થાનકી, જ્યોતિબહેન જટાશંકર (જ. 25 મે 1943, બગવદર, જિ. જૂનાગઢ) : મુખ્યત્વે ચરિત્રકાર અને શ્રી અરવિંદની વિચારધારાનાં સમર્થક ને પ્રસારક. માતાનું નામ જયાલક્ષ્મી. વતન પોરબંદર. 1959માં મૅટ્રિક. 1963માં બી.એ.. 1965માં અર્થશાસ્ત્ર સાથે અને 1974માં સંસ્કૃત વિષય સાથે – એમ બે વાર એમ.એ. થયાં. ઈ. સ. 1966થી આર્યકન્યા ગુરુકુળ, પોરબંદરમાં અર્થશાસ્ત્રનાં અધ્યાપક અને પાછળથી ઉપાચાર્ય તરીકે કામગીરી કરી, 2005માં નિવૃત્ત થયાં.
યોગ-અધ્યાત્મ, સંગીત, સાહિત્યનું વાચન-લેખન એ એમના શોખના વિષયો છે. યોગ-અધ્યાત્મમાં વધુ રસ હોવાથી શ્રી અરવિંદ અને શ્રી માતાજી તરફ આકર્ષાયાં. શ્રી અરવિંદની અતિમનસની વિચારણા જ્યોતિબહેનની સાત્ત્વિક રુચિને ખૂબ અનુકૂળ થઈ રહી. આ વિચારણા બાલભોગ્ય અને લોકભોગ્ય બને એવી રીતે રોચક શૈલીમાં રજૂ કરતા અનેક ગ્રંથો તેમના દ્વારા મળતા રહ્યા છે. તેઓ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. ખાસ કરીને શ્રી રામકૃષ્ણ મિશન, પોરબંદર; શ્રી ઓરોબિંદો મેમોરિયલ ટ્રસ્ટ, વડોદરા વગેરેમાં તેઓ ટ્રસ્ટી છે.
તેમની લેખનયાત્રા શરૂ થઈ 1977માં. આજ સુધીમાં તેમની પાસેથી 90 જેટલા ગ્રંથો મળ્યા છે. તેમણે શ્રી અરવિંદ, શ્રી માતાજી, મા આનંદમયી, રામકૃષ્ણ જેવાં સંતોની-ધર્માત્માઓની વિચારણાને રસાત્મક રીતે કિશોરોથી માંડી વૃદ્ધજનો સુધી પહોંચાડી, તેમના હૃદયમાં પ્રેમભર્યું– માનભર્યું સ્થાન મેળવ્યું છે. તેમણે માત્ર આધ્યાત્મિક જ નહીં, સાંપ્રત સમાજની જરૂરિયાત જોઈ, સર્વાંગી શિક્ષણ, નારી-જાગૃતિ, વ્યક્તિત્વ-વિકાસ જેવા વિષયો પર પણ વ્યાખ્યાનો આપ્યાં છે. તેઓ એક સારાં વક્તા છે.
‘વાત્સલ્યમૂર્તિ મા’ (1977), ‘માનવએકતા અને વિશ્વશાંતિ’ (1981), ‘શ્રી અરવિંદનું યુગકાર્ય અતિમનસનું અવતરણ’ (1984), ‘હે હરિની રસધારા’ (1984), ‘શ્રી માતાજીનું જીવનકાર્ય’ (1991), ‘ચાલો પૂર્ણયોગમાં પગલાં માંડીએ’ (1991), ‘જીવન જીવવાની કળા’ (1992), ‘યુગાવતાર શ્રી અરવિંદ’ (1993), ‘માનવજાતિના અગ્રદૂત શ્રી અરવિંદ’ (1993), ‘મનથી અતિમનસ’ (1993), ‘શ્રીકૃષ્ણ અને અરવિંદ’ (1993), ‘યુગશક્તિ શ્રીમાતાજી’ (1993), ‘મૃત્યુને પરમનો સ્પર્શ’ (1995), ‘દિવ્યશક્તિ શ્રીમાતાજી’ (1997), ‘મહાયોગી શ્રીઅરવિંદ’ (1998), ‘દૈનિક જીવનમાં સાધના’ (1999) વગેરે તેમના ગ્રંથો છે. તેમણે મોટે ભાગે ચરિત્રાત્મક ગ્રંથો આપ્યાં છે. તેમાં તેમની સાત્વિક વૃત્તિ અને શાલીનતા સુપેરે વ્યક્ત થાય છે. તેમની પાસેથી 1998માં પ્રાપ્ત થયેલ ‘મહાયોગી શ્રી અરવિંદ’ એ કથાનાયકનું વિસ્તૃત ચરિત્ર છે. આ સિવાય આસ્વાદ્ય બને તેવી રોચક ભાષામાં ફાધર વાલેસના જીવનસંઘર્ષને નિરૂપતું ‘પ્રભુનું સ્વપ્ન’ (1979), રસાત્મક શૈલીમાં નાનજી કાલિદાસ મહેતાનું ચરિત્ર ‘સ્વપ્નશિલ્પી’ (1979), કાકાસાહેબ કાલેકરની 96 વર્ષ સુધીના જીવનકાળની કથા કહેતું ‘પરિવ્રાજકનું પાથેય’ (1981), ભગિની નિવેદિતાનું સેવાકાર્ય સમગ્રપણે આવરી લેતું ચરિત્ર ‘પૂર્વવાહિની’ (1981), મહંત શાંતિદાસની જીવનકથા વર્ણવતું ‘પ્રભુની સ્નેહધારા’ (1996) વગેરે તેમના નોંધપાત્ર ચરિત્રગ્રંથો છે. તેમના ચરિત્રગ્રંથો નવલકથા જેવા રસાળ અને પ્રેરક હોય છે. કિશોરો માટે ને તેમાંયે ખાસ બાળકો માટે તેમણે ‘અમને શ્રી અરવિંદની વાત કહો’ (1996)માં, શ્રી અરવિંદનું અને ‘બાળકોનાં મધુર માતાજી’(1996)માં શ્રીમાતાજીનું ચરિત્ર વર્ણવ્યું છે. વળી બાળકો માટે તો ‘જ્યોતિપ્રદેશની પરીઓ’ (1993), ‘સુવર્ણભૂમિની શોધમાં’ (1993) જેવું સત્વબોધયુક્ત કથાસાહિત્ય પણ આપ્યું છે. શ્રી અરવિંદ તથા શ્રી આનંદમયી માના જીવનપ્રસંગો અને ચિંતનના ‘જનકલ્યાણ’ નિમિત્તે આઠેક વિશેષાંકો આપીને, તેમની વિચારણાને વિશાળ જનસમુદાય સુધી પહોંચાડી છે. ‘મનનો જમણવાર’ (1-2) પણ આ જ પ્રકારના સુવિચારના વિશેષાંકો છે.
‘શ્રી રામકૃષ્ણ અને શ્રી શારદામણિ’ (1997), ‘સાચું શિક્ષણ’ (શ્રી અરવિંદ અને શ્રી માતાજીના શિક્ષણ–વિષયક વિચારો પર આધારિત, 1998), ‘ચાલો જીવનને આનંદમય બનાવીએ’, ‘ચાલો ભગવાનને મળવા જઈએ’, ‘આપણા દ્યુમાન’, ‘ચાલો કામ કરતાં કરતાં પ્રભુને મેળવીએ’, ‘સમગ્ર જીવન યોગ છે’ વગેરે પણ તેમની સત્વશીલ વિચારણા રજૂ કરતાં પુસ્તકો છે.
તેમની પાસેથી ‘ઊર્ધ્વજીવનની વાર્તાઓ’ (1991) તો ‘નવપ્રભાતનું સ્મિત’ (1992)માં સામાજિક વાર્તાઓ મળી છે.
તેમની પાસેથી આધ્યાત્મિક, સાત્ત્વિક સાહિત્યના અનેક સુંદર અનુવાદો મળ્યા છે; જેવા કે, ‘ધર્મ, ધ્યાન અને સાધના’, ‘શ્રીરામકૃષ્ણની સચિત્ર બોધકથાઓ’ (1984), ‘સાધુ નાગમહાશય’ (1992), ‘શ્રી રામકૃષ્ણ ભક્તમાલિકા’ (ભાગ-1, 1991; ભાગ-2, 1992), ‘ભારતમાં શક્તિપૂજા’, ‘શ્રી માને સાથે રાખજે’, ‘યુગનાયક સ્વામી વિવેકાનંદ’ વગેરે મહત્ત્વના છે.
તેમનું આ સત્વશીલ પ્રદાન વિવિધ સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત થતું રહ્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તેમના ‘વાત્સલ્યમૂર્તિ મા’ને 1978નું ભગિની નિવેદિતા પારિતોષિક (બીજું) અને ‘મૃત્યુને પરમનો સ્પર્શ’ને 1995નો શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક મળ્યાં છે. વળી ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમની ‘પ્રભુનું સ્વપ્ન’ કૃતિને 1979ના જીવનકથા વિભાગમાં દ્વિતીય, ‘પરિવ્રાજકનું પાથેય’ કૃતિને 1981ના જીવનકથા વિભાગમાં દ્વિતીય અને ‘શ્રી રામકૃષ્ણ ભક્તમાલિકા’ને અનુવાદ-વિભાગનું દ્વિતીય પારિતોષિક મળ્યાં છે. અમરેલીના વિવેકાનંદ ભારતી રૂપાયતન ટ્રસ્ટ તરફથી 1996-97નો ‘સુલેખાબહેન શાહ સત્વશીલ સાહિત્ય પુરસ્કાર’ પણ તેમને પ્રાપ્ત થયો છે. 2004માં ‘શ્રીમતી સુભદ્રાકુમારી ચૌહાણ જન્મશતાબ્દી પારિતોષિક’ (પાણીપત) અને ‘શિવાનંદ શતાબ્દી સમન્વય ઍવૉર્ડ’ 2007માં પ્રાપ્ત થયેલ. ગુજરાત સાહિત્યસભા તરફથી ઈ. સ. 2009નો ‘શ્રી ધનજી કાનજી ગાંધી ચંદ્રક’ અર્પણ થયો હતો.
જ્યોતિબહેને લેખન દ્વારા સમાજના આધ્યાત્મિક જ્ઞાનનું અજવાળું પાથર્યું છે. તેઓ થોડો સમય ગાંધીનગરસ્થિત ‘ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી’ સાથે સંકળાયેલાં હતાં. ત્યાં તેઓ બાળકો તથા ‘તપોવન’ યોજના અંતર્ગત માતા બનતી સ્ત્રીઓને ઉપયોગી માર્ગદર્શન આપવાનું સુંદર કાર્ય કરતા હતાં. હાલ ત્યાંથી નિવૃત્ત થઈ, સાત્ત્વિક જીવન ગાળી રહ્યાં છે.
શ્રદ્ધા ત્રિવેદી