દતિયા : મધ્યપ્રદેશનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે એક દેશી રિયાસત હતું. તે 25° 50´ ઉ. અ. તથા 78°, 30´ પૂ. રે. પર આવેલું છે. તે ઝાંસી-ગ્વાલિયર માર્ગ પર ઝાંસીથી આશરે 25 કિમી.ના અંતરે છે. ઉત્તર અને ઈશાનમાં ભિન્ડુ, પૂર્વમાં ગ્વાલિયર, અગ્નિ અને દક્ષિણમાં ઝાંસી, નૈર્ઋત્યમાં શિવપુરી તથા પશ્ચિમે પણ ગ્વાલિયર આવેલાં છે. જિલ્લાનો કુલ વિસ્તાર 2,038 ચોકિમી. તથા તેની વસ્તી 2011 મુજબ 7,86,375 છે. સિંદ અને બેટવા નદીઓ વચ્ચેના સપાટ ફળદ્રૂપ મેદાનમાં આ જિલ્લો આવેલો છે.

જિલ્લાના કૃષિઉત્પાદનમાં મુખ્યત્વે ઘઉં, જુવાર અને બરછટ અનાજની પેદાશ થાય છે. બરછટ અનાજમાં કુલ્કી અને સામાનો સમાવેશ થાય છે.

આ નગર રાજ્યના મુખ્ય માર્ગોથી જોડાયેલું છે. તે રેલવેનું જંક્શન પણ છે. અનાજ અને કાપડના વ્યાપારનું તે મહત્વનું કેન્દ્ર છે. નગરમાં આવેલ 17 મી સદીનો વીરસિંહદેવનો પ્રાસાદ જોવાલાયક છે. તે હિંદુ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો ગણાય છે. દતિયા નગરની ઉત્તરમાં આવેલ ગુજ્જરમાં સમ્રાટ અશોકના સમયનો શિલાલેખ છે.

ઇતિહાસ : આ નગરનું નામ પુરાણકાળમાં થઈ ગયેલ અને આ પ્રદેશ પર રાજ્ય કરનાર દંતવક્ત્ર નામના રાક્ષસ પરથી પડ્યું છે એવી દંતકથા છે. જૂના જમાનામાં તે ચારે બાજુથી પથ્થરની દીવાલોથી, ગઢથી રક્ષાયેલું હતું. તે વખતના રાજમહેલ ઉપરાંત કેટલાંક ઉદ્યાનો પણ હજુ ત્યાં જોવા મળે છે. 1907માં આ નગરમાં નગરપાલિકાની સ્થાપના થઈ હતી. અહીંની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જીવાજી યુનિવર્સિટી, ગ્વાલિયર સાથે સંલગ્ન છે.

દતિયા રિયાસતની સ્થાપના 16મી સદીમાં રાજપૂત સરદાર દ્વારા કરવામાં આવી હતી. ઓર્છાના રાજા વીરસિંહદેવે તેના પુત્ર ભગવાનરાવને દતિયા જાગીર તરીકે બક્ષી હતી. ભગવાનરાવે તેનો વિસ્તાર કર્યો. તેના અવસાન પછી (1656) તેનો પુત્ર શુભકરણ રિયાસતની ગાદી પર બેઠો. ચંપતરાય બુંદેલા સામેના સંઘર્ષમાં તેણે ઔરંગઝેબને સહાય કરી હતી, જેને પરિણામે ઔરંગઝેબે  શુભકરણને બુંદેલખંડની સૂબેદારી બક્ષી હતી. 1683માં તેનું અવસાન થતાં તેનો પુત્ર રામચંદ્ર ગાદીનો વારસ બન્યો. 1733માં તેનું અવસાન થતાં ગાદીના હક્ક માટે બખેડા થયા. ઓર્છાના રાજાની સલાહ મુજબ રામચંદ્રના પૌત્ર ઇન્દ્રજિતને ગાદી પર બેસાડવામાં આવ્યો. 1839માં વિજયબહાદુરસિંગ ગાદીનો વારસ બન્યો. ત્યારપછી ક્રમશ: ભવાનીસિંગ તથા ગોવિંદસિંગ બહાદુરને રાજપાટ મળ્યું. રાજા ગોવિંદસિંગે પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં અંગ્રેજોને મદદ કરી. આઝાદી પછી દતિયાની રિયાસત વિન્ધ્ય પ્રદેશ જોડે ભેળવી દેવામાં આવી. 1956માં ભારતીય સંઘરાજ્યની ભાષાવાર પુનર્રચના કરવામાં આવી ત્યારથી આ પ્રદેશ મધ્યપ્રદેશના જિલ્લા તરીકે અસ્તિત્વ ધરાવે છે.

ગિરીશ ભટ્ટ