થિયોરેલ, એક્સેલ હ્યૂગો ટિયોડોર

March, 2016

થિયોરેલ, એક્સેલ હ્યૂગો ટિયોડોર (જ. 6 જુલાઈ 1903, લિન્કોપિંગ, સ્વીડન; અ. 18 ઑગસ્ટ 1982) : જર્મન તબીબ અને શરીરક્રિયાવિદ. શરીરક્રિયાવિદ્યા માટે 1955નો નોબેલ પુરસ્કાર તેમને મળ્યો હતો. તેમણે ઉત્સેચકો(enzymes)ના ઑક્સિડેશનની ક્રિયા અને તેના પ્રકાર અંગે સંશોધન કર્યું હતું. તેમણે 1930માં કૅરોલીન ઇન્સ્ટિટ્યૂટમાં મેડિસિન વિભાગમાં એમ.ડી.ની ઉપાધિ મેળવી હતી. પછી ઉપ્સાલા યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે જોડાયા અને 1937માં પ્રાધ્યાપક બન્યા. ત્યાં ઉત્સેચકોના ઑક્સિડેશનના ક્ષેત્રમાં કાર્ય કર્યું.

એક્સેલ હ્યૂગો ટિયોડોર થિયોરેલ

તેમણે રક્તસ્નાયુ(redmuscle)માં ઑક્સિજનનું વહન કરતા માયોગ્લોબિન નામના પ્રોટીનનો શુદ્ધ સ્ફટિક જુદો પાડી બતાવ્યો. વિલ્હેલ્મ ઇન્સ્ટિટ્યૂટ(બર્લિન)માં નોબેલપુરસ્કૃત (Nobel laureate) વૉર્બર્ગ સાથે કામ કર્યું હતું. તેમણે દર્શાવ્યું કે આ ઑક્સિજન ઉમેરતો ઉત્સેચક બે ભાગનો બનેલો છે. એક પ્રોટીનનો બનેલો અધિઉત્સેચક (apo–enzyme) અને બીજો પ્રોટીન વગરનો સહ-ઉત્સેચક(co–enzyme). તેમણે દર્શાવ્યું કે રાયબોફ્લેવિનમાં કોઈ એક ચોક્કસ જગ્યાએ હાઇડ્રોજનના પરમાણુનું જોડાણ કરીને આ સહ-ઉત્સેચક ગ્લુકોઝનું ઑક્સિડેશન કરે છે. આ સંશોધન વડે ઉત્સેચકોનું કાર્ય, સજીવ કોષોમાંની ઑક્સિડેશનની ક્રિયા તથા તેના દ્વારા પોષક દ્રવ્યોમાંથી સજીવ કોષ કેવી રીતે ઊર્જા મેળવે છે તે સમજી શકાયું. તેમણે ત્યારબાદ ઑક્સિડેટિવ ઉત્સેચક કોષરંજક-સી (cytochrome–C) પર અભ્યાસ કરીને તેની રચના દર્શાવી. તેમણે આલ્કોહૉલ-ડીહાઇડ્રોજીનેઝનો અભ્યાસ કર્યો જેથી અત્યારે વધુ પડતો દારૂ પીધો છે તેવું દર્શાવતી અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી કસોટી ઉપલબ્ધ થઈ છે. તેમની કારકિર્દીના છેલ્લા ભાગમાં તેઓ સ્ટૉકહોમની નોબેલ ઇન્સ્ટિટ્યૂટના વડા બન્યા હતા.

શિલીન નં. શુક્લ