દતિયા : મધ્યપ્રદેશના ઉત્તર મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન – આબોહવા : તે 25 50´ ઉ. અ. અને 78 30´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે ભિન્ડ જિલ્લો, પશ્ચિમે ગ્વાલિયર જિલ્લો, દક્ષિણે શિવપુરી જિલ્લો અને પૂર્વે ઉત્તરપ્રદેશનો ઝાંસી જિલ્લો સીમા બનાવે છે. સિંદ અને બેટવા નદીઓ વચ્ચેના સપાટ ફળદ્રૂપ મેદાની વિસ્તારમાં આ જિલ્લો આવેલો છે.

આ જિલ્લાની આબોહવા અર્ધ-શુષ્ક ઉષ્ણકટિબંધીય પ્રકારની કહી શકાય. ઉનાળામાં તાપમાન 26થી 42 સે. જ્યારે શિયાળાનું તાપમાન 13થી 29 સે. જેટલું રહે છે. અહીં વરસાદની માત્રા આશરે 500 મિમી.થી 1000 મિમી. રહે છે. વરસાદ મોટે ભાગે જૂનથી સપ્ટેમ્બર માસમાં પડે છે.

અર્થતંત્ર : આ જિલ્લો મુખ્યત્વે ખેતીપ્રધાન છે. જિલ્લાનાં કૃષિ ઉત્પાદનોમાં મુખ્યત્વે ઘઉં, જુવાર, જવ તેમજ બરછટ અનાજની ખેતી થાય છે. ખેતી સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ થાય છે. જેમાં ગાય, ભેંસ અને ઘેટાં-બકરાંનું પ્રમાણ અધિક છે.

વસ્તી અને જોવાલાયક સ્થળો : આ જિલ્લાનો વિસ્તાર 2,902 ચો.કિમી. અને વસ્તી 7,86,754 (2011 મુજબ) છે. સાક્ષરતાનું પ્રમાણ 72.63% છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 873 સ્ત્રીઓ છે. પછાત જાતિ અને આદિવાસીઓની ટકાવારી અનુક્રમે 25.46% અને 1.91% જેટલી છે. હિન્દુઓની વસ્તી 95%, મુસ્લિમોની 3.62%, બૌદ્ધ લોકોનું પ્રમાણ 1.01% છે. અહીં મોટે ભાગે લોકો હિન્દી ભાષા બોલે છે. હિન્દી ભાષા બોલનારાઓનું પ્રમાણ 91.06%, જ્યારે બુંદેલખંડીય ભાષા બોલનારાઓની સંખ્યા 8.16% છે. આ જિલ્લામાં 445 ગામડાં અને પાંચ શહેરો આવેલાં છે. આ જિલ્લાના છ તાલુકા છે જેમાં દતિયા, બડોની, સેઓન્ધા, ભાંડેર અને ઇન્ડેરગઢ છે.

આ જિલ્લામાં પીતાંબરા પીઠ, રતનગઢ માતાનું મંદિર, સોનાગિરિ, ઉનાઓ બાલાજી સૂર્યમંદિર, દતિયા મહેલ અને દતિયા બોટ ક્લબ જોવાલાયક સ્થળો છે.

દતિયા (શહેર) : આ શહેર ‘દતિયાવકરા’ તરીકે ઓળખાય છે. દતિયા જિલ્લાનું મુખ્ય મથક છે.

ભૌગોલિક સ્થાન – પરિહવન – વસ્તી : આ શહેર 25 67´ ઉ. અ. અને 78 47´ પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રની સપાટીથી તે 302 મીટરની ઊંચાઈએ આવેલું છે.

ગ્વાલિયર અને નાગપુરને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું મુખ્ય જંકશન છે. આ શહેર રાજ્ય ધોરી માર્ગો અને જિલ્લા માર્ગો સાથે સંકળાયેલું છે. રાજ્ય પરિવહનની બસો અને  ખાનગી બસોની સુવિધા છે. આ શહેરથી ગ્વાલિયર 78 કિમી. દૂર અને ઝાંસીથી 28 કિમી. દૂર છે.

આ શહેરની વસ્તી (2011 મુજબ) 1,00,466 છે. સાક્ષરતાનું પ્રમાણ 68%  છે. ખેતીકીય પેદાશોનું મુખ્ય કેન્દ્ર છે. કુટિરઉદ્યોગો અને હૅન્ડલૂમ કાપડ બનાવવાના નાના એકમો આવેલા છે.

જોવાલાયક સ્થળો : દતિયા શહેરમાં પ્રવેશતાં જ પીતાંબરા પીઠ આવેલું છે. જે શક્તિપીઠ તરીકે જાણીતું છે. બગલામુખી દેવીનું મંદિર, ધુમાવતી માતાનું મંદિર આવેલું છે. જેની સ્થાપના શ્રી ગોલકવાસી સ્વામીજી મહારાજે કરી હતી. સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને સોનાગિરિ પાસે આવેલું જૈન મંદિર પણ જાણીતું છે.

ઇતિહાસ : આ નગરનું નામ પુરાણકાળમાં થઈ ગયેલ અને આ પ્રદેશ પર રાજ્ય કરનાર દંતવક્ત્ર નામના રાક્ષસ પરથી પડ્યું છે એવી દંતકથા છે. જૂના જમાનામાં તે ચારે બાજુથી પથ્થરની દીવાલોથી, ગઢથી રક્ષાયેલું હતું. તે વખતના રાજમહેલ ઉપરાંત કેટલાંક ઉદ્યાનો પણ હજુ ત્યાં જોવા મળે છે. 1907માં આ નગરમાં નગરપાલિકાની સ્થાપના થઈ હતી. અહીંની ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ જીવાજી યુનિવર્સિટી, ગ્વાલિયર સાથે સંલગ્ન છે.

દતિયા રિયાસતની સ્થાપના 16મી સદીમાં રાજપૂત સરદાર દ્વારા કરવામાં આવી હતી. ઓર્છાના રાજા વીરસિંહદેવે તેના પુત્ર ભગવાનરાવને દતિયા જાગીર તરીકે બક્ષી હતી. ભગવાનરાવે તેનો વિસ્તાર કર્યો. તેના અવસાન પછી (1656) તેનો પુત્ર શુભકરણ રિયાસતની ગાદી પર બેઠો. ચંપતરાય બુંદેલા સામેના સંઘર્ષમાં તેણે ઔરંગઝેબને સહાય કરી હતી, જેને પરિણામે ઔરંગઝેબે શુભકરણને બુંદેલખંડની સૂબેદારી બક્ષી હતી. 1683માં તેનું અવસાન થતાં તેનો પુત્ર રામચંદ્ર ગાદીનો વારસ બન્યો. 1733માં તેનું અવસાન થતાં ગાદીના હક્ક માટે બખેડા થયા. ઓર્છાના રાજાની સલાહ મુજબ રામચંદ્રના પૌત્ર ઇન્દ્રજિતને ગાદી પર બેસાડવામાં આવ્યો. 1839માં વિજયબહાદુરસિંગ ગાદીનો વારસ બન્યો. ત્યારપછી ક્રમશઃ ભવાનીસિંગ તથા ગોવિંદસિંગ બહાદુરને રાજપાટ મળ્યું. રાજા ગોવિંદસિંગે પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18)માં અંગ્રેજોને મદદ કરી. આઝાદી પછી દતિયાની રિયાસત વિન્ધ્ય પ્રદેશ જોડે ભેળવી દેવામાં આવી. 1956માં ભારતીય સંઘરાજ્યની ભાષાવાર પુનર્રચના કરવામાં આવી ત્યારથી આ પ્રદેશ મધ્યપ્રદેશના જિલ્લામાં અસ્તિત્વ ધરાવે છે.

ગિરીશ ભટ્ટ

નીતિન કોઠારી