ત્રિદોષ : ‘ત્રિદોષ’ એ આયુર્વેદિક વિજ્ઞાનનો પારિભાષિક શબ્દ છે. તેનો અર્થ થાય છે ‘ત્રણ દોષ’ એટલે કે દેહધારક મૂળ ત્રણ તત્વો.

આયુર્વેદ વિજ્ઞાને શરીરને ધારણ કરનારાં અને શરીરના આરોગ્ય તથા રોગના મુખ્ય કારણ રૂપે ભાગ ભજવનારાં મૂળભૂત 3 દેહતત્વોની શોધ કરી, તેને નામ આપ્યાં છે : (1) વાયુદોષ (2) પિત્તદોષ અને (3) શ્લેષ્મ અથવા કફદોષ. આ ત્રણ દેહતત્વોને જ ટૂંકામાં ‘ત્રિદોષ’ સંજ્ઞા આપી છે.

સમગ્ર વિશ્વ કે સૃષ્ટિનું સંચાલન, પાલન અને સંહાર કુદરતના સર્વશ્રેષ્ઠ પરિબળ રૂપે રહેલા વાયુ, ચંદ્ર અને સૂર્ય (અગ્નિ) કરે છે. વાયુ સમગ્ર વિશ્વને પોતાના પ્રાણવાયુથી જીવિત રાખે છે. દરેકમાં ગતિ અને ચેતના આપે છે. ચંદ્ર પોતાના શીતળ ગુણથી વનસ્પતિ, માનવ, પ્રાણીમાત્રનું પાલનપોષણ કરી તેમને જિવાડે છે; જ્યારે સૂર્ય પોતાના પ્રખર તાપથી બધાં પ્રાણીઓમાં અને હવામાનમાં ઊર્જા તથા ઉષ્મા પેદા કરી, રોગકર્તા  દોષો, જંતુઓ કે હવાનો  સંહાર કરી બધાં ઉપર ઉપકાર કરે છે. સૂર્ય, ચંદ્ર અને વાયુ આ ત્રણ તત્વો પ્રાકૃત સ્થિતિમાં રહીને જ આખી સૃષ્ટિ અને જીવમાત્રનું સંચાલન કરે છે. જ્યારે આ ત્રણ તત્વો વિકૃત બને છે, ત્યારે સંહાર, ઉલ્કાપાત અને વિનાશ સર્જાય છે. આ વાત સૌ કોઈ જાણે છે.

બરાબર આ જ રીતે માનવશરીરમાં પણ વાયુ, પિત્ત અને કફરૂપી ત્રિતત્વો રહીને તેનું ધારણ-પોષણ કરે છે. દેહનાં આ ત્રિતત્વો જ્યાં સુધી પોતાની મૂળ કુદરતી સ્થિતિમાં કે પ્રાકૃતાવસ્થામાં રહે છે ત્યાં સુધી જ દેહ અને મન બરાબર સ્વસ્થ રહે છે; પરંતુ જ્યારે તે ત્રિતત્વોમાંથી કોઈ પણ એક અથવા વધુ દોષો સ્વતંત્ર કે સંયુક્ત થઈ પ્રકુપિત થાય છે, વીફરે છે અને વિકૃત થાય છે; ત્યારે દેહ કે મનનો કોઈ ને કોઈ રોગ થાય છે. સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને પ્રસન્નતાનો ત્યારે નાશ થાય છે.

આયુર્વેદવિજ્ઞાને દેહ અને મનની સંપૂર્ણ સ્વસ્થતામાં દેહનાં આ ત્રણ મૂળ તત્વો કે દોષોની પ્રાકૃતાવસ્થા જ કારણરૂપ ગણી છે. વળી આ ત્રિતત્વોની વિકૃતાવસ્થાને શરીર કે મનના રોગના કારણરૂપ ગણી છે. ટૂંકમાં, સમગ્ર દેહ અને મનની તંદુરસ્તીનું સૌથી મહત્વનું કારણ આ ત્રિદોષોની અવિકૃત-પ્રાકૃત સ્થિતિ છે. જ્યારે રોગ માત્રનું મહત્વનું કારણ આ ત્રિદોષોની વિકૃતિ કે અપ્રાકૃતતા છે.

ચિકિત્સાવિજ્ઞાનમાં ત્રિદોષોનું મહત્વ : આયુર્વેદવિજ્ઞાને ચિકિત્સા-વિજ્ઞાનક્ષેત્રે ત્રિદોષોનો બનેલ ‘ત્રિદોષસિદ્ધાન્ત’ શોધીને પ્રસ્થાપિત કરીને, વિશ્વનાં તમામ ચિકિત્સાવિજ્ઞાનોમાં મહત્વનું પ્રદાન કર્યું છે.

આયુર્વેદવિજ્ઞાને રચેલ ‘ત્રિદોષવાદ’નો સિદ્ધાંત જે વિશિષ્ટતાઓ ધરાવે છે તે આ મુજબ છે :

1. આ સમગ્ર જગત પંચમહાભૂત પદાર્થોથી બનેલ છે. જગતના સર્વ જડ-ચેતન પદાર્થોનું નિર્માણ પૃથ્વી, જળ, તેજ (અગ્નિ), વાયુ અને આકાશ આ પાંચ મૂળભૂત સૃષ્ટિસર્જક તત્વોના વત્તા-ઓછા મિશ્રણથી થાય છે, તે સૌ જાણે છે. આયુર્વેદે સૃષ્ટિનાં આરંભક આ પાંચ મહાભૂત તત્વોનું ત્રણ તત્વોમાં આ રીતે (ચિકિત્સાની સરળતા માટે) સંક્ષિપ્તીકરણ કર્યું છે. પૃથ્વી અને જળ તત્વમાંથી કફદોષ; અગ્નિ (તેજ) તત્વમાંથી પિત્તદોષ અને વાયુ તથા આકાશમાંથી વાયુ-દોષમાં સંક્ષેપ કર્યો છે. પાંચને બદલે માત્ર ત્રણ તત્ત્વો એવાં છે જે શરીરનાં મૂળભૂત જરૂરી તમામ પરિવર્તનો દર્શાવે છે અને દેહ-મનની તંદુરસ્તી કે રોગિષ્ઠતાનું સ્પષ્ટ સૂચન કરે છે.

2. આયુર્વેદવિજ્ઞાનની સમગ્ર રોગવિજ્ઞાનની નિદાનપદ્ધતિ (diognosis) ત્રિદોષવાદ પર રચિત હોવાથી તે ચિકિત્સક માટે સરળ અને સચોટ બની રહે છે. વૈદ્ય માત્ર દોષોની વિકૃતિનાં વિશિષ્ટ લક્ષણો જાણીને કે દર્દીની નાડીમાં દોષોની વિકૃતિ જાણીને ‘રોગનિર્ણય’ કરી શકે છે.

3. એક દર્દી માટે આયુર્વેદની ‘રોગનિદાનપદ્ધતિ’ કે જે ત્રિદોષવાદ પર આધારિત છે તે એકદમ સરળ, સસ્તી અને પીડા તથા સમય બચાવનારી બની રહે છે.

4. આયુર્વેદવિજ્ઞાનનું સમગ્ર ‘શરીરક્રિયાવિજ્ઞાન’ (physiology), વનસ્પતિશાસ્ત્ર (botany), ઔષધિશાસ્ત્ર (medicine) તથા પરેજી-વિજ્ઞાન જેવી અનેક શાખાઓ આ ત્રિદોષવાદના સિદ્ધાંત ઉપર રચાયેલ હોઈ, તે બધાંમાં એકસૂત્રતા – સમરૂપતા સધાયેલ છે.

હવે આપણે આ ત્રણેય દોષો વિશે અન્ય માહિતી જોઈએ :

વાયુ, પિત્ત અને કફ આ ત્રણ તત્વોના દૂષિત થવાના કારણે, અર્થાત્, તેમાં વધ-ઘટ થવારૂપી કે અન્ય તત્વો સાથે સંમિશ્ર થવારૂપી વિકૃતિ થવાથી, તે જ શરીરને દૂષિત કરતા હોઈ, તેને ‘દોષ’ સંજ્ઞા અપાઈ છે.

‘ધાતુ’ સંજ્ઞા : વાત, પિત્ત અને કફ આ ત્રણ મૂળ તત્વો જ્યારે પ્રાકૃત (નૈસર્ગિક) સ્વરૂપમાં રહે છે ત્યારે તે શરીરનું ધારણ-પોષણ કરે છે. તેથી આ ત્રિતત્વોને આયુર્વેદે ‘ધાતુ’ સંજ્ઞા પણ આપી છે.

મલસંજ્ઞા : વાયુ, પિત્ત અને કફ આ ત્રણેય તત્વો વિકારયુક્ત થાય ત્યારે શરીરને મલિન (અસ્વચ્છ : રોગી) કરે છે, તેથી આયુર્વેદે સ્થિતિ તથા તેના કાર્ય મુજબ તેને ‘મલ’ (મળ) સંજ્ઞા પણ આપી છે.

એક ચિકિત્સક (વૈદ્ય) માટે ચિકિત્સાકાર્યના હેતુસર ત્રણે દોષોના પ્રાકૃત અને વૈકૃત અવસ્થાનું જ્ઞાન જરૂરી હોય છે. સુવૈદ્ય વાત, પિત્ત અને કફ વા ક્ષય, પ્રકોપ, વૃદ્ધિ, સામ્ય અને તેનાં આવરણોનું જ્ઞાન મેળવીને સફળ ચિકિત્સા કરે છે.

ત્રિદોષોનું દેહમાં ખાસ સ્થાન : વાયુ, પિત્ત અને કફ જોકે (રક્ત દ્વારા) સમગ્ર શરીરમાં વ્યાપીને રહે છે. આમ છતાં તેનાં પોતાનાં કેટલાંક ખાસ સ્થાનો છે; જેમ કે, શરીરના ઊર્ધ્વ ભાગ(છાતી, કંઠ-મસ્તક)માં કફદોષ, મધ્ય ભાગ(હૃદય નીચે, આંતરડાં, યકૃત, પ્લીહા, પિત્તાશય વગેરે)માં પિત્તદોષ અને શરીરના (ડૂંટીથી નીચેના) અધો ભાગ (પેઢુ, મોટું આંતરડું, ગુદા, ગુપ્તાંગ, નિતંબ, સાથળ, પગ વગેરે)માં વાયુદોષ સવિશેષ પ્રમાણમાં કાયમ રહે છે.

ત્રિદોષોનો વિશેષ પ્રભાવ : વાયુ, પિત્ત અને કફ રૂપી ત્રણે તત્વો દિવસ, રાત્રિ, વર્ષ, વય અને ભોજનના અંત, મધ્ય તથા પ્રારંભમાં અનુક્રમે રહે છે. અર્થાત્ કફદોષ હંમેશાં દિવસના પ્રારંભના સવારના 6થી 10–11 સુધી પોતાનો ખાસ પ્રભાવ બતાવે છે. તે જ રીતે રાત્રિના પ્રારંભે વર્ષના પ્રારંભે (વસંત ઋતુમાં); વયના પ્રારંભમાં (બાલ્ય કાળે), અને ભોજન પછીના પ્રારંભિક કાળે (શરૂના 2 કલાક) કફદોષનો ખાસ પ્રભાવ લક્ષિત થાય છે. તેવી જ રીતે પિત્તદોષ દિવસ, રાત્રિ, વર્ષ, વય અને ભોજનના મધ્યકાળે ખાસ પ્રગટ થાય છે. વાયુદોષ દિવસ, રાત્રિ, વર્ષ, વય અને ભોજનના અંત સમયે ખાસ પ્રગટ થાય છે. આયુર્વેદના આ સિદ્ધાંતની સત્યતાનો અનુભવ લાખો વૈદ્યોએ હજારો વર્ષથી કરી, તેને સાચો હોવાની પોતાની મહોર મારી છે. વિગતે જોઈએ તો પિત્તદોષ દિવસના મધ્ય કાળ (11થી 4), રાત્રિના મધ્યકાળ 11થી 4, આયુષ્યના મધ્યકાળ યુવાનીમાં, વર્ષના મધ્યકાળ (શરદ ઋતુમાં) તથા ભોજનના મધ્યકાળ(2થી 3 કલાક)માં ખાસ લક્ષિત થવાના ગુણધર્મ ધરાવે છે. એ જ રીતે વાયુદોષ દિવસ તથા રાત્રિના અંતકાળ (4થી 6 વચ્ચે) દરમિયાન, આયુષ્ય(જીવન)ના અંતકાળ વૃદ્ધાવસ્થામાં, વર્ષના અંતકાળ(વર્ષા ઋતુ)માં અને ભોજનના અંતકાળ (3થી 4 કલાક) દરમિયાન પ્રાય: પોતાનો ખાસ પ્રભાવ પ્રગટ કરે છે. એ ઉપરથી વૈદ્યો દર્દીમાં રહેલા દોષો અને દોષો ઉપરથી રોગોનું નિદાન કરે છે.

દોષવર્ધકશામક રસો : આપણા શરીરમાં રહેલા વાયુ, પિત્ત અને કફરૂપી દોષો આહારના છ રસો પૈકી ત્રણ ત્રણ રસો વડે વધે છે કે કોપે છે અને ત્રણ ત્રણ રસો વડે તે ઘટે છે કે શાંત થાય છે. તે નીચે મુજબ છે :

ક્રમ દોષનામ

દોષ વધારનાર રસો

(દોષપ્રકોપક)

દોષ ઘટાડનાર રસો

(દોષશામક)

1.

2.

3.

વાયુદોષ

પિત્તદોષ

કફદોષ

તીખો, કડવો, તૂરો

ખાટો, ખારો, તીખો

ગળ્યો, ખાટો, ખારો

ગળ્યો, ખાટો, ખારો

મધુર, કડવો, તૂરો

કડવો, તીખો, તૂરો

સ્પષ્ટતા : વાયુદોષ હંમેશાં મુખ્યત્વે તીખા, કડવા અને તૂરા રસ ધરાવતા આહારથી વધે છે કે પ્રકોપે છે. જ્યારે તે મુખ્યત્વે ગળ્યો, ખાટો અને ખારો રસ ધરાવતા આહારથી ઘટે છે કે તેની શાંતિ થાય છે. એ જ રીતે અન્ય દોષોનું સમજવું.

દોષ મુજબ પ્રકૃતિ : શરીરના ત્રણ દોષ મુજબ માનવીના દેહની પ્રકૃતિ (તાસીર) પણ ત્રણ જાતની થાય છે; જેમ કે,

1. વાયુદોષની પ્રધાનતા અને બીજા બેની ગૌણતાથી વાતજ પ્રકૃતિ.

2. પિત્તદોષની પ્રધાનતા અને બીજા બેની ગૌણતાથી પિત્તજ પ્રકૃતિ.

3. કફદોષની પ્રધાનતા અને બીજા બેની ગૌણતાથી કફજ પ્રકૃતિ.

દોષ મુજબ માનસગુણો : શરીરના જેવી રીતે ત્રણ દોષો છે. તેવી જ રીતે મનના ત્રણ ગુણો છે – સત્વ, રજસ અને તમસ. તેમાંથી વાયુ-દોષ રજસ કે રાજસ ગુણ દર્શાવે છે. પિત્તદોષ સત્વ કે સાત્વિક ગુણ દર્શાવે છે; જ્યારે કફદોષ તમસ કે તામસ ગુણ દર્શાવે છે. સત્વ ગુણ પ્રાકૃત અને ઉત્તમ ગુણ ગણાય છે. જ્યારે રજોગુણ અને તામસ ગુણ દુર્ગુણ કે દોષ ગણાતા હોઈ તે હીન ગણાય છે.

દોષ મુજબ દેહરોગોની સંખ્યા : વાયુદોષથી 80 જાતનાં, પિત્તદોષથી 40 જાતનાં અને કફદોષથી 20 જાતનાં વિવિધ દર્દો પેદા થાય છે.

પ્રાકૃત વાયુદોષવિવેચન : વાયુ, પિત્ત અને કફ આ ત્રણ દોષોમાં સૌથી વધુ પ્રબળ દોષ વાયુ છે. પિત્ત અને કફ આ બંને દોષ વાયુના સાથ સહકાર વિના સાવ પંગુ હોય છે. વાયુજ પિત્ત અને કફને શરીરમાં જ્યાં જરૂરી હોય ત્યાં માર્ગો દ્વારા વહી જાય છે, લઈ જાય છે. પિત્ત અને કફ વાયુની મદદ વિના શરીરમાં ન તો કશી ક્રિયા કરી શકે  છે કે ન તો ક્યાંય જઈ શકે છે. वा ધાતુમાંથી ‘वात’ શબ્દ ગતિ અને ઉત્સાહના અર્થમાં બન્યો છે.

વાયુના ગુણધર્મો : દરેક દોષ પોતાના જે વિશિષ્ટ ગુણધર્મોથી ઓળખાય છે અને બીજાથી જુદા પડી સમજાય છે, તે અહીં દર્શાવેલ છે. વાયુદોષના સાત ગુણો છે : (1) રુક્ષ – લૂખો (2) લઘુ – હલકો (3) શીત – ઠંડો (4) દારુણ – કઠોર (સખ્ત), (5) ખર – ખરબચડો (6) વિશદ – દ્રવહર અને (7) ચલ – ચલિત. આ સાત ગુણોથી વાયુદોષ પરખાય છે, સમજાય છે. વાયુ નિરાકાર, યોગવાહી, મૃદુ, દારુણ, અમૂર્ત, શીઘ્ર્ર, અવ્યક્ત, શબ્દવાન, સ્પર્શવાન, અસંઘાત અને રજોગુણમય છે.

વાયુનું મુખ્ય સ્થાન : વાયુદોષ શરીરના અધ: (નીચેના) ભાગમાં અર્થાત્ ડૂંટીની નીચેના ભાગ(મોટું આંતરડું, નાનું આંતરડું, કમર, મૂત્રાશય, ગુદા, નિતંબ તથા પગ આદિ)માં રહે છે. સામાન્ય રીતે તે આખાય અંગમાં સર્વસ્થાનચર હોય છે.

કોઠો : વાયુદોષની પ્રધાનતાથી ક્રૂર કોઠો બને છે. આવા કોઠાવાળાને સખ્ત કબજિયાત થાય છે; પણ દિવેલ જેવા સ્નિગ્ધ દ્રવ્યથી ઝાડો સાફ આવે છે.

અગ્નિ : જો વાયુદોષ પ્રાકૃત રહે તો ભૂખ બરાબર લાગે છે, પણ તેમાં વધ-ઘટ (વિકાર) થાય તો જઠરાગ્નિ (પાચન) વિષમ (સારું કે ખરાબ) બને છે.

પ્રકૃતિ : શારીરિક દોષની ર્દષ્ટિએ વાયુદોષથી વ્યક્તિની ‘વાતલ પ્રકૃતિ’ બને છે અને માનસિક ગુણની ર્દષ્ટિએ તે દોષ ધરાવનાર રાજસિક ગુણવાન બને છે.

સામાન્ય કાર્ય : વાયુદોષ પ્રાકૃત રૂપે હોય તો તે નીચે મુજબ કાર્યો કરે છે. તે ઉત્સાહ પેદા કરે છે, શરીર તંત્ર-યંત્ર સારી રીતે ચલાવે છે. હાથ-પગ જેવાં અંગોને તે ગતિ આપે છે. તે ઉચ્છવાસ-નિ:શ્વાસ કરે છે. શરીરની સાતેય (રસ, રક્તાદિ) ધાતુઓને ગતિ આપે છે. તે સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરાવે છે. ગર્ભની આકૃતિ બાંધે છે, તેર પ્રકારના વેગો  લાવે છે. ઇંદ્રિયોમાં ચપળતા (સ્ફૂર્તિ) લાવે છે, (મન) ચિત્તનું ધારણ કરે છે. શરીરની પ્રત્યેક ધાતુની સ્થૂલ અને સૂક્ષ્મ રચના કરે છે. બધી જ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોને વાયુ પ્રેરણા આપે છે, જ્ઞાનેન્દ્રિયોને તેમના વિષયોનું જ્ઞાન કરાવે છે, વાણીને પ્રવર્તાવે છે. સ્પર્શ અને શબ્દનું જ્ઞાન કરાવે છે. પાચકાગ્નિ તથા ધાત્વાગ્નિઓને વાયુદોષ પ્રદીપ્ત કરે છે, ધાતુઓ અને મળોનું યોગ્ય સમય સુધી જરૂરિયાત મુજબ ધારણ તથા વિસર્જન કરે છે. વાયુદોષ કફ અને પિત્તને ગતિ આપે છે. અન્ય દોષ, ધાતુ અને મળોને  સપ્રમાણ રાખે છે તથા તેમનાં કર્મોના સ્વભાવનું રક્ષણ કરે છે. તે મળોને પોતપોતાના માર્ગો દ્વારા બહાર કાઢે છે, હૃદય અને નાડીઓનું સ્પંદન તથા પૂરણ કરે છે. તે વિવેક લાવે છે, સંકોચ-વિકાસ તથા વિક્ષેપ કરે છે અને જઠરાગ્નિને વધારે છે.

વાયુના પ્રકારો : વાયુદોષના પાંચ પ્રકારો છે : પ્રાણવાયુ, ઉદાનવાયુ, સમાનવાયુ, અપાનવાયુ અને વ્યાનવાયુ. તે દરેકનાં સ્થાન તથા કાર્ય જોઈએ :

(1) પ્રાણવાયુ : સ્થાન : આ પ્રકારના વાયુનું સ્થાન મુખ્યત્વે મસ્તક છે. તે સામાન્ય રીતે કંઠ તથા છાતીમાં પણ ફરે છે. કર્મ : પ્રાણવાયુ મુખ દ્વારા આહારને અને મુખ તથા નાસિકા દ્વારા બાહ્ય વાયુ(હવા)નો શરીરમાં પ્રવેશ કરાવે છે, પૂરણકાર્ય દ્વારા તે દેહનું ધારણ અને 13 પ્રાણોનું અવલંબન કરે છે. થૂંકવું, છીંકવું, શ્વાસ લેવો અને બુદ્ધિ, હૃદય, ઇંદ્રિયો તથા મનનું ધારણ કરવું અને ઓડકાર ખાવો એ પ્રાણવાયુનાં કાર્યો છે.

(2) ઉદાનવાયુ : સ્થાન : આ વાયુ મુખ્યત્વે છાતીમાં રહે છે. સામાન્ય રીતે તે હૃદય, કંઠ અને નાકમાં ફરે છે. કર્મ : શ્વાસને ઉપર તરફ લઈ જવો, બોલવું, ગાવું, પ્રયત્ન કરવો, ઉત્સાહ દાખવવો, બળ પ્રગટ કરવું,  વર્ણ (રંગ) બનાવવો અને સ્મરણ કરવું. આ સર્વ ઉદાનવાયુનાં કાર્યો છે.

(3) સમાનવાયુ : સ્થાન : આ વાયુ મુખ્યત્વે હોજરીમાં પાચકાગ્નિ (પૅન્ક્રિયાસ) પાસે રહે છે. સામાન્ય રીતે તે ગ્રહણી (ડ્યુઓડિનમ) આંતરડાં તથા સ્વેદવાહી દોષવાહી અને જલવાહી સ્રોતોમાં ફરે છે. કર્મ : સમાનવાયુ હોજરીમાં રહેલ ભોજનદ્રવ્યને પચાવે છે. જઠરાગ્નિ(પાચનશક્તિ)ને બળ આપે છે. આહાર-પરિપાકથી ઉત્પન્ન રસ દોષ, મળ અને મૂત્રનું પૃથક્કરણ (વિભક્તિકરણ) કરે છે.

(4) અપાનવાયુ : સ્થાન : આ વાયુ મુખ્યત્વે મોટા આંતરડા (પક્વાશય) તથા ગુદામાં રહે છે. સામાન્ય રીતે તે જાંઘ, વૃષણ (અંડકોષ), મૂત્રાશય, આંત્ર અને જાંઘના મૂળમાં રહે છે. કર્મ : આ વાયુ અપ્રવૃત્ત કાળમાં મળ, મૂત્ર, વીર્ય, ગર્ભ અને આર્તવ(રજ)નું ધારણ કરે છે અને પ્રવૃત્ત કાળમાં તે બધાંનું વિસર્જન કાર્ય કરે છે.

(5) વ્યાનવાયુ : સ્થાન : આ વાયુ (હૃદયમાં રહી ત્યાંથી નાડીઓ દ્વારા) સમગ્ર શરીરમાં ફરે છે. કર્મ : હૃદયનું પ્રસ્પંદન તથા રસધાતુ(રક્ત)ને આખા શરીરમાં ફેલાવવી એ આ વાયુનું  ખાસ કાર્ય છે. આ વાયુ રસ(રક્ત)સંવહન દ્વારા આખા શરીરમાં શીઘ્ર ગતિએ વિચરણ કરે છે. આ વાયુ પરસેવો લાવવા; અંગો પ્રસારવા, આકુંચન, વિનયન, ઉન્નમન, આક્ષેપ, નિમેષોન્મેશ, તિર્યક્-ગમન જેવી અનેક પ્રકારની ક્રિયાઓ તથા તેથી થતાં કર્મો કરે છે. તે હૃદયનો વિકાસ કરે છે અને દેહની સર્વ ક્રિયાઓમાં મદદ કરે છે.

પ્રાકૃત પિત્તદોષ-વિવેચન : લક્ષણો; સ્વરૂપ : પિત્ત દોષ ગરમ, જરાક ચીકાશયુક્ત, સ્વાદે કડવું, તીક્ષ્ણ, પ્રવાહી, દુર્ગંધયુક્ત, સરકે તેવું, હલકું, પીળું, પકવાશયમાં ખાટું; શબ્દ, સ્પર્શ અને રૂપ આ ત્રણ ગુણોવાળું, અગ્નિ(સૂર્ય)ના પ્રતિનિધિરૂપ અને સત્ત્વગુણપ્રધાન છે.

મુખ્ય સ્થાન : પિત્તદોષ મુખ્યત્વે દેહના મધ્યભાગ(હૃદય અને નાભિની વચ્ચેનાં અંગો)માં રહે છે. સામાન્ય રીતે તે હોજરી, ગ્રહણી, યકૃત, પ્લીહા, ત્વચા, નેત્ર આદિ સ્થાનોમાં રહે છે.

સામાન્ય કાર્ય : જોવું, પાચન કરવું, શરીરને ગરમી આપવી, ભૂખ અને તરસનો વેગ લાવવો, દેહ તેજસ્વી કરવો, શૌર્ય, હર્ષ, મેધા, પ્રભાવ, રૂપરંગ (વર્ણ), બૃદ્ધિ વગેરેનું ધારણ કરવું  અને તેમની વૃદ્ધિ કરવી; અન્નરસ અને મળ-મૂત્રાદિને પચાવવાં તેમજ રસમાંથી ઉત્તરોત્તર (લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય જેવી) ધાતુઓ બનાવવી; રસ ધાતુને રંગીને લોહી ધાતુ બનાવવી, ધારેલો હેતુ સિદ્ધ કરવામાં મદદ કરવી; ત્વચાને પોષણ આપી, તેની તેજસ્વિતા વધારવી, ત્વચા પર લગાડેલાં દ્રવ્યોનું શોષણ કરી અંદર ઉતારવાં – આ બધાં પિત્તદોષનાં સામાન્ય કાર્યો છે.

પ્રકૃતિ : પિત્તદોષની પ્રધાનતા અને અન્ય બે દોષોના મિશ્રણથી પિત્તજ પ્રકૃતિ (તાસીર) બને છે. માનસિક ગુણની ર્દષ્ટિએ સાત્વિક ગુણપ્રધાન વ્યક્તિ બને છે.

કોઠો : પિત્તદોષથી બનેલ પિત્તજ તાસીરના લોકોનો ઉદરકોષ્ઠ મૃદુ કે કોમળ બને છે, જેથી આવા લોકોને ગરમાળો, ત્રિફળા, ઘી જેવી હળવી રેચક વસ્તુઓથી પણ સરસ ઝાડો થાય છે.

જઠરાગ્નિ : પિત્તજ પ્રકૃતિના લોકોનો જઠરાગ્નિ (પાચનશક્તિ) પ્રાય: તેજ (તીક્ષ્ણ) હોય છે.

પ્રકારો : પિત્તદોષના પાંચ પ્રકારો છે – પાચક, રંજક, સાધક, આલોચક અને ભ્રાજક પિત્ત.

1. પાચક પિત્ત : સ્થાન : આ પિત્ત મુખ્યત્વે ગ્રહણી(ડ્યુઓડિનમ)માં રહે છે. તેનું પ્રમાણ તલ જેટલું હોય છે. કાર્ય : પાચક પિત્ત ચાર પ્રકારના આહારનું પાચન કરે છે. તે સમાનવાયુની મદદથી દોષ, રસ, મૂત્ર અને મળનું પૃથક્કરણ કરે છે. તે એક જ સ્થાને રહી પોતાની શક્તિથી અન્ય ચાર પિત્તનું અને સમગ્ર શરીરનું પોષણ કરે છે. વળી તે ભૂખ, તરસ અને ઉષ્મા પેદા કરે છે.

2. રંજક પિત્ત : સ્થાન : આ પિત્તનું કાર્યક્ષેત્ર યકૃત (lever) અને પ્લીહા (splin) છે. કાર્ય : આ પિત્ત રસધાતુને રંગીને રક્ત ધાતુ બનાવવાનું કાર્ય કરે છે.

3. સાધક પિત્ત : સ્થાન : આ પિત્તનું સ્થાન (કાર્યક્ષેત્ર) હૃદય છે. કાર્ય : બુદ્ધિ, મેધા, અહંકાર, અભિમાન વગેરે દ્વારા ધારેલું કાર્ય સિદ્ધ કરવામાં મદદરૂપ થવું; હૃદયના આવરક દોષો કફ અને તમ ને દૂર કરી, મનને નિર્મળ અને ઉત્કૃષ્ટ બનાવવું આ બધાં સાધક પિત્તનાં કાર્યો છે.

4. આલોચક પિત્ત : સ્થાન : આ પિત્તનું સ્થાન આંખની કીકી છે. કાર્ય : વિવિધ પદાર્થોના રૂપરંગનું દર્શન (રૂપગ્રહણ) કરવું, એ આ પિત્તનું કાર્ય છે.

5. ભ્રાજક પિત્ત : સ્થાન : આ પિત્તનું સ્થાન ત્વચા છે. કાર્ય : ત્વચાને ઉષ્મા આપવી, તેજ આપવું, ત્વચા પર લગાવેલ તેલ કે લેપને શરીરમાં દાખલ કરવા, દેહની કુદરતી ઉષ્મા જાળવી રાખવી વગેરે આ પિત્તનાં લક્ષણો છે.

પ્રાકૃત કફદોષવિવેચન : કફદોષ પૃથ્વી અને જલ મહાભૂતમાંથી પેદા થાય છે.

દોષનાં લક્ષણો અને સ્વરૂપ : કફ લિસ્સો, મંદ (અગતિશીલ), ઠંડો, સ્થિર, ગુરુ (ભારે), શ્લક્ષ્ણ, સાંદ્ર (છિદ્રો પૂરે તેવો), શ્વેત રંગનો, પિચ્છીલ (ચીકણો), સ્વાદે મધુર અને તમોગુણપ્રધાન છે. કફ ચંદ્રના પ્રતિનિધિરૂપ છે. તેમાં પંચમહાભૂતોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગુણ બધા ગુણો છે.

મુખ્ય સ્થાન : કફદોષનું મુખ્ય સ્થાન દેહનો ઊર્ધ્વ (છાતીની ઉપરનો) ભાગ છે. સામાન્ય રીતે તે મસ્તક, હૃદય, કંઠ, હોજરી અને સાંધાઓમાં રહે છે.

સામાન્ય કાર્ય : કફદોષ શરીરમાં સ્નિગ્ધતા લાવવી, ભીનાશ રાખવી, સંધિઓને બંધનયુક્ત રાખવા, શરીરમાં સ્થિરતા લાવવી, ખડતલપણું લાવવું, દેહ વજનદાર તથા ભારે બનાવવો, શરીરને પુષ્ટ કરવું અને વધારવું, દેહનું તર્પણ (તૃપ્તિ) કરવું, વ્રણ રૂઝવવા; વીર્ય, બલ, ઉત્સાહ, જ્ઞાન, વિવેક, નિ:સ્વાર્થતા, ક્ષમાશક્તિ, માનસિક સ્થિરતા વગેરેની વૃદ્ધિ કરવી તથા સંતોષ (અલોભ), બુદ્ધિ, ધીરજ આદિની વૃદ્ધિ કરવી જેવાં અનેક કાર્યો કરે છે.

પ્રકૃતિ : શારીરિક દોષર્દષ્ટિએ કફની પ્રધાનતાથી કફજ (શ્લેષ્મલ) પ્રકૃતિ અને માનસિક ગુણર્દષ્ટિએ તામસ પ્રકૃતિ બને છે.

કોષ્ઠ : કફજ પ્રકૃતિની વ્યક્તિનો કોઠો મધ્યમ પ્રકારનો હોય છે.

જઠરાગ્નિ (પાચનશક્તિ) : કફજ પ્રકૃતિવાળી વ્યક્તિનો જઠરાગ્નિ મંદ હોય છે.

કફના પ્રકારો અને કાર્ય : કફદોષના બીજા પાંચ પ્રકારો તેના સ્થાનકાર્યની ર્દષ્ટિએ પડે છે : 1. ક્લેદક,
2. અવલંબક, 3. બોધક, 4. તર્પક અને 5. શ્લેષ્મક કફ.

(1) ક્લેદક કફ : સ્થાન : આ કફનું સ્થાન હોજરી છે. કાર્ય : આ કફનું કાર્ય ચારેય પ્રકારના ખાધેલા ભોજનને સૂક્ષ્મ કણોમાં વિભક્ત કરવાનું અને તેને કલેદ(દ્રવ) યુક્ત કરવાનું અને બીજા પ્રકારના કફને મદદ કરવાનું છે.

(2) અવલંબક કફ : સ્થાન : આ કફનું સ્થાન હૃદય-છાતી છે. કાર્ય : આ કફ હૃદય-ફેફસાં જેવાં અંગોને ધારણ કરી, તેને મજબૂત બનાવે છે. આ કફ અન્ય કફને મદદ કરે છે.

(3) બોધક કફ : સ્થાન : આ કફનું સ્થાન જીભ અને જીભનું મૂળ છે. આ કફને ‘રસન’ કફથી પણ ઓળખે છે. કાર્ય : આહારના છયે રસોના સ્વાદનું જ્ઞાન કરાવવું એ આ કફનું કાર્ય છે.

(4) તર્પક કફ : સ્થાન : આ કફનું ખાસ સ્થાન મસ્તક છે. તેને સ્નેહન કફ પણ કહે છે. કાર્ય : દેહની બધી ઇંદ્રિયોને તૃપ્ત કરવી અને તેને પોષવી, મજબૂત બનાવવી એ આ કફનું કાર્ય છે.

(5) શ્લેષ્મક કફ : સ્થાન : આ કફનું સ્થાન શરીરના દરેક સાંધામાં છે. કાર્ય : બધા સાંધાઓને ચીકાશ વડે એકસાથે જોડી રાખવા અને અવયવોને ઘસાતા રોકવા એ આ કફનું ખાસ કાર્ય છે.

બળદેવપ્રસાદ પનારા