દઝાઈ, ઓસમુ (જ. 19 જૂન 1909, જાપાન; અ. 13 જૂન 1948, ટોકિયો) : જાપાનના ટૂંકી વાર્તાના લેખક. પિતા ધનિક જમીનદાર. અગિયાર સંતાનોને જન્મ આપનારી તેમની માતા સતત બીમાર રહેતી હોવાથી તથા પિતા રાજકારણમાં ગળાબૂડ રહેતા હોવાથી બાળક ઓસમુ દઝાઈનો ઉછેર નોકરો દ્વારા જ થયો. એકલવાયું બાળપણ સમાપ્ત થતાં ઑમોરીમાં તથા હિરોસાકીમાં તેમને માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ પ્રાપ્ત થયું. આ દરમિયાન તેમણે નાનાં નાનાં સામયિકોનું સંપાદન કરવાનું તથા લેખો લખવાનું કામ કર્યું. ઓસમુ દઝાઈ ડાબેરીઓની ગાઢ અસર હેઠળ આવ્યા અને તે દરમિયાન 1929માં તેમણે પ્રથમ વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. 1930માં ટોકિયો યુનિવર્સિટીના ફ્રેંચ વિભાગમાંથી પ્રવેશ-પરીક્ષા પસાર કરી, પણ અભ્યાસમાં ઝાઝી પ્રગતિ ન હોવાથી આગળનો અભ્યાસ પડતો મૂકવો પડ્યો. આ દરમિયાન તેમણે બીજી વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ઑમોરીમાં શાળાજીવન દરમિયાન એક યુવતીના પરિચયમાં આવેલા તે ફરી વાર ટોકિયોમાં તેમને મળી. પણ તેની સાથે રહેવામાં કુટુંબની અસંમતિને કારણે બીજી એક યુવતી સાથે જોડાવું પડ્યું અને છેવટે બંનેએ ડૂબીને જીવનનો અંત આણવાનું નક્કી કર્યું. પરંતુ આ પ્રયત્નમાં યુવતી સફળ થઈ અને લેખક બચી ગયા. પાછળથી ઑમોરીની કન્યા સાથે જીવન પસાર કરવાનું શક્ય બન્યું.
1933માં તેમણે પોતાના મૂળ નામ ત્યુશીમા શૂઝીને બદલે ´ઓસમુ દઝાઈ´ નામથી કૃતિઓ પ્રસિદ્ધ કરવા માંડી. લેખક તરીકેની કારકિર્દીમાં તે જમાનાના જાણીતા લેખક ઇબૂસે મસૂઝીનો સહકાર પ્રાપ્ત થતાં તે જોતજોતામાં પ્રખ્યાત લેખક બની ગયા. 1935માં એક વર્તમાનપત્રમાં નોકરી મળવામાં નિષ્ફળતા પ્રાપ્ત થતાં ત્રીજી વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ અફીણના વ્યસને ચઢ્યા અને છેવટે બીમારીનો ભોગ બનતાં ઇસ્પિતાલમાં દાખલ કરવા પડ્યા. પોતે ઇસ્પિતાલમાં હતા તે દરમિયાન ઑમોરીની પેલી યુવતી અન્યના પ્રેમમાં પડી ગઈ. શુદ્ધ પ્રેમની બાબતમાં હતાશ થયેલા આ લેખકે તે યુવતી સાથે જીવન સમાપ્ત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને બંને છૂટાં પડ્યાં. જીવનનો આ સમગ્ર સંઘર્ષકાળ તેમના સાહિત્યમાં પ્રતિબિંબિત થયો છે. 1939માં તેમનું લગ્ન એક શિક્ષિકા સાથે થયું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લેખકે સાહિત્ય-સાધનાને જ મુખ્ય કાર્ય તરીકે સ્વીકાર્યું. પરંતુ વારંવાર સરકારી સેન્સરશિપનો ભોગ બનતા રહ્યા. જાપાનની શરણાગતિના થોડા સમય પહેલાં તેમનું ઘર બૉંબમારામાં તારાજ થયું અને તેઓ પોતાના કુટુંબને લઈને વતનમાં ચાલ્યા ગયા. એક વર્ષ પછી ટોકિયો પરત ફર્યા અનેં ખૂબ જુસ્સાથી લેખનકાર્ય કરવા માંડ્યું. અનેક નવી કૃતિઓ આ સમય દરમિયાન પ્રસિદ્ધ થઈ અને વાચકોમાં પ્રિય બની. જાપાનના એક સીમાચિહનરૂપ સાહિત્યકારનું સ્થાન તેમને મળી ચૂક્યું હતું. 1947માં એક સાવ અજાણી સ્ત્રીએ તેમના સંતાનની માતા બનવાની પ્રબળ ઇચ્છા પ્રગટ કરી અને લેખકે તે સ્વીકારી. ત્યારબાદ પોતે પણ અન્ય સ્ત્રીના સંબંધમાં આવ્યા. એ સ્ત્રી એક લશ્કરી જવાનની વિધવા હતી. લેખકનાં ત્યારપછીનાં વર્ષો લેખન તેમ જ શરાબ-સુંદરીની સંગતમાં જ પસાર થયાં. સ્વાસ્થ્ય કથળતું ગયું. છેવટે ક્ષયનો ભોગ બન્યા. જે કંઈ કમાયા તે શરાબ અને મિત્રો પાછળ ખર્ચાતું ગયું. અનેક ચાહકો વચ્ચે પણ પોતે એકલવાયા હતા. નશાના ઉન્માદમાં શાંત પણ દુ:ખી દેખાયા કરતા હતા. ક્ષય વધુ ને વધુ ભયાનક બનતો ગયો અને લેખકને સમજાયું કે મૃત્યુ હવે વેંત છેટું છે. આમ છતાં જીવનના છેલ્લા દિવસોમાં તેમની ઘણી મહત્વની કૃતિઓ પૂર્ણ કરવા ખૂબ મથામણ કરી. આ કૃતિઓમાં મુખ્ય છે ´શાયો´ (1946; ´ધ સેટિંગ સન´), અને ´નિં જેન શિકાકુ´ (1948; ´નો લૉંગર હ્યુમન´).
1948માં તેમની એક નવલકથા ´ગુટો બાય´ (ગુડબાય) લખાતી હતી તે દરમિયાન પોતાના ઘર પાસેના વહેળામાં પોતાની પ્રેયસી સાથે વરસતા વરસાદમાં આ સંઘર્ષમય જીવનમાંથી મુક્તિ મેળવવા ઝંપલાવી દીધું. તેમના 39મા જન્મદિવસે તેમની પ્રેયસી સાથે તેમનું શબ શોધી કાઢવામાં આવ્યું.
ઓસમુ દઝાઈની કૃતિઓનું મુખ્ય પાસું તેમની આત્મકથનાત્મક શૈલી છે. તેમની લગભગ બધી જ કૃતિઓમાં પોતાના જીવનની ઘટનાઓ વણાયેલી પડી છે. ક્યારેક તો તેમાં વાસ્તવિક વ્યક્તિઓના નામોલ્લેખ પણ જોવા મળે છે. પોતે લખેલા કે પોતાને કોઈકે લખેલા પત્રોનો પણ ઉપયોગ તેમણે કર્યો છે. કૃતિમાં ડાયરી, નિબંધાત્મક વૃત્તાંત, પત્ર કે સ્વગતોક્તિનો ઉપયોગ છૂટથી થયેલો જોવા મળે છે. કેટલીક કૃતિઓમાં અન્ય પ્રકારની શૈલી પણ જોવા મળે છે. તેમની કૃતિઓ ´શિન હેમૂરેટો´ (1941, હૅમ્લેટ) અથવા બાળવાર્તાઓ ´ઓટોગી-ઝોશી´ (1945) એનાં ઉત્તમ ઉદાહરણ છે.
દઝાઈની કૃતિઓમાં તેમના જીવનનો જ એક અંશ પ્રતિબિંબિત થયેલો જોવા મળે છે. આધુનિક જાપાની સાહિત્યમાં આત્મકથનાત્મક શૈલીની કૃતિઓનો સફળ પ્રયોગ કરનાર સાહિત્યકાર તરીકે ઓસમુ દઝાઈનું નામ મોખરે છે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના પરાજય પછીના અજંપાયુગના તેઓ મહાન સાહિત્યકાર લેખાય છે.
પંકજ જ. સોની