ત્રિપક્ષી સત્તાજોડાણ

March, 2016

ત્રિપક્ષી સત્તાજોડાણ : યુરોપમાં ફ્રાન્સને અલગ પાડી દઈને મહાસત્તા તરીકે જર્મનીનું સ્થાન મજબૂત બનાવવા અને સત્તાની સમતુલા જર્મનીની તરફેણમાં રાખવાનો બિસ્માર્કનો પ્રયાસ. 1870–71ના ફ્રાંકો-પ્રશિયન યુદ્ધમાં ફ્રાંસની હાર થઈ તેની સાથે પ્રશિયાના ચાન્સેલર બિસ્માર્કના નેતૃત્વ હેઠળ જર્મનીના એકીકરણનું કાર્ય પૂરું થયું. એ રીતે યુરોપની મધ્યમાં નવું સંગઠિત અને શક્તિશાળી જર્મન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. તેની સાથે યુરોપમાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પરિવર્તન આવ્યું. મહાસત્તા તરીકે યુરોપમાં ફ્રાન્સનું સ્થાન નબળું પડ્યું અને તેનાં રાજકીય હિતોને નુકસાન  થયું. તેથી ફ્રાન્સમાં ધીરે ધીરે એવો મત મજબૂત થતો ગયો કે ભવિષ્યમાં જર્મની સાથે ઘર્ષણ અનિવાર્ય છે; પરંતુ જર્મનીના રાજકીય એકીકરણની સિદ્ધિ હાંસલ કર્યા પછી બિસ્માર્ક જર્મનીને મજબૂત બનાવવા માટે યુરોપમાં શાંતિ જાળવવા માગતો હતો; કારણ કે હવે જર્મનીને યુરોપમાં કોઈ પ્રાદેશિક મહત્વાકાંક્ષા ન હતી. એ રીતે બિસ્માર્ક ફ્રાન્સ સાથે ઘર્ષણ ટાળવા માગતો હતો. તેણે યુરોપમાં ફ્રાન્સને યુરોપની બીજી મહત્વની સત્તાઓની નજીક આવતાં અટકાવવા અને તેને એકલું પાડી દઈને સત્તાની સમતુલા જર્મનીની તરફેણમાં જાળવવા માટે ગુપ્ત સંધિઓ દ્વારા નવાં સત્તાજોડાણ આદર્યાં.

બાલ્કનવિસ્તારમાં રશિયા અને ઑસ્ટ્રિયા-હંગેરીનાં હિતો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું; પરંતુ આંતરિક નબળાઈઓને લીધે ઑસ્ટ્રિયા-હંગેરીનું મહત્વ મહાસત્તા તરીકે ઘટતું જતું હતું. તેથી તેને ટકાવવા અને બાલ્કનવિસ્તારમાં રશિયાને શક્તિશાળી થતું અટકાવવા અને ફ્રાન્સ રશિયાની નજીક ન આવે તે હેતુસર 1873માં રશિયા, ઑસ્ટ્રિયા-હંગેરી અને જર્મનીના સમ્રાટોનો એક અનૌપચારિક સંઘ રચવામાં આવ્યો; પરંતુ 1878ની બર્લિનની કૉંગ્રેસમાં બિસ્માર્કે રશિયા વિરુદ્ધ ઑસ્ટ્રિયાને બાલ્કનવિસ્તારમાં ફાયદો કરાવી આપ્યો. તેથી રશિયા સાથેના જર્મનીના સંબંધોમાં વૈમનસ્ય સર્જાયું. આ કારણસર 1879માં જર્મની અને ઑસ્ટ્રિયા-હંગેરી વચ્ચે ગુપ્ત દ્વિપક્ષી જોડાણ થયું. તેનો હેતુ રશિયા સામે ઑસ્ટ્રિયા-હંગેરીને લશ્કરી મદદ કરવાનો હતો. 1914 સુધીના યુરોપીય રાજકારણમાં જે સત્તાજોડાણો થયાં તેના પાયામાં આ સંધિ હતી.

આ ગુપ્ત સંધિથી પ્રોત્સાહિત થઈને ઑસ્ટ્રિયા-હંગેરી રશિયા સાથે ઘર્ષણમાં ન ઊતરે અને રશિયા તથા ફ્રાન્સ વચ્ચે અંતર ચાલુ રહે તે હેતુથી 1873ના ત્રણ સમ્રાટોના સંઘને ઔપચારિક સ્વરૂપ આપવા 1881માં રશિયા, ઑસ્ટ્રિયા-હંગેરી અને જર્મની વચ્ચે ત્રણ સમ્રાટોની સંધિ થઈ, જે મુજબ આ સંધિમાં જોડાયેલી કોઈ પણ સત્તાનું બહારની કોઈ સત્તા સાથે યુદ્ધ થાય તો બાકીની બે સત્તા તટસ્થ રહે. બિસ્માર્ક આ સંધિનો ઉપયોગ ફ્રાન્સ સામે કરવા માગતો હતો, જેથી જર્મની અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ થાય તો રશિયા તટસ્થ રહે. ઉપરાંત આ સંધિ દ્વારા ઑસ્ટ્રિયા-હંગેરી અને રશિયા વચ્ચેના સંભવિત ઘર્ષણના જોખમને પણ ટાળવા માગતો હતો; તેમ છતાં આ સંધિ 1879ના દ્વિપક્ષી જોડાણ સાથે સુસંગત ન હતી.

બીજી બાજુ 1870થી જ ઇટાલીના એકીકરણ સાથે ફ્રાન્સ અને ઇટાલી વચ્ચે ઘર્ષણ પેદા થયું હતું. ઉપરાંત ઉત્તર આફ્રિકામાં ઇટાલી સાંસ્થાનિક ક્ષેત્રે ફ્રાન્સનું હરીફ હતું. બિસ્માર્કે ફ્રાન્સને યુરોપીય રાજકારણથી દૂર રાખીને સાંસ્થાનિક ક્ષેત્રે તેને આગળ વધવા માટે પરોક્ષ રીતે ઉત્તેજન આપ્યું હતું અને તેવા સંજોગોમાં ઇટાલી અને ફ્રાન્સ વચ્ચે ઘર્ષણ થાય તો ઇટાલી જર્મની સાથે જોડાણ કરે તેમ બિસ્માર્ક ઇચ્છતો હતો. 1881માં ફ્રાન્સે ટ્યૂનિશિયા પર પોતાનો અંકુશ જમાવ્યો તે વખતે ઇટાલીને ફ્રાન્સ વિરુદ્ધ ટેકો પ્રાપ્ત ન થતાં તે એકલું પડી ગયું. આ સંજોગોમાં ઇટાલી, જર્મની અને ઑસ્ટ્રિયા-હંગેરી સાથે જોડાણ માટે તૈયાર થયું. આમ મે, 1882માં જર્મની, ઑસ્ટ્રિયા-હંગેરી અને ઇટાલી વચ્ચે ગુપ્ત ત્રિપક્ષી સત્તાજોડાણ થયું.

આ જોડાણ મુજબ જો ત્રણમાંથી કોઈ પણ એક સત્તાજોડાણ બહારની કોઈ બે સત્તાઓના આક્રમણનો ભોગ બને તો ત્રણે સાથી સત્તાઓ એકબીજીને મદદ કરવા બંધાયેલી હતી. આ ઉપરાંત ફ્રાન્સને અનુલક્ષીને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો કે જો ઇટાલી ફ્રાન્સના આક્રમણનો ભોગ બને તો ઑસ્ટ્રિયા-હંગેરી અને જર્મની ઇટાલીને મદદ કરવા બંધાયેલાં હતાં.

બિસ્માર્ક દ્વારા કરવામાં આવેલી ગુપ્ત સંધિઓનો દોર જર્મની પાસે હતો. બિસ્માર્ક યુરોપમાં એવા પ્રકારની સત્તાસમતુલા જાળવવા માગતો હતો કે જેના કેન્દ્રસ્થાને જર્મની હોય. આ સમયે બ્રિટને તેની યુરોપીય બાબતોમાં  અલગતાની નીતિ જારી રાખી. બિસ્માર્કે પણ બ્રિટન સાથે સારા સંબંધો જાળવી રાખવા પૂરતી કાળજી રાખી હતી; પરંતુ 1890માં બિસ્માર્કનું પતન થયું અને ત્યાર પછીની જર્મન વિદેશ-નીતિએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આક્રમક વલણ અપનાવ્યું. તેને પરિણામે બ્રિટન અને ફ્રાંસ તેમજ બ્રિટન અને રશિયા વચ્ચે સાંસ્થાનિક ક્ષેત્રે ઘર્ષણનો અંત આવ્યો અને તે પહેલાં 1894માં ફ્રાંસ અને રશિયા વચ્ચે પણ લશ્કરી સંધિ થઈ ચૂકી હતી. આમ વીસમી સદીના પ્રથમ દાયકા દરમિયાન જર્મનીના નેતૃત્વ હેઠળ ત્રિપક્ષી સત્તાજોડાણ (જેમાંથી ઇટાલી ધીરે ધીરે દૂર થતું જતું હતું.) સાથે ફ્રાંસ, રશિયા અને બ્રિટન વચ્ચે નવું ત્રિપક્ષી મૈત્રીજોડાણ રચાયું. યુરોપ ખંડ બે સત્તાજૂથોમાં વિભાજિત થયો. પ્રથમ વિશ્વયુદ્ધ માટેનાં ઘણાં કારણોમાં આ ત્રિપક્ષી સત્તાજોડાણ અને ત્રિપક્ષી મૈત્રીજોડાણ મહત્વનાં કારણો બન્યાં હતાં.

ર. લ. રાવળ