દફતરી, શરયૂ (જ. 8 નવેમ્બર 1933) : ભારતનાં એક પ્રમુખ વ્યવસાયી મહિલા.
પિતાનું નામ લાલચંદ હીરાચંદ અને માતાનું નામ લલિતાબાઈ. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયાં છે. અનેક ઔદ્યોગિક કાર્યકર્તાઓમાં અગ્રણી રહ્યાં છે. ઔદ્યોગિક એન્જિનિયરિંગ, પી.ઈ.આર.ટી. અને મૂલ્ય વિશ્લેષણમાં વ્યાપક અનુભવ તથા વિશેષજ્ઞતા તેમણે પ્રાપ્ત કરી છે. તેમણે 1958માં બે લાખની મૂડી અને પાંચ કામદારો સાથે ભારત રેડિયેટર્સ લિમિટેડની સ્થાપના કરી. જે એક ઑટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની હતી. ભારતની આ એક એવી કંપની હતી જેણે ઑટો કંપોનેટ ક્ષેત્રમાં આઈ.એસ.ઓ. 9001નું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. પ્રતિષ્ઠિત ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર ઍન્ડ ઑટોમોબાઇલ કંપોનન્ટ્સ મૅન્યુફૅક્ચરિંગના પ્રથમ મહિલા અધ્યક્ષ અને ફેડરેશન ઑફ ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીનાં કાર્યકારી સમિતિનાં પ્રથમ મહિલા અધ્યક્ષ હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. કેનેરા બૅન્ક અને કેન્દ્રીય ઉદ્યોગ સલાહકારી પરિષદના બોર્ડમાં પણ રહ્યાં છે. મહિલા આર્થિક વિકાસ મંડળનાં ઉપાધ્યક્ષ, મહારાષ્ટ્ર સરકારની દશમી પંચવર્ષીય યોજનાનાં સભ્ય તથા ઑટોમોબાઇલ વિકાસ પરિષદનાં સભ્ય રહ્યાં છે. વ્યવસાય પ્રબંધ, જૈન-દર્શન, શાકાહાર, અહિંસા અને મહિલા સશક્તીકરણ જેવા અનેક વિભિન્ન વિષયો પર વ્યાખ્યાન આપ્યાં છે. ‘જૈન બોધકટ’ નામના એક મરાઠી પાક્ષિકનું સંપાદન પણ કર્યું છે.
તેઓને જૈનરત્ન પુરસ્કારથી સન્માનિત કરાયાં છે. ભારત સરકાર દ્વારા 2004માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે. બિઝનેસ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલ ભારતના પ્રમુખ વ્યાવસાયિકોની સૂચિમાં સામેલ તેઓ એકમાત્ર મહિલા છે.
કનુભાઈ શાહ
