ત્વચાનિરોપણ (skin graft) : શરીરના એક ભાગમાંથી ચામડી અને તેનાં ઉપલાં પડોને છોલની માફક ઉપાડીને શરીરના અન્ય ભાગ પર ચોટાડવાં તે. તેમાં ત્વચા(dermis)ના કેટલાક ભાગને અને અધિત્વચા(epidermis)ને નિરોપ રૂપે વાપરવામાં આવે છે. દાઝી જવાથી, ઈજા થવાથી કે શસ્ત્રક્રિયા પછી ચામડી વગરની સપાટીઓ પર ચામડી ચોંટાડવાની પ્રક્રિયા જરૂરી બને છે.
ત્વચા શરીરનો મોટામાં મોટો અવયવ ગણાય છે. તે શરીરને રક્ષણ, દેખાવ તથા પોષણ (વિટામિન ડીનું ઉત્પાદન) આપે છે. તેનો નાશ થાય ત્યારે ચેપ તથા પ્રવાહી અને ક્ષારોની ઊણપ ઉદભવે છે, જે જીવનને માટે જોખમરૂપ બની શકે છે. તેથી મોટા વિસ્તારો પર ચામડીનો નિરોપ મૂકવો જરૂરી બને છે. ત્વચા-નિરોપણ એ પુનર્રચનાલક્ષી (plastic) શસ્ત્રક્રિયાનો મહત્વનો વિભાગ છે. નિરોપ માટે છૂટી પડાતી ચામડીના ભાગની નસો કપાઈ જતી હોવાથી તે તેની સફળતાથી ચોંટવાની પ્રક્રિયામાં સ્વીકારક વિસ્તાર(નિરોપસ્થાન)નું રુધિરાભિસરણ પૂરતું અકબંધ હોવું જરૂરી હોય છે. સામાન્ય રીતે તે માટે ચામડીના આવરણ વગરની અને ખુલ્લી થઈ ગયેલી કેશવાહિનીઓવાળી પેશીની સપાટી પર નિરોપ સફળતાથી ચોંટે છે. આવી સપાટીવાળી પેશીને કણિકાદાર પેશી (granulation tissue) કહે છે. તે સમયે નિરોપ પેશીની સપાટી પર બરાબર અડાડીને મૂકવામાં આવે છે. આવી રીતે મુકાયેલા નિરોપનું પોષણ શરૂઆતમાં અંત:શોષણ(imbibition)ની પદ્ધતિએ થાય છે અને તેમાં ત્યારબાદ ધીમે ધીમે નવી કેશવાહિનીઓ બનીને રુધિરાભિસરણ સ્થાપિત કરે છે. આ પ્રક્રિયાને નિરોપગ્રહણ (graft taking) કહે છે. તે સમયે પૂરતો નિરોપ સહેજ પણ ખસી ન જવો જોઈએ તે ખાસ જોવાય છે. તે માટે હાથપગમાં સપાટીને ગોળ ફરતી પાટાપિંડી કરાય છે જ્યારે ચહેરા પર પ્લાસ્ટિકના સ્થાપક(stent)ની મદદથી નિરોપને યથાસ્થાને ચોંટાડી રખાય છે. દર્દીનું હલનચલન ઘટાડાય છે; ક્યારેક હાથપગ પ્લાસ્ટરમાં મુકાય છે. નિરોપના સ્થળે ચેપ ન હોય તે જરૂરી ગણાય છે. સ્યુડોમોનાસ કે સ્ટ્રૅપ્ટોકોકસ જીવાણુઓ(bacteria)ની સંખ્યા જો 105 જીવાણુ/ગ્રામ પેશીથી વધુ હોય તો નિરોપનું ચોંટવું શક્ય બનતું નથી.
પાતળા નિરોપ સહેલાઈથી ચોંટે છે. નિરોપ માટેના ચામડીના છોલ-પડ (splitthickness)ને ત્વચાછેદક (dermatome) વડે કે સાદા હાથચપ્પા વડે લઈ શકાય છે. ક્યારેક નિરોપને કાપીને જાળી (mesh) જેવો બનાવાય છે. આવો જાળી જેવો નિરોપ વધુ સપાટી પર પાથરી શકાય છે અને તેનાં છિદ્રોમાંથી ઘાનું બહિસ્રાવી (exudative) પ્રવાહી બહાર આવી જાય છે. નિરોપ સંકોચાય છે અને તેના પર અધિચ્છદીકરણ(epithelization)ની પ્રક્રિયા દ્વારા અધિચ્છદ(epithelium)ના કોષો પાતળું આવરણ બનાવી દે છે.
ચામડીના નિરોપ મુખ્યત્વે બે પ્રકારના છે : છોલપડ કે અંશત: પડનિરોપ(split thickness graft) અને પૂર્ણ ચર્મ અથવા પૂર્ણપડ નિરોપ (full thickness graft). નિરોપ-છોલપડની જાડાઈ પ્રમાણે તેમને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે (આકૃતિ-1) : (1) પાતળા (2.5 મિમી 4.5 મિમી), (2) મધ્યમ (4.5 મિમીથી 10 મિમી.) તથા (3) જાડા (10 મિમી.થી 15 મિમી). પૂર્ણચર્મ નિરોપમાં આખી ચામડીનો ઉપયોગ કરાય છે. જ્યારે છોલપડમાં ચામડીના કૂણા ઉપલા પડનો જ ઉપયોગ કરાય છે તેથી છોલપડ-નિરોપમાં ત્વચાનો કેટલોક ભાગ અને અધિત્વચા હોય છે જ્યારે પૂર્ણચર્મનિરોપમાં અધિત્વચા ઉપરાંત અંકુરિત (papillary) અને તનુતાન્ત્વિક (reticular) ત્વચા પણ લેવામાં આવે છે. પાતળાં છોલપડ જલદીથી ચોંટે છે. પૂર્ણચર્મ-નિરોપમાં વધુ જાડાઈ હોય છે અને તેથી તેમની ચયાપચયી (metabolic) જરૂરિયાત વધુ હોય છે. તેથી તેમની ત્વચાગ્રહણની પ્રક્રિયા વિશેષ રૂપની બને છે. સામાન્ય રીતે તે શસ્ત્રક્રિયાના ઘા, ચામડીના રંગમેળની જરૂરિયાત, લાંબા સમય સુધીનો કાર્યકાળ કે રૂઝપેશીનું સંકોચન અટકાવવાનું હોય ત્યારે તે વપરાય છે. આ પ્રકારના પૂર્ણચર્મનાં પડ મેળવવા માટે કોઈ વિશિષ્ટ સાધન હોતું નથી. સામાન્ય રીતે કાનની પાછળનો ભાગ, ઉપલું પોપચું, જાંઘ (groin) તથા કેડની બાજુ પરનો ભાગ (flank) આ પ્રકારના પૂર્ણચર્મનિરોપ માટેની ચામડી પૂરી પાડે છે. ક્યારેક ચામડી ઉપરાંત કાસ્થિ (cartilage) કે કેશમૂળ(hair follicle)ને પણ સ્વીકારક જગ્યાએ લઈ જવાનાં હોય ત્યારે સંયોજી નિરોપ(composite graft)નો ઉપયોગ કરાય છે; દા. ત., નાકના બહારના ભાગના પુનર્ગઠનમાં કાનનો કાસ્થિવાળો ભાગ નિરોપ તરીકે વાપરી શકાય. આવા નિરોપમાં સ્વીકારક સ્થાને પુષ્કળ રુધિરાભિસરણ અને વાહિનીકરણ (vascularization) થયેલું હોવું જરૂરી ગણાય છે.
ત્વચાનિરોપના અવેજીનિરોપ (skin graft substitute) : દાઝી જવાથી કે અન્ય ઈજાથી ખુલ્લા થઈ ગયેલા વિશાળ વિસ્તારોમાં ચેપ લાગી જવાનો પુષ્કળ ભય રહે છે. વળી તેમાંથી પાણીનું બાષ્પીભવન થઈ જાય છે અને પ્રોટીન બહિ:સ્રાવમાં વહી જાય છે. આવા સ્થળે પૂરતા પ્રમાણમાં નિરોપ માટે ચામડી ન મળે તો અવેજી નિરોપનો ઉપયોગ કરાય છે. વિવિધ અવેજી નિરોપ ઉપલબ્ધ હોય છે, જેમ કે દર્દીનાં સગાંની ચામડી, મૃત શરીરની ચામડી, એલોપ્લાસ્ટિક શીટ, કૃત્રિમ અથવા સંશ્લેષિત (synthetic) ચામડી, કોલેજન વાદળી (collagen sponge), એમ્નિઓટિડ મેમબ્રેન બાયોબ્રેન વગેરે. મૃત શરીરની છોલપડ રૂપે લેવાતી ચામડી સૌથી સારો અવેજી નિરોપ ગણાય છે. તે ઝડપથી સ્થાપિત થાય છે, પરંતુ ટૂંકા સમય માટે જ ઉપયોગી રહે છે. 2થી 3 અઠવાડિયાં પછી શરીરની પ્રતિરક્ષાક્રિયા તેનો અસ્વીકાર (rejection) કરે છે. અને તેથી તેવો નિરોપ નીકળી જાય છે. આવા મૃતત્વચાનિરોપને અતિશીત (frozen) દશામાં સંગ્રહી શકાય છે અને મોટા ઘાવ, મોટા દાહવિસ્તારો તથા શિરાઓ પર થતાં ચાંદાંના જૈવિક આવરણ (biologic dressing) રૂપે વપરાય છે. 3થી 6 અઠવાડિયાં માટે ‘બાયોબ્રેન’ નામની સંશ્લેષિત ચામડી પણ વપરાય છે. તેની નીચે ત્વચા રૂપે કોલેજન વાદળી વપરાય છે. અધિચ્છદના કોષોનું સંવર્ધન (culture) કરીને મોટા દાહવિસ્તારોને ઢાંકવાના પ્રયત્નો કરાય છે. સામાન્ય રીતે વપરાતા ત્વચાનિરોપ ખુલ્લાં હાડકાં કે કાસ્થિ(cartilage) પર ચોંટતા નથી; તેથી તે સ્થળે ચર્મપટ્ટા(skin flap)નો ઉપયોગ કરાય છે.
ત્વચાનિરોપણ પછી રખાતી કાળજી : નિરોપવાળા વિસ્તારને ચીકાશવાળો રાખવા માટે વૅસેલિન કે નારિયેળના તેલ વડે હળવે હાથે માલિસ કરવાનું સૂચવાય છે. તે સહેજ ‘બહેરી’ ચામડી હોય છે અને તેથી દાઝી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. હાથપગના સાંધાના ભાગમાં નિરોપિત ચામડી સંકોચાઈ ન જાય માટે દબાણ રાખી શકે તેવાં ખાસ બનાવેલાં મોજાં કે પટ્ટા પહેરાવવામાં આવે છે. ખંજવાળ ન આવે તે માટે ક્યારેક ઍન્ટિહિસ્ટામિનિક દવાઓ અપાય છે. નવશેકા પાણી વડે સ્નાન કરતી વખતે હળવે હાથે તે ભાગને સાબુથી સાફ કરાય છે. એક વખત રૂઝ આવ્યા પછી નિરોપવાળા સ્થાનને ચોખ્ખું રાખવા માટે સ્નાન કરવું આવશ્યક છે.
શિલીન નં. શુક્લ