થોર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલાં કુળ યુફોરબીએસી અને કૅક્ટેસીની કેટલીક વનસ્પતિઓ. કાંટાળો ચોધારો થોર (Euphorbia nivulia Buch-Ham; સં. पत्रस्नुही; હિં. काटा थोहर; બં. સીજ) : તે ક્ષુપ અથવા 9થી 10 મી. ઊંચું વૃક્ષ છે અને લીલી, નળાકાર, સાંધામય તેમજ ઘણુંખરું શૂલ (spine) સહિતની ભ્રમિરૂપ (whorled) શાખાઓ ધરાવે છે. તેનાં પર્ણો માંસલ, રેખાકાર-પ્રતિકુંતાકાર (linear—oblanceolate) કે ચમચાકાર (spatulate) અને આશરે 22.5 સેમી. લાંબાં હોય છે. પાકટ થોર જાડી છાલ ધરાવે છે. સૂકા અને ખડકાળ પ્રદેશોમાં સમગ્ર ભારતમાં થાય છે અને ઘણુંખરું વાડ તરીકે ઉગાડાય છે.
તેનાં પર્ણોનો રસ રેચક અને મૂત્રલ હોય છે અને કાનના દુખાવામાં તેનો ઉપયોગ થાય છે. તેને લીમડાના તેલ સાથે મિશ્ર કરી વા પર લગાડવામાં આવે છે. મૂળની છાલ જલશોફ(dropsy)માં વપરાય છે.
હીવિયા રબરના ક્ષીરરસનો બંધક તરીકે ઉપયોગ કરી તેની છાલમાંથી સંગ્રથિત બૂચનાં પાટિયાં બનાવવામાં આવે છે. તેની ગુણવત્તા વૂડ-વૂલ બોર્ડ કરતાં ચડિયાતી અને ફાઇબર-બોર્ડ કરતાં ઊતરતી હોય છે.
ખરસાણી થોર (E. tirucalli Linn.; સં. त्रिकंटक; હિં. कोनपाल सेहुंड; મ. शेरा, वज्रदुहु) : તે ક્ષુપ અથવા નાનું વૃક્ષ છે અને ટટ્ટાર શાખાઓ ધરાવે છે. આ શાખાઓ પર લીસી, નળાકાર, ચકચકિત, ભ્રમિરૂપ ઉપશાખાઓ જોવા મળે છે. તેના પર નાનાં રેખાકાર-લંબચોરસ (linear-oblong) શીઘ્રપાતી પર્ણો હોય છે. તેનું થડ ચિરાયેલી, ખરબચડી લીલી-બદામી છાલ ધરાવે છે. આ થોર આફ્રિકાનો મૂલનિવાસી છે અને બંગાળ તેમજ દક્ષિણ ભારતના વધારે શુષ્ક પ્રદેશોમાં થાય છે. ભારતમાં વાડમાં બહોળા પ્રમાણમાં તે ઉગાડાય છે.
તેનો ક્ષીરરસ (latex) માછલી અને ઉંદર માટે ઝેરી હોય છે. ઓછી માત્રામાં લેવામાં આવે તો તે રેચક હોય છે; પરંતુ વધારે માત્રામાં લેવાથી ઝાડા અને ઊલટી થાય છે. તે કડવો, ઉત્તેજક અને વમનકારી હોય છે વળી તે ફોલ્લા ઉત્પન્ન કરે છે. તેનો કફ, દમ અને કાનના દુખાવામાં ઉપયોગ થાય છે. તેને વાયુના અને સાંધાના રોગો પર લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે. કુમળી શાખાઓ અને મૂળનો ક્વાથ શૂલ (colic) અને જઠરના દુખાવા(gastralgia)માં અપાય છે.
તેનું કાષ્ઠ (વજન 544.629 કિગ્રા./ઘન મી.) સફેદ, ઘટ્ટ દાણાદાર અને સખત હોય છે. તેનો ઉપયોગ તરાપો અને રમકડાં બનાવવામાં તેમજ શલ્કન(veneering)માં થાય છે. તેનો કોલસો દારૂગોળો બનાવવામાં ઉપયોગી છે.
તેના ક્ષીરરસ(latex)માં પાણી અને પાણીમાં દ્રાવ્ય પદાર્થો, 53.8 %થી 79.9 % અને કૂચુક 2.8 %થી 3.8 % હોય છે. તેના તાજા ક્ષીરરસમાં આઇસોયુફોરોલ (C30H50O) નામનો ટર્પેનિક આલ્કોહૉલ હોય છે. સૂકવેલા ક્ષીરરસમાં આ આલ્કોહૉલ હોતો નથી; પરંતુ યુફોરોન નામનો ક્રીટોન હોય છે. તેના અપચયનથી આઇસોયુફોરોલ અને યુફોરોલ બને છે. સૂકા ક્ષીરરસમાં રૉઝિનને મળતી આવતી બરડ અને ચમકીલી રાળ હોય છે.
ચોધારો થોર (E. nerifolia Linn; સં. स्नुही, सेहुंड; હિં. थुहर, सेहुंड; મ. सांबर निंवडुंग , गोळ निंवडुंग, वई निंवडुंग; ગુ. ચોધારો થોર, ડાંડલિયો થોર; બં. સીજ વૃક્ષ ; ક. કળી મુંડુકળી ; મલા. તીરૂકળી; ફા. લાદના ; અ. જકુમ) : તે ગોળ હોય છે; પરંતુ કાંટા અને પર્ણો ચાર આયામ હરોળમાં ગોઠવાયેલાં હોવાથી તેને ‘ચોધારો’ થોર કહે છે. તે માંસલ, સાંધામય, નળાકાર અથવા અસ્પષ્ટ પંચકોણીય, ઉપપર્ણીય શૂલવાળી શાખાઓ ધરાવતું ક્ષુપ કે આશરે 6.0 મી. ઊંચું નાનું વૃક્ષ છે. તેનાં પર્ણો માંસલ, પર્ણપાતી, પ્રતિઅંડાકાર—લંબચોરસ (obovate—oblong) અને 15થી 30 સેમી. લાંબાં હોય છે. તેનું પ્રકાંડ જાલાકાર છાલ ધરાવે છે. તે કાંટાળા ચોધારા થોર સાથે ખૂબ સામ્ય ધરાવે છે; પરંતુ શૂલના સ્થાન પરથી બંનેને ઓળખી શકાય છે. ચોધારા થોરમાં શૂલ ગાંઠ જેવા ઊપસેલા ભાગ પર આવેલી હોય છે; જ્યારે કાંટાળા ચોધારા થોરમાં તે છાલયુક્ત ચપટા ભાગો પરથી ઉત્પન્ન થાય છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં તેનો વાડ બનાવવામાં ઉપયોગ થાય છે. તે ખડકાળ ભૂમિ પર પણ થાય છે.
તેનો ક્ષીરરસ તીખો, કડવો, ઉગ્ર, ઉષ્ણ, અગ્નિદીપન, સારક (ઝાડા-ઊલટી કરનાર), ગુરુ અને વાંતિકર છે. તે કોઢ, પ્લીહોદર, પ્રમેહ, શૂળ, આમવાયુ, સોજો, વ્રણ, ગુલ્મ, અષ્ઠિલા, આધ્માન, પાંડુ, શરદી, કફ, જ્વર, ઉન્માદ, વાયુ, મેદ, વીંછીનું વિષ, દૂષિત વિષ, ભ્રમરવિષ, અર્શ અને અશ્મરીનો નાશ કરે છે અને બાળકોની સસણી (વરાધ), નાસૂર, અગ્નિદગ્ધ વ્રણ, નાડીવ્રણ, કમળો, નળવિકાર, શ્વાસ, ક્ષય અને હૃદયરોગ પર ઉપયોગી છે. પાનનો રસ મૂત્રલ હોય છે અને મૂળનો રસ ઉત્તેજક હોય છે.
ત્રણ ધારિયો થોર (E. antiquorum Linn; સં. त्रिधार; હિં. तीधारा थुहर; મ. त्रिधारी निंवडुंग; ક. મૂરેણ કળી; બં. તેધારા થુહર, સીજ) : માંસલ ક્ષુપ કે નાનું વૃક્ષ છે. તેનું પ્રકાંડ 3થી 5 ધારવાળું હોય છે અને તે સાંધાવાળી શૂલમય શાખાઓ ધરાવે છે. તે ભારતના વધારે ઉષ્ણ ભાગોમાં અને પહાડી પ્રદેશોમાં 600થી 700 મી.ની ઊંચાઈ સુધી મળી આવે છે. ઘણી વાર તે વાડમાં પણ ઊગે છે.
તે રેચક, કફઘ્ન, જ્વરહર, રક્તશોધક, પાચ્ય, તીખો અને કડવો હોય છે અને દાહક દ્રવ્ય ખૂબ ઓછા પ્રમાણમાં ધરાવે છે. પ્રકાંડનો ક્વાથ સંધિવામાં અપાય છે. તેનો ક્ષીરરસ વામાં ઉત્તેજક તરીકે વપરાય છે. તે દાદર જેવા ત્વચાના રોગો પર અને સોજા અને ગાંઠ પર લગાડાય છે. તે ચેતાતંત્રના રોગો અને જલશોફમાં વપરાય છે તેમજ વ્રણમાં રહેલા અપાદકો(maggots)ના નાશ માટે અને માછલીના વિષ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. પ્રકાંડનું લવણીય નિષ્કર્ષણ, Staphylococcus aureus અને Escherichia coli જેવા બૅક્ટેરિયા સામે પ્રતિજૈવિક ક્રિયાશીલતા દર્શાવે છે.
તેના ક્ષીરરસમાં 4.0 %થી 6.4 % કૂચુક હોય છે.
હાથલો થોર (Opuntia dillenii Haw; કેકટેસી કુળ સં. कंथारी, कुंभारी; હિં. नागफनी थुहर; મ. फणी निवडुंग; ગુ. હાથલો થોર, ફાફડો થોર) : તે 2.0 મી. ઊંચું અને પહોળા અંડાકાર, લીલા સાંધાવાળું ટટ્ટાર ક્ષુપ છે. તેના સાંધાની પ્રત્યેક ક્ષેત્રિકા (areole) 4થી 6 આછા પીળા રંગના અને કેટલેક અંશે વાંકા કાંટા ધરાવે છે. સૌથી મોટો કાંટો મજબૂત અને 2.5થી 3.8 સેમી. જેટલો લાંબો હોય છે. પુષ્પો પીળાં અને નીચેના ભાગે નારંગી છાંટવાળાં હોય છે. પરિપક્વ ફળ ઘેરા રતાશપડતા જાંબલી રંગનાં, નાખરૂપ (pyriform), છિન્નત (truncate) અને અગ્ર છેડેથી અવનમિત (depressed) હોય છે.
તે દક્ષિણ ભારતમાં વધારે પ્રમાણમાં થાય છે. સૌથી શુષ્ક અને નીચું ઊપજમૂલ્ય ધરાવતી ભૂમિમાં પણ તેની ઊગવાની ક્ષમતાને લીધે તેમજ તેના સરળતાથી થતા પ્રસર્જનને કારણે તેનો વાડ બનાવવામાં ખૂબ ઉપયોગ થાય છે.
વનસ્પતિના લીલા ભાગોના થયેલા એક વિશ્લેષણ મુજબ, તે પાણી 85 %, નાઇટ્રોજન 0.14 %; કાર્બોદિતો 3.48 %; કઠિન રેસા 2.15 %; ભસ્મ 1.82 %; ફૉસ્ફેટ (P2O5), 0.015 % અને પોટાશ (K2O), 0.22 % ધરાવે છે.
તેનાં ફળ ખાદ્ય હોય છે અને તેમાં 8.0 % કિણ્વન-યોગ્ય (fermentable) મૉનોસૅકેરાઇડ્ઝ હોય છે. ઔદ્યોગિક આલ્કોહૉલના સ્રોત તરીકે તેનો ઉપયોગ થઈ શકે તેમ છે. ફળના એક વિશ્લેષણ મુજબ, તેમાં પાણી 5.67 %; આલ્બ્યુમિનૉઇડ્ઝ 6.25 %; ચરબી 3.63 %; કાર્બોદિતો 41.89 %; રેસા 32.0 % અને ભસ્મ 10.56 % હોય છે.
તે જાડા રેસાઓ ધરાવે છે. તેમાંથી કાગળની લૂગદી બનાવવામાં આવે છે. આ લૂગદી ટૂંકા રેસાઓ ધરાવે છે અને તે બનાવવા માટે પ્રક્રિયકો વધારે પ્રમાણમાં જરૂરી હોય છે.
તે શ્લેષ્મ ધરાવે છે. આ શ્લેષ્મમાં ગૅલૅક્ટોઝ, ગ્લુકોઝ અને ઍરેબીનોઝ હોય છે. તે શુષ્કક (drier) તરીકે વપરાય છે.
પુષ્પમાં આઇસોરહેમ્નેટીન અને ક્વિરસેટીન પ્રકારનાં ગ્લાયકોસાઇડ્ઝ 3:1 ના પ્રમાણમાં અને મુક્ત ફ્લેવોનોલ અલ્પ પ્રમાણમાં હોય છે. તેનો મિશ્ર ખાતર (compost) બનાવવામાં ઉપયોગ થાય છે. પ્રકાંડના ઈથરનિષ્કર્ષમાં કેટલીક પ્રતિજૈવિક ક્રિયાશીલતા માલૂમ પડી છે.
તેનાં શેકેલાં ફળો ઉટાંટિયામાં વપરાય છે. તેનો રસ પિત્તરસના સ્રાવને ઉત્તેજે છે અને ઉગ્ર કફને કાબૂમાં રાખે છે. સાંધાઓ પોટીસ બનાવવામાં વપરાય છે.
તે ઉદ્દીપક, રુચિકર, તીખો, ઉષ્ણ અને કડવો હોય છે અને રક્તદોષ, કફ, વાયુ, ગ્રંથિરોગ, સ્નાયુરોગ અને સોજાનો નાશ કરે છે. ફળનો રસ દાહશામક, કફઘ્ન અને સંકોચવિકાસ-પ્રતિબંધક હોય છે. તેનાં પંચાંગનો ક્ષાર સારક અને મૂત્રલ હોય છે. તેનું મૂળ રક્તશોધક હોય છે. પંચાંગનો સ્વરસ હૃદય માટે પૌષ્ટિક હોય છે. જીર્ણ આમવાત અને સાંધાઓના સોજા પર મૂળનો ક્વાથ અપાય છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ