દક્ષિણ ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયા ખંડનાં રાજ્યોમાં ચોથા ક્રમનું રાજ્ય. તે ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રકુટુંબમાંનું એક સાર્વભૌમ રાજ્ય છે. તે ઑસ્ટ્રેલિયાના કુલ ભૌગોલિક વિસ્તારના આઠમા ભાગના વિસ્તારમાં ફેલાયેલું છે. તેનો કુલ વિસ્તાર 1,043,514 ચોકિમી. અને તેની કુલ વસ્તી આશરે 17,35,500 (2022) છે, જેમાંથી લગભગ 70 ટકા વસ્તી ઍડેલેડ મહાનગર વિસ્તારમાં વસે છે. તે 26° દ. અક્ષાંશથી 38° દ. અક્ષાંશ અને 129° પૂ. રેખાંશથી 141° પૂ. રેખાંશની વચ્ચે આવેલું છે. તેની ઉત્તરે નૉર્ધર્ન ટેરિટરી, પશ્ચિમમાં પશ્ચિમ ઑસ્ટ્રેલિયા, દક્ષિણમાં હિન્દી મહાસાગર અને પૂર્વમાં વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યો આવેલાં છે. રાજ્યની સ્થાપના 1836માં થઈ હતી. તે 1904માં સ્વાયત્ત રાજ્ય બન્યું. તેના ઉત્તર, પશ્ચિમ અને પૂર્વના વિસ્તારો શુષ્ક રણપ્રદેશો છે. દક્ષિણ ઑસ્ટ્રેલિયાનું પાટનગર ઍડેલેડ છે.
આ વિસ્તારનો 3500 કિમી. લંબાઈ ધરાવતો સમુદ્રકિનારો ખાંચા-ખૂંચીવાળો તેમજ ઊંડો છે. સ્પેન્સરનો અખાત 320 કિમી. અંદરના ભાગે સમુદ્રકિનારાના વિસ્તારો સુધી પ્રવેશેલો છે. તેના પશ્ચિમ ભાગમાં આયર દ્વીપકલ્પ આવેલ છે. આ દ્વીપકલ્પની ઉત્તરે ગ્રેટ ઑસ્ટ્રેલિયન બાઇટનો વિસ્તાર ફેલાયેલો છે. સ્પેન્સરના અખાત પર પૉર્ટ લિંકન, પૉર્ટ ઑગસ્ટા અને પૉર્ટ પિરી બંદરો આવેલાં છે. આ જ રીતે તેની પશ્ચિમે સેંટ વિન્સેન્ટ અખાત પર 160 કિમી. અંદર વિસ્તરેલો આયર દ્વીપકલ્પ આવેલો છે. આ અખાત પર પૉર્ટ ઍડેલેડ આવેલું છે. આ અખાતની પૂર્વમાં એનકાઉન્ટરની ખાડી આવેલી છે. અહીં અલેજડેરીના સરોવરમાં મરે નદી આવીને મળે છે. આ એન્કાઉન્ટરની ખાડીની દક્ષિણે 137 કિમી. લાંબો કાંગારુ ટાપુ આવેલો છે.
ભૂપૃષ્ઠ : દક્ષિણ ઑસ્ટ્રેલિયાના ભૂપૃષ્ઠના પાંચ પ્રાકૃતિક વિભાગો પાડી શકાય :
(1) ઉત્તર–પશ્ચિમનો ઉચ્ચ પ્રદેશ : દક્ષિણ ઑસ્ટ્રેલિયાના વાયવ્ય ભાગમાં પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના ઉચ્ચ પ્રદેશોનો અગ્નિભાગ આવેલો છે. આ વિસ્તાર ઘસારાના મેદાનમાં પરિવર્તન પામ્યો છે. ઘસારાથી બચેલો અવશિષ્ટ પર્વત તેની વાયવ્યે આવેલો છે. તેમાં મસગ્રેવ પર્વતશ્રેણી મુખ્ય છે, જેની ઊંચાઈ લગભગ 1500 મીટર છે.
(2) નલારબારનું મેદાન : આ મેદાન દક્ષિણ ઑસ્ટ્રેલિયાના નૈર્ઋત્ય ભાગમાં આવેલું છે. આ મેદાનમાં ટર્શિયરી યુગના ચૂનાના ખડકો છે. આ ખડકો શોષાઈ જવાથી આ મેદાન શુષ્ક રણ જેવું બન્યું છે. કેટલાક વિસ્તારોમાં ઊંડા ખાડા તૈયાર થયા છે, જેમને ‘ડૉન્ગા’ કહેવામાં આવે છે, જ્યારે કેટલીક જગાએ ગુફાઓ નિર્માણ થઈ છે.
(3) દક્ષિણ ઑસ્ટ્રેલિયાનાં સરોવરોનો ભાગ : મધ્ય અને દક્ષિણ ભાગમાં ઘણાં સરોવરો આવેલાં છે; જેમાં આયર, યાર્ક, ટોરેન્સ, ક્રોમ, બ્લાન્ચે, ગ્રેગરી, એવરોડ અને ગિલિસ મુખ્ય છે. આમાંનાં કેટલાંક ખારા પાણીનાં સરોવરો છે. દક્ષિણ કિનારાના વિસ્તારોમાં આવેલા અખાતો વાસ્તવમાં ફાટખીણો છે. સ્પેન્સર અને સેંટ વિન્સેન્ટના અખાતો ઉપરાંત ફાવલર્સ, ડેનિયલ, કોફિન, સ્લિફૉર્ડ, એન્કાઉન્ટર વગેરે બીજા ઘણા નાના અખાતો છે, જેમના પરિણામે કિનારો વધારે ખાંચાખૂંચીવાળો બન્યો છે.
(4) પૂર્વનો ફ્લિન્ડર્સ પર્વતશ્રેણીનો વિસ્તાર : આ વિસ્તાર સ્પેન્સરના અખાતની ઉત્તર અને પૂર્વમાં વિસ્તરેલો છે. સેંટ મરે 1465 મીટર મહત્તમ ઊંચાઈ ધરાવતું શિખર છે. પર્વતશ્રેણીઓને ફાટખીણ જુદી પાડે છે, અને તેના મધ્યનો ભાગ બેસી જવાને કારણે તે રચાઈ છે.
(5) આયર સરોવરનો વિસ્તાર : દક્ષિણ ઑસ્ટ્રેલિયાના ઈશાન ભાગમાં આયર સરોવરનો વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર ઑસ્ટ્રેલિયાના ભૂમિખંડનો સૌથી નીચાણવાળો વિસ્તાર છે, જે સમુદ્રસપાટીથી 12 મીટર નીચો છે. આયર સરોવર અને ટોરેન્સ સરોવરની વચ્ચે 52 મીટરની ઊંચાઈવાળો પ્રદેશ તેમજ આયર સરોવર અને ગ્રેગરી સરોવરની વચ્ચે 30 મીટરની ઊંચાઈવાળી ટેકરીઓ આવેલી છે. તે જ રીતે બ્લાન્ચે સરોવરને સ્ટ્ટેજેલેકી નદી ઋતુપ્રમાણે આવતાં પૂર દરમિયાન કૈલાબના સરોવરને જોડી દે છે. આ પ્રદેશની મુખ્ય નદીઓમાં કુપર ડિકે, વૉરબર્ટન, માકુમ્બા, નિઅલ્સ ડગ્લાસ, માર્ગારેટ વગેરે મુખ્ય છે.
બાષ્પીભવનને કારણે આ વિસ્તારમાં ખારા પાણીનાં સરોવરો જોવા મળે છે.
આબોહવાની ર્દષ્ટિએ દક્ષિણ ઑસ્ટ્રેલિયા દેશ આ ભૂમિખંડનો સૌથી વધારે શુષ્ક પ્રદેશ છે. આ વિસ્તારમાં 250 મિમી.થી 650 મિમી. સુધીનો વરસાદ પડે છે. સૌથી વધુ વરસાદ ઍડલેડની અગ્નિદિશામાં આવેલી લૉફ્ટી પર્વતમાળાના વિસ્તારમાં પડે છે (આશરે 900 મિમી.). દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં સરેરાશ વાર્ષિક વરસાદ 100 મિ.મી. જેટલો પડે છે. દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં ભૂપૃષ્ઠને કારણે તાપમાનમાં વૈવિધ્ય જોવા મળે છે. ઍડેલેડનું જાન્યુઆરીનું તાપમાન 22.8° સે. અને જુલાઈનું તાપમાન 11.1° સે. રહે છે. અહીંનો સરેરાશ વરસાદ 528 મિમી. જેટલો પડે છે. શિયાળામાં કોઈ કોઈ વખતે હિમવર્ષા પણ થાય છે. ઉનાળામાં દક્ષિણ ઑસ્ટ્રેલિયા પ્રતિચક્રવાતની અસર નીચે રહેતું હોવાને કારણે ત્યાં શુષ્કતાનું પ્રમાણ વધારે રહે છે. શિયાળામાં દક્ષિણ કિનારાના વિસ્તારોમાં પશ્ચિમિયા પવનોની અસરથી વરસાદ પડે છે.
દક્ષિણ ઑસ્ટ્રેલિયાના આયર દ્વીપકલ્પ અને ફ્લિન્ડર્સ વિસ્તારોમાં 62.5 સેમી. કરતાં વધારે વરસાદ પડતો હોવાથી ‘માલી’ વનસ્પતિની ઝાડી ઊગી નીકળે છે. આ યુકેલિપ્ટસ જાતિની વનસ્પતિ છે. અહીં ચંદન વૃક્ષ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે. 25 સેમી.થી ઓછા વરસાદવાળા પ્રદેશમાં બાવળનું પ્રમાણ વધારે હોય છે.
અર્થતંત્ર : દક્ષિણ ઑસ્ટ્રેલિયાનો 75% વિસ્તાર શુષ્ક હોવાને કારણે ખેતી માટે બહુ ઉપયોગી નથી. માત્ર 5,55,000 ચોકિમી. વિસ્તારમાં ખેતી થાય છે. રાજ્યની ખેતીની મુખ્ય પેદાશ ઘઉં છે. ઘઉંની ખેતી મુખ્યત્વે આયર દ્વીપકલ્પ, યાર્ક દ્વીપકલ્પ, ફ્લિન્ડર્સ વિસ્તાર, ઍડેલેડ અને માલી વિસ્તારોમાં થાય છે. બીજો અગત્યનો પાક જવ છે. ઑસ્ટ્રેલિયામાં ઉત્પન્ન થતા કુલ ઘઉંના 14 ટકા તથા જવના 37 ટકા ઉત્પાદન દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં થાય છે. તે ઉપરાંત દૂધની બનાવટો અને ઊનનું ઉત્પાદન પણ ત્યાં નોંધપાત્ર પ્રમાણમાં થાય છે. દક્ષિણ ઑસ્ટ્રેલિયા દ્રાક્ષ અને ફળોના ઉત્પાદનની દૃષ્ટિએ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અહીં સફરજન અને બટાટા પણ થાય છે.
દક્ષિણ ઑસ્ટ્રેલિયાના ફ્લિન્ડર્સ, ગાબર અને માઉન્ટ લૉફ્ટીના ઢોળાવો પર પશુપાલન થાય છે. દક્ષિણના વિસ્તારોમાં માંસ અને દૂધ આપનાર પશુઓની વિશેષ માવજત કરવામાં આવે છે. રાજ્યનો ઉત્તરનો ભાગ પશુપાલનપ્રવૃત્તિ માટે સાનુકૂળ છે. દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં ઢોર કરતાં ઘેટાંની સંખ્યા વધારે છે. મેરિનો ઘેટાં ગરમ પ્રદેશમાં રહી શકે છે અને ઉત્તમ પ્રકારનું ઊન આપે છે.
ખનિજસંપત્તિની દૃષ્ટિએ દક્ષિણ ઑસ્ટ્રેલિયા અવિકસિત છે. અહીં ખનિજસંપત્તિ મર્યાદિત છે. અહીંની ખનિજપેદાશોમાં તાંબું, લોખંડ યુરેનિયમ, સોનું અને ચાંદી તથા કુદરતી વાયુઓનો સમાવેશ થાય છે. બ્રોકન હિલમાંથી મળતી લોખંડ અને કોલસો જેવી ખનિજો શુદ્ધીકરણ માટે પૉર્ટ પિરી લાવવામાં આવે છે. લોખંડની ઊંચી કક્ષાની કાચી ધાતુ સ્પેન્સર અખાતની નૈર્ઋત્યે લગભગ 53 કિમી. દૂર મિડલ બ્રેક રેન્જમાંથી મળે છે. બીજા વિશ્વયુદ્ધ(1939–45)ને કારણે ઑસ્ટ્રેલિયામાં લોખંડ અને પોલાદ-ઉદ્યોગને વિકસવા માટેની ઘણી તકો મળી હતી.
દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં ઊંચી કક્ષાનો કોલસો બહુ ઉપલબ્ધ નથી, છતાં ટોરેન્સ સરોવર અને ફ્લિન્ડર્સ પર્વતમાળાની વચ્ચે આવેલ નિર્જન લેહક્રિકની આસપાસના વિસ્તારોમાંથી ઊંચી કક્ષાનો લિગ્નાઇટ કોલસાનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.
દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં વિદ્યુતશક્તિના ઉત્પાદન માટેની ભૌગોલિક સગવડનો અભાવ છે. પૉર્ટ ઑગસ્ટા અને માઉન્ટ ગેમ્બિયર શહેરોમાં તાપવિદ્યુતમથકો આવેલાં છે.
દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં ભારે ઉદ્યોગોનો વિકાસ કાચા લોખંડ અને કોલસાની પ્રાપ્તિને કારણે પૂરતા પ્રમાણમાં થયો છે. યંત્રસામગ્રી, મોટર-બૉડીબિલ્ડિંગ, જહાજનિર્માણ, ખેતીનાં યંત્રો, રાસાયણિક ખાતર, ગરમ અને સુતરાઉ કાપડ, રાસાયણિક ઉદ્યોગો, વીજળીનાં ઉપકરણો વગેરેને લગતા એકમો રાજ્યના મુખ્ય ઔદ્યોગિક એકમો છે. આ ઉપરાંત ઍડેલેડમાં ચર્મઉદ્યોગનાં કારખાનાં છે. ઍડેલેડમાં દારૂ ગાળવામાં આવે છે.
વાહનવ્યવહાર : દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં વાહનવ્યવહારનો વિકાસ ઠીક પ્રમાણમાં થયો છે. રાજ્યમાં કુલ 4,415 કિમી. રેલવે માર્ગ છે. જે કદાચ વિશ્વનો સૌથી વધારે લંબાણવાળો સીધો રેલમાર્ગ છે. દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં 96,574 કિમી. પર કાચા અને પાકા રસ્તાઓ છે, ઍડેલેડ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈમથક આવેલુ છે. અહીં 15 જેટલાં બંદરો પણ આવેલાં છે. દક્ષિણ ઑસ્ટ્રેલિયાનાં મુખ્ય શહેરો ઍડેલેડ, પૉર્ટ લિંકન, પૉર્ટ ઑગસ્ટા, માઉન્ટ ગૅમ્બિયર, પૉર્ટ પિરી તથા વ્હાયલ્લા છે.
6થી 15 વર્ષનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. રાજ્યમાં ઍડેલેડ યુનિવર્સિટી તથા ફ્લિન્ડર્સ યુનિવર્સિટી છે. ઍડેલેડ યુનિવર્સિટીમાં અન્ય વિદ્યાશાખાઓ ઉપરાંત કૃષિ અને સંગીતનું શિક્ષણ આપતી વિદ્યાશાખાઓ છે જ્યારે ફ્લિન્ડર્સ યુનિવર્સિટી શ્રમિક વિદ્યાની શાખા પણ ધરાવે છે. મોટાભાગની પ્રજા ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે.
ગિરીશ ભટ્ટ