ત્રિવિક્રમપાલ : દક્ષિણ ગુજરાતનો ચાલુક્યવંશનો રાજવી. તે લાટના ચાલુક્યવંશી રાજા ત્રિલોચનપાલનો પુત્ર હતો. ચેદિના કલચૂરિવંશના રાજા કર્ણના સેનાપતિ વલ્લકે લાટના અધિપતિ ત્રિલોચનપાલને હરાવ્યો હતો. ત્રિલોચનપાલ પાસેથી લાટને ચૌહાણવંશના સિંહે જીતી લીધું હતું. તેના પૂર્વજોના હાથમાંથી ચાલ્યા ગયેલા લાટના  નાગસારિકામંડળને ત્રિવિક્રમપાલે કબજે કર્યું હતું. તેમ કરવામાં તેના કાકા જગતપાલ સહાયભૂત થયા હતા. વિશ્વામિત્રીના તટ ઉપર શત્રુસૈન્યનો તેણે પરાભવ કર્યો હતો. આ સહાયના બદલામાં પાછળથી જગતપાલના પુત્ર પદ્મપાલને અષ્ટગ્રામ વિષય ભેટ તરીકે આપ્યો હતો. શક સંવત 999 (ઈ. સ. 1077)માં આ ત્રિવિક્રમપાલે શુક્લતીર્થની પાઠશાળાના નિર્વાહ માટે નાંદિપુરી વિષયનું એક ગામ આપ્યું હતું. ત્રિવિક્રમપાલની પાસેથી લાટની સત્તા દક્ષિણના ચાલુક્યરાજ વિક્રમાદિત્ય – છઠ્ઠાના ભાઈ જયસિંહે ઉખેડી નાખી હતી. તે આ વંશનો છેલ્લો રાજા ગણાય છે.

શિવપ્રસાદ રાજગોર