દત્તાત્રેયી યોગપદ્ધતિ

April, 2024

દત્તાત્રેયી યોગપદ્ધતિ : મહામુનિ દત્તાત્રેયે પ્રબોધેલી યોગ-પરંપરા. પ્રાચીન ભારતમાં યોગની અનેક પરંપરાઓ પ્રચારમાં હતી. આમાં મુનિ દત્તાત્રેયની યોગપરંપરા એમાં અનેક પૂર્વકાલીન પદ્ધતિઓનો સમન્વય થયેલો હોઈ, અલગ તરી આવે છે. આ યોગપદ્ધતિનું વિશદ પણ સારગ્રાહી નિરૂપણ યોગશાસ્ત્ર  નામના આ પરંપરાને સર્વાંગે વ્યક્ત કરતા સંસ્કૃત ગ્રંથમાં થયું છે. એમાં સંસ્કૃતિ નામના મુનિની યોગ-જિજ્ઞાસાને સંતોષવા નિમિત્તે મુનિ દત્તાત્રેયે યોગપદ્ધતિની તલસ્પર્શી છણાવટ કરી છે.

‘યોગશાસ્ત્ર’ અનુસાર નૈમિષારણ્યમાં મુનિ સંસ્કૃતિ એમના શિષ્યો સાથે યોગ દ્વારા મોક્ષપ્રાપ્તિને લગતું જ્ઞાન પ્રાપ્ત કરવા અર્થાત્ યોગનું વૈજ્ઞાનિક સ્વરૂપ જાણવા પરિભ્રમણ કરતા મહામુનિ દત્તાત્રેય પાસે જઈ પહોંચ્યા. દત્તાત્રેયે એમને આવકારી, એમના આગમનનું પ્રયોજન જાણી યોગ વિશે સંક્ષેપમાં કેવળ સારગર્ભરૂપ જ્ઞાન આપ્યું. તેઓએ મંત્રયોગ, લયયોગ, હઠયોગ અને રાજયોગ સમજાવી એ પૈકી રાજયોગ શ્રેષ્ઠ હોવાનું પ્રતિપાદિત કર્યું. એમાં અષ્ટાંગ યોગ દ્વારા અનુક્રમે આરંભ, ઘટ, પરિચય અને નિષ્પત્તિ નામની ચાર અવસ્થાઓ પ્રાપ્ત કરી રાજયોગ સિદ્ધ કરવા પર ભાર મૂક્યો. યોગમાર્ગમાં આવતાં અંતરાયો અને વિઘ્નો, એ અંગે રાખવાની સાવચેતી, યોગસાધના વખતે પ્રગટતી સિદ્ધિઓને લઈને પતન ન થાય એ માટે લેવાની કાળજી, વગેરેનું સચોટ નિરૂપણ પણ કર્યું. મંત્રયોગમાં સાધક વર્ણ-માતૃકાઓને  ન્યાસપૂર્વક અંગીકાર કરીને સિદ્ધિઓ માટે નિર્ધારિત રીતે એને જપે છે. સતત બાર વર્ષ એનો અભ્યાસ કરવાથી મંત્રયોગ સિદ્ધ થાય છે. એનાથી સાધક જ્ઞાનવાન થવાની સાથે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. યોગના આ પ્રકારને અધમ (નિકૃષ્ટ) કોટિનો ગણવામાં આવ્યો છે. લયયોગમાં ચિત્તનો સંપૂર્ણપણે લય થાય છે. આમાં ચિત્તને શૂન્ય, નાસિકાગ્ર-દૃષ્ટિ, મસ્તકના પાછળના ભાગનું ધ્યાન, ભ્રૂમધ્ય દૃષ્ટિ વગેરે ઉત્તમ સંકેતો પર કેન્દ્રિત કરવાનું હોય છે. સાધકે એકાંતમાં પોતાનો દેહ શિથિલ કરીને પ્રયોગ કર્યા કરવાથી લયયોગ સિદ્ધ થાય છે. હઠયોગ પદ્ધતિ આઠ ક્રિયાઓ અનુક્રમે મહામુદ્રા, મહાબંધ, ખેચરીમુદ્રા, જાલંધરબંધ, ઉડ્ડયાણબંધ, મૂલબંધ, વિપરીતકરણી અને વજ્રોલિ પર નિર્ભર છે. આ ક્રિયાઓ યોગની ખૂબ ઉન્નત અવસ્થાએ પહોંચ્યા પછી જ સિદ્ધ થઈ શકે છે. આમાં હ એટલે બહાર જનાર પ્રાણ અને ઠ એટલે અંદર જનાર વાયુ અપાન અર્થાત્ પ્રાણ તથા અપાન વાયુમાં સમત્વ લાવનાર યોગ હઠયોગ કહેવાય છે. નાથ યોગીઓ  આ પદ્ધતિ અપનાવે છે. એમનો સિદ્ધાંત છે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એક જ ભાવથી ગૂંથાયેલાં છે અને બંનેનો એક બીજા પર સતત પ્રભાવ રહ્યા કરે છે. પરમાત્મા સત્ અને અસત્ અર્થાત્ નામ અને રૂપથી પર છે. એ કેવળ છે. તેની સાથેનું તાદાત્મ્ય કેળવાય એ જ કૈવલ્ય મોક્ષ કે યોગ છે.

નાથ યોગીઓને મતે શરીરમાં ત્રણ વસ્તુઓ (બિંદુ, વાયુ અને મન) પરમ શક્તિશાળી છે, પરંતુ એ ચંચળ હોવાથી એમનું ઊર્ધ્વીકરણ કર્યા વગર એ યોગીના કામમાં આવતી નથી. આમાં બિંદુ(શુક્ર-વીર્ય)નું ઊર્ધ્વીકરણ કરવું મહત્વનું છે. તે સ્થિર થતાં બાકીની બે વસ્તુઓ વાયુ અને મન પણ સ્થિર થઈ શકે છે. બ્રહ્મચર્ય અને પ્રાણાયમ દ્વારા બિંદુનું ઊર્ધ્વીકરણ કરી શકાય છે, પરંતુ એને માટે નાડી-શુદ્ધિ કરવી આવશ્યક છે. ધોતિ, નેતિ, બસ્તી, ત્રાટક, નૌલિ અને કપાલભાતિ નામનાં ષડ્કર્મો વડે નાડી-શુદ્ધિ થાય છે. નાડી શુદ્ધ થતાં બિંદુ સ્થિર બને છે. એથી સુષુમ્ણાનો માર્ગ સાફ થાય છે, પ્રાણ અને મન સ્થિર બને છે  અને પ્રબુદ્ધ-કુંડલિની સહસ્રારચક્રમાં રહેલા પરમ ચેતન સાથે તાદાત્મ્ય સાધે છે.

અષ્ટાંગ યોગ એ રાજયોગનો ધોરી માર્ગ છે. યમનિયમાદિ અષ્ટાંગ યોગનાં લક્ષણો તેમજ તેમનો પ્રયોગ આ પદ્ધતિમાં આ પ્રમાણે સૂચવાયો છે. યમ દશ પ્રકારનાં છે, એ પૈકી લઘુ-આહાર (પરિમિત-આહાર) મુખ્ય છે, જ્યારે બાકીના ગૌણ છે. નિયમોમાં પણ અહિંસા મુખ્ય છે અને બાકીનાં ગૌણ છે. દત્તાત્રેયે આસનો 84 લાખ (અર્થાત્ અસંખ્ય) હોવાનું કહ્યું છે, જે પૈકી પદ્માસન સર્વોચ્ચ છે. પ્રાણાયામ કરવા માટે ધીરે ધીરે યથાશક્તિ પ્રાણવાયુને ઉદરમાં (પૂરક ક્રિયા દ્વારા) પૂરતા જવું અને જેટલો વખત રોકાય એટલો રોકી (કુંભક કરી) ધીમે ધીમે રેચક ક્રિયાદ્વારા છોડતા જવું. પ્રાણાયામ  સિદ્ધ થતાં સાધકના બધા રોગો નષ્ટ થાય છે. પોતાના જમણા નસકોરા (પિંગળા)ને જમણા હાથના અંગૂઠા વડે બંધ કરી ડાબા નસકોરા (ઇડા) દ્વારા શ્વાસને ઉદરમાં પૂરક ક્રિયા દ્વારા પૂરવો જોઈએ. ત્યારબાદ પોતાના ઉદરમાં યથાશક્તિ એ પ્રાણનું રોધન કરીને કુંભક કરવો જોઈએ. આ જ કુંભક પ્રાણાયામ છે. સાધકે સવારે, મધ્યાહને અને સંધ્યાકાળે 20-20-20 વાર કુંભક પ્રાણાયામ કરવો જોઈએ. ત્રણ માસ સુધી આળસ વગર આમ કરવાથી નાડિ-શુદ્ધિ થાય છે. આ નાડિ-શુદ્ધ થતાં યોગાભ્યાસના દેહ પર  એનાં બાહ્ય ચિહનો વરતાવા લાગે છે. દેહ પાતળો અને હળવોફૂલ થાય છે, દેહમાં ક્રાંતિ પ્રગટે છે અને જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. રેચક-પૂરક વગર કેવળ કુંભક કરવાથી પ્રાણતત્વને રોકવા સાધક સફળ થશે અને એવી વ્યક્તિ માટે પછી જગતમાં કોઈ પણ વસ્તુ અપ્રાપ્ય રહેતી નથી. યોગશાસ્ત્ર કહે છે કે –

केवल कुंभके सिद्धे रेच-पूरक वर्जिते ।

न तस्य दुर्लभं किञ्चित् त्रिषु लोकेषु विद्यते ।। (અ. 146–શ્લોક -47)

કેવળ કુંભક સિદ્ધ થતાં યોગી આધાર વગર જમીનથી અધ્ધર સ્થિતિમાં રહી શકે, દેહમાંથી સુગંધ પ્રગટે અને પૃથ્વી પરનાં પ્રાણીઓ પર જય મેળવે અને એકાંત સાધનામાં પૂર્વકૃત પાપોનો નાશ કરવા માટે અણે પ્લૂતમાત્રા વડે પ્રણવમંત્ર(ૐ)નો જાપ કરવો જોઈએ. આ કેવળ કુંભની સિદ્ધિથી આરંભ અવસ્થા બાદ ઘટ-અવસ્થા પ્રગટતાં આત્મા-પરમાત્મા વચ્ચેનું દ્વૈત નાશ પામે અને અદ્વૈત સિદ્ધ થતાં એને ઘટાદ્વયાવસ્થાની પ્રાપ્તિ કહે છે. કેવળ કુંભક દ્વારા પ્રત્યાહાર સિદ્ધ કરીને યોગી પદાર્થોમાંથી ઇંદ્રિયોને પાછી વાળી લેવાની સંપૂર્ણ ક્ષમતા મેળવે છે. તેને વાક્ સિદ્ધિ (વચનસિદ્ધિ) પ્રાપ્ત થાય છે. દૂરની વસ્તુઓ જોઈ-જાણી શકે છે તેમ કોઈ પણ સ્થળે જઈ શકે છે અને અદૃશ્ય પણ થઈ શકે છે. ઇચ્છિત સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. યોગીઓએ પોતાની સિદ્ધિઓના સામર્થ્યનું રક્ષણ કરવા મૂર્ખ, મૂઢ અને બધિરની જેમ વર્તવું જોઈએ. ત્યારબાદ યોગીએ પંચમહાભૂત પર કાબૂ મેળવવા માટે પાંચ પ્રકારની ધારણાનો અભ્યાસ કરવો જોઈએ. ધારણા સિદ્ધ થયા પછી યોગીએ ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. સાઠ ઘડી (21 કલાક) સુધી પ્રાણ રોકીને પોતાના ઇષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ. સગુણ ધ્યાન કરવાથી અણિમા વગેરે અષ્ટ મહાસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જો યોગી આકાશ જેવા નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કરે તો મોક્ષને પામે છે. નિર્ગુણ ધ્યાન સંપન્ન યોગીએ સમાધિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. સમાધિ એ રાજયોગનું છેલ્લું પગથિયું છે. બાર દિવસમાં એ પ્રાપ્ત થાય છે તેની સાથે યોગીને ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થતાં તે પરમ સત્યને પામે છે. જીવ-મુક્તિ અનુભવે છે. સમાધિએ વસ્તુતઃ જીવાત્મા અને પરમાત્માની ઐક્યાવસ્થા છે. આ અવસ્થામાં યોગી દેહ છોડવા ઇચ્છે તો તે એમ  સ્વેચ્છાએ કરી શકે છે. આ અવસ્થા પામ્યા પછી યોગી રાજયોગ કરવાનું ચાલુ રાખે તો તે  નિષ્પત્તિની અવસ્થાએ પહોંચી જાય છે. એ યોગની સંપૂર્ણ અવસ્થા છે. આ અવસ્થામાંથી યોગી મુક્તિ અને ભુક્તિ બંને પ્રાપ્ત કરે છે.

પ્રવીણચંદ્ર પરીખ