થેલીઝ (Thales of Meletus) : (જ. ઈ. સ. પૂ. 624 મિલેટસ, ગ્રીસ; અ. ઈ. સ. પૂ. 546 મિલેટસ) : થેલીઝને ગ્રીક વિજ્ઞાનના અને ખાસ કરીને તત્વજ્ઞાન અને ભૂમિતિ જેવી શાખાઓના જનક માનવામાં આવે છે. તેમનું એક પણ લખાણ ઉપલબ્ધ નથી. તેથી થેલીઝની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવું અને તેમની સાથે સંકળાયેલી લોકવાયકાઓને હકીકતોથી અલગ તારવવી એ અઘરું કામ છે.

એમની સાથે સંકળાયેલી અનેક વાતો પ્રચલિત છે. તેમાંથી એક કે તેઓ ધૂની વૈજ્ઞાનિક ઉપરાંત કુશળ ઇજનેર અને બુદ્ધિશાળી વેપારી હતા. થેલીઝને તેમના સમયના સાત પરમ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવેલા અને તેથી જ ગ્રીસના સાત શાણા પુરુષોની યાદીમાં તેમનું નામ મોખરે મુકાયું હતું.

થેલીઝની પછી આશરે દોઢ સદી બાદ થઈ ગયેલા ગ્રીક ઇતિહાસકાર હિરૉડોટસે તેમની માતા ગ્રીક અને તેમના પૂર્વજો ફિનિશિયન હોવાનું લખ્યું છે. તેમનો જન્મ તુર્કસ્તાનમાં આવેલા મિલેટસમાં થયો હતો. બચપણથી જ તેઓ કુશાગ્ર બુદ્ધિના હતા. મોટા થતાં વેપાર અને રાજકારણમાં તેઓ કુશળ થયા.

ધંધામાં તેઓ ઘણું કમાયા હતા અને વેપાર અર્થે વિદેશોમાં પણ અવરજવર કરતા હતા. એમણે બૅબિલૉન, મિસર વગેરે દેશોની મુલાકાત લીધી હતી.

ભૂમિ-માપન માટે ‘જ્યૉમેટ્રી’ શબ્દ પ્રચલિત કરવામાં થેલીઝનો ફાળો મહત્વનો છે. તેમણે આધુનિક ભૂમિતિનાં મૂળ નાંખ્યાં. એમણે નિગમનિક (deductive) ગણિત અને ભૂમિતિની શોધ કરી, જેને પાછળથી અઢી સદી બાદ થઈ ગયેલા યૂક્લિડે વિકસાવી. યૂક્લિડે પોતાના ગ્રંથમાં દર્શાવેલાં ભૂમિતિનાં ઘણાંબધાં પ્રમેય મૂળે તો થેલીઝે જ સિદ્ધ કર્યાં હોવાનું મનાય છે.

થેલીઝ

થેલીઝનાં આ પ્રમેયો અથવા ભૂમિતિના મૂળભૂત નિયમો પૈકીના કેટલાક આ પ્રમાણે છે :

(1) વૃત્તનો વ્યાસ વૃત્તને બે સમાન ભાગમાં વિભાજિત કરે છે. (2) દ્વિસમબાજુ (ત્રિભુજ) (isosceles triangle)ના બંને આધાર-કોણ સમાન હોય છે. (3) બે સીધી રેખા એકમેકને ગમે ત્યાંથી છેદે ત્યારે રચાતા ચાર ખૂણાઓ પૈકી સામસામેના વિપરીત કોણ સમાન હોય છે. (4) અર્ધવર્તુળમાંનો ખૂણો કાટખૂણો હોય છે, અને (5) બે કોણ અને એક બાજુ સમાન કે સર્વસમ (identical) હોય તેવા બે ત્રિકોણ સુસંગત કે એકરૂપ (congruent) હોય છે.

થેલીઝે મિસરના પિરામિડની ઊંચાઈ પણ ગણિતની મદદથી માપી હતી. સમુદ્રમાં તરતું જહાજ સમુદ્રતટથી કેટલું દૂર છે એની પણ ગણતરી થેલીઝ કરી શકતા હતા. સમપ્રમાણતાના નિયમની જાણકારી વગર આ પ્રકારની ગણતરી શક્ય નહોતી.

ઇતિહાસકાર હિરૉડોટસે મિડિસ અને લિડિયનો વચ્ચે છ વર્ષ ચાલેલા યુદ્ધ બાદ સાતમે વર્ષે થેલીઝ દ્વારા સફળ રીતે ભાખવામાં આવેલા એક ખગ્રાસ (પૂર્ણ) સૂર્યગ્રહણની અને એને કારણે યુદ્ધ અટકી ગયાની વાત લખી છે. કેટલાક વિદ્વાનોના મતે થેલીઝને સૂર્યગ્રહણના કારણની જાણકારી હોવા ઉપરાંત એક ચોક્કસ અવધિમાં ગ્રહણોનું પુનરાવર્તન થતું હોવાની માહિતી પણ હોવી જોઈએ.

આકાશમાં ધ્રુવ તરફ દેખાતું ધ્રુવમત્સ્ય કે શિશુમાર (Ursa Minor) નામે ઓળખાતું તારામંડળ થેલીઝે શોધ્યું હોવાનું કહેવાય છે. વહાણ હંકારતી વખતે સપ્તર્ષિ (Ursa Major) તારામંડળને બદલે ધ્રુવમત્સ્ય તારામંડળને ધ્યાનમાં રાખીને આગળ વધવાની શિખામણ વહાણવટીઓને એમણે આપેલી.

ભૌતિકવિજ્ઞાનમાં એમનું પ્રદાન (લોહ)ચુંબકના ગુણધર્મ સંબંધી છે. ચુંબકત્વની ઘટનાનો અભ્યાસ કરનાર થેલીઝ પહેલા વૈજ્ઞાનિક હતા.

થેલીઝે જળ-કેન્દ્રિત વિશ્વની કલ્પના કરી. શ્ય અને અશ્ય પદાર્થોમાં જળ જ રૂપાંતરિત થતું રહીને વિશ્વમાં સંતુલન જાળવી રાખે છે અને એટલે આ વિશ્વના સર્જનમાં જળ મૌલિક ઉપાદાન છે. આ જળથી જ પૃથ્વીની ઉત્પત્તિ થઈ, આ જળમાં જ પૃથ્વી તરી રહી છે અને સંભવત: આ જળમાં જ એનો વિલય પણ થશે. આ છે તત્વજ્ઞાની થેલીઝનું દર્શન.

ભૂમિતિના કેટલાક મૂળભૂત ગુણધર્મો થેલીઝે પ્રથમ સિદ્ધ કરી આપ્યા : (1) વર્તુળનો વ્યાસ વર્તુળને દુભાગે છે. (2) સમદ્વિબાજુ ત્રિકોણમાં સરખી બાજુઓ સામેના ખૂણા સરખા હોય છે. (3) સુરેખાઓ પરસ્પરને છેદે ત્યારે બનતા સામસામેના ખૂણા સરખા હોય છે. (4) અર્ધવર્તુળમાં વ્યાસથી પરિઘ આગળ આંતરેલો ખૂણો, કાટખૂણો હોય છે. (5) જો એક ત્રિકોણના બે ખૂણા અને એક બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને અનુવર્તી બાજુ સાથે સરખા હોય તો તે બે ત્રિકોણો સર્વાંગસમ હોય છે.

બ્રહ્માંડ શેનું બનેલું છે, એવો મહત્વનો પ્રશ્ન ઉઠાવનાર એ પહેલા દાર્શનિક હતા. બ્રહ્માંડની રચનામાં કે એની પરિકલ્પનામાં દેવતાઓ કે દૈત્યોનું સ્થાન ક્યાંય ન હતું. એમણે કહ્યું કે વિશ્વનાં વિભિન્ન રહસ્યોની પાછળ પ્રાકૃતિક નિયમ અને વ્યવસ્થા કામ કરે છે અને સાધારણ જ્ઞાન તથા બુદ્ધિયુક્ત વિચાર(તર્ક)ની મદદથી આ રહસ્યોનો ઉકેલ સંભવિત છે. એમાં કોઈ દેવી-દેવતાનો હાથ નથી. જે યુગમાં ધર્મગુરુઓનું વર્ચસ હતું અને સારીનરસી બધી જ બાબતો માટે અલૌકિક શક્તિને જ કારણભૂત માનવામાં આવતી હતી ત્યારે થેલીઝે હિંમતભેર કરેલી આ વાત અભૂતપૂર્વ કહેવાય.

તેમણે સ્થાપેલી મિલેટસની શાળામાં જે કેટલાક શિષ્યો હતા તેમાંથી એનેક્ઝીમેન્ડર (Anaximander) (ઈ. સ. પૂ. 610–546) અને પાઇથાગોરસ (ઈ. સ. પૂ. 582 – 497) જાણીતા છે. આ બંનેએ ભૂમિતિના જ્ઞાનને આગળ ધપાવ્યું હતું.

સુશ્રુત પટેલ