દત્ત, અરુણ (ઈ. સ.1109ની આસપાસ) : આયુર્વેદાચાર્ય અને સંસ્કૃત ટીકાકાર. પિતાનું નામ મૃગાંક દત્ત. સંસ્કૃત વિદ્યા અને આયુર્વેદના સારા જ્ઞાતા. આયુર્વેદમાં સૌથી મહત્વનું ગણાય તેવું તેમનું કાર્ય હતું ´અષ્ટાંગ-હૃદય´ ગ્રંથની ´સર્વાંગસુંદર´ નામે ઉત્તમ ટીકાનો ગ્રંથ લખવાનું.

અરુણ દત્તે પોતાની ટીકામાં ક્વચિત્ પોતાનાં રચેલાં પદ્યો પણ મૂક્યાં છે. તેઓ વૈદિક ધર્માવલંબી હતા એમ એમણે કરેલા એક મંગલાચરણના શ્લોક પરથી જણાય છે. તેમના સમયનો નિર્ણય ડૉ. હાર્નલે ઈ. સ. 1220ની આસપાસનો મૂક્યો છે, જે સમયને કવિરાજ ગણનાથ સેન, વૈદ્ય જાદવજી ત્રિકમજી આચાર્ય તથા પી. કે. ગોડે પણ માન્ય રાખ્યો છે. અરુણ દત્ત આચાર્ય ચક્રપાણિના સમકાલીન હોય તેવી પણ સંભાવના આયુર્વેદ ઇતિહાસકારો જુએ છે.

તેમણે ´સુશ્રુત´ ગ્રંથની પણ ટીકા લખી હતી, તેમ માનવામાં આવે છે. સર્વાનંદ વૈદ્યઘટીયે પણ ´અમરકોશ´ની વ્યાખ્યા (ટીકા-સર્વસ્વ, 1151 ઈ. સ.)માં અરુણ દત્તને કોશકાર અને વ્યાકરણાચાર્ય પણ કહ્યા છે. બૃહસ્પતિરાય મુકુટે (ઈ. સ.1431માં) અમરકોશની વ્યાખ્યામાં તેમને વ્યાકરણકાર અને કોશકાર કહ્યા છે. જોકે કોશકાર તથા વ્યાકરણકાર એ આ આયુર્વેદાચાર્ય અરુણ દત્ત જ છે કે નહીં, તેનો નિર્ણય હજી સ્પષ્ટ થઈ શક્યો નથી.

ડૉ. આફ્રેચે 3 અરુણ દત્તોની શોધ-નોંધ કરી છે. (1) ઉજ્જ્વલદત્ત તથા મુકુટ મહોદય દ્વારા ઉલ્લેખિત વ્યાકરણકાર તથા કોશકાર. (2) અષ્ટાંગહૃદયના ટીકાકાર. અને (3) ´મનુષ્યાલય (શિલ્પ) ચંદ્રિકા´ નામના ગ્રંથના કર્તા.

આમાંથી પ્રથમ બે એક જ છે. જ્યારે શિલ્પ ગ્રંથના કર્તા વિશે નિર્ણય મુશ્કેલ છે.

´આયુર્વેદ કા સંક્ષિપ્ત ઇતિહાસ´ ગ્રંથના લેખક કવિરાજ મહેન્દ્રનાથ શાસ્ત્રી કેટલાંક તથ્યોને આધારે અરુણ દત્તનો સમય ઈ. સ. 1109ની આસપાસનો ઠરાવે છે.

બળદેવપ્રસાદ પનારા