ત્વકસ્નાયુશોથ (dermatomyositis): સ્નાયુ, ચામડી તથા અન્ય અવયવોની સંધાનપેશી(connective tissue)ને અસર કરતો વિકાર. શરીરના કોષોને યથાસ્થાને રાખવા માટે તેમની આસપાસ સિમેન્ટ કે માવા જેવું દ્રવ્ય શરીરમાં વ્યાપકપણે આવેલું છે. આ પ્રકારનું કોષોને સાથે રાખીને પેશી કે અવયવને બનાવવા માટે વપરાતું દ્રવ્ય અને તેને ઉત્પન્ન કરતા કોષોના સમૂહને સંધાન પેશી કહે છે. જો વિકાર રૈખિક સ્નાયુઓ(striated muscles)માં હોય તો તેને બહુસ્નાયુશોથ (polymyositis) કહે છે અને જો તે ચામડીને પણ અસરગ્રસ્ત કરે તો તેને ત્વક્સ્નાયુશોથ કહે છે. ક્યારેક તેની સાથે સંધાનપેશીના અન્ય વિકારો પણ હોય છે; જેમ કે, આમવાતાભ સંધિશોથ (rheumatoid arthritis), આમવાતી જ્વર (rheumatic fever), ત્વચાકાઠિન્ય (scleroderma) અથવા વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus, SLE).

કારણો અને રુગ્ણવિદ્યા : 1863 અને 1887નાં બૅગ્નરનાં લખાણોમાં બહુસ્નાયુશોથનો ઉલ્લેખ છે. અન્વેરિચ્ટ દ્વારા 1887માં ત્વક્સ્નાયુશોથનો વિકાર વર્ણવાયો હતો. તેનું સ્પષ્ટ કારણ જાણમાં નથી અને તે માટે કોઈ વિષાણુ (virus) કે અન્ય ચેપકારક સજીવ  શોધાયો નથી. તે પોતાના જ કોષોનો નાશ કરતો સ્વકોષઘ્ની વિકાર (autoimmune disorder) છે. તેમાં પોતાના કોષોનો નાશ કરનારાં પ્રતિદ્રવ્યો (antibodies) બને છે, વ્યાપક રૂપે સ્નાયુતંતુઓનો નાશ થાય છે અને સ્નાયુમાં સ્નાયુભક્ષીકોષો (myophages) અને તંતુઓ બનાવતા તંતુબીજ કોષો (fibroblasts) જમા થાય છે. તે ઉપરાંત લસિકાકોષો (lymphocytes), એકકેન્દ્રીકોષો (mononuclear cells), પ્રરસ કોષો (plasma cells) તથા ક્યારેક તટસ્થ શ્વેતકોષો (neutrophils) જેવા શોથકારી(inflammatory) કોષો જમા થાય છે. થોડા પ્રમાણમાં સ્નાયુનું પુનર્ઘટન થતું પણ જોવા મળે છે. ચામડીમાં લાલાશ, સોજો અને ક્યારેક ખરજવા જેવો વિકાર થાય છે.

નિદાન : ચામડી અને સ્નાયુનો વિકાર સાથે સાથે અથવા આગળ-પાછળ થાય છે. ચામડીમાં સ્થાનસીમિત (localized) કે ફેલાયેલી લાલાશ અથવા રક્તિમા (erythema), ડાઘફોલ્લીનો સ્ફોટ (macculopapullar rash), પોપડીકારી ખરજવાસમ ત્વચાશોથ (scaling eczematoid dermatitis) કે કોષપાતી (exfoliative) ત્વચાશોથ થાય છે. તેથી ચામડી પર લાલ ડાઘા ઊપસી આવે છે, જેમાં ડાઘા તથા નાની નાની ફોલ્લીઓ થાય છે. ચામડી પર નાની ફોતરીઓ (પોપડીઓ) કે કોષો છૂટા પડે તેવો ખરજવા જેવો ચામડીનો સોજો થઈ આવે છે. નાકનું મૂળ, ગાલ, કપાળ તથા આંગળીઓના નખની આસપાસ નીલવર્ણી (lilac) રંગના વિસ્તારો જોવા મળે છે. તે ખાસ નિદાનસૂચક ગણાય છે. ક્યારેક અતિશય ખૂજલી થઈ આવે છે. ક્યારેક સામાન્ય ત્વાચાશોથ જેટલો જ ચામડીનો વિકાર થાય છે. વધુ ઝડપથી ઉગ્રતા પામતા વિકારમાં આંખો અને મોંની ફાડની આસપાસ સોજો આવે છે. સાદા બહુસ્નાયુશોથ કરતાં ત્વક્સ્નાયુશોથમાં અન્ય અવયવોના વિકારો વધુ જોવા મળે છે. સ્નાયુની નબળાઈ મુખ્યત્વે જાંઘ અને ખભા તથા બાહુ(upper arm)માં વધુ જોવા મળે છે પરંતુ ક્યારેક તે વ્યાપક પણ હોય છે. ત્રીજા ભાગના કિસ્સામાં રેયનોડની ક્રિયાઘટના (Raynaudi phenomenon) થાય છે, જેમાં ઠંડક હોય ત્યારે આંગળાંનાં ટેરવાં ઠંડાં પડી જાય છે અને ભૂરાં થઈ જાય છે. તેવી રીતે 30 % દર્દીઓમાં અન્નનળીમાં પણ શિથિલતા આવે છે.

બહુસ્નાયુશોથના દર્દીમાં જાંઘ, બાહુ તથા ધડ(trunk)ના સ્નાયુઓ શિથિલ બને છે અને ચામડી પર નહિવત્ વિકાર જોવા મળે છે. ક્યારેક ચામડીનો સોજો હોતો નથી. રોગનો વિકાસ થોડાં અઠવાડિયાંથી મહિનામાં  ધીમે ધીમે  થાય છે. કોઈ પણ ઉંમરે તથા બંને જાતિઓમાં થાય છે; પરંતુ સ્ત્રીઓની સંખ્યા લગભગ બમણી રહે છે. ક્યારેક શરદી કે અન્ય સાદા ચેપ પછી શરૂઆત થયેલી હોય છે. દર્દી દુખાવા વગરની હાથપગની અશક્તિ સાથે ડૉક્ટરની સલાહ લેવા આવે છે. તે  સમયે  નીચે પલાંઠી વાળીને બેઠા પછી તેને ઊભા થવામાં મુશ્કેલી પડે છે. 15 % દર્દીઓને કમર અને નિતંબના (buttocks) વિસ્તારમાં દુખાવો થાય છે. શિથિલતા વધે ત્યારે તે ચહેરાના સ્નાયુઓ, ડોકના આગળના અને પાછળના સ્નાયુઓ, ગળાના ગળવાના અને સ્વર (અવાજ) ઉત્પન્ન કરતા સ્નાયુઓ, ધડના અન્ય સ્નાયુઓ, ખભા અને કેડની શૃંખલાના સ્નાયુઓ તથા બાહુ અને જાંઘના સ્નાયુ અસરગ્રસ્ત થાય છે. તેથી માથું સીધું રાખવામાં, બોલવામાં તથા ખોરાક ગળવામાં તકલીફ થાય છે. આંખના સ્નાયુઓ કદી અસરગ્રસ્ત થતા નથી. તથા અગ્રબાહુ (forearms), હસ્ત (hand), પગ (leg) અને પાદ(foot)ના સ્નાયુઓ ફક્ત 25 % દર્દીઓમાં અસરગ્રસ્ત થાય છે. સ્નાયુઓને સ્પર્શ કરવાથી દુખતા નથી પણ તે ક્ષીણ થઈને પાતળા બને છે અને તેમની ચેતા પરાવર્તી ક્રિયાઓ (reflexes) ધીમી પડે છે. ક્યારેક હૃદયની તકલીફ જોવા મળે તો હૃદયના ધબકારાની તાલબદ્ધતા અનિયમિત થાય છે. હૃદયનો વિકાર ઘણી વખત મૃત્યુનું કારણ બને છે. ક્યારેક થોડો તાવ, સાંધાનો દુખાવો તથા ચામડી પર સ્ફોટ દેખાય તોય શરીરમાં ક્યાંય ચેપ હોતો નથી.

ત્વક્સ્નાયુશોથ તથા બહુસ્નાયુશોથ સાથે આગળ જણાવેલા વિવિધ સ્વકોષઘ્ની વિકારો તથા કૅન્સર હોઈ શકે છે. લગભગ 10 % દર્દીઓમાં કૅન્સર જોવા મળે છે. તે મુખ્યત્વે વક્ષસ્થગ્રંથિ-અર્બુદ (thymoma) અને ફેફસાનું કૅન્સર હોય છે. નિદાનલક્ષી તપાસમાં પેશાબમાં ક્રિયેટિનિનનું વધેલું પ્રમાણ ટ્રાન્સએમાઇનેઝ અને ક્રિયેટિન ફૉસ્ફોકાઇનેઝ (CPK) તથા આલ્ડોલેઝનું લોહીમાં  વધેલું પ્રમાણ તથા આલ્ફા અને બીટા-2 ગ્લોબ્યુલિનનું વધેલું પ્રમાણ નિદાનૂસચક હોય છે. ક્યારેક પેશાબમાં સ્નાયુજન્ય ગ્લોબિન (myoglobin) વધે છે. લોહીના રક્તકોષોનો ઠારણદર (ESR) સામાન્ય અથવા વધેલો હોય છે. રક્તકોષભક્ષિતા(lupus erythematosus)ની લોહીની કસોટી સામાન્ય હોય છે. સ્નાયુઓનો  વીજ-આલેખ સ્નાયુરોગ (myopathy) સૂચવે છે. સ્નાયુનો ટુકડો લઈને સૂક્ષ્મદર્શક વડે તપાસવાની પેશીપરીક્ષણ(biopsy)ની પ્રક્રિયા નિદાનસૂચક હોય છે. ધડ અને તેની નજીકના હાથપગના સ્નાયુઓની ઝડપથી વધતી  ક્ષીણતા જોવા મળે ત્યારે આ રોગનું, સ્નાયુદુ:ક્ષીણતા(muscle dystrophy)થી અલગ પાડીને, નિદાન કરાય છે. જો દુખાવો જોવા મળે તો અન્ય કોલેજન જૂથના રોગથી તેને અલગ પડાય છે. ડુક્કરનું માંસ ખાનારાઓમાં તેને ટ્રાઇકિનોસિસ નામના કૃમિજન્ય રોગથી અલગ પાડવું જરૂરી ગણાય છે. તેવી જ રીતે સારકોઈડ અને પોટૅશિયમની અલ્પતાથી થતા સમયાંતરિત લકવા(periodic paralysis)થી પણ તેને અલગ પડાય છે.

સારવાર અને પરિણામ : સારવારમાં ભારે માત્રાથી શરૂ કરીને ધીમે ધીમે ઓછી કરાતી માત્રામાં કોર્ટિકોસ્ટિરોઇડ મુખ્યત્વે અપાય છે. સ્ટીરોઇડ વગરની અન્ય પીડાનાશક દવાઓ પણ ઉપયોગમાં લેવાય છે. માલિસ, હળવી કસરતો સારવારમાં ઉપયોગી છે. વિટામિન ‘ઈ’નો ઉપયોગ સૂચવાયેલો છે પરંતુ તેનો લાભ નિશ્ચિત નથી. ક્યારેક સ્ટ્રૅપ્ટોકૉકલ જીવાણુનો ચેપ ન લાગે તે માટે પેનિસિલીન અપાય છે. મોટી ઉંમરની વ્યક્તિમાં કૅન્સર છે કે નહિ તે ખાસ જોવાય છે. થોડાક દર્દીઓ ફેફસાં, મૂત્રપિંડ કે હૃદયની આનુષંગિક તકલીફોથી મૃત્યુ પામે છે. કેટલાક દર્દીઓમાં કૅન્સર મૃત્યુનું કારણ બને છે. થોડાક દર્દીઓમાં રોગ પૂરેપૂરો શમે છે પરંતુ ખભા કે કેડ પાસેના સ્નાયુઓમાં થોડી  અશક્તિ રહી જાય છે 1થી 15 વર્ષમાં ફરીથી ઊથલો મારે છે. કોર્ટિકોસ્ટિરોઇડને ઝડપથી બંધ કરી દેવામાં આવતા નથી. એસ્પિરિન અને પેનિસિલીન પણ રોગના ઊથલાને અટકાવે છે.

શિલીન નં. શુક્લ