તેહરાન પરિષદ (28 નવેમ્બર – 1 ડિસેમ્બર, 1943) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્રણ સાથી સત્તાઓના વડાઓની પ્રથમ પરિષદ. વિન્સ્ટન ચર્ચિલ, જોસેફ સ્ટાલિન તથા ફ્રૅન્ક્લિન ડી. રૂઝવેલ્ટે ઈરાનના પાટનગર તેહરાન ખાતે આ પરિષદમાં ભાગ લીધો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અનુસરવામાં આવનાર લશ્કરી તથા રાજકીય નીતિઓની ચર્ચા આ પરિષદમાં હાથ ધરાઈ. નેતાઓ જર્મન કબજા હેઠળના ફ્રાન્સમાં ‘બીજો મોરચો’ (પશ્ચિમી મોરચો) શરૂ કરવા અંગે સંમત થયા. આ પરિષદમાં એમ પણ નક્કી કરવામાં આવ્યું કે જો તુર્કી જર્મની સામે યુદ્ધ જાહેર કરે તો તુર્કી સામેના બલ્ગેરિયાના સંભવિત આક્રમણ સામે સોવિયેત રશિયા તુર્કીને મદદ કરે. ત્રણ સત્તાઓના વડાઓએ ઈરાનની પ્રાદેશિક અખંડિતતા તથા રાજકીય સ્વતંત્રતાનો સ્વીકાર કર્યો.
આ પરિષદમાં સ્ટાલિને જર્મન–સોવિયેત બિનઆક્રમણના કરાર (1939) હેઠળ તેમજ રશિયા અને ફિનલૅન્ડ વચ્ચે થયેલી સંધિ (1940) મુજબ નક્કી થયેલી સરહદોની પશ્ચિમી સત્તાઓ દ્વારા સ્વીકૃતિ માટે આગ્રહ રાખ્યો. જર્મની તેમજ પોલૅન્ડના ભાવિ અંગે ચર્ચા થઈ; પરંતુ આ બધા પ્રશ્નો અંગે ત્રણ વડાઓ વચ્ચે સંમતિ ન સધાઈ, બલકે મતભેદ ચાલુ રહ્યો.
યુદ્ધોત્તર આંતરરાષ્ટ્રીય સંગઠનની સ્થાપના અંગે સંમતિ સધાઈ, પરંતુ તેના સ્વરૂપ અંગે અસ્પષ્ટતા હતી. તેમ છતાં તેહરાન પરિષદનું મહત્વ એ છે કે યુદ્ધ દરમિયાન પ્રથમ વાર ત્રણે મહાસત્તાઓના વડા વચ્ચે સીધી વાટાઘાટોની શરૂઆત થઈ.
નવનીત દવે