દમણ : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક ર્દષ્ટિએ તળ ગુજરાતમાં આવેલું આ સંસ્થાન 1961 પૂર્વે પોર્ટુગલની સત્તા નીચેનો પ્રદેશ હતું. દમણ આ પ્રદેશનું મુખ્ય વહીવટી મથક છે, જે દમણગંગાના બંને કાંઠે 20° 25’ ઉ. અ અને 72° 51’ પૂ. રે. ઉપર વસેલું છે. નદીના મૂળ ઉપર આવેલા કિલ્લાથી તે રક્ષિત છે. વાપી નજીકનું રેલવેસ્ટેશન છે. દમણના પ્રદેશની એક બાજુ ભૂમિભાગ છે તો બાકીની ત્રણ બાજુએ અરબી સમુદ્ર આવેલો છે. તેની પૂર્વ બાજુએ વલસાડ જિલ્લાનો પારડી તાલુકો, ઉત્તરમાં ભગવાન અને કોલક નદીઓ, દક્ષિણે કાલી નદી અને પશ્ચિમે અરબી સમુદ્ર છે. દમણનો કુલ વિસ્તાર 72 ચોકિમી. છે અને વસ્તી આશરે 2,52,272 (2022) છે. નાની અને મોટી દમણ એવા તેના બે ભાગ છે.

દમણનો સમગ્ર પ્રદેશ સપાટ છે. તે સમુદ્રકિનારે આવેલું હોવાથી તેની આબોહવા ભેજવાળી અને ખુશનુમા છે. શિયાળો અને ચોમાસું હળવાં હોય છે. ત્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 1,600 મિમી. પડે છે. કિનારાના પ્રદેશમાં નારિયેળી અને આંબા, કેળ, ચીકુડી, ફણસ વગેરે ફળોનાં વૃક્ષો છે. અંતરિયાળ ભાગમાં ડાંગર, શેરડી, ઘઉં, કઠોળ, નાગલી, સપોતા વગેરે પાક થાય છે. રસ્તાને કિનારે, તળાવને કાંઠે તથા ખેતરના શેઢે સાગ, બાવળ, સાદડ વગેરેનાં વૃક્ષો જોવા મળે છે. જંગલનું પ્રમાણ નહિવત્ છે. દમણગંગા ઉપર 1971–72થી શરૂ કરાયેલ અને 1984માં પૂર્ણ થયેલ બંધ દ્વારા દમણ વિસ્તારનાં 26 ગામોને સિંચાઈનો લાભ મળે છે અને તેથી ત્રણ વખત પાક લઈ શકાય છે. આશરે 80% લોકો ખેતીમાં રોકાયેલા છે.

દીવ અને દમણમાં લઘુઉદ્યોગોના કુલ 531 ઘટકો છે, જેમાંથી મોટા ભાગના ઉદ્યોગો દમણમાં આવેલા છે. દમણમાં તલવાડા ખાતે વિદ્યુતમથક છે અને તેનાં બધાં ગામોનું વીજળીકરણ થયું છે. કાપડ, પ્લાસ્ટિક, લઘુ ઇજનેરી, દવા, રસાયણ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે.

દમણમાં કુલ 183 કિમી.ના રસ્તા છે. કિલ્લા નજીક નદીના મધ્યભાગમાં 4 મી. પાણી રહે છે અને 500 ટનનાં જહાજો મોટી ભરતી વખતે અહીં આવી શકે છે. વેરાવળ, દીવ અને જાફરાબાદથી મચ્છીની આયાત થાય છે; જેની ઇન્ડોનેશિયા, મલેશિયા વગેરે દેશોમાં નિકાસ થાય છે. વિલાયતી નળિયાં, ડુંગળી, મીઠું અને ચૂનાના પથ્થરો પણ આયાત થાય છે. અહીં દારૂબંધી ન હોવાથી રજાના દિવસોમાં દક્ષિણ ગુજરાતના લોકો અહીં પ્રવાસન હેતુથી આવે છે.

ઇતિહાસ : દમણનો મૂળ પ્રદેશ ધરમપુર રાજ્યને તાબે હતો. 1465માં મહમૂદ બેગડાએ તે જીતી લીધું હતું. એન્ટોનિયો દ સિલ્વેરાએ સૂરત અને રાંદેરની લૂંટ પછી પાછા ફરતાં દમણ લૂંટ્યું હતું. 1551માં નુનો દ કુન્હાનો કાફલો દીવ ઉપર ચડાઈ કરવા દમણથી નીકળ્યો હતો. 1559માં પોર્ટુગીઝોએ મુઘલોના સીદી અમીરને નસાડીને દમણનો કબજો લીધો હતો. 1560માં 3,000 મુઘલ ઘોડેસવારોએ કરેલું આક્રમણ નિષ્ફળ ગયું હતું. 1739માં પેશવા બાજીરાવ પહેલાએ વસઈથી દમણ સુધીનો પ્રદેશ કબજે કર્યો હતો. દમણ ખાતે ગુજરાતનાં અન્ય બંદરો દ્વારા માલ આવતો હતો અને ત્યાંથી તે ગોવા થઈને પરદેશ મોકલાતો હતો. તેવી જ રીતે પરદેશનો માલ ગોવા થઈને દમણ આવતો હતો. દમણ દરિયાઈ માર્ગે  ખંભાતના અખાતનું પ્રવેશદ્વાર હતું. પોર્ટુગીઝ પરવાના સિવાય વહાણો પરદેશ સાથે વેપાર કરી શકતાં ન હતાં. પેશવાની સત્તા નાબૂદ થતાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથેના પોર્ટુગીઝોના કરારથી વધારે ખૂનરેજીથી દમણ બચી ગયું હતું. 1946માં રામમનોહર લોહિયાએ અહીં ગોવા, દીવ અને દમણની મુક્તિ માટે સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરી હતી. વલસાડ તાલુકાના સમાજવાદી કાર્યકર ઈશ્વરભાઈ દેસાઈના નેજા નીચે દમણમાં સત્યાગ્રહ કર્યો હતો તેમાં ઘણા સત્યાગ્રહીઓએ જેલ વહોરી હતી. 1961માં ભારત સરકારે લશ્કરી પગલાં લઈ દમણને મુક્ત કર્યું હતું. માર્ચ, 1987થી દમણ ભારતનો એક ઘટક બન્યું છે.

શિવપ્રસાદ રાજગોર