તોણ્ડમંડળ : મદુરૈની ઉત્તરે (અને હાલના ચેન્નાઈની દક્ષિણે) કાંજીવરમ્(અર્થાત્, પ્રાચીન કાંચીપુર)ની આસપાસ આવેલો પ્રદેશ. ત્રીજી સદીમાં ત્યાં સાતવાહન સત્તાનો હ્રાસ થતાં પલ્લવોએ પોતાની રાજસત્તા સ્થાપી. ‘તોણ્ડ’નો સંસ્કૃત પર્યાય ‘પલ્લવ’ છે. આથી તોણ્ડમંડળ એટલે પલ્લવ-મંડલ. પલ્લવ રાજાઓએ આ પ્રદેશમાં પ્રાકૃત-સંસ્કૃત ભાષા અને આર્યાવર્તની સંસ્કૃતિ પ્રચલિત કરી. તેમના અભિલેખ શરૂઆતમાં પ્રાકૃતમાં અને પછી સંસ્કૃતમાં લખાયેલા છે. ગુપ્તકાલ દરમિયાન કાંચીના પલ્લવ વંશની સત્તા નબળી પડી; પરંતુ અનુ-ગુપ્ત કાલ દરમિયાન એનો અભ્યુદય થયો. મહેન્દ્ર વર્મા અને નરસિંહ વર્મા જેવા પ્રતાપી રાજાઓએ સાતમી સદીમાં રાજકીય, ધાર્મિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો. મહામલ્લપુરમ્-(હાલના મહાબલિપુરમ્)માં અનેક ભવ્ય મંદિર કંડારાયાં ને એમાં અનેક કલાત્મક શિલ્પકૃતિઓ ઘડાઈ. સાહિત્ય, સંગીત અને ચિત્રકલાનો પણ વિકાસ થયો. કાંચીપુરમની જાહોજલાલી પણ વધી. શૈવ, જૈન અને વૈષ્ણવ ધર્મને પ્રોત્સાહન પ્રાપ્ત થયું.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી