તોરમાણ : હૂણ લોકોનો સરદાર અને રાજવી. ગુપ્ત સામ્રાજ્યની સત્તાનો હ્રાસ થતાં, હૂણોએ તોરમાણ નામે રાજાના નેતૃત્વ નીચે ભારત પર આક્રમણ કરી છેક મધ્યપ્રદેશ સુધી વિજયકૂચ કરી, ને ત્યાં પોતાની સત્તા જમાવી. તોરમાણની સત્તા આ પ્રદેશમાં ઈ. સ. 510ના અરસામાં સ્થપાઈ હોવાનું એરણ(જિ. સાગર)માંના અભિલેખો પરથી માલૂમ પડે છે. એની અધિસત્તા ગુજરાતના ઈશાન ભાગ પર પણ પ્રસરી હતી. એના સિક્કા વિદેશી ઢબના હતા. એનું ચલણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને કાશ્મીરમાં હતું. તોરમાણ ગંધારના હૂણો સાથે સંબંધ ધરાવતો હતો. ‘કુવલયમાલા’ અનુસાર તોરમાણ જૈન ધર્મનો અનુયાયી થયો હતો. તોરમાણ પછી તેનો પુત્ર મિહિરકુલ ગાદીએ આવ્યો (લગભગ ઈ. સ. 515). તોરમાણનું શાસન મુખ્યત્વે પૂર્વ માળવામાં હતું.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી