થેમિસ્ટોક્લીઝ (જ. આશરે ઈ. સ. પૂ. 524; અ. આશરે ઈ. સ. પૂ. 460) : ઍથેન્સની દરિયાઈ સર્વોપરીતા સ્થાપનાર ગ્રીક રાજકારણી અને નૌકાયુદ્ધનિષ્ણાત. તેણે ગ્રીસનાં સર્વ નગરરાજ્યોમાં ઍથેન્સને શક્તિશાળી અને સુરક્ષિત બનાવી એથેનિયન સામ્રાજ્યનો પાયો નાખ્યો.  ઈ. સ. પૂ. 493માં તે ઍથેન્સમાં આર્કન બન્યો.

તેણે સુનિયમની નજીક ખાણોમાંથી મળી આવેલી ચાંદીનો ઉપયોગ નૌકાદળ વિસ્તારવામાં કર્યો. તેણે વિશાળ નૌકાદળના સંગઠન અને વિકાસ દ્વારા ઍથેન્સની દરિયાઈ તાકાતમાં વધારો કર્યો. સાલેમિસના નૌકાયુદ્ધમાં ગ્રીસને વિજય અપાવીને તેણે ઍથેન્સની શાન વધારી. ઈરાનના રાજવી ઝર્કસીસ દ્વારા તોડી પડાયેલી ઍથેન્સની કિલ્લેબંધીં તથા સાલેમિસની જહાજી દીવાલનું નિર્માણ, પિરોસના બારા ફરતી દીવાલ ચણવાની તથા ઍથેન્સને તેનાં બે કુદરતી બંદરો ફેલેરન અને મુનિચિયા સાથે સાંકળી લેતી લાંબી દીવાલ બાંધવાની યોજના એ તેની અપૂર્વ સિદ્ધિઓ હતી. ઍથેન્સનાં બંદરોમાં રહેલાં વહાણોને પણ દીવાલનું રક્ષણ મળ્યું. તેથી ઍથેન્સના દરિયાઈ વ્યાપારને ઉત્તેજન મળ્યું.

થેમિસ્ટોક્લીઝ

ઍથેન્સમાં થેમિસ્ટોક્લીઝના પ્રશંસકોની જેમ ઍરિસ્ટાઇડીઝ તથા સિમોન જેવા તેના પ્રખર વિરોધીઓ પણ હતા. તેઓ થેમિસ્ટોક્લીઝની અપ્રામાણિકતા, દગાબાજી અને લોભવૃત્તિને ધિક્કારતા હતા. તેવામાં સ્પાર્ટન રાજવી પૌસાનિયસના ઈરાની શાહ સાથેના કાવતરાની સ્પાર્ટામાં તપાસ થઈ. તેમાં થેમિસ્ટોક્લીઝની સંડોવણી માલૂમ પડતાં તેના વિરોધીઓએ તક ઝડપી લીધી અને ‘ઑસ્ટ્રેસિઝમ’ની પદ્ધતિ દ્વારા થેમિસ્ટોક્લીઝને ઈ. સ. પૂ. 471માં દૂર કરાવ્યો. ઍથેન્સમાંથી તે આર્ગોસ ગયો. ત્યાં ધરપકડ માટે સ્પાર્ટાનું દબાણ વધતાં છેવટે તેણે ઈરાનના શાહ ઝર્કસીસના પુત્ર અર્તા ઝર્કસીસને ત્યાં આશરો લીધો. અર્તા ઝર્કસીસે તેને આયોનિયન કિનારે આવેલા મૅગ્નેશિયાનો ગવર્નર બનાવેલો. તેણે  ગ્રીસ ઉપરના આક્રમણની યોજના પણ ઘડેલી, પણ તેને અમલમાં મૂકી શકેલો નહિ.

અંજના શાહ