તોક્વિલ, એલૅક્સી દ (જ. 29 જુલાઈ 1805, પૅરિસ; અ. 16 એપ્રિલ 1859, કેન, ફ્રાન્સ) : ફ્રેંચ ઇતિહાસકાર, રાજકીય ચિંતક અને રાજનીતિજ્ઞ. ‘ડેમૉક્રસી ઇન અમેરિકા’(1835–1840)ના ચાર ગ્રંથો માટે તેમને પ્રસિદ્ધિ મળેલી. તેમના ઉદારમતવાદી ઉમરાવ પ્રપિતામહ ફ્રાન્સની ક્રાંતિનો ભોગ બન્યા હતા. તેમના પિતા રાજાશાહી તરફી હતા.
તોક્વિલે રાજકીય કારકિર્દી પસંદ કરી. તે શરૂ કરતાં પહેલાં મદદનીશ મૅજિસ્ટ્રેટ તરીકે સરકારમાં સેવા આપી. આ સમયે ફ્રાન્સમાં રૂઢિવાદીઓ અને ઉદારમતવાદીઓ બંધારણીય સંઘર્ષના માર્ગે હતા. ઉદારમતવાદીઓ માટે પક્ષપાત ધરાવતા તોક્વિલ ફ્રાન્સો ગીઝોત નામના ઇતિહાસકાર અને મુત્સદ્દીના વિચારોથી ઘણા પ્રભાવિત થયા હતા. ગીઝોત મુજબ કુલીનશાહી વિશેષાધિકારોનું પતન એ ઐતિહાસિક અનિવાર્યતા હતી. તોક્વિલે રાજકીય વિકાસના એક નમૂના તરીકે ઇંગ્લૅન્ડના ઇતિહાસનો અભ્યાસ કર્યો.
1830ની જુલાઈ ક્રાંતિ તોક્વિલના જીવનમાં વળાંકરૂપ બની રહી. તેમની એવી શ્રદ્ધા ર્દઢ બની કે ફ્રાન્સ ઝડપથી સંપૂર્ણ સામાજિક સમાનતાની દિશામાં ગતિ કરી રહ્યું છે અને આથી તેમણે ફ્રાન્સને ઇંગ્લૅન્ડની બંધારણીય રાજાશાહી સાથે સરખાવવાને બદલે લોકશાહી અમેરિકા સાથે સરખાવવાનું શરૂ કર્યું.
1831 અને 1832ના ગાળામાં તેમના મિત્ર ગુસ્તાવ ડી બ્યુમા સાથે તેમણે નવ માસ અમેરિકામાં ગાળ્યા અને કેટલાક ગ્રંથો સંયુક્તપણે લખ્યા. તોક્વિલના ‘ડેમૉક્રસી ઇન અમેરિકા’(De la democratic)નો પ્રથમ ગ્રંથ આ ગાળામાં પ્રસિદ્ધ થયો. તેમાં તોક્વિલે અમેરિકન સમાજનાં મૂળભૂત તત્વો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. આ મૂળભૂત તત્વ હતું સમાનતાની સ્થિતિ. મુક્ત સમાજોની કાર્યપદ્ધતિ તથા સામાજિક સમાનતામાં સારાં અને નરસાં પાસાંઓનું તેમણે વિશ્લેષણ પૂરું પાડ્યું. તોક્વિલના અભ્યાસે અમેરિકન લોકશાહીના જીવનસામર્થ્ય, અતિરેક તથા ભાવિનું વિશ્લેષણ કરતાં ચેતવણી આપી કે ‘બહુમતીનો જુલ્મ’ લોકોને અન્ય લોકોની જેમ વર્તવા માટે ભારે દબાણ સર્જશે. માત્ર સુસંગઠિત સમાજ જ લોકશાહી માળખામાં સ્વાતંત્ર્ય જાળવી રાખવાની આશા સેવી શકે.
‘ડેમૉક્રસી ઇન અમેરિકા’ના પ્રથમ ગ્રંથના પ્રકાશને તોક્વિલને ખ્યાતનામ રાજનીતિજ્ઞ તરીકે પ્રતિષ્ઠિત કર્યા. ઓગણીસમી સદીના ‘મૉન્તેસ્ક્યુ’ તરીકે તેમને નવાજવામાં આવ્યા. તેમનો આ ગ્રંથ ઇંગ્લૅન્ડ, બેલ્જિયમ, જર્મની, સ્પેન, હંગેરી અને ડેન્માર્કમાં પ્રસિદ્ધ થયો અને આ પ્રસિદ્ધિને પગલે પગલે તોક્વિલને ફ્રાન્સમાં અનેક માન- અકરામોથી નવાજવામાં આવ્યા. 1835માં ઇંગ્લૅન્ડની મુલાકાત દરમિયાન પ્રસિદ્ધ ચિંતક જ્હૉન સ્ટુઅર્ટ મિલ સાથેના વાર્તાલાપના પરિણામે તેમણે ફ્રાન્સની ક્રાંતિ પહેલાંની આપખુદ રાજાશાહી પરનો પ્રથમ નિબંધ લખ્યો.
ફ્રાન્સ પાછા ફર્યા બાદ તોક્વિલે ચાર વર્ષ ‘ડેમૉક્રસી ઇન અમેરિકા’ના શેષ ભાગને પૂરો કરવામાં ગાળ્યાં. રાજકીય કારકિર્દીના ભાગ તરીકે તેમણે ચૂંટણીમાં ઝંપલાવ્યું; પરંતુ 1837માં ‘ચૅમ્બર ઑવ્ ડેપ્યુટીઝ’ની ચૂંટણીમાં તેમની હાર થઈ; પરંતુ 1839થી 1851 સુધી તેઓ ફ્રાન્સની ધારાસભામાં ચૂંટાતા રહેલા અને 1849માં થોડા મહિના તેઓ વિદેશમંત્રી પણ બનેલા.
તેમણે 1856માં ‘લા એન્સિયન રેજીમ ઍટ લા રેવૉલ્યૂશન’નો પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો, જેનો સત્વરે અંગ્રેજીમાં અનુવાદ થયો. આ પ્રશિષ્ટ ગ્રંથમાં તોક્વિલે એવું અર્થઘટન કર્યું કે ફ્રાન્સની ક્રાંતિ એ આપખુદ રાજાશાહીનું તાર્કિક પરિણામ હતી. ફ્રાન્સમાં રાજકીય વર્તન અને વલણોના સાતત્ય પર ભાર મૂકતાં તોક્વિલે દર્શાવ્યું કે આપખુદ રાજાશાહીની જેમ ક્રાંતિકારી ફ્રાન્સ પણ સરમુખત્યારશાહી સ્વીકારવા તૈયાર હતું. પોતાના અતીતનું ગુલામ એવું ફ્રાન્સ લોકશાહી માટે તૈયાર ન હતું એવું એમનું તારણ હતું.
નવનીત દવે