થિયોબ્રોમીન (Theobromine અથવા B, 7 – Dimethylxanthine) : પાકાં, સૂકવેલાં થિયોબ્રોમા કેકાઓનાં બીજમાંથી મેળવવામાં આવતું આલ્કલૉઇડ. કોકો તથા ચૉકલેટ ઉદ્યોગમાંથી મળતી અવશિષ્ટ (waste) નીપજનું નિષ્કર્ષણ કરીને પણ તે કોઈ વાર મેળવવામાં આવે છે. સંશ્લેષણ દ્વારા પણ તે બનાવાય છે. થિયોબ્રોમીન કૅફિનને મળતું સંયોજન છે. ચામાંથી પણ તે મળે છે. તેને 3.7 ડાઇમિથાઇલ ઝૅન્થિન પણ કહેવાય છે. તેનું ગ.બિં. 357° સે. છે. તેનું સૂત્ર C7H8N4O2 તથા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનું બંધારણ-સૂત્ર છે.
કોકો તથા અન્ય પીણાંઓમાંથી મળતી ઉત્તેજના માટે થિયોબ્રોમીન પણ આંશિક રીતે જવાબદાર છે. વિવિધ પ્રકારના શોથ(oedema)ના ઉપચાર માટે મૂત્રલ દ્રવ્ય તરીકે તે વપરાય છે. તેની ઓછી દ્રાવ્યતાને કારણે તે વધુ દ્રાવ્ય એવાં મિશ્રણોમાં ભેળવીને વપરાય છે. ખાવાથી તે વિષાળુ અસર નિપજાવે છે.
જગદીશ જ. ત્રિવેદી