ત્સુનામી : સમુદ્રતળમાં થતા ભૂકંપ(સમુદ્રકંપ–seaquake)થી ઉદભવતા વિશિષ્ટ પ્રકારના ભરતી-તરંગો. તે સમુદ્રસપાટી પરથી વિરાટ ભરતી રૂપે કાંઠા તરફ ધસી આવીને વિનાશકારી બને છે. સમુદ્રમાં નિયમિત આવતી ભરતી કરતાં આ તરંગો ભિન્ન પ્રકારના હોય છે. આ તરંગો સમુદ્રકંપને કારણે ઉત્પન્ન થતા હોવાથી તેમને ભૂકંપીય સમુદ્રતરંગો (seismic sea waves) પણ કહે છે. આ પ્રકારની ઘટના પૅસિફિક મહાસાગરમાં, વિશેષે કરીને જાપાન નજીક અવારનવાર થતી રહેતી હોવાથી જાપાની ભાષામાં ‘ત્સુનામી’ નામે પ્રચિલત બનેલી છે.

ત્સુનામી (ભૂકંપીય સમુદ્રતરંગો) – એક ર્દશ્ય
ભૂકંપ આલેખની સહાયથી વિજ્ઞાનીઓ (ભૂકંપશાસ્ત્રીઓ) અમુક કાંઠે ત્સુનામી ક્યારે ત્રાટકશે તેનું પૂર્વાનુમાન કરી શકે છે. ઉદાહરણ રૂપે, એલ્યુશિયન ટાપુઓ નજીકના સમુદ્રતળ પર ભૂકંપ નોંધાય તો હવાઈ ટાપુઓના કાંઠે ત્સુનામીનો ભય તેઓ કળી જાય છે. એલ્યુશિયન નજીક થયેલા ભૂકંપથી ઉદભવતા ભૂકંપતરંગોને હવાઈ ટાપુ સુધી પહોંચતાં લાગેલા સમયની નોંધ લેવાય છે. એલ્યુશિયન ટાપુ નજીક થયેલા ભૂકંપથી ઉદભવેલા ભૂકંપતરંગો જો ચાર મિનિટમાં હવાઈ ખાતે નોંધાય તો ત્સુનામી ભરતી તરંગો હવાઈમાં ચાર કલાકે પહોંચશે એવી આગાહી થઈ શકે. ખુલ્લા સમુદ્રમાં ઉત્પન્ન થતા ત્સુનામીની તરંગ-લંબાઈ 100થી 150 કિમી. જેટલી રહે છે અને પ્રતિ કલાકે તે 640થી 970 કિમી. વેગથી સફર કરે છે, જોકે પાણીની ઊંડાઈ પ્રમાણે તેના વેગમાં વધઘટ થાય છે. ખુલ્લા સમુદ્રમાં ઉદભવતા આ તરંગો ક્યારેક વીખરાઈ પણ જતા હોય છે. તેમની ઊંચાઈ 1 મીટર કે તેથી ઓછી હોય છે; પરંતુ કાંઠે પહોંચે ત્યારે અને પાણી છીછરું હોય તો તે 30 મીટર જેટલી ઊંચી દીવાલ રચી શકે છે. સમુદ્રમાં થતા આ પ્રકારના જળવંટોળને કારણે ઉદભવતા ભરતીતરંગને વંટોળ-ઉત્સર્ગ (storm surge) પણ કહે છે. પવનનો વેગ, વંટોળની અવધિ, પવન તળેનો સમુદ્રવ્યાપ અને વાયુદાબ મુજબ આ તરંગોના કદમાં ફરક પડે છે. સમુદ્રભરતીના સમયે જ જો તરંગો કાંઠા પર પહોંચે અને ત્રાટકે તો વધારે વિનાશક નીવડે છે. યુ.એસ.માં ટૅક્સાસના ગેલ્વેસ્ટન નગરમાં 1900માં થયેલા વંટોળ-ઉત્સર્ગથી ભારે ખુવારી થયેલી. 1946માં હવાઈમાં હિલો ખાતે ત્સુનામીએ વિઘાતક અસર પહોંચાડેલી. 1970માં બાંગ્લાદેશ(ત્યારે પૂર્વ પાકિસ્તાન)માં ભરતીતરંગો સહિતના ચક્રવાતે 2,66,000 માણસોનો ભોગ લીધેલો; મે, 1985માં ત્યાં જ થયેલી આ જ પ્રકારની દુર્ઘટનામાં 10,000 માણસો મોતને વર્યા હતા. સમુદ્રતળ પર ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે પણ ત્સુનામી ઉદભવી શકે છે; દા. ત., 1883માં ક્રાકતાવમાં થયેલો જ્વાળામુખી વિસ્ફોટ.
2004માં ઇન્ડોનેશિયાના સમુદ્રમાં ભૂકંપ થવાથી ત્સુનામી ઉદભવેલું -(જુઓ ‘સમુદ્રકંપ’ વિશ્વકોશ ગ્રંથ 22). આ ઉપરાંત 11 માર્ચ, 2011માં જાપાનના ઈશાનકાંઠે પ્રચંડ મોજાં ઉદભવેલાં, જેનાથી પુષ્કળ વિનાશ થયેલો.
બંસીધર શુક્લ