તોળકાપ્પિયમ્

March, 2016

તોળકાપ્પિયમ્ (ઈ. સ. પૂ. બીજી સદી) : તમિળનો પ્રાચીનતમ  પ્રથમ ઉપલબ્ધ ગ્રંથ. એના રચયિતા તોળકાપ્પિવર હતા. કેટલાક વિદ્વાનોના મતાનુસાર એ પ્રસિદ્ધ વ્યાકરણાચાર્ય અગસ્ત્યના શિષ્ય હતા. એ ગ્રંથ મુખ્ય તો વ્યાકરણગ્રંથ છે. એમાં તમિળ ભાષાનું સ્વરૂપ,  વ્યાકરણ, નિયમો, અર્થાલંકારો, વિવિધ છંદો, જનપદો અને નગરોનાં વર્ણનો, જીવનપ્રણાલી, સાંસ્કૃતિક વિકાસ, પ્રેમ, સંયોગ, વિયોગ, લગ્ન તથા દાંપત્યજીવનની પ્રથા, સામાજિક નીતિ-રીતિ વગેરેની ચર્ચા કરવામાં આવી છે.

આ ગ્રંથ ત્રણ ભાગોમાં વિભક્ત છે. ‘એળુત્તદિકારમ્’ (અક્ષરાધિકરણ), ‘શોલ્લાદિકારમ્’ (શબ્દાધિકરણ) અને ‘પોરૂદાત્તિકારમ્’ (લક્ષ્યાધિકરણ). ‘એળુત્તદિકારમ્’માં અક્ષરોની સંખ્યા (33), માત્રા, સ્વર, વ્યંજન, લિપિ, શબ્દમાં રહેલો પહેલો અને છેલ્લો વર્ણ, અક્ષરોમાં ઊગમસ્થાન (કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય ઇત્યાદિ), સંયુક્તાક્ષર, અક્ષરોનો લોપ અને રૂપાન્તર, અક્ષર સંબંધી નિયમો અને એ નિયમોના અપવાદ – એ બધાંની ચર્ચા 483 સૂત્રોમાં કરવામાં આવી છે. ‘શોલ્લાદિકારમ્’માં શબ્દનું સ્વરૂપ, શબ્દનો પ્રયોગ તથા શબ્દોનાં વિવિધ વિભાજન વગેરે વિષયો પર 464 સૂત્રોમાં વિવેચન કરવામાં આવ્યું છે. એમાં વિશેષે કરીને શબ્દોના બે ભેદ – ઉત્તમવાચી અને ઇતરવાચી તથા ત્રણ લિંગો (પુંલ્લિગં, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ), બે વચન (એકવચન અને બહુવચન), પ્રત્યય, સર્વનામ, અવ્યય પ્રશ્ન, વિસ્મય, નિષેધ વગેરે પ્રકારનાં વાક્યોનું વર્ગીકરણ; સંધિના નિયમો, ક્રિયાભેદ, સમાનાર્થક શબ્દના પ્રયોગોના સૂક્ષ્મભેદ વગેરેની ચર્ચા કરવામાં આવી છે. ‘પોરૂદાત્તિકારમ્’માં 657 સૂત્રો છે. તેમાં તમિળ જનતાનું સામાજિક જીવન, તમિળ સાહિત્ય, તમિળ સંસ્કૃતિ વગેરેનો આંશિક પરિચય છે; દા. ત., તે સમયના તમિળનાડુના પાંચ પ્રદેશો (પર્વતનો પ્રદેશ, વનપ્રદેશ, કૃષિપ્રદેશ, સમૃદ્ધતટનો પ્રદેશ અને ઉજ્જડ પ્રદેશ)માં નિવાસસ્થાન અને એ પ્રદેશોના રહેવાસી, તેમના આચારવિચાર, ધાર્મિક તથા સામાજિક રિવાજો તથા ઉત્સવો વગેરેનો વિસ્તારથી પરિચય આપ્યો છે.

‘તોળકાપ્પિયમ્’માં સાહિત્યના ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે : ઈયલ (કાવ્ય), ઈશૈ (સંગીત), તથા નાડ્હય (નાટક). એમાં ઈયલ વિશે વિસ્તૃત વિવેચન છે.

આ કૃતિ પરથી એમ જણાય છે કે એની રચના પૂર્વે તમિળમાં એક સુર્દઢ સાહિત્યપરંપરા હતી.

ચન્દ્રકાન્ત મહેતા