ત્રિપાઠી, આર. પી.

March, 2016

ત્રિપાઠી, આર. પી. : મધ્યકાલીન ભારતીય ઇતિહાસના વિદ્વાન. એમનું પૂરું નામ ત્રિપાઠી રામપ્રસાદ હતું. એમણે ભારતમાં એમ.એ. સુધી અભ્યાસ કર્યા પછી લંડન જઈને ત્યાંની યુનિવર્સિટીની ડી.એસ.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક હતા. એમનું ‘સમ આસ્પેકટ્સ ઑવ્ મુસ્લિમ ઍડ્મિનિસ્ટ્રેશન’ નામનું પુસ્તક 1936માં પ્રસિદ્ધ થયું હતું. તેની બીજી આવૃત્તિ 1956માં પ્રગટ થઈ. એમાં મહમ્મદ ગઝનવીથી મહાન અકબર સુધીના મુસ્લિમ શાસકોના વહીવટી તંત્રનો ખ્યાલ આપવામાં આવ્યો છે. તેઓ ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ વિદ્વાન પ્રો. હેરલ્ડ લાસ્કીના પરિચયમાં હતા.

તેઓ ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસના સક્રિય અને સંનિષ્ઠ કાર્યકર હતા. ડિસેમ્બર, 1949માં કટકમાં યોજાયેલા એના 12મા અધિવેશનના તેઓ પ્રમુખ હતા. એમણે પોતાના પ્રમુખીય પ્રવચનમાં ભારતમાં ઇતિહાસલેખનના ક્રમિક વિકાસનો ખ્યાલ આપ્યો હતો. એ ઉપરાંત, ઇતિહાસના અભ્યાસ અને સંશોધનને પ્રોત્સાહન મળે એ માટે ઇતિહાસના વિદ્વાનોને ચંદ્રકો તથા પુરસ્કારો આપવા જોઈએ એવી એમણે ભલામણ કરી હતી. ઇતિહાસને લગતું ત્રૈમાસિક પત્ર શરૂ કરવાનું પણ એમણે સૂચન કર્યું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી