ત્યાગપત્ર (1937) : હિંદી નવલકથાકાર જૈનેન્દ્રની મનોવૈજ્ઞાનિક નવલકથા. તે તેમની ત્રીજી નવલકથા છે. અહીં લેખક નવલકથાની નાયિકા મૃણાલના આત્મસંઘર્ષ દ્વારા આત્મવ્યથાનું એક દર્શન સ્થાપે છે.

માત્ર 86 પૃષ્ઠની નવલકથાની શરૂઆતમાં પ્રારંભિક અને અંતમાં પુનશ્ચ (તા.ક.) મૂકીને નવલકથામાં નિરૂપિત કથામાં સત્યઘટનાનો આભાસ ઊભો કર્યો છે. આ કથા એક નિવૃત્ત ન્યાયાધીશ સર એમ. દયાલના મૃત્યુ પછી મળેલી અંગ્રેજી હસ્તપ્રતનું હિંદી રૂપાંતર છે. અહીં સ્થળ અને વ્યક્તિનાં નામ આપવાનું ટાળ્યું છે. છેલ્લે રાજીનામું દાખલ કર્યાની અરજીની તારીખ અને હસ્તાક્ષર પણ છે. વળી સમગ્ર નવલકથા આત્મકથનાત્મક શૈલી એટલે કે પ્રથમ પુરુષ એકવચનની શૈલીમાં આલેખાઈ છે. કથક પ્રમોદ પોતાની ફોઈ મૃણાલની વ્યથાનું અથથી ઇતિ બયાન કરે છે. અહીં મૃણાલનું ચિત્ર ત્રણ ર્દષ્ટિએ આપણી સમક્ષ ઊઘડે છે. એક તો હિંદી અનુવાદકની ર્દષ્ટિ, બીજી ભત્રીજા પ્રમોદની (નિવૃત્ત ન્યાયાધીશની) અને ત્રીજી મૃણાલની પોતાની. આમ ર્દષ્ટિકોણની રીતે પણ આ નવલકથા ધ્યાનાર્હ બની છે.

નવલકથાનો પ્રારંભ આત્મસ્વીકૃતિથી થાય છે. વર્ષો સુધી લોકોનો ન્યાય કરનાર સર એમ. દયાલ એટલે કે કથક પ્રમોદ આજે પણ નક્કી નથી કરી શક્યો કે એની ફોઈ મૃણાલ પાપિષ્ઠા હતી કે નહિ. ‘આજે એ મરી ગઈ છે પણ શું એણે મને છેલ્લી પળે યાદ કર્યો હશે ?’ – આ પ્રશ્ન સાથે કથક પ્રમોદનો અતીત વાચક સમક્ષ ઊઘડતો આવે છે.

બાળપણમાં માતાપિતાની સ્નેહછાયાથી વંચિત મૃણાલ મોટા- ભાઈના વાત્સલ્ય અને કુશળ ગૃહિણી એવી ભાભીના અનુશાસનમાં ઊછરી. એનાથી ચાર પાંચ વર્ષે નાના પ્રમોદના મતે એની ફોઈ તો પરી હતી. એ તેને ખૂબ જ ચાહતો. ફોઈની અવનવી ટીખળો, સ્કૂલની નિતનવી વાતોમાં પ્રમોદ મશગૂલ રહેતો. પણ એ બદલાઈ ગઈ. યૌવનમાં પ્રવેશતી મૃણાલના જીવનમાં એની બહેનપણી શીલાનો ભાઈ આવ્યો. મેડિકલમાં અભ્યાસ કરતા યુવકે ક્યારેક મૃણાલના મનમાં પંખી બનવાની તો ક્યારેક પતંગ બનવાની ચાહના જગાવી; પણ ભારતમાં અસંખ્ય યુવતીઓ સાથે બને છે એ મૃણાલ સાથે પણ બન્યું. તત્કાળ તેનાં લગ્ન તેનાથી ખાસ્સા મોટા એવા બીજવર સાથે કરી દેવામાં આવ્યાં. મૃણાલે પતિને પોતાના પ્રથમ પ્રેમની વાત કરી. એ માનતી હતી કે સાચા બનીને જ સમર્પિત થઈ શકાય. બદલામાં પતિએ ત્યાગ કર્યો. મૃણાલ એની પણ ફરિયાદ કરતી નથી, કારણ પતિ જો એની પત્ની માનતો જ ન હોય તો એ કયા અધિકારે પતિ પર બોજ બને ? અત્યંત અસહાય અવસ્થામાં એ નક્કી કરે છે કે આત્મઘાત તો નહિ જ કરું. જેણે જીવન આપ્યું છે એ જ જો મૃત્યુ આપે તો સ્વીકારી શકાય. બાકી જાતે મરવાનો અહંકાર લઈને મરનાર હું કોણ ?

ભૂખમરાથી મરવાની રાહ જોતી મૃણાલને એક કોલસાનો  વેપારી મદદ કરે છે. એ જાણે છે કે આજે જે મારા રૂપના મોહમાં ઘર-પરિવાર બધું છોડીને આવી ગયો છે એ પણ એક દિવસ ચાલ્યો જશે. પણ એને શરીર અંગે પવિત્રતાનો કોઈ રૂઢ ખ્યાલ નથી. એ માને  છે કે વેપારીએ એને મદદ કરી છે તો એનો ધર્મ છે કે એ વેપારીની સેવા કરે. અહીં શરીર આપવાનો એને છોછ નથી. દાન સ્ત્રીનો ધર્મ છે. એ વેશ્યાવૃત્તિનો વિરોધ કરે છે કારણ એમાં સમર્પણ નથી. પતિ-પત્ની, શરીર, સતીધર્મ, પતિવ્રતધર્મ અંગેના મૃણાલના આગવા ખ્યાલ છે પણ એ આ ખ્યાલો દ્વારા સમાજને તોડવા નથી માગતી. સમાજથી દૂર રહીને એની મંગલકામનામાં પોતાની જાત પર બધું સહેવું એને મંજૂર છે.

આ સમર્પણ, આ સહનશીલતા અને સેવાનું તત્વજ્ઞાન મૃણાલને ઘણુંબધું વેઠ્યા પછી લાધ્યું છે. છેલ્લે પ્રમોદ તેને ગંદી વસ્તીમાં લેવા જાય છે ત્યારે ભૂખ, ગરીબી અને બીમારીથી જર્જર મૃણાલ કહે છે કે ‘યુધિષ્ઠિર સ્વર્ગમાં પણ કૂતરાને લઈ ગયા હતા. તારું ઘર કેવડું છે ? તારી પાસે જેટલા પૈસા  હોય એટલા લાવ. ખૂબ કમાઈને આ ખાડામાં નાખ. એથી આ નરકકુંડ સ્વર્ગ તો નહીં બને પણ કદાચ કંઈક કામ આવે.’ છેવટે સુધી મૃણાલ ઘેર આવતી નથી, કારણ સાસરું છૂટ્યું એ પહેલાંનું પિયર છૂટી ગયું હતું. એના મૃત્યુના સમાચાર આવે છે. પ્રમોદના મનમાં પ્રશ્ન થાય છે ‘કે આટલાં વર્ષો ન્યાયાધીશ બની જગતનો ન્યાય કર્યો પણ આજ સુધી હું મારી ફોઈનો ન્યાય ક્યાં કરી શક્યો છું ?’ એ ન્યાયાધીશપદેથી રાજીનામું આપે છે.

આમ ‘ત્યાગપત્ર’ નવલકથા સ્ત્રીની આંતરચેતનાના સંદર્ભમાં ભારતના સામાજિક-નૈતિક નિયમોની નવી વ્યાખ્યા કરે છે. હિંદી નવલકથાનાં સ્ત્રીપાત્રોમાં મૃણાલનું સ્થાન અનન્ય છે.

બિંદુ ભટ્ટ