થર્મિટ (thermit) પ્રવિધિ : ઉચિત તત્વમિતીય પ્રમાણ(stoichiometric proportion)માં લીધેલા ધાતુના ઑક્સાઇડ અને ચૂર્ણિત (powdered) કે દાણાદાર ઍલ્યુમિનિયમના મિશ્રણનો ઉપયોગ કરી લોહ અને બિનલોહ (nonferrous) ધાતુઓના વેલ્ડિંગ માટે વપરાતી પદ્ધતિ. તેને ઍલ્યુમિનોથર્મિક પ્રવિધિ પણ કહે છે. તેમાં વપરાતું થર્માઇટ (thermite) મિશ્રણ (વજનથી 1 ભાગ ઍલ્યુમિનિયમ + 3.2 ભાગ લોખંડનો ઑક્સાઇડ) જર્મન વૈજ્ઞાનિક હાન્સ ગોલ્ડશ્મિટે (1895) શોધ્યું હોવાથી તે ગોલ્ડશ્મિટ પ્રવિધિ તરીકે પણ ઓળખાય છે. આ મિશ્રણ કોઈ પણ પ્રકારના વાયુ અથવા જ્યોત વિના સળગે છે અને એક વાર સળગ્યા પછી પ્રક્રિયા સ્વપોષી (self-sustaining) હોવાને કારણે અટકાવવું લગભગ અશક્ય હોય છે. તેને સળગાવવું મુશ્કેલ હોવાથી લગભગ 2000° સે. તાપમાન ઉત્પન્ન કરી શકે તેવા ખાસ પ્રકારના પ્રારંભક (primer) વાપરવા જરૂરી છે. ઊંચા તાપમાને ઍલ્યુમિનિયમ તેનાથી ઓછી સક્રિય એવી અન્ય ધાતુઓના ઑક્સાઇડનું અપચયન (reduction) કરે છે :
3MO + 2Al→ 3M + Al2O3
M2O3 + 2Al → 2M + Al2O3
પ્રવિધિમાં લોખંડ અને ક્રોમિયમ જેવી ધાતુઓના ઑક્સાઇડ અને ઍલ્યુમિનિયમના ભૂકાના મિશ્રણને ઉચ્ચતાપસહ (refractory) અસ્તર ધરાવતા ક્રૂસિબલ જેવા પાત્રમાં લેવામાં આવે છે. આ મિશ્રણ ઉપર વચ્ચેના ભાગમાં બેરિયમ પૅરોક્સાઇડ કે પોટૅશિયમ ક્લોરેટ અને મૅગ્નેશિયમ ધાતુના ભૂકાનું મિશ્રણ મૂકી તેમાં મૅગ્નેશિયમની પટ્ટી ખોસવામાં આવે છે.
આ પટ્ટીને સળગાવવાથી આખું મિશ્રણ ઝડપથી સળગી ઊઠે છે અને ઑક્સાઇડના અપચયનની પ્રક્રિયા 30 સેકન્ડથી 2 મિનિટ જેટલા સમયમાં પૂરી થાય છે. તે દરમિયાન પુષ્કળ ગરમી ઉત્પન્ન થતાં 2500° સે.થી 3000° સે. જેટલું તાપમાન પ્રાપ્ત થાય છે.
Fe2O3 + 2Al = 2Fe + Al2O3 + 185 કિ.કૅલરી
આ તાપમાને મળતી ધાતુ પ્રવાહી સ્વરૂપે પાત્રને તળિયે રહે છે, જ્યારે ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ હલકો હોઈ ઉપરના ભાગમાં તરતો રહી ધાતુને હવા સાથે પ્રક્રિયા કરતાં અટકાવે છે. આ રીતે મળતી ધાતુ 97 %થી 99 % શુદ્ધ અને કાર્બનમુક્ત હોય છે. પણ તેમાં થોડું ઍલ્યુમિનિયમ ભળેલું હોય છે. ક્રૂસિબલની નીચે રાખેલા છિદ્રમાંથી પીગળેલી ધાતુ બહાર કાઢી લેવામાં આવે છે. આ પ્રક્રિયાનો સૌથી વધુ ઉપયોગ મોટા અને સુઘટ્ટ (compact) આડછેદ ધરાવતા રેલવેના પાટા, સળિયા કે અન્ય ભાગોના વેલ્ડિંગ માટે થાય છે. આ માટે ક્રૂસિબલને સીધી પાટાના સાંધા ઉપર ગોઠવીને મિશ્રણ સળગાવવામાં આવે છે, જેથી પીગળેલો રસ સીધો પાટાના સાંધામાં વહી તેમને બરાબર જોડી દે છે. આગ લગાડતા બાબમાં પણ થર્માઇટનો ઉપયોગ થાય છે.
જ. દા. તલાટી