ત્રિપાઠી, આર. એસ.

March, 2016

ત્રિપાઠી, આર. એસ. (જ. 1904, રાયબરેલી) : પ્રાચીન ભારતીય ઇતિહાસના સંશોધક તથા વિદ્વાન. એમનું પૂરું નામ ત્રિપાઠી રમાશંકર હતું. એમણે એમ.એ.ની ડિગ્રી લખનૌ યુનિવર્સિટીમાંથી અને પીએચ.ડીની ડિગ્રી લંડન યુનિવર્સિટીમાંથી મેળવી હતી. એમણે લંડનની સ્કૂલ ઑવ્ ઓરિએન્ટલ સ્ટડીઝમાં યુ.પી. સરકારના સ્કૉલર તરીકે કામ કર્યું હતું. એ પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રાધ્યાપક તથા અધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી. એ ઉપરાંત, બનારસની સેન્ટ્રલ હિન્દુ કૉલેજના આચાર્ય તરીકે પણ કામ કર્યું હતું. ડૉ. એ. એસ. અલ્તેકર એમના મિત્ર તથા સહકાર્યકર હતા.

એમનું પુસ્તક ‘હિસ્ટરી ઑવ્ કનોજ ટુ ધ મુસ્લિમ કૉન્ક્વેસ્ટ’- 1937માં પ્રગટ થયું હતું. એમાં કનોજની સ્થાપનાથી ઈ. સ. 1200 સુધીનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. એમણે આ વિષય પર મહાનિબંધ લખી લંડન યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત એમનાં ‘હિસ્ટરી ઑવ્ એન્શન્ટ ઇન્ડિયા’ અને ‘હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા’ (712–1207 A.D) નામનાં બે પુસ્તકો પ્રસિદ્ધ થયાં હતાં. એમણે હિન્દીમાં ‘પ્રાચીન ભારતકા  ઇતિહાસ’ નામનું પુસ્તક પણ લખ્યું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી