થેલેસિમિયા : હીમોગ્લોબિનની બનાવટમાં ઉદભવતા જન્મજાત વિકારથી થતો રોગ. મૂળ ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં આ રોગ જોવા મળતો હોવાથી તેને સામુદ્રિક પાંડુતા (thalassaemia) કહે છે. Thalassa એટલે સમુદ્ર તથા haimia એટલે લોહી; જોકે તેનું વધુ યોગ્ય શાસ્ત્રીય નામ ગર્ભીય રક્તવર્ણક-પાંડુતા (thalassaemia) છે, જે દર્શાવે છે કે આ રોગમાં જન્મ પછી પણ ગર્ભમાંના રક્તવર્ણક (haemoglobin)નું ઉત્પાદન ચાલુ રહે છે. ગર્ભને હવામાંથી ઑક્સિજન મળતો નથી તેનું હીમોગ્લોબિન પુખ્તવયે જોવા મળતાં હીમોગ્લોબિન (HbA) કરતાં જુદું હોય છે. તેને HbFની સંજ્ઞા વડે દર્શાવાય છે. ‘થેલેસિમિયા’‘ શબ્દ 1932માં વ્હિપલ અને બ્રૅડફર્ડે બનાવ્યો હતો.

હીમોગ્લોબિનના અણુમાં ગ્લોબિનની પૅપ્ટાઇડ શૃંખલાઓ હોય છે. તેમાંની એક જોડના સંશ્લેષણ(synthesis)માં અડચણ (interference) ઉદભવેલી હોય છે; તેથી હીમોગ્લોબિનનું ઉત્પાદન ઘટે છે અને રક્તકોષો પાતળા, નાના અને આછા રંગના હોય છે. આવા રક્તકોષોને અનુક્રમે તનુકોષ (leptocyte), લઘુકોષ (microcyte) અને અલ્પવર્ણક (hypochromic) કોષ કહે છે અને તેમના આ ગુણધર્મોને અનુક્રમે તનુકોષિતા (leptocytosis), લઘુકોષિતા (microcytosis) અને અલ્પવર્ણકતા (hypochromia) કહે છે. લોહીમાંના હીમોગ્લોબિનના ઘટાડાને પાંડુતા (anaemia) કહે છે. ક્યારેક તીવ્ર વિકાર હોય તો લોહીમાં કોષકેન્દ્રવાળા – સકેન્દ્રી રક્તકોષો- (normocytes) જોવા મળે છે. લોહીના બિન્દુને કાચની તકતી પર પાથરીને સૂક્ષ્મદર્શક વડે તપાસતાં રક્તકોષોમાં ઉપર જણાવેલા વિકારો જોઈ શકાય છે. તેના દ્વારા થેલેસિમિયાના નિદાનની શંકા ઉદભવે છે.

નિદાન કરવા માટે પુખ્તવયના સામાન્ય હીમોગ્લોબિન(HbA)નું ઘટેલું પ્રમાણ તથા ગર્ભીય હીમોગ્લોબિન (HbF) અને પુખ્તવયના ગૌણ હીમોગ્લોબિન (HbA2)નું વધેલું પ્રમાણ હોવું જરૂરી ગણાય છે.

1925માં થૉમસ કૂલી અને પર્લ લીએ તે સૌપ્રથમ  વર્ણવ્યો. 1940 સુધી તેના વિવિધ પ્રકારોનાં વર્ણનો થતાં રહ્યાં. 1940–50ના દાયકામાં તેની વારસા-પ્રણાલી અને જનીની વિકૃતિઓ જાણમાં આવી. 1950–60માં વિશ્વમાં ક્યાં ક્યાં તેનો ફેલાવો છે તે જાણી શકાયું, તેથી જ્યાં ફાલ્સીપેરમ મલેરિયાનું પ્રમાણ વધુ હોય ત્યાં તે થાય છે તે શોધી શકાયું. એવું મનાય છે કે ફાલ્સીપેરમ મલેરિયાના જીવલેણ રોગ સામે રક્ષણ મેળવવા માટે થયેલી જનીની વિકૃતિ(mutation)ને કારણે આ વિકાર ઉદભવે છે.

વિવિધ પ્રકારના હીમોગ્લોબિનના અણુઓનું ચિત્રાત્મક નિરૂપણ. નોંધ : (અ) સામાન્ય (97 %) અથવા પુખ્તવયના હીમોગ્લોબિન–HbA (2α, 2β)નો અણુ, (આ) પુખ્ત વયનું ગૌણ (3 %) હીમોગ્લોબિન–HbA2 (2α, 2δ), (ઇ) ગર્ભીય હીમોગ્લોબિન–HbF (2α, 2δ), (ઈ) દાત્રકોષી (sickle cell) હીમોગ્લોબિન–HbS (2α, 2βS), (ઉ) આલ્ફા થેલેસિમિયાનું હીમોગ્લોબિન–HbH (4α), (ઊ) 5 પ્રકારની પૉલિપૅપ્ટાઇડ શૃંખલાઓ (α, β, βs, γ, δ).

હીમોગ્લોબિનની રચના અને સંશ્લેષણ : હીમોગ્લોબિનની સંરચના  જનીનો દ્વારા નિશ્ચિત કરાયેલી છે. હીમોગ્લોબિનના અણુમાં બે મુખ્ય ભાગો છે : (1) પૅપ્ટાઇડ કે પૉલિપૅપ્ટાઇડની બનેલી શૃંખલાઓની ચાર જોડ, જેને ગ્લોબિન કહે છે અને (2) હીમ નામનો પ્રોટીન વગરનો ભાગ, જેમાં લોહનો આયન જોડાયેલો હોય છે. આ લોહના આયન સાથે ઑક્સિજન જોડાય છે. પૉલિપૅપ્ટાઇડ શૃંખલાઓ 4 પ્રકારની હોય છે: α, β, γ અને δ. પુખ્તવયે લોહીમાંનું 97 % હીમોગ્લોબિન a શૃંખલાની એક જોડ તથા b શૃંખલાની એક જોડ એમ કુલ એકંદરે 4 શૃંખલાઓની કુલ બે જોડનું બનેલું છે. તેને પુખ્તવયનો સામાન્ય અથવા મુખ્ય હીમોગ્લોબિન કહેવાય છે અને તે HbAની સંજ્ઞાથી ઓળખાય છે.

આલ્ફા શૃંખલામાં 141 ઍમિનોઍસિડ હોય છે જ્યારે બીટા શૃંખલામાં 146 ઍમિનોઍસિડ હોય છે. HbAના અણુમાંની ગ્લોબિનની પૉલિપૅપ્ટાઇડ શૃંખલાઓને a2b2 ની સંજ્ઞાથી તથા HbAના પૉલિપૅપ્ટાઇડ બંધારણને સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.

પુખ્તવયે 2.54 ± 0.35%ના પ્રમાણમાં જોવા મળતા હીમોગ્લોબિનના કેટલાક અણુઓમાં b શૃંખલાની જોડને સ્થાને d (ડૅલ્ટા) શૃંખલાઓની જોડ જોવા મળે છે. તે પુખ્તવયે જોવા મળતા ગૌણ પ્રકારનું હીમોગ્લોબિન છે અને તેને HbA2, HbA સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તેની ગ્લોબ્યુલિનની પૉલિપૅપ્ટાઇટ શૃંખલાઓની જોડને a2d2ની સંજ્ઞા વડે ઓળખવામાં આવે છે. આમ પુખ્તવયે હીમોગ્લોબિનના બે પ્રકારના અણુઓ હોય છે. લગભગ 97 % અણુઓ HbAa2b2 પ્રકારના અને લગભગ 3 % અણુઓ HbA2a2d2 પ્રકારના હોય છે. HbAને મુખ્ય અથવા પ્રધાન પ્રકાર અને HbA2ને ગૌણ પ્રકાર ગણવામાં આવે છે.

પુખ્તવયે હીમોગ્લોબિન હવામાંના ઑક્સિજન સાથે જોડાય છે જ્યારે ગર્ભશિશુ(foetus)માં તે માતાના લોહીમાંથી ઑક્સિજન મેળવે છે. તેથી તેનું બંધારણ જુદું હોય છે. તેમાં b શૃંખલાઓની જોડને સ્થાને γ (ગામા) શૃંખલાઓની એક જોડ આવેલી હોય છે. તેથી તેને HbF, HbF ની સંજ્ઞા વડે દર્શાવાય છે.

સારણી 1 : થેલેસિમિયાના પ્રકારો

પ્રકારો લક્ષણો અને ચિહનો
(અ) બીટા-થેલેસિમિયા :
(1) તીવ્ર પ્રકાર

(કૂલીની પાંડુતા)

અતિશય પાંડુતા (anaemia),

શારીરિક વૃદ્ધિ અટકે, યકૃત

(liver) અને બરોળ મોટાં થાય,

હાડકાંમાં વિકૃતિઓ આવે તથા

હાડકાંમાંની અસ્થિમજ્જા(bone-

marrow)માં વધારો થાય.

(1–ક) મહત્તમ (major)

થેલેસિમિયા

બહારના લોહીની સતત જરૂર

રહે.

(1–ખ) માધ્યમિક (inter-

media) થેલેસિમિયા

બહારના લોહીની ક્યારેક જ

જરૂર પડે.

(2) બીટા-થેલેસિમિયા

દોષ (trait)

નાના અને ઓછા હીમોગ્લો-

બિનવાળા રક્તકોષો અને મંદ

પ્રકારની પાંડુતા.

(3) લક્ષણરહિત વાહક કોઈ પણ લક્ષણ નહિ.
(આ) આલ્ફા-થેલેસિમિયા :
(1–ક) તીવ્ર પ્રકાર (ગર્ભશોફ-

hydrops foetalis)

અતિ તીવ્ર વિકારને કારણે તીવ્ર

પાંડુતા, ગર્ભને અતિશય સોજા

(શોફ) અને ગર્ભાશયમાં ગર્ભનું

મૃત્યુ.

(1–ખ) HbH રોગ મધ્યમ તીવ્રતાનું રક્તકોષલયન

(haemolysis) જેથી મધ્યમ

તીવ્રતાથી રક્તકોષો તૂટે, અને

તેને કારણે મધ્યમસરની પાંડુતા

અને કમળો થાય તથા બરોળ

મોટી થાય.

(2) આલ્ફા-થેલેસિમિયા

દોષ

નાના અને ઓછા હીમોગ્લો-

બિનવાળા રક્તકોષો તથા મંદ

પ્રકારની પાંડુતા.

(3) લક્ષણરહિત વાહક કોઈ પણ લક્ષણ નહિ.

ઍમિનોઍસિડની આ ચારેય શૃંખલાઓ – α, β, γ, δ – માટે અલગ અલગ જનીનીય (genetic) નિયંત્રણ છે. a અને b શૃંખલાઓના જનીનો અલગ અલગ રંગસૂત્રો (chromosomes) પર આવેલા છે જ્યારે β, δ અને γ માટેના જનીનો એક જ રંગસૂત્ર પર પાસે પાસે ગોઠવાયેલા હોય છે. માતા-પિતા બંને શૃંખલાઓની જોડ માટે એક એક વૈકલ્પિક જનીન (allele) આપે છે. સામાન્ય સ્થિતિમાં તેને કારણે મુખ્યત્વે HbA અને ખૂબ થોડા પ્રમાણમાં HbA2 બને છે. b શૃંખલાને સ્થાને  g શૃંખલાનું ઉત્પાદન ચાલુ રહે તેવી જનીનીય સ્થિતિ થાય ત્યારે HbFનું પ્રમાણ વધે છે. b શૃંખલાના ઉત્પાદનના ઘટાડાથી ઉદભવતી સ્થિતિમાં HbF ઉપરાંત HbA2નું પ્રમાણ પણ વધે છે. આ પ્રકારના વિકારને બીટા-થેલેસિમિયા કહે છે. તેના તીવ્ર પ્રકારને કૂલીની પાંડુતા (Cooley’s anaemia) કહે છે. જો a–શૃંખલાના ઉત્પાદનમાં ઘટાડો થાય તો તેને આલ્ફા-થેલેસિમિયા કહે છે.

થેલેસિમિયાના પ્રકારો : થેલેસિમિયા કરતી જનીનીય વિકૃતિઓ સમજનીનીય (homozygous) કે વિષમજનીનીય (heterozygous) પ્રકારની હોય છે. સમજનીનીય વિકૃતિમાં માતા-પિતા બંનેમાંથી વારસામાં ઊતરી આવતા વૈકલ્પિક જનીનો જે તે પ્રકારની બીટા કે આલ્ફા શૃંખલાઓની જોડને વધુ પ્રમાણમાં અસર કરે છે. તેથી તે તીવ્ર (severe) પ્રકારનો વિકાર સર્જે છે. માતા અને પિતા બંનેમાંથી સમાન પ્રકારના વૈકલ્પિક જનીનો વારસામાં મળતા હોવાથી તેને સમજનીની વિકાર કહે છે. જો માતા કે પિતા બેમાંથી એકને લીધે વિકારકારી વૈકલ્પિક જનીન વારસામાં ઊતરે તો મંદ વિકાર સર્જાય છે. અહીં માતા અને પિતા બંને જુદા જુદા પ્રકારના વૈકલ્પિક જનીનો આપે છે : એક સામાન્ય b શૃંખલા માટેનો જનીન બને અને બીજો g શૃંખલા માટેનો જનીન. આમ બંને જનીનો અલગ અલગ પ્રકારના એટલે કે વિષમ પ્રકારના હોય છે તેથી તેને વિષમજનીની વિકાર કહે છે. થેલેસિમિયાના મંદ વિકારને થેલેસિમિયા-દોષ (thalassaemia trait) કહે છે. જે વ્યક્તિઓમાં થેલેસિમિયાકારક જનીન હોય, પણ શારીરિક કોઈ લક્ષણો પેદા ન થયાં હોય તેવી વ્યક્તિ પણ તેની સંતતિને થેલેસિમિયાકારક જનીનો વારસામાં આપી શકે છે, માટે તેને લક્ષણરહિત વાહક (silent carrier) કહે છે. આમ થેલેસિમિયાના વિકારના વિવિધ પ્રકારો છે.

થેલેસિમિયાનો નવસંભાવ્ય દર (incidence) : થેલેસિમિયાના વિવિધ પ્રકારના નવા દર્દીઓના નોંધાવાનો વાર્ષિક દર એટલે કે નવસંભાવ્ય દર જુદો જુદો હોય છે. સૌથી વધુ થેલેસિમિયા દોષ (trait) જોવા મળે છે તેમાં મંદ પ્રકારની ખાસ મહત્વની ન ગણાય તેવી પાંડુતા થાય છે. તે વ્યક્તિને મલેરિયા સામે રક્ષણ આપે છે. તેથી વિશ્વના મલેરિયાગ્રસ્ત વિસ્તારોમાં તે નૈસર્ગિક ચયન(natural selection)ના સિદ્ધાંતને આધારે વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. થેલેસિમિયાદોષ આલ્ફા કે બીટા પ્રકારનો વિષમજનીની વિકાર છે. તેમાં માતા અથવા પિતા બેમાંથી ગમે તે એક થેલેસિમિયા કરતા વૈકલ્પિક જનીનો વારસામાં આપે છે. જે વસ્તીમાં થેલેસિમિયાદોષનું પ્રમાણ વધુ હોય તેમાં માતા અને પિતા બંનેને આ વિકાર હોવાની સંભાવના વધે છે. તેવે સમયે તે બંને તેમની સંતતિને વૈકલ્પિક જનીનો વારસામાં આપે તેવું બને. આવા સંજોગોમાં સમજનીની અને વધુ તીવ્રતાવાળો વિકાર થવાની સંભાવના વધે છે.

ભૂમધ્યસમુદ્રની આસપાસના આફ્રિકા અને એશિયાના દેશોમાં તથા તેમાંથી સ્થળાંતર કરીને અન્યત્ર ગયેલા લોકોમાં બીટા-થેલેસિમિયા વધુ જોવા મળે છે. એશિયાના દેશોમાં આલ્ફા પ્રકાર વધુ વ્યાપક છે. અમેરિકામાં વસતા આ લોકોની 3 %થી 5 % વ્યક્તિઓને થેલેસિમિયાદોષ થયો હોય છે. તેથી અમેરિકામાં આશરે 1000 માણસોમાં તીવ્ર પ્રકારનો વિકાર થયેલો નોંધાયેલો છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં 2000 લાખ માણસોમાં અસામાન્ય હીમોગ્લોબિનના જનીનો છે. ભારતમાં 1 %થી 17 % વસ્તીમાં થેલેસિમિયાના જનીન હોવાનો અંદાજ વિવિધ અભ્યાસોમાંથી ઉદભવ્યો છે. સરેરાશ પ્રમાણ 3 % એટલે કે 200 લાખ વ્યક્તિઓ થવા જાય છે. જે વિશ્વના દસમા ભાગ જેટલો મોટો દર ગણાય. ભારતમાં દર વર્ષે 50થી 70 લાખ બાળકો મહત્તમ થેલેસિમિયા સાથે જન્મે છે, જેમાંના કદાચ 80 %થી 90 % દર્દીઓ ઓછી સારવારને કારણે વહેલા મૃત્યુ પામે છે. ભારતમાં સિંધી, કાઠિયાવાડી અને ખાસ કરીને લોહાણા જ્ઞાતિમાં તેનું વધુ પ્રમાણ જોવા મળે છે.

(અ-1) તીવ્ર બીટા થેલેસિમિયા (કૂલીની પાંડુતા) : બીટા શૃંખલાઓનું ઉત્પાદન ઘટાડતી સમજનીની વિકૃતિવાળા દર્દીઓમાં તે થાય છે. બીટા શૃંખલાનું ઉત્પાદન ઘટે છે; પરંતુ આલ્ફા શૃંખલાનું ઉત્પાદન સામાન્ય દરે ચાલુ રહે છે. આલ્ફા શૃંખલાવાળું ગ્લોબ્યુલિન અદ્રાવ્ય છે અને તેથી કોષની અંદર ઘણા ગઠ્ઠા બનાવે છે. આવા ગઠ્ઠાને અંત:પિંડો (inclusion bodies) કહે છે. આ ગઠ્ઠા રક્તકોષના ઉત્પાદન અને વિકાસને અસર કરે છે અને રક્તકોષની દીવાલને ક્ષતિયુક્ત કરે છે. તેથી તે બરોળમાં તૂટી જાય છે. હાડકાંમાંના માવામાં –અસ્થિમજ્જા(bone-marrow)માં – પણ તેને કારણે ઘણા રક્તકોષો પાકટ થઈને બહાર લોહીમાં આવે તે પહેલાં તૂટી જાય છે. આ રીતે રક્તકોષોની તૂટી જવાની પ્રક્રિયાને કારણે  રક્તકોષોનું ઉત્પાદન અથવા પ્રસર્જન (poiesis) ઘટે છે. તેને બિનઅસરકારક રક્તકોષ પ્રસર્જન (ineffective erythropoiesis) કહે છે. તેમાં અસ્થિમજ્જામાં જ ઘણા રક્તકોષો નાશ પામે છે. તેને કારણે લોહીમાં રક્તકોષો અને હીમોગ્લોબિનની તીવ્ર ઊણપ થાય છે. તેને તીવ્ર પાંડુતા (severe anaemia) કહે છે. તેથી રક્તકોષોના ઉત્પાદનનો દર વધે છે અને રક્તકોષના આદિકોષો(stem cells)ની સંખ્યા વધે છે. તેથી અસ્થિમજ્જા વધુ જગ્યા રોકે છે. હાડકાં પાતળાં અને છિદ્રાળુ બને છે. તેને અસ્થિછિદ્રલતા (osteoporosis) કહે છે. તેને કારણે બરડ થઈ જતાં હાડકાં સહેલાઈથી ભાંગી જાય છે. ઘણી વખત હાડકાંના માવા સિવાય અન્ય અવયવોમાં પણ રક્તકોષોનું ઉત્પાદન થાય છે અને તેથી કરોડરજ્જુ સહિત અનેક અવયવો પર દબાણ પણ થાય છે. હાડકાંનો માવો વધે છે તેથી ચહેરા અને માથાનાં હાડકાં બેડોળ બને છે. બહારના લોહીની જરૂરિયાતને આધારે તીવ્ર થેલેસિમિયાના બે મુખ્ય પ્રકારો પાડવામાં આવે છે. બાળપણમાં વારંવાર અને અનિવાર્યપણે લોહીની જરૂરિયાત ધરાવતા દર્દીઓને મહત્તમ થેલેસિમિયાના દર્દીઓ ગણવામાં આવે છે. બહારના લોહી વગર તેમનું મૃત્યુ નીપજે છે. જ્યારે બીજા કેટલાક દર્દીઓમાં હીમોગ્લોબિનનું પ્રમાણ બહારના લોહી વગર 6થી 7 ગ્રામ/ડેસીલિ. ના સ્તરે જળવાઈ રહે છે. આટલા હીમોગ્લોબિન વડે લગભગ સામાન્ય પ્રકારની વૃદ્ધિ અને વિકાસ શક્ય હોય છે. તેઓ યુવાવસ્થા કે પુખ્તવય સુધી જીવે છે. તેમને માધ્યમિક થેલેસિમિયા (thalassaemia intermedia) કહે છે.

(આ-1-ક) મહત્તમ થેલેસિમિયા : જન્મ સમયે મહત્તમ થેલેસિમિયા-વાળાં શિશુઓમાં ગામા શૃંખલાનું પૂરતું ઉત્પાદન થતું હોવાથી HbFનું જરૂરી પ્રમાણ જળવાઈ રહે છે. તેથી તેઓ સામાન્ય (normal) હોય છે. પરંતુ જન્મના પ્રથમ વર્ષમાં HbFના સ્થાને HbAનું ઉત્પાદન શરૂ થાય તેથી બીટા શૃંખલાની ઊણપ વર્તાય છે. પરિણામે 6થી 9 માસની ઉંમરે તીવ્ર પાંડુતા, વૃદ્ધિદરમાં ઘટાડો તથા અપૂરતો ખોરાક – આ ત્રણે લક્ષણો દેખાઈ આવે છે. સામાન્ય રીતે શિશુને ડૉક્ટર પાસે તપાસવા માટે લાવવામાં આવે છે, તે સમયે બરોળ અને યકૃત મોટાં થયેલાં હોય છે. અને હીમોગ્લોબિનનું પ્રમાણ 3થી 6 ગ્રામ./ડેસી. લિ. જેટલું થઈ જાય છે. કોષો નાના અને આછા રંગના હોય છે. માતા અને પિતા બંનેમાં થેલેસિમિયા કોષ (trait) છે તેટલું જો દર્શાવી શકાય તો આવા સમયે શિશુમાં મહત્તમ થેલેસિમિયાનું નિદાન કરી શકાય છે. અસરગ્રસ્ત શિશુના લોહીમાં HbA કાં તો નથી હોતું અથવા થોડુંક જ હોય છે. HbF પુષ્કળ હોય છે, અને HbA2નું પ્રમાણ 4 %થી 10 % (સામાન્ય સ્તર 2.5 %થી ઓછું) હોય છે. સંશોધન પ્રયોગશાળાઓમાં જૈવસંશ્લેષણ કસોટીઓ (biosynthesis studies) દ્વારા બીટા શૃંખલાના ઘટેલા ઉત્પાદનને દર્શાવી શકાય છે.

જો બહારનું લોહી નસ વાટે ન આપવામાં આવે તો આવાં શિશુઓ તથા બાળકોની ખોપરીના હાડકામાં રક્તકોષોનું ઉત્પાદન વધવાથી તે બેડોળ થઈ જાય છે. હાડકાં છિદ્રાળુ બને છે, બરડ બને છે અને રોગજન્ય અસ્થિભંગ (pathologic fracture) થવાથી તૂટી જાય છે. અતિશય પાંડુતા અશક્તિ આણે છે. નિયમિતપણે બહારનું લોહી આપવાથી હીમોગ્લોબિનનું સ્તર જાળવી શકાય છે અને તેથી હાડકાંની વિકૃતિઓ, અસ્થિભંગ તથા અશક્તિ નિવારી શકાય છે. બહારથી લોહી આપવાની પ્રક્રિયાને રુધિરી પ્રતિક્ષેપન (blood transfusion) કહે છે. જો જરૂર કરતાં વધુ લોહી આપવામાં આવે તો તેને અતિપ્રતિક્ષેપન (hypertransfusion) કહે છે. અતિપ્રતિક્ષેપનને કારણે વૃદ્ધિનો સામાન્ય દર જાળવી રાખી શકાય છે. વધુપડતા પ્રતિક્ષેપનને કારણે શરીરમાં લોહતત્વનો ભરાવો થાય છે. રક્તકોષોની એક શીશી સામાન્ય રીતે 200 મિગ્રા. લોહ આપે છે. તેથી 12 વર્ષની ઉંમર સુધીમાં લગભગ 25થી 30 ગ્રામ લોહનો ભરાવો થાય છે. સામાન્ય વ્યક્તિમાં 3થી 4 ગ્રામ  લોહ સંગ્રહાયેલું હોય છે, જેમાંનું 75 % લોહ તો રક્તકોષોમાં જ હોય છે. કોષોમાં તે હીમોસિડરિન નામની કણિકારૂપે જમા થાય છે. તેને પેશી હીમોસિડરોસિસ કહે છે. તેને કારણે અંતે હીમોક્રોમેટોસિસનો વિકાર થાય છે, જેમાં  મુખ્યત્વે યકૃત, અંત:સ્રાવી ગ્રંથિઓ તથા હૃદય અસરગ્રસ્ત બને છે. યકૃત મોટું થઈ જાય છે, તેમાં તંતુતા (fibrosis) થાય છે. ક્યારેક તેમાં તંતુકાઠિન્ય (cirrhosis) પણ થાય છે.

યોગ્ય રીતે લોહીનું પ્રતિક્ષેપન મેળવતાં બાળકો 10થી 12 વર્ષ સુધી દેખીતી રીતે તંદુરસ્ત હોય છે. ત્યારબાદ તેમની વૃદ્ધિ ઘટે છે. આ તબક્કે શા કારણે વૃદ્ધિ ઘટે છે તે સમજાયેલું નથી. તેને કારણે જનનગ્રંથિઓનો વિકાસ અટકે છે અને યૌવનારંભ (puberty) થતો નથી. ક્યારેક મધુપ્રમેહ, ગલગ્રંથિ (thyroid gland) તથા પરાગલગ્રંથિ(parathyroid gland)ની અલ્પતા થાય છે. હૃદયની આસપાસના આવરણનો સોજો (પરિહૃદ્શોથ, pericarditis), હૃદયની નિષ્ફળતા (cardiac failure) અને હૃદયના ધબકારાની અનિયમિતતા જોવા મળે છે. તેના કારણે તાવ અને છાતીનો દુખાવો થઈ આવે છે. હૃદયના રોગની તીવ્રતા જેટલી વધુ તેટલું મૃત્યુ વહેલું થાય છે. 17 વર્ષની આસપાસ મૃત્યુ થાય છે. 20 વર્ષથી વધુ જીવનારા દર્દીઓની સંખ્યા જૂજ હોય છે.

સામાન્ય રીતે 10 ગ્રામ હીમોગ્લોબિન રાખવા માટે અતિ-પ્રતિક્ષેપનવાળા દર્દીને દર વર્ષે 250 મિલિ. જેટલા રક્તકોષોનું પ્રતિક્ષેપન કરવું પડે છે. જો તેનાથી વધુ જરૂરિયાત હોય તો બરોળને શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. તેવી જ રીતે લોહીમાં શ્વેતકોષો કે ગઠનકોષો(platelets)ની સંખ્યા ઓછી હોય તોપણ બરોળ કાઢી નંખાય છે. આ ત્રણે પ્રકારની સ્થિતિને અતિપ્લીહન કે અતિબરોળતા (hypersplenism) કહે છે.

મૃત્યુનું મુખ્ય કારણ લોહ (iron)તત્વનો ભરાવો હોવાથી વધારાના લોહને શરીરમાંથી દૂર કરવા માટે કિલેટક પ્રકારનાં રસાયણોની મદદ લઈ શકાય છે. તે માટે ડીફેરોક્ઝાઇમનાં ઇન્જેક્શન ચામડીની નીચે કે સ્નાયુમાં અપાય છે. અઠવાડિયામાં 3થી 5 વખત ઇન્જેક્શન આપીને યકૃતનો વિકાર થતો અટકાવી શકાય છે. તેનાથી હૃદયનો વિકાર પણ મોડો થાય છે. તેની મુખ્ય આડઅસરો જઠર, આંતરડાં અને મૂત્રપિંડ પર જોવા મળે છે. સાથે વિટામિન-સી આપવાથી લોહનો ઉત્સર્ગ (excretion) વધે છે. આ સારવાર મોંઘી હોય છે, તથા લાંબા સમયની હોવાથી ઘણી ધીરજ અને માનસિક સ્વસ્થતા માંગી લે છે. હાલ એક મુખમાર્ગી કિલેટક દવાનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરાઈ રહ્યો છે.

અસ્થિમજ્જાના પ્રત્યારોપણ (bone marrow transplantation) વડે આ રોગ મટાડી શકાય છે. પરંતુ તેની આનુષંગિક તકલીફો ઘણી હોય છે.

(આ-1-ખ) માધ્યમિક થેલેસિમિયા : બહારના લોહીની જરૂરિયાત વગર જે દર્દીઓનું હીમોગ્લોબિન 6 %થી 7 % જળવાઈ રહે તેઓને વધુ સારું રહે છે. તેમને માધ્યમિક થેલેસિમિયાના દર્દીઓ કહે છે. તેમનામાં HbF વધુ હોય છે, HbA2 પણ વધુ હોય છે અને HbAનું પ્રમાણ અલગ-અલગ હોય છે. તેઓ ખોરાકમાંના લોહતત્વનું વધુપડતું અવશોષણ કરે છે. તેથી તેમનામાં પણ લોહનો ભરાવો થાય છે. તેને પ્રાથમિક (primary) હીમોક્રોમેટોસિસનો વિકાર થાય છે. તેથી બરોળ, અંત:સ્રાવી ગ્રંથિઓ અને હૃદયના વિકારો ઉદભવે છે. તેઓ પુખ્તવય સુધી જીવે છે અને તેમને બાળકો જન્મે છે. ક્યારેક બરોળ-ઉચ્છેદન(splenectomy)ની શસ્ત્રક્રિયા કરવી પડે છે. રક્તકોષોનું ઉત્પાદન વધે છે તેથી હાડકાંની છિદ્રલતા, સાંધાઓના સોજા, કરોડના મણકાના વિકારને કારણે કરોડરજ્જુ પર દબાણ આવે તો બંને પગે લકવો (દ્વિપાદઘાત, paraplegia) વગેરે થાય છે. તેથી માંડેથી પણ બહારના લોહીની જરૂરિયાત ઊભી થવા માંડે છે.

(આ:1) તીવ્ર આલ્ફા થેલેસિમિયા, ગર્ભશોફ (hydrofoetalis), તથા HbH રોગ : માતા અને પિતા બંનેને આલ્ફા-થેલેસિમિયા દોષ હોય ત્યારે અતિતીવ્ર પ્રકારના થેલેસિમિયા રૂપે મૃત શિશુનો જન્મ (still birth) થાય છે. ગર્ભશિશુને સખત સોજા (શોફ) હોય છે અને તે હૃદયની નિષ્ફળતાને કારણે મૃત્યુ પામે છે. તીવ્ર પ્રકારની પાંડુતા હૃદયની  નિષ્ફળતા સર્જે છે. આ સ્થિતિને ગર્ભશોફ કહે છે. તેમાં આલ્ફા શૃંખલા બનાવવાની ક્ષમતા ન હોય ત્યારે ચારે પ્રકારની શૃંખલાવાળો હીમોગ્લોબિન (Hb બાર્ટ્સ કે γ4) બને છે અથવા ચારે બીટા શૃંખલાવાળો HbH નામનો હીમોગ્લોબિન બને છે. બંને પ્રકારના હીમોગ્લોબિનો ઑક્સિજનનું વહન કરી શકતા નથી અને તેથી જેમ જેમ HbF ઘટવા માંડે તેમ તેમ જીવન ટકી રહેવું શક્ય બનતું નથી. આવી સગર્ભાવસ્થામાં સગર્ભા વિષાક્તતા (toxaemia of pregnancy) થાય છે. તેથી ગર્ભાશયમાંના ગર્ભશિશુના રોગનું નિદાન કરી વહેલી તકે ગર્ભપાત કરાવવાનું સૂચવાય છે.

મધ્યમતીવ્રતાવાળા આલ્ફા-થેલેસિમિયામાં HbH રોગ થાય છે જેમાં નાના અને આછા રંગના રક્તકોષો, રક્તકોષોનું ભંજન (fragmentation) અને હીમોગ્લોબિનના વીજચલન (electrophoresis)ની કસોટીમાં ઝડપથી ચલિત થતો હીમોગ્લોબિન જોવા મળે છે. તેનું પ્રમાણ 30 % જેટલું હોય છે અને b4 પ્રકારનું હીમોગ્લોબિન (HbH) હોય છે. b4 હીમોગ્લોબિનની ઑક્સિજન-બંધન-ક્ષમતા ખૂબ છે અને તેથી તે ઑક્સિજન-વહનમાં ઉપયોગી નથી. તેથી આવી વ્યક્તિઓમાં હીમોગ્લોબિનના દેખીતા પ્રમાણ કરતાં વધુ તીવ્રતાવાળી ઑક્સિજનની ઊણપ સર્જાય છે. HbH સ્થિર અણુ નથી. અને જેમ જેમ તેને ધરાવતો રક્તકોષ ‘વૃદ્ધ’ થાય છે તેમ તેમ તે સલ્ફોનેમાઇડ કે અન્ય દવાઓથી ઉદભવતા ઑક્સિજનદાયી (oxidative) તણાવથી તૂટી જાય છે.

HbHનો દર્દી વ્યવસ્થિત જીવન જીવી શકે છે, ધંધો રોજગાર કરી શકે છે, પરણી શકે છે અને સંતતિ ઉત્પન્ન કરી શકે છે. તેનું હીમોગ્લોબિન 7થી 10 ગ્રામ જેટલું રહે છે. ક્યારેક વધુ તીવ્ર પાંડુતા જોવા મળે છે. બરોળ સહેજ મોટી થાય છે. અતિશય અતિબરોળતા ન થઈ હોય તેવા દર્દીમાં બરોળ કાઢી નંખાતી નથી. ફોલિક ઍસિડનું નિયમિત સેવન, ઑક્સિજનદાયી તથા લોહવાળી દવાઓનો નિષેધ, ચેપની તરત સારવાર અને જરૂરિયાત પ્રમાણે લોહીનું પ્રતિક્ષેપન – સારવારના મુખ્ય સિદ્ધાંતો છે. કેટલાક અસ્થિમજ્જાની કોષસંખ્યા-વર્ધક (proliferative) કે દુર્વિકસની (dysplastic) વિકારોમાં HbHનું પ્રમાણ વધે છે. તેમાં મૂળ રોગની સારવાર કરાય છે.

(અ,આ-2) થેલેસિમિયાદોષ (trait) : તેને થેલેસિમિયા-મંદ (thalassaemia minor) કહે છે. મંદ થેલેસિમિયા આલ્ફા અને બીટા એમ બંને પ્રકારનો હોઈ શકે છે. તે વિષમજનીનીય વિકાર છે. રક્તકોષો નાના હોય છે અને તેમનું હીમોગ્લોબિન પણ ઓછું હોય છે. સામાન્ય રીતે રક્તકોષોનું સરેરાશ કોષકદ (mean corpuscular volume –  MCV) 88 ± 5 માઇક્રોન હોય છે અને સરેરાશ કોષીય હીમોગ્લોબિન(mean corpuscular haemoglobin – MCH)નું પ્રમાણ 30 ± 2 પાઇકોગ્રામ હોય છે. થેલેસિમિયા દોષના દર્દીમાં MCV 56થી 74 ઘનમાઇક્રોન અને MCH 20થી 23 પાઇકોગ્રામ હોય છે. રક્ત-કોષોનું કુલ દળ (mass) 10 %થી 20 % વધુ હોય છે. તેથી હીમોગ્લોબિનની એકંદર ઊણપ (પાંડુતા) ઓછી અથવા મંદ હોય છે તથા રક્તકોષ કદ (packed red cell volume – PCV) 32 %થી 38 % હોય છે. બરોળ ભાગ્યે જ મોટી થયેલી જોવા મળે છે. થેલેસિમિયાનાં અન્ય લક્ષણો કે ચિહનો જોવા મળતાં નથી.

માતા કે પિતા બેમાંથી એકને જ થેલેસિમિયાદોષ (trait) હોય અથવા જો બંનેમાં થેલેસિમિયા દોષ હોય તો તેમાંથી એક વ્યક્તિ લક્ષણરહિત વાહક (asymptomatic carrier) હોય છે. આમ આ વિષમજનીની (heterozygous) પ્રકારનો વારસાગત રોગ ગણાય છે. બીટા શૃંખલાનું ઉત્પાદન થોડુંક ખામીભરેલું હોય છે. ક્યારેક આલ્ફા અને બીટા બંને પ્રકારની શૃંખલાઓના જનીનોની વિષમજનીની ઊણપ પણ આ પ્રકારનો વિકાર સર્જે છે.

સામાન્ય વ્યક્તિમાં HbA2 2 %થી 3 % હોય છે જે બીટા- થેલેસિમિયાદોષના દર્દીમાં વધીને 4 %થી 8 % જેટલું થાય છે. તેવી જ રીતે સામાન્ય વ્યક્તિમાં HbF 1.5 %થી 2.5 % હોય છે જે બીટા- થેલેસિમિયાદોષના દર્દીમાં વધીને 10 %થી 15 % થાય છે. થેલેસિમિયાદોષને લોહતત્વની ઊણપથી અલગ પાડવું પડે છે. તે માટે લોહીમાંના લોહતત્વ, લોહબંધક ક્ષમતા અને ફેરિટીનની સપાટી જાણવી પડે છે : લોહતત્વની ઊણપ હોય તેવા દર્દીમાં લોહતત્વનું પ્રમાણ  તથા ફેરિટીનનું સ્તર નીચું હોય છે અને લોહબંધક ક્ષમતા (iron binding capacity) વધુ હોય છે. થેલેસિમિયાદોષના દર્દીમાં તે ત્રણે સામાન્ય સ્તરે હોય છે. બીટા થેલેસિમિયાદોષમાં HbF અને HbA2 વધે છે, પરંતુ આલ્ફા થેલેસિમિયાદોષમાં તે સામાન્ય સ્તરે રહે છે.

(અ, આ-3) લક્ષણરહિત વાહક (silent carrier) : તેની સૌપ્રથમ જાણકારી આલ્ફા-થેલેસિમિયાના વિકારમાં થઈ હતી. તેવી સ્થિતિમાં HbHના રોગવાળા દર્દીનાં માતા-પિતામાંથી એકને થેલેસિમિયાદોષ (trait) હોય, પરંતુ બીજી વ્યક્તિ તપાસ કરતાં સામાન્ય જણાય છે. આવા દર્દીમાં ગ્લોબિન શૃંખલામાંની ખામી અતિ મંદ પ્રકારની હોય છે. આવી જ સ્થિતિ બીટા થેલેસિમિયામાં પણ વર્ણવવામાં આવી છે. માતા-પિતામાંથી એકને થેલેસિમિયાદોષ હોય અને બીજી વ્યક્તિ લક્ષણરહિત વાહક હોય તો તેમની સંતતિને થેલેસિમિયા માધ્યમિક પ્રકારનો વિકાર થાય છે. તેની કોઈ વિશેષ સારવાર હોતી નથી.

શિલીન નં. શુક્લ

રશ્મિકાંત ર. મૅકવાન