થડના રોગો : વિવિધ પ્રકારના રોગજનક (pathogenic) જીવાણુઓ, ફૂગ અને કીટકો દ્વારા થતા થડના રોગો. થડને થતા જાણીતા રોગોમાં કોહવારો, ચાઠાં, રસઝરણ અને જીવાતના રોગોનો સમાવેશ થાય છે.

થડનો કોહવારો : આ રોગ પિથિયમ, ફાઇટોફ્થોરા, રહાઇઝોક્ટિનિયા અને ફ્યુઝેરિયમ જેવી ફૂગ દ્વારા થાય છે. આ ફૂગ થડમાં પ્રવેશી તેની પેશીઓમાં સડો ઉત્પન્ન કરે છે. તેથી પર્ણો પીળાં પડે છે. પર્ણો અને ફળ પરિપક્વ બનતાં પહેલાં ખરી પડે છે. અંતે, સમગ્ર વનસ્પતિ સુકાઈ જાય છે. આ પ્રકારનો રોગ પપૈયાં, ધરુ, આદું વગેરેને થાય છે.

આ રોગના જનકો ભૂમિનિવાસી (soil inhabitant) હોય છે. ભૂમિમાં વધારે પડતા ભેજથી વનસ્પતિને સડો થાય છે. કૃષિવિદે ભલામણ કરેલી પદ્ધતિએ વાવણી કરવાથી પાકને થતો સડો ટાળી શકાય છે. આ રોગને કાબૂમાં લેવા જલનિકાસ (drainage) સારો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. રોગની શરૂઆતમાં વનસ્પતિના થડની ફરતે તાંબાયુક્ત દવાનું દ્રાવણ રેડવામાં આવે છે.

ચાઠાંનો રોગ : આ રોગ રોગજનક જીવાણુઓ કે ફૂગના સંક્રમણ(infection)ને લીધે થાય છે. તેથી થડના સંક્રમિત વિસ્તારની પેશીઓ મૃત્યુ પામે છે અને તેને સ્થાને ચાઠાં ઉત્પન્ન થાય છે. કપાસના થડનો કાળિયો અથવા કાળાં ટપકાંનો રોગ અને બટાટાના કાળા પગનો રોગ ચાઠાંના રોગનાં જાણીતાં ઉદાહરણો છે.

કપાસને થતો કાળાં ટપકાંનો રોગ Xanthomonas malvecearum જીવાણુ દ્વારા થાય છે. તે સંક્રમિત ભાગમાં ઘેરાં ભૂખરાં કે કાળાં લંબચોરસ પટ્ટી જેવાં ચાઠાં ઉત્પન્ન કરે છે. આ ચાઠાં અનુકૂળ વાતાવરણમાં થડની ફરતે પ્રસરે છે. તેથી છોડ ચીમળાઈને સુકાઈ જાય છે. થડ ઉપરાંત, આ રોગ પર્ણો અને ફળને પણ ઉપદ્રવ કરે છે.

બટાટાના થડ પર Erwinia carotavora નામના જીવાણુ સંક્રમણ કરે છે. તેથી છાલ ચીમળાઈ જઈ કાળા રંગની બને છે અને કાળા પગ જેવી દેખાય છે. રોગિષ્ઠ કટકાઓના રોપણથી નવો છોડ ઊગતો નથી, અથવા ઊગે તોપણ બહાર નીકળી મૃત્યુ પામે છે.

આ રોગના નિયંત્રણ માટે બીજને પારાયુક્ત અથવા પ્રતિજૈવિક દવાની માવજત આપી વાવણી કરવામાં આવે છે. જો વનસ્પતિને રોગનાં ચિહનો જણાય તો 10–15 દિવસના આંતરે બેથી ત્રણ વાર પ્રતિજૈવિક દવાનો છંટકાવ કરવામાં આવે છે.

થડનો રસઝરણનો રોગ : કેટલીક વનસ્પતિના થડમાં રોગજનક ફૂગ પ્રવેશવાથી પેશીઓમાં સડો થાય છે અને દેહધાર્મિક ક્રિયાઓમાં અવરોધ ઉત્પન્ન થતાં તેના સંક્રમિત ભાગમાંથી રસ ઝરે છે. નારિયેળીના થડમાંથી થતું રસઝરણ અને લીંબુનો ગુંદરિયો જાણીતાં ઉદાહરણો છે.

નારિયેળીના થડ પર ચડવા માટે કરેલા છેદ અથવા કુદરતી કે કૃત્રિમ રીતે પડેલી તિરાડો દ્વારા સિરેટોસ્ટોમેલા પૅરેડૉક્સા નામની રોગજનક ફૂગ તેની પેશીઓમાં પ્રવેશ કરે છે. સંક્રમિત પેશીઓમાં સડો થવાથી પ્રવાહીમય રસ બહાર આવે છે. તેના રેસાઓ છૂટા પડી જતાં થડ પોલું બને છે. તેની વૃદ્ધિ નબળી પડવાથી તેનું ઉત્પાદન દર વર્ષે ઘટતું જાય છે.

લીંબુના ગુંદરિયાનો રોગ ફાઇટોફ્થોરા પ્રજાતિ દ્વારા થાય છે. તે ભૂમિની નજીકથી થડમાં પ્રવેશે છે અને વૃદ્ધિ પામે છે. તેથી થડના સંક્રમિત પ્રદેશમાંથી ગુંદર જેવું પ્રવાહી બહાર આવે છે અને બાહ્ય સપાટીએ સુકાઈને ચોંટેલું રહે છે. આ રોગને કાબૂમાં લેવા તાંબાયુક્ત દવાનો મલમ બનાવી થડ અને ઉપરની જાડી ડાળીઓ પર ચોમાસા પહેલાં  અને ચોમાસા બાદ લગાવવામાં આવે છે.

થડની જીવાત : રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના કટુઈડી કુળની ફૂદાંની ઇયળ દ્વારા બટાટા, તમાકુ, વટાણા, ચણા, કપાસ, ટમેટાં, રજકો, મરચી, રીંગણી અને બીજી શાકભાજીને અત્યંત નુકસાન પહોંચે છે. તેની ઇયળ 18 મિમી. લાંબી અને રંગે કાળી હોય છે. તેને સહેજ અડકવાથી તે ગૂંચળું વળી જાય છે. આ ઇયળો દિવસ દરમિયાન છોડના થડની નજીક જમીનમાં ભરાઈ રહે છે અને રાત્રિના સમયે બહાર આવીને નાના છોડના થડને જમીનની નજીકથી કાપી નાખે છે અને કુમળાં પાન તેમજ કૂંપળો ખાય છે. છોડના કપાઈ જવાથી 12 %થી 35 % જેટલું નુકસાન નોંધાયેલું છે. શિયાળામાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી તેનો ઉપદ્રવ વધારે હોય છે. એક વર્ષ દરમિયાન તેની બે પેઢી થાય છે.

જીવાતને કાબૂમાં લેવા માટે આંતરખેડ તથા છોડની આજુબાજુ ગોડ કરવી પડે છે. ખેતરમાં જુદી જુદી  જગાએ ઘાસની નાની ઢગલીઓ મૂકવાથી ઇયળો દિવસ દરમિયાન તેમાં સંતાઈ રહે છે. તેથી સવારે આ ઢગલીઓનો ઇયળો સહિત નાશ કરવામાં આવે છે. ખેતરમાં પાણી આપવાથી ઇયળો પાણી પર તરી આવે છે અને પક્ષીઓ તેનું ભક્ષણ કરે છે. સાંજના સમયે થડની આજુબાજુ મિથાઇલ પેરાથીઓન 2.0 % અથવા ક્વિનાલફૉસ 1.5 % ભૂકી રૂપે હેક્ટરદીઠ 25 કિગ્રા. પ્રમાણે છાંટવાથી સારું પરિણામ મળે છે.

આ ઉપરાંત મેટારબિલિડી કુળની ફૂદાંની છાલ કોરી ખાતી ઇયળ જામફળી, દાડમ, આંબળાં, બોર, ગુલમોર, ગરમાળો, લીંબુ, આંબા, જાંબુ, લીચી, રેઇન ટ્રી અને બીજાં વૃક્ષોને નુકસાન પહોંચાડે છે. પુખ્ત ઇયળ 37.0થી 50.0 મિમી. લાંબી, બદામી રંગની અને કાળા માથાવાળી હોય છે. આ ઇયળ–અવસ્થા 10થી 11 માસની હોય છે. કોશેટાની અવસ્થામાં પણ તે થડમાં પાડેલા કાણાની અંદર રહે છે. એક વર્ષમાં તેની એક જ પેઢી થાય છે. આ ઇયળો થડની કે ડાળીની છાલ ખાવાનું શરૂ કરી તેમાં કાણું પાડે છે. દિવસ દરમિયાન હગાર, છાલનો વહેર વગેરેનાં જાળાં બનાવી તેમાં ભરાઈ રહે છે અને રાત્રિના સમયે છાલ ખાય છે. દિવસે કાણામાં ભરાઈને તેને ઊંડું કરે છે. થડ પર કે ડાળી પર જાળાંની હાજરી તેના ઉપદ્રવની નિશાની છે. ડાળીઓના સાંધામાં ઉપદ્રવ થતો હોવાથી ડાળીઓ ભાંગી પડે છે. ઉપદ્રવ વધારે હોય તો આખું વૃક્ષ સુકાઈ જાય છે.

આ જીવાતનું નિયંત્રણ કરવા માટે થડ અને ડાળીઓ પર બનાવેલાં જાળાં કાઢી નાખવામાં આવે છે. ઇયળે બનાવેલા કાણામાં 1.0 મિલિ. જેટલું કેરોસીન નાખી ચીકણી માટીથી કાણું બંધ કરી દેવામાં આવે છે.

પરબતભાઈ ખી. બોરડ

હિમંતસિંહ લાલસિંહ ચૌહાણ