દતિયાનો ગોવિંદ મહેલ : મધ્યપ્રદેશમાં આવેલ અગાઉના બુંદેલ ખંડમાં ઝાંસીની નજીક આવેલ દતિયા સંસ્થાનનો હિન્દુ સ્થાપત્યના વાસ્તુ-મંડલના સિદ્ધાંતો પર બનાવાયેલ મહેલ. તે લગભગ 75 મીટરનું સમચોરસ માપ ધરાવે છે. તેની રચના પાંચ માળની છે. પહેલા બે મજલા આખા વિસ્તારને આવરી લે છે. તેમાં વિશાળ ઓરડા છે. ત્રીજા મજલા પર આવેલી અગાશીની આજુબાજુ રાજમહેલનો રહેણાકનો વિસ્તાર છે. તેની રચનામાં સ્થાપત્યનાં શાસ્ત્રીય ધોરણ ઉપરાંત સ્થાનિક આબોહવા તથા ભૌગોલિક પરિસ્થિતિ લક્ષમાં લેવાયેલી છે. સત્તરમી સદીમાં રાજા બીરસિંહદેવનો આ મહેલ ખડકાળ ટેકરા પર બાંધેલો છે. તેની મધ્યમાં રાજાનો કક્ષ છે, જે ચાર માળની ઊંચાઈ ધરાવે છે. તેની ચારે તરફ ખુલ્લો ચોક છે. તત્કાલીન ભારતની સૌથી ઊંચી ઇમારતોમાં તેની ગણના થતી. આ મહેલમાં સૌથી ઊંચા ગુંબજની ઊંચાઈ 39 મી. છે. બહારની દીવાલોમાં ઓછાં બારી–બારણાં હોવાથી બહારથી તે સુર્દઢ લાગે છે. તેના મોટા ભાગના ઓરડા અંદરના ચોકમાં ખૂલે છે. તેથી અંદરની તરફથી મહેલ વધુ ખુલ્લો, રમ્ય, નાજુક તથા મોકળાશવાળો લાગે છે. આવી મોકળાશ ઉપરના માળે વધતી જાય છે. મહેલની અંદરના ચોકમાં વિવિધ સ્તરે આવેલા પુલો, ઓરડાઓ તેમ જ દીવાલ તથા છત પરની કોતરણીથી સુંદર નયનરમ્ય ર્દશ્ય સર્જાય છે. સમગ્ર મહેલ પર વિવિધ ઊંચાઈવાળી છત્રીઓનું આયોજન થયું હોવાથી તેની આકાશ-રેખા પણ રમ્ય બને છે. મહેલના ખૂણિયા, ટેકા તથા જાળીની કોતરણી ધ્યાનાકર્ષક છે. મુઘલ સામ્રાજ્યમાં ભારતમાં મહત્વની ઇમારતો જ્યારે ભારતીય ઇસ્લામી સ્થાપત્યશૈલીમાં બનતી ત્યારે સંપૂર્ણ હિંદુ સ્થાપત્યના સિદ્ધાંતો અનુસાર બનાવાયેલ આ મહેલ હિંદુ સમાજે વિકટ પરિસ્થિતિમાં જાળવી રાખેલાં સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતીક બની રહેલ છે. દતિયાના મહેલની જેમ લગભગ તે જ સમયગાળામાં બનાવાયેલ ઓર્છાના મહેલમાં પણ હિન્દુ સ્થાપત્યશૈલીનાં તત્વો જળવાયાં છે.
હેમંત વાળા