તેહરાન : ઈરાનનું પાટનગર અને દેશના મધ્ય પ્રાંતનું વહીવટી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 40’ ઉ. અ. અને 51° 26’ પૂ. રે.. અલ્બુર્ઝ પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર તે આવેલું છે, જે તેને કાસ્પિયન સમુદ્રથી જુદું પાડે છે. તે સમુદ્રસપાટીથી આશરે 1200 મી. ઊંચાઈ પર જારુદ અને કરાજ નદીની વચ્ચે આવેલું છે. તેની દક્ષિણે ઈરાનનું મધ્યવર્તી મેદાન વિસ્તરેલું છે.

તેનું નામ જૂના ફારસી શબ્દ ‘તેહ’ એટલે કે ‘ગરમ જગ્યા’ (સ્થળ) પરથી પડેલું છે. આ પ્રદેશની અસહ્ય ગરમીથી બચવા ઘણા લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળ શેમીરાન (ઉત્તરે આશરે 17 કિમી. દૂર) જતા હોય છે. તહેરાનથી ઈશાનમાં આશરે 70 કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત માઉન્ટ ‘દામવંદ’ આવેલ છે, જે મૃત જ્વાળામુખી છે.

આ નગર 262 ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલું છે. નગરની વસ્તી આશરે 2,25,23,655 (2010) છે. ઈરાનના પદભ્રષ્ટ શાહ મહંમદ રઝા પહેલવી(1919–80)નું રહેઠાણ આ નગરમાં હતું.

તેહરાન શહેર

તેહરાનના ઉનાળા સખત ગરમ અને શિયાળા અતિ ઠંડા હોય છે. ઉનાળાનું સરાસરી તાપમાન જુલાઈમાં 29° સે. અને જાન્યુઆરીનું તાપમાન 4° સે. હોય છે. આખા વર્ષનો સરાસરી વરસાદ 200 મિમી. જેટલો પડે છે. વરસાદ સામાન્ય રીતે નવેમ્બરથી મેના અંત સુધી પડે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં હિમવર્ષા પણ થાય છે.

આ નગર દેશનું મહત્વનું વ્યાપારી કેન્દ્ર ગણાય છે. ત્યાંના નજીકના વિસ્તારમાં ખાંડ તથા સિમેન્ટનાં કારખાનાં છે. ઉપરાંત આ નગર તેના કાપડઉદ્યોગ માટે જાણીતું છે. ત્યાં ઘણી સ્પિનિંગ તથા જિનિંગ મિલો આવેલી છે. ત્યાંથી મોટા પાયા પર ગરમ ધાબળાની નિકાસ થાય છે.

આ નગર સડક, રેલવે અને હવાઈ માર્ગથી સમગ્ર દેશ સાથે જોડાયેલું છે. દેશના રેલમાર્ગો ઉત્તર, વાયવ્ય, દક્ષિણ અને પૂર્વ દિશા તરફ ફેલાયેલા છે. સાથોસાથ આ નગર તુર્કસ્તાન મારફત ટ્રાન્સયુરોપીય રેલવે સાથે પણ જોડાયેલું છે. હવાઈ માર્ગ દ્વારા તેહરાન યુરોપ-એશિયા  અને ઈરાનના અખાતી દેશો જોડે જોડાયેલું છે.

નગરની મુખ્ય વસ્તી મુસ્લિમ છે. એ ઉપરાંત લઘુમતીમાં અમેરિકન, આસિરિયન અને બહુ થોડા યહૂદી લોકો પણ ત્યાં વસે છે. પર્શિયન એ ત્યાંની મુખ્ય ભાષા છે. શહેરમાં સિપેહસાલાર મસ્જિદ, બહારસ્તાન પૅલેસ, શાહ-અલ-અમારેહ પૅલેસ, આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે.

આજનું તેહરાન એ જૂના ઈરાનના પાટનગર રે’નું  વારસદાર શહેર છે. ઈ. સ. 1200માં મોંગોલ લોકોએ તેનો વિધ્વંસ કરેલો. આજે પણ તેહરાનથી આશરે 6 કિમી. દક્ષિણે જૂના પાટનગર રે’ના અવશેષો જોવા મળે છે.

ગિરીશ ભટ્ટ