ત્રિફળા : આયુર્વેદનું લોકપ્રિય અને ઉપયોગી ઔષધ. હરડે-બહેડાં અને આમળાં આ ત્રણ દ્રવ્યોનું બનેલ ચૂર્ણ તે ત્રિફળા ચૂર્ણ.
મહર્ષિ ચરકાચાર્યે ત્રિફળાને રસાયન ઔષધ કહેલ છે. જે ઔષધિ યુવાનીને સ્થિર રાખે, વૃદ્ધત્વ આવવા ન દે, તેને રસાયન કહે છે.
ત્રિફળા ચૂર્ણ : આયુર્વેદમાં ત્રિફળા ચૂર્ણ બે રીતે બને છે.
(1) હરડે 10 ગ્રામ, બહેડાં 20 ગ્રામ અને આમળાં 40 ગ્રામ.
આ ત્રણે ફળની ઉપરની છાલ જ ઔષધ બનાવવા લેવાય છે. ફળની વચ્ચે રહેલા ઠળિયા કાઢી નાંખી, સૂકી છાલ ઉપરના વજને લઈ તે ખાંડીને તેનું ચૂર્ણ બનાવાય છે.
(2) હરડેદળ, બહેડાંદળ અને આમળાંદળ (છાલ) – એ ત્રણે સરખા વજને લઈ, તેનું ત્રિફળા ચૂર્ણ બનાવાય છે. સામાન્ય રીતે બજારમાં અને સર્વાધિક વ્યવહારમાં આ પ્રમાણે સરખા વજનથી લીધેલાં ત્રણે ઔષધોનું બનાવેલ ત્રિફળા ચૂર્ણ જ વપરાય છે.
ગુણધર્મો : (ક) 10, 20, અને 40 ગ્રામના પ્રમાણમાં લઈ બનાવેલ ‘ત્રિફળા ચૂર્ણ’ના ગુણધર્મો વિશે ‘શાર્ઙગધરસંહિતા’માં લખ્યું છે : આ ચૂર્ણ કફ, પિત્ત, સોજો અને વિષમજ્વરનો નાશ કરે છે. તે જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. કોઢનો નાશ કરે છે અને શરીરની સાતેય (રસ-રક્તાદિ) ધાતુઓ વધારે છે. ઘી અને મધ વિષમ ભાગે લઈ, તેની સાથે આ ચૂર્ણ લેવાથી નેત્રના સર્વ રોગો દૂર થાય છે. આ ચૂર્ણ સારક (રેચક) ગુણવાળું છે જેથી ઝાડો સાફ આવે છે.
અનુપાન : ઝાડો સાફ લાવવા માટે પ્રાય: ત્રિફળા ચૂર્ણ પાણી સાથે લેવાય છે. રસાયન રૂપે તે ઘી અથવા મધ સાથે લેવાય છે. આંખનાં દર્દો માટે મધ 1 ચમચી અને ઘી અર્ધી ચમચી (અસમતોલ) લઈને તેની સાથે તે લેવાય છે.
માત્રા : 16 વર્ષની ઉપરની ઉંમરની વ્યક્તિ માટે 5થી 10 ગ્રામ (કોઠા મુજબ) જેટલું ચૂર્ણ લેવાય છે. બાળકોને વય મુજબ 1થી 4 ગ્રામ જેટલું અપાય છે.
(ખ) ચરક સંહિતા મુજબ : ત્રિફળા ચૂર્ણ : નવી હરડે, સારાં બહેડાં અને નવાં આમળાં – આ ત્રણેની છાલ (ઉપરનો ગર્ભ) સરખા વજને લઈ તેનું ચૂર્ણ બનાવી લેવું. માત્રા : 2 થી 6 ગ્રામ પાણીમાં અથવા રોગ અનુસાર યોગ્ય અનુપાન સાથે લેવું.
રોગ મુજબ વિવિધ અનુપાનો : ત્રિફળાચૂર્ણ રોગ મુજબ અલગ અલગ અનુપાન (ઔષધ સાથે લેવાનું અન્ય દ્રવ્ય) સાથે લેવું.
(1) નવો તાવ – લીંડીપીપર ચૂર્ણ અને મધ સાથે. (2) ચોથિયો તાવ – દૂધ સાથે. (3) ખાંસી – ગાયનું ઘી તથા મધ સાથે. (4) મેદરોગ – મધ કે મધવાળું પાણી સાથે. (5) રસાયન ગુણ માટે – ત્રિફળા ચૂર્ણ 5 ગ્રામ લીંડીપીપર 100 મિગ્રા. વાંસકપૂર ચૂર્ણ 1/2 ગ્રામ અને મધ 5થી 10 ગ્રામ સાથે. દવા પચ્યા પછી ઘી પીવું. (6) ઉરુસ્તંભ – કડૂચૂર્ણ અને સુખોષ્ણ પાણી સાથે.(7) નેત્રરોગો મોતિયો, આંખની ઝાંખપ-ચશ્માં વગેરેમાં – ઘી અને મધ સાથે.(8) શનૈ:મેહ (વારંવાર ખૂબ પેશાબ થવો) – ગળોના સ્વરસ સાથે. (9) બધા પ્રમેહમાં – 3 ગ્રામ ત્રિફળા, 3 ગ્રામ હળદર ચૂર્ણ અને 6 ગ્રામ સાકર સાથે. (10) ફેનમેહ (ફીણયુક્ત મૂત્ર થવું) – ત્રિફળા અને ગરમાળાનો ગોળ મધ સાથે આપી ઉપરથી કાળી દ્રાક્ષનો ઉકાળો પીવો. (11) અંડકોષના સોજામાં – ગાયના મૂત્ર સાથે. (12) ભગંદર – ખેરછાલના કાઢા સાથે. (13) મૂર્છા – મધ સાથે. (14) પિત્તજન્ય વિદ્રધિમાં – ત્રિફળા ક્વાથમાં નસોતર ચૂર્ણ અને ઘી મેળવી પાવું. (15) સાંધાનું શૂળ થવાથી અનિદ્રા – ત્રિફળાના ક્વાથમાં મધ મેળવી પીવું.
વિશેષ ઉપયોગ : ત્રિફળાચૂર્ણ પ્રમેહ, સોજા, કબજિયાત, વિષમજ્વર, લોહીવિકાર, વીર્યનો દોષ, કફ, પિત્ત અને કોઢ–ત્વચા-રોગો પિત્તવિકાર-જન્ય નેત્રરોગો અને મંદાગ્નિમાં બહુ ઉપયોગી છે. તેનાથી ઝાડો સાફ આવે છે. ઘી અને મધ સાથે તે લેવાથી સેન્દ્રિય વિષ (organic poison) પ્રકોપ અને ગરમીથી થતા આંખના રોગો મટે છે. જૂના રોગોમાં તેનું 6થી 12 માસ નિયમિત સેવન કરવું જોઈએ. મહર્ષિ ચરકે લખ્યું છે : ‘જે મનુષ્ય રોજ ઘી અને મધ સાથે ત્રિફળા સેવન કરે, તે નીરોગી રહી પૂરેપૂરાં 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે.’ ત્રિફળામાં દીપન, રુચિકર, ચક્ષુસ્ય, રસાયન, વૃષ્ય, આયુસ્થાપક, સારક, હૃદ્ય અને બૃંહણ (પુષ્ટિકર્તા) એવા અદભુત ગુણો હોવાનો વૈદ્યોનો સ્વાનુભવ છે.
ત્રિફળાપ્રધાન અન્ય ચૂર્ણો : (1) ત્રિફળાદિ ચૂર્ણ : હરડે, બહેડાં, આમળાં, તજ, જેઠીમધ અને મહુડાનાં ફૂલ સમભાગે લઈ, તેનું ચૂર્ણ બનાવી, સવાર-સાંજ બે વાર, 6 ગ્રામ પ્રમાણમાં મધ 1 ચમચી અને ઘી 1½ ચમચી (15 ગ્રામ) જેટલું રોજ નિયમિત લેવાથી બધી જાતના નેત્રરોગ, ગળા ઉપરના (આંખ, કાન, નાક, કંઠ, દાંત, માથાના) અવયવોના રોગો, વલી (વળીયા-કરચલી), પલિત (સફેદ વાળ), હરસ, ભગંદર, પ્રમેહ, કોઢ (ત્વચારોગો), હલીમક અને કિલાસ (સફેદ ડાઘ) કુષ્ઠ રોગ દૂર થઈ, નવી ર્દષ્ટિ આવે છે અને કેશ કાળા થાય છે (આર્યભિષક).
(2) ત્રિફળા–પીપર ચૂર્ણ : હરડે, બહેડાં, આમળાં અને લીંડીપીપર સમભાગે લઈ, તેનું ચૂર્ણ (3થી 5 ગ્રામ પ્રમાણમાં) મધ સાથે રોજ સવાર-સાંજ લેવાથી કબજિયાતમાં મળ ભેદાય છે, છૂટો પડી ઝાડો સાફ આવે છે; જેથી જઠરાગ્નિ વધે છે અને ખાંસી, શ્વાસ તથા (ર્જીણ) તાવ દૂર થાય છે.
ત્રિફળા અન્ય ચૂર્ણોમાં : ત્રિફળા આયુર્વેદિક અન્ય અનેક ચૂર્ણોની બનાવટમાં સહાયક ઘટક તરીકે વપરાય છે; જેમ કે : મહાસુદર્શન ચૂર્ણ, નારાયણ ચૂર્ણ, બદામયુક્ત વિરેચન ચૂર્ણ (2. તં.સા), અવિપત્તિકર ચૂર્ણ, વૃદ્ધ દારુકાદિ ચૂર્ણ, શૃંગ્યાદિ ચૂર્ણ (2.તં.સા.) ભસ્મકનાશક ચૂર્ણ, ચિંતામણિ ચૂર્ણ ઇત્યાદિમાં.
ત્રિફળા ધાતુ શુદ્ધીકરણમાં : આયુર્વેદમાં ઔષધ તરીકે વપરાતી અનેક ધાતુઓની ભસ્મો બનાવી, તેમના ઉપયોગ પૂર્વે ત્રિફળા અને અન્ય ઔષધોથી શુદ્ધિ કરાય છે; જેમાં હરતાલ, ગંધક, અભ્રક, શિલાજિત, વૈદૂર્ય, ગૂગળ વગેરેની ખાસ ગણના થાય છે.
ત્રિફળાની અન્ય ઔષધ–કલ્પનાઓ (forms) : ત્રિફળાની ચૂર્ણ ઉપરાંત અન્ય જે ઔષધ કલ્પનાઓ થાય છે, તે આ મુજબ છે : (1) ત્રિફળા ટૅબ્લેટ કે વટી, (2) ત્રિફળા ક્વાથ, (3) ત્રિફળા હિંગ, (4) ત્રિફળારિષ્ટ, (5) ત્રિફળા ગૂગળ, (6) ત્રિફળા ઘૃત, (7) ત્રિફળા તેલ અને (8) પથ્યાદિ અંજન.
(1) ત્રિફળા ટૅબ્લેટ કે વટી : ત્રિફળા ચૂર્ણની જ સીધી ટૅબ્લેટ કે વટી બને છે. જે લોકો ચૂર્ણ સ્વરૂપ ત્રિફળા નથી લઈ શકતા તેવા લોકોને આ રૂપ ગળવામાં વધુ ઉપયોગી બને છે.
(2) ત્રિફળાદિ ક્વાથ : આયુર્વેદના ગ્રંથોમાં ત્રિફળામાં અન્ય ઔષધો ઉમેરી બનાવાતા ઉકાળા(કવાથ)ના 4 ઔષધ-પાઠો (ફૉર્મ્યુલા) છે. જે દરેકને ‘ત્રિફળાદિ ક્વાથ’ કહે છે.
ત્રિફલાદિ ક્વાથ – પ્રથમ : ઔષધ–ઘટકો : ત્રિફળા, વાવડિંગ, દેવદાર, નાગરમોથ, ઉંદરકની અને સરગવાની છાલ. ક્વાથ રીત : આ છયે ઔષધો સરખાં વજને લઈ, તેને આખાં-પાખાં (અધકચરાં) ખાંડી લેવાં. 500 ગ્રામ પાણીમાં 25 ગ્રામ દવાનો ભૂકો નાંખી, 100 ગ્રામ પાણી શેષ રહે, ત્યાં સુધી ઉકાળીને તે ઉતારીને કપડેથી ગાળી લેવો. તેના બે ભાગ કરી સવારસાંજ બે વાર, તેમાં લીંડીપીપર ચૂર્ણ 4 થી 6 રતી ઉમેરી રોજ પીવાથી પેટના કૃમિઓનો નાશ થાય છે. તેથી આ ઉકાળાને ‘કૃમિઘ્ન ત્રિફળાદિ ક્વાથ’ કહે છે.
ત્રિફલાદિ ક્વાથ – બીજો : ઔષધ–ઘટકો : ત્રિફળા, દારૂહળદર, નાગરમોથ અને દેવદાર – આ ચાર ઔષધો સરખા ભાગે લઈ, પૂર્વે બતાવેલ વિધિ મુજબ ઉકાળો કરી, રોજ સવાર-સાંજ તેમાં મધ નાખી પીવાથી પ્રમેહ રોગ નાશ પામે છે. (શાર્ઙગધર)
ત્રિફલાદિ ક્વાથ – ત્રીજો : ઔષધ–ઘટકો : ત્રિફળા, દારૂહળદર, નાગરમોથ, દેવદાર અને ઇદ્રવરુણીનાં મૂળ – આ પાંચેય સરખા વજને લઈ બનાવેલ યવકૂટ (આખોપાખો) ભૂકાનો કાઢો બનાવી, તેમાં રોજ હળદર ચૂર્ણ તથા મધ મેળવી પીવાથી બધી જાતના પ્રમેહ (મૂત્રના) રોગો મટે છે. આ ક્વાથનું બીજું નામ ‘ફલત્રિકાદિ ક્વાથ’ છે.
ત્રિફલાદિ ક્વાથ – ચોથો : ઔષધ ઘટકો : ત્રિફળા અને ગરમાળાનો ગોળ સમભાગે લઈ, તેનો કાઢો કરી. તેમાં સાકર અને મધ નાખીને રોજ પીવાથી રક્તપિત્ત, દાહ અને પિત્તશૂળ મટે છે. (શાર્ઙગધર)
ફલત્રિકાદિ ક્વાથ (કમળા–પાંડુરોગાધિકારે) : ઔષધ ઘટકો : હરડે, બહેડાં, આમળાં, ગળો, કડું, લીમડાની અંતરછાલ, કરિયાતું અને અરડૂસીનાં પાન – આ આઠ ઔષધિઓ સમભાગે લઈ, તેનો ક્વાથ રોજ મધ મેળવીને પીવાથી કમળો અને ‘પાંડુ રોગ મટે છે. તે લીવરની નબળાઈમાં યકૃતને ઉત્તેજે છે અને સારક છે. થેલેસેમિયા રોગમાં પણ આ ક્વાથ સારું કામ આપે છે. (શાર્ઙગધર)
ત્રિફળા ક્વાથ : હરડે, બહેડાં અને આમળાં – આ ત્રણ ફળોનો ઉકાળો કરી, તેમાં મધ મેળવી રોજ (પરેજીપૂર્વક) પીવાથી મેદરોગ (મેદસ્વિતા obesity) નાશ પામે છે.
ત્રિફળાના ઉકાળામાં તાજું ગોમૂત્ર મેળવીને રોજ પીવાથી વાત અને કફ દોષથી ઉત્પન્ન થયેલો વૃષણ(અંડકોષો testiculs)નો સોજો ઊતરી જાય છે.
પટોલાદિ ક્વાથ (પત રોગમાં) : ત્રિફળા, પટોલ, કડુ, ગળો અને શતાવરી–આ પાંચ ઔષધો સમભાગે લઈ, તેનો ક્વાથ કરી પીવાથી બળતરાયુક્ત પતરોગ (રક્તપિત્ત) મટી જાય છે.
નોંધ : ત્રિફળાથી આ ઉપરાંત અન્ય જે ઉકાળા-ઔષધો બને છે તે આ મુજબ છે : પટોલાદિ ક્વાથ (એકાંતરિયા જ્વરમાં, ઉપદંશ તથા કફના તાવમાં), ખદિરાદિ ક્વાથ (ભગંદરમાં), લઘુ મંજિષ્ઠાદિ અને બૃહત્ મંજિષ્ઠાદિ ક્વાથ, પથ્યાદિ ક્વાથ (શિરોરોગ–નેત્રરોગોમાં); અમૃતાદિ ક્વાથ (નેત્રરોગમાં) – આ બધાનો ઉલ્લેખ ‘શાર્ઙગધર-સંહિતા’માં છે.
(3) ત્રિફળા હિમ : કાષ્ઠાદિ આખાં કે અધકચરાં ખાંડેલાં ઔષધો 40 ગ્રામ (કે જરૂર મુજબની માત્રામાં) લઈ, તેને છગણા (240 ગ્રામ) પાણીમાં માટી કે કાચના વાસણમાં બાર કલાક પલાળી રાખી, સવારે તે ચોળીને, ગાળી લેવાતા દ્રવને ‘હિમ’ કહે છે. ‘ત્રિફળાહિમ’ તૈયાર કરી કપડેથી ગાળી લઈ, આંખે દરરોજ તે પાણીની છાલકો મારવાના નિયમથી કે આઇગ્લાસમાં આ હિમ ભરી અંદર રોજ આંખો પટપટાવવાથી આંખની ગરમી, આંખના ખીલ, આંખની રતાશ, દાહ અને આંખના ચશ્માંના નંબરો ઊતરે છે, જેથી નેત્રર્દષ્ટિ સુધરે છે. આ હિમનું પાણી દરરોજ મુખમાં કોગળા રૂપે ધારણ કરવાના નિયમથી દાંતના અવાળુ ગરમીથી ફૂલી જવા, પેઢામાંથી લોહી ઝરવું, પેઢામાં રસી થવી, પેઢાં પહોળાં થઈ જવાં, પેઢાં નબળાં થઈ જવાં, દાંત હલવા જેવાં દર્દોમાં ચોક્કસ લાભ થાય છે. ત્રિફળા હિમમાં સાકર કે ખાંડ નાખી રોજ પીવાથી પેટ, હોજરી, આંતરડાં, આંખ, પેશાબમાર્ગ અને ગુદાની દાહમાં શાંતિ થાય છે. ગરમીના કારણે મળ સુકાઈ જતાં થયેલ કબજિયાતમાં આવો ત્રિફળા અને કાળી દ્રાક્ષ અથવા ત્રિફળા અને ગરમાળાનો હિમ પીવાથી ઝાડો સાફ આવે છે. જે લોકોને શરીરના કુદરતી છિદ્રમાર્ગોએથી લોહી પડતું હોય કે રક્તપિત્ત-(રક્તસ્રાવ)નું દર્દ હોય, તેઓ જો આ હિમ પીએ, તો ખૂબ લાભ થાય છે. ત્રિફળા હિમ પીવાથી દૂઝતા હરસમાં પણ લાભ થાય છે. અને નસકોરી ફૂટવાના દર્દમાં પણ લાભ થાય છે.
નોંધ : હિમ હંમેશાં રોજ તાજો બનાવીને જ વાપરવાનો હોય છે. ઔષધો પાણીમાં 12થી 24 કલાક સુધી જ પલાળી રાખી, પાણી ગાળી લેવાનું હોય છે.
(4) ત્રિફળારિષ્ટ : વિધિ : હરડે, બહેડાં, આમળાં, પીપર, ચિત્રક મૂળ, અજમો અને વાવડિંગ 160-160 ગ્રામ લઈ, તેને 20 લિટર પાણીમાં નાંખી, તેનો વિધિવત્ ચતુર્થાંશ શેષ રહે તેવો ઉકાળો બનાવી ઉતારી લો. તે ઠંડો પડ્યેથી તેને ગાળી લો. પછી તેમાં લોહભસ્મ 150 ગ્રામ, ગોળ 4 કિલો અને મધ 350 ગ્રામ નાંખી, અરિષ્ટવિધિ માટેના વાસણમાં ભરી મુખ વિધિસર બંધ કરી, 1 મહિનો રાખી મૂકવાથી ‘ત્રિફળારિષ્ટ’ તૈયાર થાય છે. માત્રા : 15થી 25 મિ.ગ્રામ. દિવસમાં 2 વાર જમ્યા પછી પાણી ઉમેરી પાવો.
ઉપયોગ : આ અરિષ્ટ હૃદયને હિતકર, ભૂખવર્ધક, પાચક, રક્તવર્ધક અને હૃદયરોગ, ફેફસાંની નબળાઈ, પાંડુરોગ, સોજા, પ્રમેહ, ભગંદર, હરસ, ગોળો (ગુલ્મ), બરોળ, સંગ્રહણી, ખાંસી, શ્વાસ વગેરે રોગો મટાડે છે. (ગદનિગ્રહ; ર.તં.સા)
(5) ત્રિફળા ગૂગળ : આયુર્વેદમાં પાક-પરૂનાશક (Antiseptic) ખાસ ઔષધ રૂપે ‘ત્રિફળા ગૂગળ’ની અપૂર્વ ખ્યાતિ છે. આ એક ખૂબ પ્રચલિત ઔષધ છે. જે બનાવવાની વિધિ આ મુજબ છે: હરડે, બહેડાં, આમળાં (છાલ) અને લીંડી પીપર – આ ચારેય ઔષધ નવાં-તાજાં સમાન વજને લઈ, તેનું બારીક ચૂર્ણ કરી લેવું. ત્યારબાદ શુદ્ધ કરેલા ગૂગળ ચૂર્ણ કરતાં સવાયો લઈ, ગૂગળ અને ચૂર્ણ ખાંડણીમાં ખૂબ ખાંડીને મિશ્ર કરી લેવાં. પછી તેની વટાણા જેવડી ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓ 2થી 4 નંગ જેટલી સવાર-સાંજ પાણી સાથે લેવાથી ભગંદર, ગોળો (ગુલ્મ), સોજો, હરસ-મસા અને પાક પરુ કે ગાંઠ જેવા રોગ નાશ પામે છે (શાર્ઙગધરસંહિતા). ત્રિફળા ગૂગળ મેદદોષ અને જખમમાં થતા રસી-પાકને ઊંડેથી મટાડે છે, જેથી તે નાડીવ્રણ (ફીસ્ચ્યુલા) પણ મટાડે છે. વર્ષો પૂર્વે થયેલ ઑપરેશનના જખમમાં ફરી થતા પાક કે પીડાને પણ આ ગૂગળ મટાડે છે. તે સાથે દરેક જાતની ગાંઠ (ટ્યૂમર) કે ગડ-ગૂમડાં પણ તે ચોક્કસ મટાડે છે.
(6) ત્રિફલાદિ મોદક : (કોઢ રોગ પર) : ઘટકો અને વિધિ : ત્રિફળા 120 ગ્રામ, ભિલામા 160 ગ્રામ, બાવચી 200 ગ્રામ, વાવડિંગ 160 ગ્રામ અને લોહ કાટ કે ભસ્મ, નસોતર, ગૂગળ તથા શિલાજિત — આ 40-40 ગ્રામ લેવાં. પુષ્કરમૂળ 20 ગ્રામ, ચિત્રકમૂળ 20 ગ્રામ, કાળાં મરી 5 ગ્રામ; સૂંઠ, લીંડીપીપર, નાગરમોથ, તજ, એલચી, તમાલપત્ર, નાગકેસર — આ 7 ઔષધ ચાર ચાર ગ્રામ લેવાં. આ બધી ઔષધિઓનું ચૂર્ણ કરી લેવું. પછી ચૂર્ણના વજન જેટલી સાકર લઈ, તેની ચાસણી કરી, તેમાં તૈયાર ચૂર્ણ નાંખી તેનો પાક કરી, તેના ચાલીસ ચાલીસ ગ્રામના લાડુ બનાવવા.
ગુણધર્મ : આ ત્રિફળાદિ મોદકના સેવનથી ભગંદર, નેત્રના રોગ, બરોળ, ગુલ્મ (ગોળો), જીભ, તાળવું, ગળું, માથું, આંખ, મુખ, ગરદન તથા પીઠ – એ સર્વના રોગ દૂર થાય છે. કમરથી શરૂ કરીને નીચે પગ સુધીના ભાગના રોગોમાં પ્રાત:કાળે આ ઔષધનું સેવન કરવું. જો પેટનો રોગ હોય તો ભોજનસમયે કોળિયા સાથે તેનું સેવન કરવું. છાતીથી લઈ માથા સુધીનાં દર્દોમાં આ દવા ભોજન કર્યા પછી લેવી જોઈએ.
(7) ત્રિફળા ઘૃત : વૈદ્યોનું આ એક ખાસ પ્રિય ઔષધ છે. જે ખાસ આંખનાં દર્દો માટે વપરાય છે. ત્રિફળા ઘૃતનાં ઔષધો અને તેની વિધિ : 650 ગ્રામ ત્રિફળાનો અધકચરો ભૂકો લઈ, તેનો આઠગણા પાણીમાં ઉકાળો કરવો. આઠમા ભાગનું પાણી શેષ રહે ત્યારે તે ઉતારીને ગાળી લો. પછી આ ક્વાથ, ભાંગરાનો રસ, અરડૂસીનો રસ, આમળાંનો રસ, શતાવરીનો રસ કે ક્વાથ, ગળોનો રસ અને બકરીનું દૂધ – એ દરેક 650-650 ગ્રામ લેવું. તે બધાંને એક મોટા તપેલામાં એકત્ર કરી, તેમાં લીંડી પીપર, સાકર, દ્રાક્ષ, હરડે, બહેડાં, આમળાં, નીલકમળ, ક્ષીરકાકોલી (ન મળે તો જેઠીમધ), અશ્વગંધા (આસન મૂળ) અને ભોરીંગણી – બધાં સમ વજને લઈ, તેને વાટીને કરેલ કલ્ક 160 ગ્રામ અને તેમાં ગાયનું ઘી 650 થી 1 કિલો નાંખી, વિધિવત્ ઘી સિદ્ધ કરી, ઉતારીને ગાળી લેવું.
માત્રા : આ ઘી 5થી 15 ગ્રામ જેટલું અન્ય ઔષધ કે દૂધ સાથે લેવું.
ફાયદા : આ ત્રિફળા ઘૃતના સેવનથી બધી જાતના આંખના રોગો મટે છે. લોહી વધવાથી કે દૂષિત થવાથી આંખમાં ઉત્પન્ન થયેલ દોષ, રતાંધળાપણું, તિમિર, મોતિયો, માંસ વધવું, આંખની લાલાશ, સખ્ત બળતરા, પાંપણના વાળ ખરી જવા; વાતજ, પિત્તજ અને કફજ નેત્ર-રોગો; અંધતા, મંદર્દષ્ટિ (ચશ્માં), કફવાતથી દૂષિત ર્દષ્ટિ, વાત-પિત્ત પ્રકોપજન્ય આંખોનો સ્રાવ, ખૂજલી, આસન્નષ્ટિ (દૂરની ચીજ ન દેખાવી – short sight), દૂરર્દષ્ટિ (પાસેનું સ્પષ્ટ ન દેખાવું – long sight) વગેરે તમામ આંખના રોગો નાશ પામી, ર્દષ્ટિ ગીધ જેવી તીવ્ર બને છે તેમજ શરીરની શક્તિ, પાચનશક્તિ અને દેહની કાંતિ પણ વધારે છે. 4થી 6 માસ સુધી શ્રદ્ધાપૂર્વક ત્રિફળા ઘૃતનું સેવન કરવાથી ફાયદો મળે છે. જૂની કબજિયાત તથા મોતિયાના દર્દી જો તમાકુ વગેરે ચીજો છોડીને આંખમાં ખાખરાના અર્કનાં ટીપાં નાખવા સાથે આ ઘી સેવે તો લાભ થાય છે.
નોંધ : આ પાઠ ઉપરાંત ‘શાર્ઙગધર-સંહિતા’ના મધ્યમ ખંડમાં ‘ત્રિફલા ઘૃત’ બતાવેલ છે. તે સિવાય ‘અષ્ટાંગહૃદય’માં પણ ‘ત્રિફલા ઘૃત’ બતાવેલ છે, જે દરેકમાં થોડાં ઔષધોમાં ફેરફાર હોવા છતાં કાર્ય ખાસ નેત્રરોગો પર જ કરે છે. આ ઉપરાંત ત્રિફળા જે અન્ય શાસ્ત્રીય ઘીની બનાવટમાં વપરાય છે, તેનાં નામો આ મુજબ છે : ષટ્પલઘૃત, પટોલાદિ ઘૃત, ફલઘૃત, નારાચ ઘૃત, પંચગવ્ય ઘૃત, બૃહદ્ ધાત્રી, કલ્યાણ ઘૃત આદિ.
(8) ત્રિફલાદ્ય તેલ : (ભૈ.ર) મેદોરોગાધિકાર ઘટક દ્રવ્યો તથા રીત : ત્રિફળા, અતિવિષ, મોરવેલ, નસોતર, ચિત્રક, અરડૂસી, લીમડો, ગરમાળો, વજ, સપ્તપર્ણ, હળદર, દારુહળદર, ગળો, ઇન્દ્રવરણાં, પીપર, કઠ, સરસવ, અને સૂંઠ – આ ઔષધો સરખા વજને લઈ તેનો કલ્ક કરવો. તલનું તેલ 800 ગ્રામ લઈ તેમાં ઉપર્યુક્ત કલ્ક તથા તેલથી 4 ગણા ‘સુરસાદિ ગણના’ 21 દ્રવ્યોના ક્વાથમાં તેલ પકાવીને સિદ્ધ કરવું. આ તેલ 10 ગ્રામ જેટલું રોજ પીવાથી કફદોષને કારણે થયેલ સ્થૂળતા (મેદસ્વિતા), આળસ અને ખૂજલી વગેરે મટે છે. તે કફના બધા રોગો પણ મટાડે છે. આ તેલ પીવા ઉપરાંત માલિસ, કોગળા, નસ્ય, તથા બસ્તિપ્રયોગમાં પણ વપરાય છે.
નોંધ : ‘ભૈષજ્ય-રત્નાવલી’માં ક્ષુદ્ર રોગાધિકારમાં વાળમાં થતા ખોડા માટેના ત્રિફળાદ્ય તેલનો પાઠ પણ આપેલ છે.
(9) પથ્યાદિ અંજન : (પ્રથમ) (પો.2) વિધિ : હરડે, બહેડાં અને આમળાંના ઠળિયાનાં મીંજ 3-2 અને 1 ભાગે લઈ, તેને 6 કલાક પાણીમાં પલાળી, પછી તેને ખરલ કરી નાની સોગઠી બનાવી લેવી. આ સોગઠી, પાણી સાથે રોજ ઘસીને આંખમાં આંજવાથી નેત્રની લાલાશ, ખૂબ પાણી ઝરવું. કષ્ટસાધ્ય નેત્રપાક વગેરે મટાડી, આંખોને સ્વચ્છ બનાવે છે.
પથ્યાદિ અંજન (બીજું) : હરડે, બહેડાં અને આમળાં ત્રણે સરખાં લઈ તેને અધકચરાં ખાંડી લઈ, તેને ચારગણા પાણીમાં ઉકાળીને, અર્ધો ઉકાળો રહ્યે, તે ઉતારી ગાળી લઈ, ફરી ઊકળવા મૂકવું. તેને સતત હલાવતા રહેતાં જ્યારે તે મધ જેવું ઘટ્ટ થાય, ત્યારે તે ઉતારી તેમાં તે વજનથી અર્ધા ભાગે મધ અને 3 % જેટલું બરાસકપૂર ઉમેરી બધું ખરલમાં ઘૂંટીને શીશીઓ ભરી લેવી. આ અંજન કાચની સળી વડે રોજ આંજવાથી ટૂંકી ર્દષ્ટિ (ચશ્માં), ખીલ, ફૂલું અને છારી, આંખની ગરમી વગેરે મટાડીને આંખોનું તેજ વધારે છે.
આમ આયુર્વેદવિજ્ઞાનમાં ત્રિફળાનો ખૂબ સારો અને અનેકવિધ પ્રકારે વ્યાપકપણે ઉપયોગ થાય છે.
બળદેવપ્રસાદ પનારા