થાણા : મહારાષ્ટ્રમાં ઉત્તર કોંકણમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. તે 18° 42’થી 20° 20’ ઉ. અ. અને 72° 45’થી 73° 45’ પૂ. રે. વચ્ચે આવેલો છે. જિલ્લામથકના મૂળ નામ ‘સ્થાનક’ ઉપરથી ‘થાણા’ કે ‘ઠાણે’ નામ પડ્યું છે. થાણાની ઈશાને નાશિક જિલ્લો, પૂર્વ દિશાએ અહમદનગર અને નાશિક જિલ્લા, ઉત્તરે ગુજરાતનો વલસાડ જિલ્લો, દાદરાનગર હવેલીનો તથા દમણનો કેન્દ્રશાસિત પ્રદેશ, અગ્નિખૂણે પુણે જિલ્લો, દક્ષિણે રાયગઢ જિલ્લો તેમજ બૃહદ મુંબઈ અને પશ્ચિમે અરબી સમુદ્ર છે.
જિલ્લાનો કુલ વિસ્તાર 9564 ચોકિમી. જેટલો છે. મહારાષ્ટ્રના કુલ વિસ્તારના 3% અને વસ્તીના 4.2% જેટલું પ્રમાણ આ જિલ્લામાં છે.
તેના કુદરતી વિભાગોમાં જિલ્લાની પૂર્વ સરહદે પશ્ચિમ ઘાટનો ડુંગરાળ વિસ્તાર, વચ્ચે ઉચ્ચપ્રદેશ અને 15 કિમી. પહોળું મેદાન છે. ઉચ્ચપ્રદેશની સરાસરી ઊંચાઈ 400 મી. આસપાસ છે. ડુંગરાળ વિસ્તારની અને ઉચ્ચપ્રદેશની જમીન ધોવાણને લીધે કંકરવાળી અને ઓછી ઉપજાઉ છે, જ્યારે કિનારાના મેદાનની જમીન ફળદ્રૂપ છે અને તે કાંપની બનેલી છે.
જિલ્લાની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ઉનાળામાં સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન 32.9° સે. અને 26° રહે છે, જ્યારે શિયાળામાં તાપમાન 27.7° સે. અને 16.8° સે. રહે છે. દર વર્ષે મેથી ઑક્ટોબર દરમિયાન જિલ્લામાં આશરે 2223 મિમી. વરસાદ પડે છે.
જિલ્લામાં વૈતરણી અને ઉલ્લાસ બે મુખ્ય નદીઓ છે. ત્ર્યંબક પાસેથી નીકળતી વૈતરણી 154 કિમી. લાંબી છે. તેની ત્રણ ઉપનદીઓ સૂર્યા, તાનસા અને વિમલ છે. લોનાવલાથી નીકળતી ઉલ્લાસ નદી વસઈ પાસે થઈ અરબી સમુદ્રને મળે છે.
જ્વાળામુખીના લાવાના બેસાલ્ટ ખડકો ઈયોસીન યુગના અને લેટરાઇટ ખડકો પ્લાયસ્ટોસીન યુગના છે. કિનારાનું મેદાન આધુનિક યુગનું છે. જિલ્લામાં ગરમ પાણીના 33 ઝરા છે, જેમાં વજ્રેશ્વરીનો પણ સમાવેશ થાય છે. બાંધકામનો પથ્થર, કપચી અને રેતી મુખ્ય ખનિજો છે. દરિયાકિનારાના પેટાળમાંથી ગૅસ તથા વસઈના તેલક્ષેત્રમાંથી તેલ મળે છે.
થાણા જિલ્લાના 42% વિસ્તારમાં ઉષ્ણકટિબંધનાં ભેજવાળાં પર્ણપાતી પ્રકારનાં જંગલો છે. જંગલમાં 25% વૃક્ષો સાગનાં છે. બાકીનાં ખેર, વાંસ, મહુડો, આપ્ટો, બાવળ વગેરે છે. ઇમારતી અને બળતણ માટેનું લાકડું, બીડીનાં પાન, મધ, ગુંદર, હરડે વગેરે વન્ય પેદાશ છે.
તેનાં જંગલોમાં વાઘ ઉપરાંત તરસ, વરુ, સાબર, ચીતળ, ભસતું હરણ, વાંદરાં, સસલાં, જંગલી ભુંડ વગેરે વન્ય પશુઓ અને મોર, લાવરી, બટેર, મેના, તેતર, કાળો કોશી, શમા, પીળક, સાતભાઈ વગેરે પક્ષીઓ છે. આ જિલ્લામાં માછીમારોનાં ગામો છે; જેમાં બૂમલાં, પાપલેટ વગેરે વીસ જાતની માછલીઓ મળે છે.
કુલ જમીનના 22% વિસ્તારમાં ડાંગર, નાગલી, કોદરા, કઠોળ, નાગરવેલનાં પાન, વિવિધ ફળો, શાકભાજીની પેદાશ થાય છે. દરિયાકિનારે તાડ અને નારિયેળીનાં વૃક્ષો છે. ભટસાઈ અને સૂર્યા નહેરો દ્વારા તથા તળાવો અને કૂવાઓ દ્વારા સિંચાઈ થાય છે.
મુંબઈમાં વધુ નવા ઉદ્યોગો સ્થાપવા ઉપર પ્રતિબંધ મુકાતાં આ જિલ્લામાં ઉદ્યોગોનો વિકાસ થયો છે. કલ્યાણ, થાણા અને ભીવંડીમાં હાથસાળ અને પાવરલૂમ એકમો ઉપર કાપડ વણાય છે. ગરમ, સુતરાઉ અને રેશમી કાપડની મિલો તથા કાગળ, રંગ અને વાર્નિસ, હજામતની પતરી, ટાઇલ્સ, રેયૉન અને નાયલૉન-યાર્ન, દવા, રસાયણ, રબર, લોખંડ અને પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ, વીજળીનાં સાધનો, કેબલ, બૉબિન-યંત્રો વગેરેનાં કારખાનાં છે. પાલઘર તાલુકામાં મીઠાનો ઉદ્યોગ છે. કાચની બંગડી, નેતર અને વાંસની વસ્તુઓ, કાંસકી વગેરે બનાવવાના ગૃહઉદ્યોગો છે. તારાપુર ખાતે અણુવિદ્યુતમથક છે.
જિલ્લામાં ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સ્પ્રેસ ધોરી માર્ગો તથા રાજ્ય, જિલ્લા અને ગ્રામકક્ષાના માર્ગોની કુલ લંબાઈ 2620 કિમી. અને નગરપાલિકાના માર્ગોની લંબાઈ 541 કિમી. છે. જિલ્લામાં રેલવેની કુલ લંબાઈ 214 કિમી. છે. થાણા, કલ્યાણ, ભિવંડી, ઉત્તાન, વસઈ, અર્નાલા, દાતીવરે, કેલ્વા, માહીમ, અગાશી, તારાપુર અને દહાણુ મચ્છીમારી માટેનાં નાનાં બંદરો છે; જ્યારે 1988–89થી કામ કરતું નેવાશિવા કે જવાહરલાલ નહેરુ બંદર મોટું બંદર છે. જિલ્લામાં ખાતર, ખાતરનો કાચો માલ, અનાજ, સિમેન્ટ વગેરે આયાત થાય છે. ચોખા, રૂ, રસાયણો, દવા વગેરેની નિકાસ થાય છે.
2022 મુજબ જિલ્લાની 1.18 કરોડ વસ્તી પૈકી કેટલાક આદિવાસીઓ અને અનુસૂચિત જાતિના લોકો છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આઝાદી પછી ઉદ્યોગોનું વિસ્તરણ થયું છે. જિલ્લાના 95% લોકો મરાઠી-ભાષી અને 5% લોકો સિંધી અને ગુજરાતી છે.
જિલ્લામથક મુંબઈથી 34 કિમી. દૂર 19° 11’ ઉ. અ. અને 73° 3’ પૂ. રે. સાલસેટની ખાડી ઉપર આવેલું છે. થાણાની વસ્તી 10 લાખ (2022) છે. તેનું સરાસરી ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 37° સે. અને 20° સે. હોય છે. ત્યાં કુલ વાર્ષિક વરસાદ આશરે 2477 મિમી. પડે છે. તે વૃક્ષોથી આચ્છાદિત ટેકરીઓથી ઘેરાયેલું છે. જિલ્લાના મોટા ભાગના ઉદ્યોગો આ નગરમાં કેન્દ્રિત થયા છે. અહીં સાયન્સ, આર્ટ્સ, કૉમર્સ કૉલેજો, મુલોક લાઇબ્રેરી, થાણે મરાઠી ગ્રંથસંગ્રહાલય વગેરે સંસ્થાઓ છે.
પોર્ટુગીઝ સમયનો કિલ્લો, સોળમી અને સત્તરમી સદીનાં ખ્રિસ્તી દેવળો, જૈન અને હિંદુ મંદિરો, જુમા મસ્જિદ, નૂરીબાબાની દરગાહ, યહૂદી દેવળ વગેરે જોવાલાયક સ્થળો છે.
શિવપ્રસાદ રાજગોર