દબીર, શમ્સ (અ. 1307 કે 1308) : ઉત્તર ભારતના ફારસી કવિ. પૂરું નામ શમ્સુદ્દીન દબીર. તેઓ મધ્યયુગના ઉત્તર હિન્દના વિદ્વાન અને ફારસી ભાષાના કવિ હતા. તેમણે દિલ્હીના ગુલામવંશના સુલતાન બલ્બન (1266–1287) અને તેના શાહજાદા નાસિરુદ્દીન મહમૂદ બુદરાખાનના સમયમાં ‘દબીર’ (રાજ્યમંત્રી)નું પદ મેળવ્યું હતું. શરૂઆતમાં તેમનો ઉછેર ખ્યાતનામ સૂફી સંત ફરીદુદ્દીન ગંજ શંકરની છત્રછાયા હેઠળ થયો હતો, અને તેમને નિઝામુદ્દીન ઔલિયા (1236–1324) જેવા બીજા મહાન સંત તથા અમીર ખુશરૂ (1253–1325) જેવા મહાન કવિની સોબત તથા મૈત્રી પ્રાપ્ત થઈ હતી. તેમણે પોતાના આશ્રયદાતા સુલતાનો અને અમીરોની પ્રશંસામાં કસીદા લખ્યા હતા અને અમીર ખુશરૂના કથન મુજબ શમ્સ દબીરે પોતાનો ફારસી કવિતાસંગ્રહ પોતાના પરમ મિત્ર અમીર ખુશરૂને ભેટ આપ્યો હતો; પરંતુ હવે તે પ્રાપ્ય નથી. તેમની કાવ્યકૃતિઓમાંથી માત્ર એકાદ પ્રશંસાકાવ્ય અને અમુક પંક્તિઓ જ મળી આવે છે. જોકે તેમના સમકાલીનોએ તેમની વિદ્વત્તા તેમજ કવિતા બન્નેની ખૂબ પ્રશંસા કરી છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી