને ધ્યાનમાં લેવામાં આવે છે. બાળકને શરૂઆતનો દરજ્જો કુટુંબ પાસેથી મળે છે. પ્રાપ્ત દરજ્જો વ્યક્તિને પોતાની વ્યક્તિગત સિદ્ધિ, આવડત, જ્ઞાન, અનુભવ અને કેળવણીને આધારે પ્રાપ્ત થાય છે. અર્પિત દરજ્જા આદિમ અને સામંતશાહી સમાજનું લક્ષણ મનાય છે જ્યારે પ્રાપ્ત દરજ્જો ઔદ્યોગિક રીતે વિકસિત એવા શહેરી સમાજનું લક્ષણ મનાય છે.

યોહાન પરમાર