ત્વકીય રુધિરછાંટ (purpura) : ચામડીના નીચે વહી ગયેલા લોહીના નાના નાના છાંટાવાળા વિસ્તારોનો વિકાર. તેને રુધિરછાંટ પણ કહે છે. મોં તથા અન્ય પોલા અવયવોની અંદરની દીવાલની શ્લેષ્મકલા(mucosa)ની નીચે પણ આવી રુધિરછાંટ થાય છે. લોહી વહેવાના વિકારને રુધિરસ્રાવ(haemorrhage)નો વિકાર કહે છે. તેના બે વિભાગ છે : રુધિરવહનનો વિકાર (bleeding disorder) અને રુધિરગંઠનનો વિકાર (clotting discorder). આ બંને ઉપપ્રકારોને સંયુક્ત રૂપે રુધિરસ્રાવ(haemorrhage)નો વિકાર કહે છે. લોહીમાંના ગંઠનઘટકો (coagulation factors) નામનાં પ્રોટીનોની ઊણપમાં રુધિરગંઠન વિકારો થાય છે. લોહીની નસોના વિકારો કે ઈજામાં તથા લોહીમાંના ગંઠનકોષો(platelets)ના વિકારોમાં રુધિરવહનનો વિકાર થાય છે. રુધિરવહનના વિકારમાં રુધિરછાંટ થાય છે.

રુધિરછાંટ શરૂઆતમાં લાલ રંગની હોય છે. તે સમય જતાં ગાઢા રંગની બને છે અને જાંબુડિયા રંગની થઈને ઝાંખા છીંકણી પીળા રંગની થાય છે. ત્યારબાદ મોટેભાગે તેનો ડાઘ જતો  રહે છે. પરંતુ ક્યારેક ત્યાં કાયમી રૂપે રંજકદ્રવ્ય (pigment) જમા થઈ જાય તો ડાઘા રહી જાય છે.

રુધિરવહનના વિકારો સામાન્ય રીતે કૌટુંબિક કે વારસાગત હોતા નથી અને તે મોટેભાગે સ્ત્રીઓમાં થાય છે. તેમાં ચામડીમાં કે શ્લેષ્મકલામાં રુધિરછાંટ કે મોટાં રુધિરચકામાં (ecchymosis) થાય છે. ક્યારેક નાકમાંથી કે પેશાબ વાટે લોહી વહે છે. ગંઠનકોષોની સંખ્યામાં ખૂબ ઘટાડો થયેલો હોય તો મગજમાં પણ લોહી ઝમે છે; પરંતુ હાડકાંના સાંધાઓમાં લોહી વહેતું જોવા મળતું નથી. રુધિરગંઠનના વિકારો ઘણી વખત વારસાગત હોય છે; મુખ્યત્વે પુરુષોમાં થાય છે તથા અવયવો, સ્નાયુઓ અને સાંધાઓમાં લોહી ઝમે છે. ઈજા પછી થોડા સમયે લોહી ઝમવાનો વિકાર થાય છે, જે લાંબા સમય સુધી સતત રહે છે. અને તે સ્થળે દબાણ આપવાથી લોહી ગંઠાતું નથી. રુધિરવહનના વિકારમાં ઈજા પછી તરત લોહી વહેવા માંડે છે. અને તે ઈજાના સ્થળે દબાણ આપવાથી અટકે છે. રુધિરવહનકાળ (bleeding time) નામની કસોટી ફક્ત રુધિરવહન વિકારોમાં જ વિષમ બને છે. રુધિરગંઠનના વિકારોમાં પ્રોથૉમ્બિનકાળ, પાર્શિયલ થ્રૉમ્બોપ્લાસ્ટિનકાળ, ગઠન સંકોચન (clot retraction) થ્રોમ્બિનકાળ વગેરે વિવિધ કસોટીઓ નિદાનસૂચક બને છે.

સારણી 1 : લોહીના વહેવાના રોગોના નિદાનભેદમાં વપરાતી મુખ્ય કસોટીઓ

  વિકાર ગંઠન

કોષોની

સંખ્યા

રુધિર

ગંઠન

કાળ

ગઠન

સંકોચન

પ્રોથ્રો

મ્બિન

કાળ

એક્ટિવેટેડ

પાર્શિયલ

થ્રોમ્બોપ્લા

સ્ટિનકાળ

થ્રોમ્બિન

કાળ

0 સામાન્ય

સ્થિતિ

2.5થી

4 લાખ

દર 1

ઘન-

મિમી.

9 મિનિ-

ટથી

ઓછો

સામાન્ય 12

સેકન્ડ

33થી 45

સેકન્ડ

નિયંત્રિત

મૂલ્ય

કરતાં 3થી

5 સેકન્ડ

વધુ

1 ગઠનકોષો

ઊણપ

ઓછી વધુ નહિવત્ સામાન્ય સામાન્ય સામાન્ય
2 નસોનો

વિકાર

સામાન્ય વધુ સામાન્ય સામાન્ય સામાન્ય સામાન્ય
3 ગઠન-

કોષોની

અલ્પ

ક્રિયા-

શીલતા

સામાન્ય વધુ સામાન્ય

અથવા

નહિવત્

સામાન્ય સામાન્ય સામાન્ય
4 રુધિર-

ગંઠનનો

વિકાર

સામાન્ય વધુ

અનિશ્ચિત

સામાન્ય સામાન્ય સામાન્ય

અથવા

વધુ

સામાન્ય

અથવા

વધુ

5 ફાઇબ્રિનો-

જન(તનુ-

તંતુજનક)-

નો વિકાર

સામાન્ય અનિશ્ચિત સામાન્ય સામાન્ય સામાન્ય વધુ
6 યકૃત

(liver)-

ના રોગ,

DIC*

સામાન્ય

પણે

ઓછી

અનિશ્ચિત

ક્યારેક

વધુ

નહિવત્ ક્યારેક

વધુ

વધુ વધુ

*DIC = વ્યાપક અંતર્વાહિની ગઠનશીલતા (disseminated intravascular coagulation – DIC)

વિવિધ દવાઓની આડઅસરો રૂપે તથા રસાયણોની ઝેરી અસર રૂપે ગંઠનકોષોની સંખ્યા ઘટે છે.

સારણી 2 : ગઠનકોષો(platelets)ની સંખ્યા ઘટાડતાં કેટલાંક રસાયણો અને ઔષધો

પ્રવિધિ ઉદાહરણ
1 અસ્થિમજ્જા(bone-

marrow)માં

ઘટેલું ઉત્પાદન

કૅન્સર સામે વપરાતી મોટા ભાગની દવાઓ,

બેન્ઝિન, વિકિરણન(radiation),

ક્લૉરેમ્ફેનિકોલ, સોનાનાં રસાયણો,

હાયોન્ટોઇન, ફિનાયલબ્યૂટેઝાન, ક્વિનાક્રિન,

ક્લૉરથાયેઝાઇડ્ઝ, ઇથેનાલ ટોલ્બ્યૂટેમાઇડ

2 પ્રતિરક્ષાલક્ષી

(immunologic)

વિકાર

એસેટાઝોલેમાઇડ, કાર્બામેઝેપિન,

ક્લૉરપ્રોપેમાઇડ, ડેઝીપ્રેમિન, ડિજોક્સિન,

સોનાના ક્ષારો, હાઇડ્રૉક્સિક્લૉરોક્વિન,

મિથાઇલ-ડોપા, પૅરાએમાયનોસેલિસિલિક

ઍસિડ, ફેનિટોઇન, ક્વિનિડિન, ક્વિનિન,

રિફામ્પિન, સ્ટિવોફેન, સલ્ફામિથેઝિન,

સલ્ફાયાયેઝોલ.

3 લોહીમાંના ગંઠન-

કોષોને સીધી ઈજા

હિપેરિન, રિસ્ટોસેટિન
4 અન્ય અથવા

અનિશ્ચિત પ્રવિધિ

એસેટાઍમિનોફેન, એમાયનોપાયરિન,

એસ્પિરિન, બાર્બીચ્યુરેટ્સ, બિસ્મથ,

કાર્બુરેમાઇડ, સિફેલોયિન, ક્લૉરોક્વિન,

ક્લૉરફીનેરેમાઇન, મેલિએટ, ક્લૉરપ્રોમેઝિન,

કોડિન, ડેક્સટ્રોએમ્ફેટેમાઇન, ડાયાક્ઝોસાઇડ,

ડિજિટાલિસ,ડાયસ્લફિરામ, અર્ગર,

એરિથ્રોસિન, જંતુનાશકો, આયોપેનોઇક

ઍૅસિડ, આયસોનિઆઝાઇડ, મેપેરિડિન,

મેપ્રોબેમેટ, પારાનાં રસાયણો, કેટલાક વાળ

રંગવાના રંગો, નાઇટ્રોગ્લિસરિન, પેનિસિલીન,

ફિનેસેટિન, ફિનાયબ્યૂટેઝોન, પોટાશિયમ

આયોડાઇડ, પ્રોમિથેઝિન, પાયરિઝીનેમાઇડ,

રેઝરપીન, સ્ટ્રૅપ્ટોમાયસિન, સલ્ફોનેમાઇડ્સ,

ટેટ્રાસાઇક્લિન, કોટ્રાઇમેક્ઝેઝોલ વગેરે.

આ ઉપરાંત ગંઠનકોષોના ઘટેલા ઉત્પાદન કે ઘટેલા જીવનકાળને કારણે પણ ગંઠનકોષોની સંખ્યા ઘટે  છે.

સારણી 3 : ગંઠનકોષોની સંખ્યા ઘટાડતા કેટલાક મુખ્ય વિકારો

પ્રકાર ઉદાહરણ
1 ઉત્પાદનમાં ઘટાડો અસ્થિમજ્જાના રોગો, અસ્થિમજ્જામાં અયથાર્થ

(ineffective) ઉત્પાદન

2 ઘટેલો જીવનકાળ પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાઓ કે રસાયણોની ઝેરી

અસરથી વધેલો નાશ, વધુ પડતો વપરાશ અથવા

મોટી થયેલી બરોળમાં થતો વધારાનો નાશ.

3 મંદ સાંદ્રતાજન્યતા

(dilutional)

ઓછા ગઠનકોષોવાળું લોહી વધારે પ્રમાણમાં

આપીને દર્દીના લોહીમાં ગઠનકોષોની સાંદ્રતા

(concentration) ઘટે ત્યારે.

સારણી 4 : ગંઠનકોષોની કાર્યક્ષમતા ઘટાડતી દવાઓ

  જૂથ ઉદાહરણ
1 પીડાનાશક એસ્પિરિન, ઇન્ડોમિથેસિન
2 જીવાણુનાશક નાઇટ્રોકયુરેન્ટોઇન, પેનિસિલિનો, સલ્ફીનપાયરેઝોન
3 કૅન્સરવિરોધી વિન્કાઆલ્કેલોઇડ જૂથ
4 અન્ય કલોરપ્રોપેઝિન, ક્લોફિબ્રેટ, ઈથેનોલ, હાઇડ્રૉક્સિ-

ક્લૉરોક્વિન, અલ્પઅણુભારિત ડેકસ્ટ્રાન,

ટ્રાયસાક્લિક એન્ટિડિપ્રેસન્ટ્સ, સીફેલોસ્પોરીન

આમ, વિવિધ રોગો અને વિકારોની સૂચક તપાસ પણ નિદાન માટે અગત્યની ગણાય છે. કેટલીક દવાઓ ગંઠનકોષોની કાર્યક્ષમતા ઘટાડે છે.

ગંઠનકોષોની સામાન્ય સંખ્યા 2.5થી 4 લાખ/ઘન મિમી.  છે; પરંતુ 1,00,000/ઘન મિમી. થી ઓછી સંખ્યામાં જ્યારે તે હોય ત્યારે જોખમી પ્રકારનો રુધિરસ્રાવ થાય છે. 50,000/ ઘન મિમી.થી ઓછા ગંઠનકોષો હોય ત્યારે  ચોક્કસ માપન માટે ફેઝ માઇક્રોસ્કોપીની પદ્ધતિ વપરાય છે. ગંઠનકોષોની ઊણપ, તેમની અલ્પ કાર્યક્ષમતા, ફોન-વિલિબ્રાન્ડનો રોગ કે નસોના વિકારમાં રુધિરવહનકાળ 9 મિનિટથી વધે છે. એસ્પિરિન પણ રુધિરવહનકાળ વધારે છે અને જો સાથે મદ્યપાન કરવામાં આવતું હોય તો તે વધુ લંબાય છે. ગંઠનકોષોની સંખ્યાના ઘટાડામાં દવાઓ, રસાયણો, અસ્થિમજ્જાના રોગો તથા  અજ્ઞાતમૂલ કે પ્રતિરક્ષાલક્ષી ગંઠનકોષ અલ્પતાજન્ય રુધિરછાંટ (idiopathic or immunologic thrombocytopenic purpura, ITP) મુખ્યત્વે જોવા મળે છે. કારણભૂત મૂળ રોગની સારવાર તથા નુકસાનકારક દવા કે રસાયણથી દૂર થવાની ક્રિયા મહત્વના ઉપચારો છે. પ્રતિરક્ષાલક્ષી (immunological) વિકારોમાં કોર્ટિકોસ્ટીરોઇડ અપાય છે. ગંઠનકોષોની ઊણપને ટૂંકા ગાળા માટે ઘટાડવા માટે ગંઠનકોષોને નસ વાટે ચઢાવાય છે.

પ્રતિરક્ષાલક્ષી ગંઠનકોષ અલ્પતાજન્ય રુધિરછાંટ (immune thrombocytopenic purpura, ITP) : તેને અગાઉ અજ્ઞાતમૂલ (idiopathic) વિકાર મનાતો હતો. હાલ પણ અજ્ઞાતમૂલ વિકારમાંના 85 % દર્દીઓને પ્રતિરક્ષાલક્ષી વિકાર હોય છે. આવા દર્દીઓમાં અસ્થિમજ્જાનો કોઈ પ્રસંગ ઉદભવેલો હોતો નથી. તેના બે પ્રકાર છે : ઉગ્ર (acute) અને દીર્ઘકાલી (chronic). બંને પ્રકારોમાં અસ્થિમજ્જા(bone marrow)માં ગંઠનકોષજનક મહાકેન્દ્રીકોષો-(megakaryocytes)ની સંખ્યા વધે છે, લોહીમાં ગંઠનકોષોનો જીવનકાળ અને સંખ્યા ઘટે છે. શરીર પર રુધિરછાંટ તથા રુધિરગઠનનાં અન્ય લક્ષણો ઉદભવે છે તથા બરોળ મોટી થયેલી હોતી નથી. લોહીમાં ફરતા ગંઠનકોષો સાથે 1gG અને 1gM પ્રકારનાં પ્રતિદ્રવ્યો (antibodies) જોડાય છે અને તેથી તેમનો બરોળ તેમજ યકૃતમાં નાશ થાય છે. તેને કારણે અસ્થિમજ્જામાં ગંઠનકોષોનું ઉત્પાદન કરતા મોટા કોષકેન્દ્રવાળા મહાકેન્દ્રીકોષોની સંખ્યા વધે છે.

ઉગ્ર (acute) ITP : તે મોટેભાગે 2થી 6 વર્ષનાં છોકરા અને છોકરીઓમાં થાય છે. 80 % દર્દીઓમાં આગલાં 2થી 3 અઠવાડિયાંમાં મોં-નાક-ગળામાં શરદી થયેલી હોય છે. મોટેભાગે તે શિયાળા અને પાનખર ઋતુમાં જોવા મળે છે. તેમાં અચાનક રુધિરછાંટ થાય છે તથા નાકમાંથી કે કફ કે પેશાબમાં લોહી આવે છે. મોંમાં લોહીવાળા ફોલ્લા થઈ આવે છે. લોહીની ઊલટી કે મળ વાટે લોહી પડે છે. ક્યારેક કાળો ઝાડો થાય છે. ગંઠનકોષોની સંખ્યા 20,000/ ઘનમિમી. કે તેથી ઓછી થઈ જાય છે. ક્યારેક મગજમાં લોહી ઝમે છે. ક્યારેક જ બરોળ મોટી થયેલી હોય છે. લોહીમાં ઈઓસિનરાગી કોષો (eosinophils) અને લસિકાકોષો (lymphocytes) વધે છે. 80 % દર્દીઓમાં વિકાર આપોઆપ શમે છે. ફક્ત 1 % દર્દીમાં રોગ ઊથલો મારે છે. જોકે 90 % મોટી ઉંમરના દર્દીઓમાં આ વિકાર આપોઆપ શમતો નથી અને ઘણી વખત ફરીથી પણ થાય છે. જો વિકાર વધતો જતો ન હોય તો કશી સારવાર અપાતી નથી; પરંતુ મોટેભાગે 4 અઠવાડિયાં માટે પ્રેડ્નિસોલ અપાય છે. ક્યારેક ગામા ગ્લોબ્યુલિનની ભારે માત્રા  નસ વાટે અપાય છે. તેનો લાભ ટૂંકા સમય માટે છે અને તે મોંઘી સારવાર હોય છે. નિયંત્રિત ન થઈ શકે તેવા વિકારમાં બરોળ કાઢી નાંખવાની શસ્ત્રક્રિયા કરાય છે. 10 %થી 15 % જેટલા પુખ્તવયના દર્દીઓ સંપૂર્ણપણે રોગમુક્ત થતા નથી. સતત લાંબા સમય સુધી રુધિર છાંટવાળા અને ગંઠનકોષોની ઊણપવાળા દર્દીઓમાં કોર્ટિકોસ્ટિરોઇડ લાંબા સમય માટે અપાય છે. આવા દર્દીઓમાં પણ બરોળ કાઢી નંખાય છે. શસ્ત્રક્રિયા પછી 85 % દર્દીઓમાં કાયમી ધોરણે ફાયદો થાય છે.

દીર્ઘકાલી (chronic) ITP : ઉગ્ર ITP શમે ત્યારે તે ક્યારેક જોવા મળે છે. અથવા ક્યારેક ધીમે ધીમે ધ્યાન પર ન આવે તેવી રીતે શરૂ થઈ જાય છે. 90 % પુખ્તવયની વ્યક્તિમાં તે આપોઆપ શમતો નથી. પુરુષો કરતાં સ્ત્રીઓમાં તેનું પ્રમાણ લગભગ ત્રણગણું હોય છે અને તે મુખ્યત્વે 20થી 40 વર્ષની વયે થાય છે. કોણીથી દૂરના હાથ અને ઢીંચણથી નીચેના પગ પરની ચામડી પર લોહીના ડાઘા અને ચકામાં પડે છે. સામાન્ય રીતે બરોળ મોટી થયેલી હોતી નથી. ગંઠનકોષોની સંખ્યા 30,000થી 80,000/ઘન મિમી જેટલી રહે છે. અસ્થિમજ્જામાં  મહાકેન્દ્રીકોષો સામાન્ય કે વધુ સંખ્યા કે મોટા કદના હોય છે. આ વિકાર વારંવાર શમે છે અને ફરીથી તેનો ઊથલો માર્યા કરે છે. ક્યારેક દરેક ઋતુસ્રાવ કે અન્ય કોઈક સમયે ક્રમિક રૂપે તે થયા કરે છે. આવા દર્દીઓમાં વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus, SLE), લસિકાભપેશી વર્ધનના વિકારો (lympho-proliferative disorders) તથા સ્વકોષઘ્ની વિકારો(auto-immune disorders)ને અલગ પાડવાની કસોટીઓ કરાય છે. આ ઉપરાંત માનવ પ્રતિરક્ષાઊણપકારી વિષાણુ (human immunedeficiency virus, HIV) જન્ય રોગ, યકૃતશોથીય વિષાણુ-સી (hepatitis C) virus, HCV)થી થતો રોગ, અતિબરોળ-ક્રિયાશીલતા(hypersplenism)ના વિકારોનો પણ નિદાનભેદ કરાય છે.

HIVના ચેપમાં જ્યારે લોહી અસરગ્રસ્ત થાય ત્યારે ગંઠનકોષોની ઊણપ મુખ્ય વિકાર હોય છે. તેમાં બરોળ મોટી થતી નથી અને અસ્થિમજ્જામાં મહાકેન્દ્રીકોષો સામાન્ય દેખાવ અને સંખ્યામાં હોય છે. ક્યારેક અસ્થિમજ્જામાં ફૂગ કે ક્ષયના જીવાણુઓનો ચેપ લાગે ત્યારે પણ ગંઠનકોષોની ઊણપ થાય છે. એઇડ્ઝના તબક્કામાં પણ આ જ પ્રકારનો વિકાર થાય છે. કોર્ટિકોસ્ટીરોઇડ, બિનક્રિસ્ટિન, બિનાઇલાસ્ટિન તથા ડેનેઝોલથી મર્યાદિત સમય માટે લાભ મળે છે. ગામાગ્લોબ્યુલિનને નસ વાટે આપવાથી લાંબા સમયનો લાભ મળે છે. બરોળને કાઢી નાખવાની શસ્ત્રક્રિયા ભાગ્યે જ અને સૌથી છેલ્લે વિચારાય છે.

ITPની સારવાર : સારવારમાં મુખ્યત્વે કોર્ટિકોસ્ટીરોઇડ, બરોળ કાઢી નાંખવાની શસ્ત્રક્રિયા, પ્રતિરક્ષાદાબી (immunosuppressive) દવાઓ તથા વધુ માત્રામાં નસ વાટે ગામાગ્લોબ્યુલિન અપાય છે. 10 % દર્દીઓમાં વિકાર આપોઆપ શમે છે. 1,00,000ની આસપાસના ગંઠનકોષોની સંખ્યાવાળા અને લોહી વહેવાનો વિકાર ન હોય એવા દર્દીઓને 2થી 3 મહિને તપાસતા રહેવામાં આવે છે. ઘણા દર્દીઓમાં ગંઠનકોષોની સંખ્યા 40,000થી 60,000ની હોય અને લોહી ન વહેતું હોય તો તેને પણ સ્વીકાર્ય ગણવામાં આવે છે. 70 %થી 90 % દર્દીઓને કોર્ટિકોસ્ટીરોઇડથી 48 કલાકમાં ફાયદો થાય છે. પરંતુ 1થી 3 અઠવાડિયાંમાં લગભગ સામાન્ય સ્થિતિ થાય છે.  4થી6 અઠવાડિયે દવા ધીમે ધીમે બંધ કરાય છે. 20 % દર્દીઓને લાંબા ગાળાનો ફાયદો થાય છે. ફરી થતા હુમલાઓમાં કોર્ટિકોસ્ટીરોઇડ અસરકારક રહે છે. પરંતુ જો તેની અસરકારકતા ઘટે તો બરોળઉચ્છેદન (splenectomy) નામની બરોળ કાઢી નાંખવાની શસ્ત્રક્રિયા કરાય છે. બરોળ કાઢી નાંખ્યા પછી 70 %થી 80 % દર્દીઓને ફાયદો થાય છે. અને 60 % દર્દીઓમાં ગંઠનકોષોની સંખ્યા પણ સામાન્ય બને છે. તથા 66 % દર્દીઓમાં કાયમી ફાયદો થાય છે. જ્યારે 10 %થી 12 % દર્દીઓને 5 વર્ષમાં ઊથલો મારે છે. તેમનામાં પ્રેડ્નિસોલોનની ઓછી માત્રા પણ અસરકારક રહે છે, જરૂર પડ્યે ગામાગ્લોબ્યુલિન ગંઠનકોષોને નસ વાટે આપીને શસ્ત્રક્રિયાનું જોખમ ઘટાડાય છે. શસ્ત્રક્રિયા પહેલાં ન્યુમોનિયા થતો રોકવાની રસી અપાય છે. કોર્ટિકોસ્ટીરોઇડ અને બરોળ ઉચ્છેદનની શસ્ત્રક્રિયા નિષ્ફળ જાય તેવા દર્દીઓમાં એઝાથાયૉપ્રિન, સાઇક્લોફૉસ્ફેમાઇડ, વિનક્રિસ્ટિન વગેરે પ્રતિરક્ષાદાબી દવાઓ અપાય છે. પ્રતિ Rh-D, એલ્ટ્રોમ્બોપૅગ અને રોમિપ્લોસ્ટિમ વગેરે ઔષધો પણ ઉપયોગી રહે છે. ભારતમાં એચ. પાયલૉરી નામના સૂક્ષ્મજીવ સામે વપરાતાં ઔષધો પણ લાભકારક જણાયાં છે. ગામા ગ્લોબ્યુલિનને ભારે માત્રામાં આપવાથી, એન્ટિ-ડી પ્રકારના ગ્લોબ્યુલિન વડે સારવાર કરવાથી કે ડેનેઝોલ નામની દવાથી પણ રોગ પર કાબૂ મેળવી શકાય છે.

અન્ય કારણોથી થતી રુધિરછાંટ : ગંઠનકોષોની સંખ્યા ઘટવાનાં કારણોમાં અન્ય વિકારો પણ હોય છે; જેમ કે, લોહી ચઢાવ્યા પછી નવજાત શિશુઓમાં થતી ગંઠનકોષોની ઊણપ SLE કે અન્ય સ્વકોષઘ્ની રોગો, ગંઠનકારી ગંઠનકોષઊણપ (thrembotic thrembocytopenic), રુધિરછાંટ, નસોમાં વ્યાપકપણે લોહી ગંઠાવાનો વિકાર (DIC), ઉગ્ર ચેપ, રક્તકોષલયી મૂત્રવિષતાજન્ય સંલક્ષણ (haemolytic uraemic syndrome) વગેરે. આ બધા જ વિકારો  રોગોની ITPથી અલગ પાડીને સારવાર કરાય છે. ક્યારેક ગંઠનકોષોની સંખ્યા બરાબર હોય પણ તેમની કાર્યક્ષમતા ઘટી હોય ત્યારે પણ લોહી વહેવાનો વિકાર થાય છે.

શિલીન નં. શુક્લ

ચિરાગ જે. દેસાઈ