થિયોડોસિયસ (જ. 11 જાન્યુઆરી 347, કાઉક, ગેલેશિયા, સ્પેન; અ. 17 જાન્યુઆરી 395, મેડિયોલેનમ, મિલાન) : પૂર્વ અને પશ્ચિમના રોમન સામ્રાજ્યનો સમ્રાટ. એના લશ્કરી વિજયોને કારણે નહિ પરંતુ એણે ખ્રિસ્તી ધર્મની કરેલી સેવા અને તેના પ્રસારને કારણે એને મહાન ગણવામાં આવ્યો છે. એનો પિતા રોમન સેનાપતિ હતો. ઈ. સ. 368–369 દરમિયાન બ્રિટન અને ફ્રાન્સ પરની ચડાઈ વખતે એ પણ એના પિતા સાથે ત્યાં ગયો હતો અને દક્ષિણ બ્રિટનમાંથી કેલિડોનિયન લોકોને હાંકી કાઢવામાં મદદ કરી હતી.

થિયોડોસિયસે બાલ્કન વિસ્તારમાં સરમેટિયન લોકોને હરાવ્યા પછી તરત નિવૃત્તિ સ્વીકારીને સ્પેનમાં આવેલ પોતાના વતનમાં ગયો; પરંતુ રોમના સમ્રાટ બનેલા ગ્રેટિયને તેને પાછો બોલાવ્યો અને 379ની 19મી જાન્યુઆરીએ પૂર્વના રોમન સામ્રાજ્યનો સહ-સમ્રાટ બનાવ્યો. તેની સત્તા અને વહીવટ નીચે ડેસિયા, મેસિડોનિયા, થ્રેસ, ઇજિપ્ત અને પૂર્વના પ્રદેશો મૂક્યા. એણે પૂર્વમાંથી ગૉથ લોકોને હાંકી કાઢ્યા અને 382માં એમની સાથે સંધિ કરી. એ પછી એના ઉદાર વર્તનને કારણે ગૉથ લોકો એના સૈન્યમાં સૈનિકો તરીકે જોડાયા.

થિયોડોસિયસ

મૅક્સિમસે 383માં પશ્ચિમ રોમન સામ્રાજ્યના સમ્રાટ ગ્રેટિયનનું ખૂન કરી તેની ગાદી પચાવી પાડી. પરંતુ 387માં થિયોડોસિયસે મૅક્સિમસને એક્વિલિયામાં હરાવીને મારી નાખ્યો તથા ગ્રેટિયનના ભાઈ વૅલેન્ટિનિયન-બીજાને સમ્રાટ બનાવ્યો. એ પછી સેનાપતિ અરબોગસ્ટે 392માં વૅલેન્ટિનિયન-બીજાને મારી નાખીને યુજેનિયસને ગાદીએ બેસાડતાં થિયોડોસિયસે 394માં રોમ ઉપર બીજી વાર ચડાઈ કરી તથા બળવાખોરોને હરાવી તેમની કતલ કરી. આમ, એ સમગ્ર રોમન સામ્રાજ્યનો સમ્રાટ બન્યો.

થિયોડોસિયસને બાળપણમાં કોઈ વિધિસરનું શિક્ષણ મળ્યું ન હતું, પરંતુ ઇતિહાસના અભ્યાસમાં એણે ખાસ રસ કેળવ્યો હતો. એના પિતા અને પિતામહ ખ્રિસ્તી ધર્મ પાળતા હતા. એ પોતે પણ ચુસ્ત ખ્રિસ્તી હતો અને ખિસ્તી ધર્મના પ્રચારમાં એણે મહત્વનો ફાળો આપ્યો હતો. એણે ખ્રિસ્તીવિરોધી ધર્મોનાં મંદિરો બંધ કરાવ્યાં હતાં તથા તેમની ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. મિલાનનો બિશપ સેન્ટ એમ્બ્રોઝ એનો રાજકીય તથા ધાર્મિક ગુરુ હતો. 394માં એણે ખ્રિસ્તી ધર્મને રોમન સામ્રાજ્યના એકમાત્ર સત્તાવાર ધર્મ તરીકે જાહેર કર્યો. જોકે થિયોડોસિયસ પછી પણ પાંચમી અને છઠ્ઠી સદી સુધી બિનખ્રિસ્તી બળવાખોરો દ્વારા રાજકીય અને ધાર્મિક અશાંતિ સર્જવાના પ્રયાસો ચાલુ રહ્યા હતા.

થિયોડોસિયસના અવસાન પછી તેના સામ્રાજ્યના બે ભાગ પડ્યા. તેનો મોટો પુત્ર આર્કેડિયસ પૂર્વના, જ્યારે નાનો પુત્ર હોનોરિયસ પશ્ચિમના સામ્રાજ્યનો સમ્રાટ બન્યો.

મુગટલાલ પોપટલાલ બાવીસી