થોરાઇટ : કુદરતી થોરિયમ સિલિકેટ. પ્રકાર : યુરેનોથોરાઇટ; રાસા. બં. ThSiO4; સ્ફ. વર્ગ: ટેટ્રાગોનલ; સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટે ભાગે નાના પ્રિઝમ સ્વરૂપોમાં, ક્યારેક 8 સે.મી. વ્યાસના પણ મળી રહે; પ્રિઝમ ઉપરાંત (100) અને પિરામિડ (101) સ્વરૂપો સહિત. પિરામિડલ સ્વરૂપો પણ મળે, જેમાં પ્રિઝમ નાના હોય કે બિલકુલ ન હોય; દળદાર સ્વરૂપો, કાજુ જેવા આકારમાં, અસ્ફટિકમય કણ સ્વરૂપમાં પણ મળે. સંભેદ : (100) ફલક પર સ્પષ્ટ; કેટલાકમાં પરોક્ષ; ભંગસપાટી : વલયાકારથી આછી વલયાકાર, કરચશીલ, બરડ; ચળકાટ : કાચમય, રાળમય; મંદ–જ્યારે પરિવર્તિત થાય; કઠિનતા : આશરે 4.5; વિ.ઘ. : 6.7થી 4.1 (વધતી જલમાત્રા સાથે ઘટે). રંગ : નારંગીથી કાળો; પ્રકા. અચ. : મોટે ભાગે સમદિક્ધર્મી (isotropic); N = 1.664થી 1.87; વિરલ : ω = 1.818થી 1.825, 1.78; ε = 1.839થી 1.840, 1.79; પ્રકા. સંજ્ઞા : +ve.

પ્રાપ્તિસ્થિતિ : પેગ્મેટાઇટમાં મુખ્યત્વે પ્રાથમિક ખનિજ તરીકે, અશુદ્ધ ચૂનાખડકોમાં વિસ્થાપન વિભાગો સ્વરૂપે, ઉષ્ણજળજન્ય શિરાઓમાં અને કણજન્ય નિક્ષેપોમાં બહોળા પ્રમાણમાં મળે છે. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, નૉર્વે, સ્કૉટલૅન્ડ, ઇટાલી, સિસિલી, કૉકેસસ (રશિયા), શ્રીલંકા, માડાગાસ્કર.

ગિરીશભાઈ પંડ્યા