તોરીનો (તુરિન) : ઇટાલીનો પ્રાન્ત તથા તેનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 45° 08’ ઉ. અ. અને 7° 22’ પૂ. રે.. આ ઔદ્યોગિક શહેર આલ્પ્સ પર્વતની પૂર્વ બાજુએ આવેલાં પહોળાં અને ફળદ્રૂપ મેદાનોની વચ્ચે પાયમોન્ટ પ્રદેશમાં ‘પો’ નદીના કિનારે વસેલું છે. વિસ્તાર 130 ચોકિમી. મૂળ વસાહત તુરિનીએ વસાવી હતી. ઈ. સ. પૂ. 218માં કાર્થેનિયન આક્રમણકાર કૅનિબાલે તેનો નાશ કરેલો. ત્યાર પછી  રોમન સમ્રાટ ઑગસ્ટસે 24 ખંડમાં લંબચોરસ ખૂણે ફરી બંધાવેલી. નગરની વસ્તી 9,11,823 (2012) છે.

1950 અને 1960ની વચ્ચે દક્ષિણ ઇટાલીમાંથી સ્થળાંતર કરીને આવેલી વસ્તીને કારણે શહેરની વસ્તીનું પ્રમાણ વધ્યું છે. નગરમાં ઑટોમોબાઇલ, ઍરોપ્લેન, બૉલ-બેરિંગ, રબર, કાગળ, ધાતુ, રાસાયણિક, પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોટૅકનિકલને લગતા ઉદ્યોગો ઉપરાંત ચૉકલેટ તથા દારૂ બનાવવાના ઉદ્યોગો પણ વિકસ્યા છે.

આ નગરની ગણતરી દેશનાં સૌન્દર્યધામોમાં થાય છે. નગરમાં પો નદીના જમણા કિનારા પર ઉદ્યાનો તથા બગીચાઓ છે. નગરની જોડેની ટેકરી પર દેવળ છે. ઉપરાંત નગરમાં ઠેરઠેર સુંદર ઇમારતો અને ચોક છે. ‘તુરિનનું કફન’ એક દેવળમાં મૂકેલું છે. આ કફનમાં જિસસ ક્રાઇસ્ટનું શબ વીંટાળેલું હતું એવી લોકોની માન્યતા છે.

ચોથી શતાબ્દીમાં રોમન સામ્રાજ્યની પડતી પછી આ શહેર લૉમ્બાર્ડ સામ્રાજ્યનું અંગ બનેલું. 1536થી 1567 સુધી ફ્રેન્ચોના કબજા દરમિયાન તુરિન ‘કૅપિટલ ઑવ્ ડચી ઑવ્ સેવોય’ બન્યું. આ શહેર 1720માં સારડેનિયન સામ્રાજ્યનું બન્યું અને ઓગણીસમી સદીમાં ઇટાલીનું રાજકીય અને બૌદ્ધિક કેન્દ્ર બન્યું. 1861થી 1865 સુધી યુનાઇટેડ ઇટાલીનું પાટનગર રહ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે ભારે હવાઈ હુમલાનું નિશાન બનેલું.

1405માં લૂઈસ ઑવ્ સેવોય અકેઇઆએ યુનિવર્સિટી ઑવ્ તુરિનની સ્થાપના કરેલી. આ સિવાય અહીં તુરિન પૉલિટૅકનિક (1859), ધ ગેલેરિયા ડેલ એકૅડેમિયા આલ્બર્ટિના (1652), ધ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનાઇઝેશન સ્ટડીઝ (1935) વગેરે શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. નગરમાં ઘણાં સમૃદ્ધ ગ્રંથાલયો પણ છે.

ગિરીશ ભટ્ટ