દત્તાત્રેય : હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના અવતાર ગણાયેલા અવધૂત યોગી. તેઓ અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા. ભગવાન બ્રહ્માના પૌત્ર હતા. મહાભારત મુજબ તેમના પુત્રનું નામ નિમિ ઋષિ હતું. તેમની બહેન અમલા બ્રહ્મનિષ્ઠ ઋષિકા હતી. દુર્વાસા, સોમ અને અર્યમા તેમના ભાઈઓ હતા. તેમના શિષ્યોમાં અલર્ક, પ્રહ્લાદ, યદુ અને સહસ્રાર્જુન મુખ્ય હતા. તેમનું મૂળ નામ દત્ત, પરંતુ અત્રિના પુત્ર હોવાથી આત્રેય કહેવાયા. આથી ‘દત્તાત્રેય’ તેમનું જાણીતું નામ છે. માગશરની પૂનમે તેમની જન્મજયંતી મનાવવામાં આવે છે. મહાભારત, ભાગવત વગેરે પુરાણોમાં અને અવધૂતોપનિષદ જેવાં ઉપનિષદોમાં તેમના ઉલ્લેખો મળે છે. તેમને વિશે ‘દત્તબાવની’, ‘દત્તપ્રબોધ’, ‘દત્તમાહાત્મ્ય’, ‘દત્તચરિત્ર’ વગેરે રચનાઓ થઈ છે.

શ્રી દત્તાત્રેય (પારંપરિક છબી)

દત્તાત્રેયને ગુરુ તરીકે પૂજનારા યોગીઓને તથા દેવ તરીકે પૂજનારા સંસારી મનુષ્યોને દત્ત સંપ્રદાયના અનુયાયીઓ ગણવામાં આવે છે. દત્તનું પ્રથમ સ્વરૂપ બ્રહ્મજ્ઞાની યોગીનું છે. દત્ત ગુરુને મતે સામાન્ય ગૃહસ્થોને આવશ્યક એવી સંધ્યા વગેરે ધાર્મિક વિધિઓની બ્રહ્મજ્ઞાની કે અવધૂતને જરૂર નથી. તેઓ કહે છે કે પોતાને મોહમાયારૂપી માતાના મૃત્યુથી મૃતાશૌચ અને ભક્તિરૂપી બાળકના જન્મથી જનનાશૌચ લાગવાથી સંધ્યા વગેરે ધાર્મિક વિધિ કરી શકે નહીં. વળી, પોતાના હૃદયરૂપી આકાશમાં ચિદાનંદરૂપી સૂર્ય નિરંતર રહેલો હોઈ ઉદયાસ્ત ન પામવાથી પણ સંધ્યા વગેરે ધાર્મિક વિધિઓ પોતે કરી શકે નહિ. એ જ રીતે, પરાન્નભક્ષણથી જીભ, પરધનગ્રહણથી હાથ અને પરસ્ત્રીદર્શનથી મન  એ મંત્રજપ કરવાનાં ત્રણ સાધનો બળી ગયાં હોવાથી મંત્રજપ પણ કરી શકે નહિ. ભાગવત મુજબ તેઓ કૃષ્ણના પૂર્વ-અવતાર એવા અવધૂત યોગી હતા અને તેમણે પોતે જ (1) પૃથ્વી (2) વાયુ (3) આકાશ (4) જળ (5) અગ્નિ (6) ચંદ્ર (7) સૂર્ય (8) કબૂતર (9) અજગર (10) સમુદ્ર (11) પતંગિયું (12) મધમાખી (13) હાથી (14) પારધી (15) હરણ (16) માછલી (17) પિંગલા નામની વેશ્યા (18) ટિટોડો (19) બાળક (20) કુમારી કન્યા (21) બાણ બનાવનાર (22) સાપ (23) કરોળિયો અને (24) ભમરી – એમ 24 ગુરુઓ બનાવેલા. આથી અવધૂતો, સિદ્ધો, યોગીઓ તેમને કે તેમની પાદુકાને સિદ્ધયોગી તરીકે પૂજે છે. ગુજરાતના આવા સિદ્ધક્ષેત્ર ગિરનાર પર્વત પર વસનારા અનેક સિદ્ધયોગીઓ દત્તનાં દર્શન માટે યોગસાધના કરે છે. અને અંતિમ ઇચ્છા રાખે છે કે મૃત્યુસમયે વનમાં દત્તનું સ્મરણ થાય અને પક્ષીઓ તેમના મૃતદેહને ખાઈ જાય.

ભાગવતના એકાદશ સ્કંધના સાતમા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અવધૂત તરીકે પોતાના એક પૂર્વાવતારની વાત વિસ્તારથી કરે છે. આથી તેઓ ભગવાન વિષ્ણુના અવતાર હોવાથી તેમનું બીજું સ્વરૂપ દેવ તરીકે કલ્પવામાં આવ્યું છે. દત્તાત્રેયનું આ દેવ તરીકેનું સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિદેવોનું સંયુક્ત સ્વરૂપ છે. તેમાં આદિમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અંતમાં શિવનાં મુખોવાળું, ત્રણે દેવોનાં આયુધો વગેરે હાથમાં ધારણ કરેલું અને કૂતરાના વાહનવાળું ભગવાન દત્તાત્રેયનું સ્વરૂપ સામાન્ય ગૃહસ્થો માટે કલ્પવામાં આવ્યું છે. દત્તાત્રેયનાં આ બંને સ્વરૂપોની પૂજા તેમના સંપ્રદાયના અનુયાયીઓ કરે છે તેથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં દત્ત ભગવાનનાં અનેક મંદિરો તથા દત્ત ગુરુના અનેક આશ્રમો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. દત્ત પરંપરા અનેકેશ્વરવાદના સ્થાને એકેશ્વરવાદને પ્રવર્તાવે છે.

ગુજરાતમાં નર્મદાકાંઠે રંગ અવધૂત દત્તાત્રેયના અવતાર ગણાતા હતા. તેમણે ‘દત્તબાવની’ વગેરે રચ્યાં છે. તેમના ગુરુ વાસુદેવાનંદ સરસ્વતીએ ‘દત્તપુરાણ’ રચ્યું છે.

પ્ર. ઉ. શાસ્ત્રી