ત્બિલિસિ (Tbilisi) : એશિયાના કૉકેસસ પર્વતમાળાના પ્રદેશમાં આવેલ જ્યૉર્જિયા ગણરાજ્યનું પાટનગર તથા ઐતિહાસિક શહેર. રશિયન ભાષામાં તેનું નામ ‘તિફિલસ’ છે. સ્થાનિક જ્યૉર્જિયન ભાષામાં ‘ત્બિલિસિ’ એટલે ગરમ પાણીનાં ઝરણાં. તેની આજુબાજુના વિસ્તારમાં ગરમ પાણીનાં ઘણાં ઝરણાં હોવાથી શહેરને આ નામ મળ્યું છે. તે 41° 43’ ઉ. અ. તથા 44° 49’ પૂ. રે. પર કુરા નદીના બંને કાંઠે વસેલું છે. સોવિયેત સંઘના વિઘટન (1991) પછી જ્યૉર્જિયા સ્વતંત્ર પ્રજાસત્તાક બન્યું. આ નગરની કુલ વસ્તી આશરે 11 લાખ (2022) હતી. તેના વાયવ્ય ખૂણે ગોરિ, નૈર્ઋત્યે તેલાવિ તથા અગ્નિખૂણે રુસ્તાવિ નગરો આવેલાં છે. આઝરબૈજાન પ્રજાસત્તાકના પાટનગર બાકુથી તે નૈર્ઋત્યમાં આશરે 435 કિમી.ના અંતરે છે. સમુદ્રની સપાટીથી તે 406થી 522 મી. ઊંચાઈ એ છે. નદીના કાંઠે તેનો પ્રલંબિત ભાગ 27 કિમી. જેટલી લંબાઈ ધરાવે છે.

ત્યાં વિદ્યુતશક્તિ પર ચાલતાં રેલ-એન્જિનો, એન્જિનયરિંગને લગતી વસ્તુઓ, મશીન ટૂલ્સ, સુતરાઉ કાપડ, ચામડાની વસ્તુઓ, પગરખાં, કાગળ, લાકડાનું રાચરચીલું, યંત્રો, તમાકુની બનાવટો, ધાતુની ચીજવસ્તુઓ, રેશમની વસ્તુઓ, ખનિજતેલની પેદાશોનાં તથા દારૂ ગાળવાનાં કારખાનાં વિકસ્યાં છે. પચરંગી વસ્તી ધરાવતું આ શહેર સડક તથા રેલવ્યવહારનું કેન્દ્ર હોવાથી તથા બાજુના જળવિદ્યુત મથકમાંથી તેને વીજળીનો પૂરતો પુરવઠો પ્રાપ્ત થતો હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રે તેણે હરણફાળ પ્રગતિ  કરી છે.

નગરમાં જ્યૉર્જિયા યુનિવર્સિટી(1918)નું મથક, જ્યૉર્જિયન અકાદમી ઑવ્ સાયન્સીઝ (1941), કલા અકાદમી, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિન તથા કૃષિ, વનવિજ્ઞાન, ઉદ્યોગો અને ટૅકનૉલૉજીને લગતી શિક્ષણસંસ્થાઓ આવેલી છે. ત્યાં પાંચમી સદીનું યહૂદીઓનું દેવળ, છઠ્ઠી સદીનું આન્ચિખાટિ દેવળ, તેરમી સદીનાં મેટેખિ દુર્ગ તથા દેવળ અને નદીના જમણા કાંઠા પર આવેલ ટેકરી પર પ્રાચીન કિલ્લો, આધુનિક સમયગાળામાં ઊભાં કરવામાં આવેલ વસ્તુસંગ્રહાલયો, ઉદ્યાનો, નાટ્ય તથા સંગીતગૃહો વગેરે પર્યટકો માટે આકર્ષણનાં સ્થળો ગણાય છે.

ઇતિહાસ : ચોથી સદીથી છઠ્ઠી સદી દરમિયાન જ્યૉર્જિયાના શાસકોનું તે પાટનગર હતું. સાતમી, આઠમી તથા નવમી સદી દરમિયાન તેના પર પર્શિયનો, આરબો તથા ગ્રીકોનાં આક્રમણો થતાં રહ્યાં. 1387માં મૉંગોલવિજેતા તૈમુર લંગે તેના પર આધિપત્ય જમાવ્યું હતું. 1795માં પર્શિયન આક્રમણખોરોએ તેનો સંપૂર્ણ વિનાશ કર્યો હતો. 1801માં રશિયાના ઝાર શાસકોએ કૉકેસસ પર્વતમાળાના તેમના પ્રદેશના પાટનગર તરીકે તેની પસંદગી કરી. 1918–21 દરમિયાન જ્યૉર્જિયાના સ્વતંત્ર પ્રજાસત્તાકનું તથા 1991માં જ્યૉર્જિયા સ્વતંત્ર થયું ત્યારથી તે નવા પ્રજાસત્તાકનું પાટનગર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે