દધિક્રા (વૈદિક દેવતા) : મહદંશે દેવતાઓનાં ચરિત્રો નિરૂપતા વેદોમાં કેટલાંક પશુ-પક્ષીઓને પણ સ્થાન મળ્યું છે. ‘નિઘણ્ટુ’માં અશ્વના પર્યાય તરીકે ઉલ્લેખિત દધિક્રા એક દિવ્ય યુદ્ધાશ્વ તરીકે સમાવિષ્ટ છે. વિજેતા યોદ્ધાની જેમ, વિષમ વનમાર્ગોમાં પણ સફળતાપૂર્વક આક્રમણ કરતા દધિક્રાનાં – વાયુ સમાન વેગનાં, તાર્ક્ષ્ય અને શ્યેન જેવી પાંખો હોવાનાં, દસ્યુઓને હાંકી કાઢવાનાં અને અન્ન-બળ-પ્રકાશની પ્રદાન-શક્તિ ધરાવવાનાં પ્રશસ્તિવર્ણનો ચારેક સૂક્તોમાં મળે છે.
સામાન્યત: અગ્નિ અને અશ્વિનો સાથે એનું આવાહન હોવા છતાં, સૂર્યમંડલનું પ્રતિનિધિત્વ કરતા દધિક્રાને ઘનિષ્ઠ સંબંધ તો ઉષસ્ સાથે જ રહ્યો છે, જ્યારે ‘દધિક્રાવન્’ એવી વિસ્તારિત સંજ્ઞા તેને મળે છે. અશ્વ-મસ્તક ધરાવતા ‘દધ્યઙ્’ તરીકે પણ ક્યારેક એનો નિર્દેશ મળે છે.
શાશ્વત ‘ઋત’ સાથેનો તાદાત્મ્ય-સંબંધ એની પ્રશસ્તિની પરાકાષ્ઠા ગણાય.
જયાનંદ દવે