તેલુગુ મહાભારતમુ

March, 2016

તેલુગુ મહાભારતમુ (અગિયારથી બારમી સદી) : તેલુગુ મહાકાવ્ય. ‘તેલુગુમહાભારતમુ’ અથવા ‘આંધ્ર મહાભારતમુ’ તેલુગુની પ્રથમ કૃતિ છે. એની પૂર્વે કોઈ તેલુગુ રચના લિખિત રૂપમાં મળતી નથી. એની એક વિશેષતા એ છે કે એ ત્રણ જુદે જુદે સમયે થઈ ગયેલા કવિની સહિયારી રચના છે. વ્યાસકૃત સંસ્કૃત મહાભારતને આધારે અગિયારમી સદીમાં નન્નય ભટે આદિપર્વ, સભાપર્વ અને વનપર્વના અમુક અંશોની રચના કરી હતી. નન્નય ભટ ચાલુક્યનરેશ રાજરાજ નરેન્દ્રના રાજકવિ હતા એ રાજાના કહેવાથી એમણે મહાભારતની રચના કરવાનું બીડું ઝડપ્યું હતું. નન્નય ભટના ગુરુનું નામ પણ નન્નય હતું. અને નન્નય ભટે કાવ્યરચનાના પ્રારંભમાં એમના ગુરુને ભાવભીની અંજલિ આપતાં એમની મુક્તકંઠે પ્રશંસા કરતાં કહ્યું છે કે એમનો ગુરુ જોડેનો સંબંધ. અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચેના સંબંધ જેવો હતો. કાવ્યમાં અનેક વાર એમણે ગુરુના ઋણનો સ્વીકાર કર્યો છે.

નન્નય ભટની અનેક મુશ્કેલીઓ હતી, એક તો તેલુગુનું નિશ્ચિત સ્વરૂપ ઘડાયું નહોતું. એથી સંસ્કૃત મહાભારતનો અનુવાદ કરવાનું મુશ્કેલ બન્યું હતું. એટલે માત્ર અનુવાદ જ નહિ પણ ભાષાનું ઘડતર પણ કરવાનું હતું. તેલુગુના છંદો પણ વિકસ્યા ન હતા. એટલે એમને સંસ્કૃત છંદોને આધારે, તેલુગુ છંદો પણ લોકસાહિત્યનો આધાર લઈને રચ્યા. એમણે સંસ્કૃત મહાભારતનો શબ્દશ: અનુવાદ કર્યો નથી પણ ‘તેલુગુમહાભારતમુ’ની રચના કરી છે. નન્નય ભટે તો ‘તેલુગુ-મહાભારતમુ’ની રચના દ્વારા તેલુગુ વ્યાકરણની પણ રચના કરી.

નન્નય ભટે ‘મહાભારતમુ’ની રચના સંસ્કૃત મહાભારતને આધારે કરી હોવા છતાં, એક રીતે એમનું ‘મહાભારતમુ’ સ્વતંત્ર રચના કહી શકાય એવું છે, કારણ કે એમણે કેટલાક પ્રસંગો વિસ્તાર્યા છે. કેટલાક છોડી દીધા છે અને કેટલાકમાં પરિવર્તન કર્યું છે. એમનું મહાભારત ગદ્યપદ્ય બંનેમાં છે. એ મહાભારતને માત્ર કાવ્યગ્રન્થ ન માનતાં એને ઇતિહાસ માને છે. એ ર્દષ્ટિએ એમણે મહાભારતકથાની રચના કરી છે. વર્ણનાત્મક તથા ચિંતનાત્મક અંશો ગદ્યમાં તથા ભાવનાત્મક અંશો, સંવાદ વગેરે પદ્યમાં છે. એમણે આ પુસ્તકની રચના કરતી વખતે કેટલાક સિદ્ધાંતોનો ઉલ્લેખ કર્યો છે; જેમ કે, ‘પ્રસન્ન-કલાકલિતાર્થસૂક્તિ’, જેને સંસ્કૃતમાં પ્રસાદગુણ કહે છે તે છે. રુચિરાર્થસૂક્તિ સિદ્ધાંત પણ જણાવે છે, જેમાં એ અક્ષરરમ્યતાને સ્થાન આપે છે.

નન્નય ભટે કેટલાક પ્રસંગોનો વિસ્તાર કરીને તેમને વધારે લોકભોગ્ય બનાવ્યા છે. જેમ કે, શકુંતલાની કથામાં એમણે ‘અભિજ્ઞાન-શાકુંતલ’નું અનુસરણ કર્યું છે. દેવયાનીની કથામાં પણ એમણે મોટેભાગે કચને દોષિત ચીતર્યો છે અને દાનવો અને શુક્રાચાર્યની પ્રશંસા કરી છે. મયસભાના પ્રસંગને પણ એમણે ખૂબ વિસ્તાર્યો છે.

નન્નય  ભટના ‘મહાભારતમુ’માં નાદસૌંદર્ય છે, પ્રાસાદિક શૈલી છે. ફક્ત  તેલુગુના પ્રારંભકાળના જ નહિ પણ સમગ્ર તેલુગુ કવિઓમાં મહાભારતની કથા નન્નય ભટને અગ્રિમ સ્થાન અપાવે છે. તિકન્ના સોમાયાજી(1208થી 1288)એ નન્નય ભટે બાકી રાખેલા વિરાટપર્વથી વનપર્વ સુધીનાં પર્વો રચીને ‘મહાભારતમુ’ પૂરું કર્યું. નન્નય ભટની ભાષા વધુ સંસ્કૃતનિષ્ઠ હતી, જ્યારે તિકન્નાએ વિશેષત: લોકભાષામાં જ ‘મહાભારતમુ’ રચ્યું. એમને ‘મહાભારતમુ’ લોકો સુધી પહોંચાડવું હતું. તેથી ‘મહાભારતમુ’ના દાર્શનિક ભાગો, ભીષ્મપર્વ, શાંતિપર્વ, ભગવદગીતા જેવા અત્યંત સંક્ષેપમાં લીધા છે. અથવા છોડી દીધા છે; જેમ કે, ગીતાના અઢાર અધ્યાયો માત્ર 60 શ્લોકોમાં જ એમણે આલેખ્યા છે. દ્રૌપદીના પાત્રને એમણે સારી પેઠે વિકસાવ્યું છે. મહાભારતની દ્રૌપદી કરતાં તિકન્નાની દ્રૌપદી વધુ તેજસ્વી છે અને વનવાસ દરમિયાન પાંડવોને માર્ગદર્શન કરે છે. પાંડવો પણ એની સલાહ લેતા હોય છે અને એની સલાહ અનુસાર વર્તતા હોય છે. તેવી જ રીતે એમણે કર્ણના પાત્રના ગુણોને ઉપસાવ્યા છે અને એને વિદ્રોહી પીડિત તરીકે નિરૂપ્યો છે; એટલું જ નહિ, પણ જુગટું રમવા માટે એમણે યુધિષ્ઠિરનો પણ ઊધડો લીધો છે અને એમના એ કૃત્યને લીધે જ કુરુક્ષેત્રનું કારમું યુદ્ધ ખેલાયું છે. દુર્યોધન, ધૃતરાષ્ટ્ર વગેરે પાત્રોને તો મહાભારતમાં છે તેવાં ચીતર્યાં છે. વિરાટપર્વમાં પણ સૈરંધ્રી(દ્રૌપદી)ની મુસીબત તરફ દુર્લક્ષ આપવા માટે એમણે યુધિષ્ઠરે પતિ તરીકે એમની ફરજ બજાવી નથી એમ જણાવી, ભીષ્મ વિરાટનગરની ભાગોળે પાંડવો જોડે લડવા તથા ભીષ્મે દ્રૌપદી-વસ્ત્રાહરણ વખતે દુર્યોધન તરફ એમનો પુણ્યપ્રકોપ ન ઠાલવ્યો તે એ માટે એમનું ગૌરવ ઓછું થયું એમ જણાવ્યું છે. તથા કૌરવો તરફથી કુરુક્ષેત્રમાં લડવા ગયા તે પણ ભીષ્મના ગૌરવને હણનારું એમણે દર્શાવ્યું છે. એમનું પાત્રચિત્રણ, કુશળતાથી થયું છે, તેમણે પ્રત્યેક પાત્રના વ્યક્તિત્વને સુપેરે દર્શાવ્યું છે.

નન્નય ભટે ‘વનપર્વ’ અધૂરું મૂકેલું. તે તિકન્ના પૂરું કરી શકેલા નહિ. પર્વનો ઉત્તરાર્ધ એરપ્રિગડે તેરમી અને ચૌદમી સદીના વચગાળાના ભાગમાં પૂરો કર્યો અને એ રીતે ‘તેલુગુમહાભારતમુ’ એ ત્રણ કવિઓની સહિયારી કૃતિ છે. એક ર્દષ્ટિએ એરપિગડનું યોગદાન પરિમાણની ર્દષ્ટિએ ઘણું અલ્પ છે, પણ એમણે નન્નય ભટની શૈલીમાં જ વનપર્વ પૂરું કરી સાતત્ય જાળવ્યું છે. એમની નિરૂપણરીતિમાં નન્નય ભટ તથા તિકન્ના બંને કવિઓની નિરૂપણરીતિ જોડેનું સામંજસ્ય છે.

આમ, ‘તેલુગુમહાભારતમુ’ વ્યાસના મહાભારતને આધારે લખાયેલી તેલુગુની વિશિષ્ટ કહી શકાય એવી સ્વતંત્ર રચના છે. એમાં વર્ણનોમાં તથા પ્રસંગોનાં નિરૂપણમાં સમકાલીન આંધ્રપ્રદેશના જીવનની ઝાંખી થાય છે.

ચન્દ્રકાન્ત મહેતા