દરજી, ઝીણાભાઈ રણછોડજી (જ. 24 મે 1919, વ્યારા, જિ. સૂરત; અ. 31 ઑગસ્ટ 2004) : દક્ષિણ ગુજરાતના પીઢ ગાંધીવાદી, સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર. શરૂઆતથી જ એમનું જીવન ખડતલ અને સાદું રહ્યું હતું. તેઓ પોતાના વિચારો મક્કમતાથી વ્યક્ત કરતા અને એમને અમલમાં મૂકવા પ્રયત્નો કરતા. એમણે ખાદીપ્રચાર, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, દલિતસેવા, ગ્રામોદ્ધાર, ગરીબીનાબૂદી વગેરે ક્ષેત્રોમાં નક્કર કામ કર્યું છે. એમણે અનેક સહકારી સંસ્થાઓ સ્થાપીને એનું સંચાલન કર્યું છે.

પિતાનો વ્યવસાય દરજીનો હતો. ઝીણાભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વ્યારામાં લીધું. કુટુંબની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી શિક્ષણ સાથે સવારે અને સાંજે સંચા પર સીવવાનું કામ કરતા. દર રવિવારે હાટમાં કાપડ તથા તૈયાર કપડાં વેચવા જવું પડતું. વાંચવાનો શોખ હોવાથી વ્યારામાં આવેલા સાર્વજનિક શિવાજી પુસ્તકાલયમાંથી પ્રેરણાદાયી સાહિત્ય વાંચતા.

ઝીણાભાઈ દરજી

ઝીણાભાઈ સૂરતની સાર્વજનિક હાઈસ્કૂલમાં દાખલ થયા અને કે. એન. હૉસ્ટેલમાં પુસ્તકાલય મંત્રી બની પુસ્તકાલયને વ્યવસ્થિત બનાવ્યું તથા એમાંનું ગાંધીસાહિત્ય રસપૂર્વક વાંચી ગયા. એની અસર એમના જીવન પર થઈ. એમણે સિનેમા જોવાનું તથા મરચું ખાવાનું છોડ્યું. ગાદલાને બદલે પાટ પર સૂવાનું અને વીજળીના દીવાને બદલે કોડિયાથી વાંચવાનું શરૂ કર્યું. કાંતતાં શીખ્યા અને ખાદી પહેરવી શરૂ કરી. ઈ. સ. 1936માં એ મૅટ્રિક થયા પછી અનાવિલ આશ્રમના ગૃહપતિ અને પ્રખર ગાંધીવાદી દયાળજી દેસાઈના સંપર્કથી આઝાદીની ચળવળના રંગે રંગાયા. 1937માં થયેલી પ્રાંતિક ચૂંટણીમાં કૉંગ્રેસમાં સ્વયંસેવક તરીકે કામ કરી જાહેર જીવનની શરૂઆત કરી. 1938ના હરિપુરા કૉંગ્રેસ અધિવેશનમાં જુગતરામ દવેની આગેવાની નીચે સફાઈદળના સ્વયંસેવક તરીકે કામ કર્યું.

મૅટ્રિક થયા પછી 1938થી 1942 સુધી ઝીણાભાઈએ વ્યારાની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું. એ વર્ષો દરમિયાન ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાયા. વિદ્યાર્થીમંડળ, યુવક સેવાસમાજ, નશાબંધી, અસ્પૃશ્યતાનિવારણ, ખાદીફેરી અને ગ્રામસફાઈના કાર્યક્રમોમાં ભાગ લીધો. વ્યારા તે સમયે વડોદરા રાજ્યમાં હતું. વડોદરા રાજ્યના ભારતીય સંઘમાં જોડાણ સુધી પ્રજામંડળના પ્રતિનિધિ રહ્યા. વેડછી આશ્રમની અવારનવાર મુલાકાત લેતા.

1942ની ‘હિંદ છોડો’ લડતમાં તેમણે ભાગ લીધો અને બે માસ માટે જેલમાં ગયા. શિક્ષકની નોકરી છોડી દીધી. 1947માં આઝાદી આવ્યા પછી મુંબઈ રાજ્યમાં ઋણરાહતધારો, ગણોતધારો વગેરે કાયદા થયા ત્યારે એમના પિતાની જમીનમાં કામ કરતા કેટલાક ગણોતિયાઓ એ જમીનની માલિકી મેળવવા અરજી લખાવવા ઝીણાભાઈ પાસે આવ્યા. ઝીણાભાઈએ પિતાની સામે આવી અરજીઓ લખી આપી તેથી પિતા ગુસ્સે થયા અને એમને ઘર છોડવાની ફરજ પાડી. જીવનનિર્વાહ માટે મુશ્કેલી ઊભી થઈ. એ પછી એમનાં પત્ની ઊર્મિલાબહેને ખાદીભંડારમાં નોકરી કરી આવકનું સાધન ઊભું કર્યું. ઝીણાભાઈને પ્રવૃત્તિઓ માટેનું બળ પૂરું પાડવામાં ઊર્મિલાબહેનનું મહત્ત્વનું પ્રદાન છે.

સ્વરાજ પછી સૂરત જિલ્લામાં અનેક સંસ્થાઓ એમણે સ્થાપી અને વિકસાવી. તેઓ વ્યારા નગરપાલિકાના પ્રમુખ બન્યા તે પછી ત્યાંના સફાઈ કામદારોની સ્થિતિ સુધારવા પ્રયત્નો કર્યા. 1963માં ગુજરાતમાં પંચાયતરાજની શરૂઆત થતાં તેઓ 1963થી 1970 સુધી સૂરત જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા. આ દરમિયાન એમણે જિલ્લામાં વિકાસની યોજનાઓ અમલમાં મૂકી તથા પછાત વિસ્તારનો વિકાસ કર્યો.

તેઓ વ્યારા તાલુકા કાગ્રેસના પ્રમુખ, સૂરત જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ અને પછી ગુજરાત પ્રાંતિક કાગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા. તેઓ અદભુત સંગઠનશક્તિ ધરાવતા હતા. દરેક સામાન્ય ચૂંટણી વખતે એમણે ઓછું ખર્ચાળ અને મજબૂત ચૂંટણીતંત્ર ગોઠવ્યું. 1969માં કૉંગ્રેસનું વિભાજન થતાં ડિસેમ્બર, 1970માં તેઓ 700 કાર્યકરો સાથે ઇન્દિરા ગાંધીની શાસક કૉંગ્રેસમાં જોડાયા. 1972માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અને 1976માં ગુજરાત સ્ટેટ કૉઑપરેટિવ લૅન્ડ ડેવલપમેન્ટ બૅન્ક લિ.ના અધ્યક્ષ બન્યા. એમણે ગુજરાત ખેતવિકાસ પરિષદની સ્થાપના કરી. 1975થી એના પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા. આ જ અરસામાં અનામતસમર્થન સમિતિના પણ તેઓ પ્રમુખ બન્યા.

1977માં શાસક કૉંગ્રેસનો પરાજય થયો ત્યારે ભૂતપૂર્વ વડાંપ્રધાન ઇંદિરા ગાંધીને રૂબરૂ મળી દેશભરમાં ફરી ગરીબોનાં દુ:ખદર્દમાં સહભાગી થવા અને આ માટે ગુજરાતમાંથી શરૂઆત કરવા નિમંત્રણ આપ્યું. ઇંદિરા ગાંધીએ ઑક્ટોબર, 1977માં ગુજરાતની મુલાકાત લીધી.  એ પછીની તમામ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસને  ટેકો મળે એવી જાગૃતિ આણી. કેન્દ્ર અને રાજ્યસ્તરે કૉંગ્રેસી સરકાર દ્વારા પ્રગતિશીલ અને ગરીબલક્ષી કાર્યક્રમો ઘડાય અને તેનો અમલ થાય એ માટે પ્રયાસો કર્યા. મે, 1981થી 1985 સુધી ગુજરાત રાજ્યની વીસસૂત્રી કાર્યક્રમ અમલીકરણ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે  કામગીરી કરી. ગણોતધારા સુધારા સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે એક વિસ્તૃત હેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો.

1980 અને 1985ની સામાન્ય ચૂંટણીઓમાં એમણે ‘ખામ’ (KHAM) યોજનાના આધારે કૉંગ્રેસને K = ક્ષત્રિયો, H = હરિજનો, A = આદિવાસીઓ અને M = મુસ્લિમોના મતો મળે તેવા પ્રયત્નો કર્યા. 1987થી 1989 સુધી એમણે નૅશનલ કમિશન ફૉર રૂરલ લેબરના પ્રમુખ તરીકે કામ કર્યું. વ્યારા વિભાગમાં આદિવાસીઓની બહુમતીથી સહકારી ખાંડનું કારખાનું ઊભું કરી ત્રણ વર્ષ એના ઉપપ્રમુખ રહ્યા. 1992થી 1995 સુધી ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય તરીક કામ કર્યું. તેઓએ ગાંધી વિદ્યાપીઠ, વેડછી તથા ગુજરાત ખેતવિકાસ પરિષદમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. 1995માં તેઓ એન. ડી. તિવારી જૂથની ઇંદિરા કૉંગ્રેસમાં જોડાયા અને તેના ગુજરાત પ્રદેશના પ્રમુખ બન્યા.

એમણે અંગત જીવનમાં સંપત્તિનો લોભ કે સત્તાની લાલસા રાખી નહોતી.

મુગટલાલ પોપટલાલ બાવીસી