ત્રિલોચન (જ. 20 ઑગસ્ટ 1917, ચિવનીપત્તી, સુલતાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 9 ડિસેમ્બર 2007) : હિંદી ભાષાના કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘તપ કે તય હુએ દિન’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે હિંદીમાં ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવવા ઉપરાંત ફારસી, સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો. તેમણે હિંદીનાં અનેક સામયિકો–દૈનિકોના સંપાદનમાં સહાય કરી હતી. થોડો વખત તેમણે અંગ્રેજીમાં અધ્યાપન પણ કર્યું હતું. તેઓ કોશકાર પણ હતા અને અનેક શબ્દકોશોના સંપાદનકાર્ય સાથે સંકળાયેલા હતા. દિલ્હી યુનિવર્સિટીના ઉર્દૂ–હિંદી દ્વિભાષી શબ્દકોશના તેઓ સંપાદક હતા. 4 દાયકાના લેખનકાર્ય દરમિયાન તેમણે 6 કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમાં ‘જીનેકી કલા’, ‘દિગન્ત’ અને ‘ધરતી’ નોંધપાત્ર છે. ‘દેશકાલ’ એમનો વાર્તાસંગ્રહ છે. તેઓ ‘જનસંસ્કૃતિ મંચ’ના પ્રમુખ હતા. રાજકીય રીતે તેઓ ડાબેરી વિચારસરણી ધરાવતા હતા. તેઓ પોતાને ભૂખ્યા ને દુ:ખીઓના કવિ ગણાવે છે. કાવ્યવસ્તુનું કેન્દ્રીય ધરતી સાથેનું ઊંડું અનુસંધાન, લોકસમુદાય તથા તેમના જીવન સાથેની ઊંડી નિસબત, કાવ્યસ્વરૂપોનું સત્ત્વ તથા નિર્ભેળ તળપદી ભાષા જેવી લાક્ષણિકતાઓને કારણે પુરસ્કૃત કૃતિ ગણનાપાત્ર છે.

ત્રિલોચન શાસ્ત્રી

મહેશ ચોકસી