તેલુગુ ભાષા અને સાહિત્ય

March, 2016

તેલુગુ ભાષા અને સાહિત્ય

ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે.

તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા છે. શ્રુતિમધુરતા તેનું અગત્યનું લક્ષણ છે. આંધ્રમાં આ ભાષાનો સૌથી પ્રાચીન શિલાલેખ
ઈ. સ. 633માં લખાયેલો મળે છે.

આ ભાષામાં ત્રણ લિંગ અને બે વચન છે. અપવાદ બાદ કરતાં નામના એક વચનને લુ પ્રત્યય લગાડીને સામાન્ય રીતે બહુવચન થાય છે. વિશેષણ નામ પૂર્વે હોય તો તે અવિકારી પરંતુ પછી આવે તો વિકારી બને છે. ધાતુને વુ પ્રત્યય લગાડવાથી ક્રિયારૂપ બને છે. શુદ્ધ વર્તમાનકાળ અને ભવિષ્યકાળનાં રૂપો એકસરખાં હોય છે. ક્રિયારૂપને મુ પ્રત્યય લગાડવાથી આજ્ઞાર્થ એકવચન અને દુ પ્રત્યય લગાડવાથી બહુવચન બને છે. નકારવાચક માટે સ્વતંત્ર પ્રત્યય હોય છે.

નામ અથવા વિશેષણને ગા લગાડવાથી અવયવ બને છે.

તેલુગુ ભાષાની વાક્યરચના મરાઠી ભાષાની વાક્યરચના સાથે સામ્ય ધરાવે છે.

તેલુગુ શબ્દ ‘ત્રિલિંગ’ શબ્દ પરથી આવ્યો છે. તેલુગુ લિપિ બ્રાહ્મીના રૂપાંતરમાંથી સર્જાઈ છે અને કન્નડ ભાષાની લિપિ સાથે તેનું ઘણું સામ્ય છે. તેમાં 16 સ્વરો, 34 વ્યંજનો તથા ક્ષ અને જ્ઞ માટે સ્વતંત્ર ચિહનો છે. સંયુક્ત વ્યંજનો લખવા માટે આગળનો વ્યંજન પાછળના વ્યંજનની નીચે લખાતો હોય છે. તેના શબ્દો સ્વરાન્ત હોવાથી આ બાબતમાં પ્રાકૃત સાથે તેનું સામ્ય છે. સાતમીથી દસમી સદી દરમિયાન આ લિપિનું સ્વરૂપ બદલાયું છે.

આ ભાષાના શબ્દભંડોળમાં સંસ્કૃત ભાષાના શબ્દો મોટા પ્રમાણમાં છે.

પ્રથમ દસ આંક આ પ્રમાણે છે. ઓકટી : એક, રેંડુ : બે, મુડુ : ત્રણ, નાલુગુ : ચાર, ઐદુ : પાંચ, આરુ : છ એડુ : સાત, એનિમિદિ : આઠ, તોમ્મિદિ નવ; પદિ : દસ.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

તેલુગુ સાહિત્ય : નન્નય ભટ્ટવિરચિત ‘મહાભારત’ તેલુગુનું આદિકાવ્ય મનાય છે. પ્રાપ્ત સર્વપ્રથમ પદ્ય ‘તરૂવોજ’ નામના દેશી છંદમાં લખાયેલ છે. અગિયારમી સદીના આરંભમાં ચાલુક્ય નરેશ રાજરાજના આદેશથી વૈદિક ધર્મના ઉત્થાન માટે નન્નય ભટ્ટે ‘મહાભારત’ રચવાનો પ્રારંભ કર્યો. નન્નય ભટ્ટે તેલુગુ ભાષાને નવું રૂપ આપ્યું ને તે ‘આન્ધ્ર ભાષા વાગનુશાસક’નું પદ પામ્યા.

અધ્યયનની સગવડ માટે તેલુગુ સાહિત્યને છ યુગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. (1) અજ્ઞાત અથવા પ્રાક્-નન્નય યુગ, (2) પુરાણ અથવા અનુવાદયુગ, (3) કાવ્ય અથવા શ્રીનાથયુગ, (4) પ્રબંધ અથવા રાયલુયુગ, (5) દક્ષિણાન્ધ્રયુગ અને (6) આધુનિક યુગ. આ વિભાજન કાળક્રમ અનુસાર અથવા વિશિષ્ટ કાવ્યશૈલીઓના આધારે કરવામાં આવ્યું છે.

અજ્ઞાત યુગ : નન્નય ભટ્ટ પહેલાં તેલુગુ ભાષા અને સાહિત્યના સ્વરૂપનો પ્રમાણિત આધાર ન હોવાથી તેને અજ્ઞાત યુગ કહે છે. આ યુગમાં મળી આવતી સામગ્રી-શિલાલેખો, લોકગીતો વગેરે સાહિત્યના ઇતિહાસમાં ખાસ મહત્વનાં નથી.

પુરાણ અથવા અનુવાદયુગ (1030–1400) : આદિ કવિ નન્નય ભટ્ટ પછી પણ સદીઓ સુધી સંસ્કૃતમાં પુરાણો અને ઇતિહાસનો અનુવાદ થયો. શૈવ કવિઓની કેટલીક મૌલિક કાવ્યરચનાઓ આ યુગમાં થઈ છતાં મોટાભાગની રચનાઓ અનૂદિત હોવાથી આ યુગ અનુવાદયુગ કહેવાય છે.

ગોદાવરીના તટ પર આવેલા રાજમહેન્દ્રીને રાજધાની બનાવી આંધ્રપ્રદેશ પર રાજ્ય કરનાર પૂર્વચાલુક્યવંશીય રાજા રાજનરેન્દ્ર(1012–1063)ની સભામાં રાજગુરુ નન્નય ભટ્ટ એક મહાપુરુષ હતા. નન્નય ભટ્ટે રાજાજ્ઞાથી ‘પંચમવેદ’ મહાભારતનો અનુવાદ કરવાનું શરૂ કર્યું; પરંતુ અઢી પર્વ સુધીની રચના કરતાં તેઓ દેવલોક પામ્યા. અરણ્ય પર્વમાં 142મું પદ્ય તેમનું અંતિમ પદ્ય છે. તેમની ભાષામાં સંસ્કૃત શબ્દો વધુ પ્રમાણમાં વપરાયા છે. વચન (ગદ્ય) રચનામાં પણ નન્નયની શૈલી આદર્શ છે. નન્નય ભટ્ટના મહાભારતના અધૂરા અનુવાદને કવિ બ્રહ્મા તિક્કન આર્યે (1210–1290) વિરાટપર્વથી બાકીનાં 15 પર્વોની રચના કરી પૂરો કર્યો. તિક્કને પહેલાં ‘નિર્વચનોત્તર રામાયણ’ની રચના કરી. તિક્કન નેલ્લુરના રાજા મનુમસિદ્ધિના મંત્રી અને રાજકવિ હતા. મહાભારતના અનુવાદમાં તિક્કને નાટ્યશૈલીનો પ્રયોગ કર્યો.

અરણ્યપર્વના શેષભાગની પૂર્તિ નન્નયના નામે જ કરનાર કવિ એર્રાપે્રગડ (1280–1350) છે. તેમણે નન્નયની શૈલીને તિક્કનની શૈલી પર લાવી મૂકી. આમ તેલુગુમાં મહાભારતના રચનારા નન્નય, તિક્કન અને એેર્રાપ્રેગડ કવિત્રય ગણાય છે. ‘પ્રબન્ધપરમેશ્વર’નું પદ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી કવિ એર્રાપ્રેગડનું ‘નરસિંહ પુરાણમુ’ પ્રબન્ધરચના શૈલીનું આદિ કાવ્ય છે. તેમણે જનસાધારણની ભાષાનો પ્રયોગ કર્યો.

નન્નય અને તેમના અનુયાયી કવિઓની ભાષા સંસ્કૃતમય હોવાથી જનસાધારણ માટે મુશ્કેલ બની. પરિણામે શુદ્ધ તેલુગુનું આંદોલન થયું. કેતન્ન જેવા કવિ શુદ્ધ તેલુગુમાં કાવ્યરચના કરવા લાગ્યા.

બારમી સદીમાં વીર-શૈવ સંપ્રદાયનાં અનેક કાવ્યો લખાયાં. તેમાં પાલ્કુકુરિકી સોમનાથનું ‘બસવપુરાણમુ’ અને ‘પંડિતારાધ્યચરિત્રમુ’ મુખ્ય કૃતિઓ છે. સોમનાથ એક મહાન સુધારક હતા.

આ યુગના અન્ય કવિઓમાં કેતન્ન, ભારત્તગોન, બુદ્ધ રેડી, હુળવિક ભાસ્કર પેદન, નાચન સોમનાથ વગેરે મુખ્ય છે. કેતન્ને સંસ્કૃત કવિ દંડીકૃત ‘દશકુમારચરિત’નો ચમ્પૂકાવ્ય રૂપે અનુવાદ કરી, તેને તિક્કનને અર્પણ કર્યું. નન્ને ચોડે કવિ કાલિદાસના ‘કુમારસંભવમ્’ના અનુવાદ ઉપરાંત સ્થાનીય ગાથાઓ પર આધારિત સ્વતંત્ર રચનાઓ પણ કરી છે. તે શૈવ કવિઓમાં પ્રથમ સ્થાને ગણાય છે. કવિ નાચન સોમનાથનું ‘ઉત્તર-હરિવંશમ્’ પ્રબંધરીતિનું એક મહાન કાવ્ય છે. તિક્કનના શિષ્ય પારન્નને ‘માર્કંડેયપુરાણ’નો અનુવાદ કર્યો. ગોન બુદ્ધરેડીએ ‘રામાયણ’ ની રચના દ્વિપદ છંદમાં કરી. આ રામાયણને રંગનાથની કૃતિ તરીકે ‘રંગનાથ-રામાયણ’નામે પ્રસિદ્ધિ મળી. આ કાવ્યમાં જંબુમાલી, કાલનેમિ, સતી સુલોચના વગેરે અવાલ્મિકીય પ્રસંગોએ મૂળ કથાના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરી છે. ‘ભાસ્કરરામાયણ’ના કર્તા હુળવિક ભાસ્કર ઉપરાંત બીજાઓ પણ છે અને તેથી તેની શૈલીમાં એકરૂપતા નહિ પણ ભિન્નતા સ્પષ્ટ જણાય છે. વિન્નકોટ પેદને ‘કાવ્યાલંકારચૂડામણિ’માં વ્યાકરણ અને છંદોની ચર્ચા પણ કરી છે. અગિયારમી અને બારમી સદીઓમાં કર્ણાટક પ્રાંતમાં બસવેશ્વરે સ્થાપેલ વીર શૈવ સંપ્રદાયથી આંધ્રપ્રદેશ ખૂબ પ્રભાવિત થયો હતો.

શ્રીનાથયુગ અથવા કાવ્યયુગ (1401–1500) : પંદરમી સદીથી સત્તરમી સદી આંધ્રસાહિત્યનો સુવર્ણયુગ ગણાય છે. આ યુગના સાહિત્યાકાશમાં સૂર્ય સમાન કવિ શ્રીનાથ છે અને ભક્તિમાધુર્યની શીતલ ચાંદનીના ચંદ્ર મહાકવિ પોતન્ન છે. કવિ શ્રીનાથ (1380–1460) કોંડવીડુના વેમા રેડ્ડીની રાજસભામાં શિક્ષણવિભાગના અધિકારી હતા. તેમણે સોળ વર્ષની ઉંમરથી મૃત્યુ સુધી લેખનકાર્ય કર્યું. તેઓએ અત્યંત વિલાસી અને વૈભવશાળી જીવન ગાળ્યા બાદ જીવનના અંતકાળમાં દુ:ખી થયા. પાંડિત્યપૂર્ણ પ્રૌઢ શૈલીની રચના ઉપરાંત દેશી રચનાઓમાં પણ તે સિદ્ધહસ્ત હતા. તેમની કૃતિઓમાં ‘શૃંગાર-નૈષધ’, ‘ભીમખંડ’, ‘કાશીખંડ’, ‘હરવિલાસ’, ‘ક્રીડાભિરામ’ વગેરે છે. શ્રીનાથની કવિતા ભગવાન શંકરની જટામાંથી નીકળીને વહેતી ગંગાના તરંગો જેવી છે.

મહાન ભક્ત ચમ્મેર પોતન્ન શ્રીનાથના સાળા હતા એમ ગણાય છે, પરંતુ તેઓ સમકાલીન ન હતા. પોતન્ને ‘આંધ્રમહાભાગવત’ ઉપરાંત ‘ભોગિનીદંડકમુ’ અને ‘વીરભદ્રવિજયમુ’ તથા ‘નારાયણશતકમ્’ કાવ્યોની રચના કરી છે. તેમણે મહાભાગવતનાં વીસ હજાર સંસ્કૃતપદ્યો 30 હજાર પદ્યોના મહાકાવ્યમાં ઢાળ્યાં છે. તે પોતાની કાવ્યકન્યા અધમ નરેશોના હાથમાં વેચવાને બદલે જીવનનિર્વાહ માટે જીવનભર ખેતી કરતા રહ્યા. તેમનું ‘આંધ્રમહાભાગવત’ ભક્તિ અને માધુર્યથી સભર છે. સાહિત્યિક ગૌરવ સાથે તેઓ અત્યંત લોકપ્રિય કવિ રહ્યા છે. પોતન્નનું ભાગવત મહાકવિ વેદવ્યાસના ભાગવતનો અનુવાદ નથી, પણ તે ઉપર આધારિત સ્વતંત્ર ભક્તિકાવ્ય છે.

પિલ્લલ મીર પીન વીરભદ્ર કવિએ શ્રીનાથ-શૈલીમાં ‘શકુંતલાપરિણયમ્’ અને ‘જૈમિનીભારતમ્’ની રચનાઓ કરી અન્ય કવિઓને માર્ગનિર્દેશન કર્યું. કવિ જક્કને ‘વિક્રમાર્કચરિત્રમુ’ ઉપરાંત અનેક પ્રસિદ્ધ કાવ્યોની રચના કરી છે. નંદી મલ્લય અને ઘંટસિંગન આંધ્રનું પ્રથમ કવિયુગ્મ છે. આંધ્રમાં બે કવિઓ ભેગા મળી રચના કરે તેવી કવિયુગ્મ કવિજોડીની પ્રથા આ કવિઓએ પાડી.

રાયલુ અથવા પ્રબંધયુગ (1500–1700) : વિજયનગરના નરેશ કૃષ્ણદેવરાય (1510–1560) પોતે કવિ હતા અને તેમના દરબારમાં આઠ કવિઓ હતા. કૃષ્ણદેવરાયે ‘આમુક્તમાલ્યદા’ નામે પ્રૌઢ ગંભીર કાવ્યરચના કરી છે. એમાં ગોદાદેવી અથવા દક્ષિણની મીરાં આણ્ડાલના ભગવાન વિષ્ણુ સાથેના વિવાહની કથા વર્ણવી છે.

વેમન્નનાં હજારો પદો ‘વેમન્નશતકમુ’ નામે પ્રસિદ્ધ છે. ભાષા અને ભાવમાં અકૃત્રિમતાને કારણે તે આજ સુધી  લોકપ્રિય રહ્યાં છે.

આંધ્રકવિતાના પિતામહ અલ્લસાનિપેદ્રને ‘મનુચરિત્ર’ અથવા ‘સ્વરોચિષ મનુસંભવ’ નામે શ્રેષ્ઠ પ્રબંધકાવ્ય રચ્યું. શૃંગારરસપ્રધાન આ કાવ્ય ચરિત્રચિત્રણ અને મનમોહક પ્રાકૃતિક વર્ણન વગેરે માટે અજોડ છે. તેલુગુનાં પ્રબંધકાવ્યોમાં પિંગલી સુરન્નકૃત ‘રાઘવપાંડવિયમુ’ દ્વિઅર્થી કાવ્ય છે. પંદરમી સદીના તાલ્લપાક અન્નમાચાર્યે તિરુપતિના વેંકટેશ્વરસ્વામીના સંકીર્તનાર્થે 32,000 ગીતો લખ્યાં, આથી તે ‘પદકવિતાપિતામહ’ તેમજ ‘સંગીતાચાર્ય’ ગણાય છે.

આંધ્રસાહિત્યમાં પ્રબંધ કાવ્યનો વિશિષ્ટ અર્થ ગદ્ય-પદ્ય કથન સંવાદાત્મક કૃતિ છે.

કૃષ્ણ દેવરાયનો યુગ આંધ્રસરસ્વતીના અર્ચનનો યુગ છે. આ જ યુગની તેલુગુ સાહિત્યની પ્રથમ કવયિત્રી આત્મ કુરિ મોલ્લાએ સંક્ષિપ્ત ‘મૌલ્લરામાયણ’ રચી અમર સ્થાન મેળવ્યું છે. ‘સુગ્રીવ વિજયમુ’ કંદ કૂરી રુદ્ર કવિનું તેલુગુનાં યક્ષગાનોમાં સર્વપ્રથમ યક્ષગાન છે. દક્ષિણના લોકનાટ્યનું પરિષ્કૃત રૂપ યક્ષગાન છે. ગોળકોંડાનો રાજદરબાર પણ કવિઓનું આશ્રયસ્થાન હતો. ‘યયાતિચરિતમુ’ શુદ્ધ તેલુગુમાં તત્સમ અને તદભવ શબ્દો છોડીને લખાયેલું પ્રથમ કાવ્ય છે.

રાયલુ યુગમાં તેલુગુ કવિતાનો ચરમ વિકાસ જોવા મળે છે. આ યુગના કવિઓએ અનુવાદ કરવાનું છોડી દઈ પુરાણ, ઇતિહાસ વગેરેના આધારે સ્વતંત્ર કાવ્યરચનાઓ કરી. વિજયનગરના પતન પછી દક્ષિણના બ્રહ્મની રાજવંશના મુસલમાન બાદશાહોએ પણ તેલુગુ સાહિત્યની શ્રીમાં વૃદ્ધિ કરી. આ યુગનાં કાવ્યોમાં શૃંગારરસ પ્રધાન પદે છે.

તેલુગુ સાહિત્યમાં દેશી કવિતારીતિમાં યક્ષગાન રૂપકરચના વિસ્તૃત  રૂપે વિકસી. પ્રથમ યક્ષગાન ‘સૌભરીચરિતમ્’ ગણાય છે. આવી રચનાઓ રંગમંચ પર રજૂ થઈ શકે છે. આંધ્રની પ્રસિદ્ધ નૃત્યશૈલી કૂચિપૂડિનું ‘કલાપમ્’ યક્ષગાનમાંથી ઉત્પન્ન થયું છે.

તેલુગુમાં શતકરચનાની એક વિશિષ્ટ પરંપરા છે. 1242માં યથાવાક્કુલ અન્નમપ્યરચિત ‘સર્વેશ્વરશતકમ્’ પ્રથમ શતક છે. ‘વૃષાધિપશતકમ્’ અને ‘શરભાંકલિંગશતકમ્’ ચૌદમી સદીના પૂર્વાર્ધમાં રચાયાં છે. ‘મૃત્યુંજયશતકમ્’ હાસ્યપદ્યસંચયન છે.

દક્ષિણ આંધ્રયુગ (1701–1895) : વિજયનગરના પતન પછી દક્ષિણના તાંજોર, મદુરા, મૈસૂર વગેરે સ્થાનો આંધ્રસરસ્વતીનાં વિહારક્ષેત્રો બન્યાં. દક્ષિણમાં આંધ્રભાષા અને સાહિત્યને  પ્રોત્સાહિત કરનારામાં પ્રથમ રાજા રામનાથપુર જિલ્લાના શિવપુરના નાયક ચિનરામપ્પા હતા. તેમણે પચ્ચક પ્યુરમુ તિરુવેંગલ કવિ દ્વારા દ્વિપદ છંદમાં ‘ચોક્કનાથચરિત્ર’ની રચના કરાવી.

તાંજોરના રાજા રઘુનાથ ભૂપાલ (1614–33) શ્રી કૃષ્ણદેવ જેવા સાહિત્યરસિક હતા. તેમણે સો જેટલા ગ્રંથો રચ્યાનું કહેવાય છે. તેમના દરબારમાં મધુરવાણી નામે એક કવયિત્રી હતી. આ યુગના શ્રેષ્ઠ કવિ ચેમકૂર વેંકટ છે. તેમણે ‘સારંગધરચરિત્ર’ તથા ‘વિજયરાઘવવિલાસમુ’ કાવ્યોની રચના રાજા ભૂપાલને અર્પણ કરી. રઘુનાથના પુત્ર વિજય રાઘવને પચાસ પુસ્તકો, 20 યક્ષગાન તથા પિતાનું ચરિત્ર ‘રઘુનાથાભ્યુદયમુ’ રચ્યાં છે.

આ યુગમાં અમર ભક્તકવિ ત્યાગરાજે સેંકડો કીર્તનો ઉપરાંત ‘પ્રહલાદવિજયમુ’ અને ‘નૌકાવિજયમુ’ નામનાં યક્ષગાન રચ્યાં છે. ત્યાગરાજની રચનાઓમાં સંગીત, સાહિત્ય અને અભિનયની ત્રિવેણી વહે છે.

મદુરાના રાજાઓના સમયમાં ગદ્યગ્રંથોની રચનાનો આરંભ થયો. પદ્યમાં કામેશ્વર કવિ કૃત ‘સત્યભામાસાન્ત્વનમુ’ વગેરે તથા કવયિત્રી મુધુપળનીનું ‘રાધિકાસાન્ત્વનમુ’ પ્રસિદ્ધ છે. ઐતિહાસિક ગદ્યમાં ‘રાય-વાચકમુ’ મુખ્ય છે.

મુદુક્કોટના કવિઓમાં નદુરુપાટિ વેંકનનું નામ સૌથી પ્રથમ છે. તેમણે ‘આંધ્રભાષાર્ણવમુ’ નામનો શબ્દકોશ તથા ‘મલ્લુપુરાણ’, ‘રઘુનાથીયમુ’, ‘રાજવંશપ્રશસ્તિ’ વગેરે ગ્રંથો રચ્યા છે.

રાયલુયુગમાં શૃંગારરસનું પૂર આવ્યું અને તે અશ્ર્લીલતા સુધી પહોંચ્યું. કવિઓનું લક્ષ્ય પાંડિત્યદર્શન રહ્યું. આ યુગ યક્ષગાન-સાહિત્યનો સુવર્ણયુગ હતો.

મૈસૂર રાજ્યના કવિઓમાં પાલવેકરિ કદિરીપતિ પ્રમુખ છે. તેમની ‘શુકસપ્તતિ’માં તે સમયની સામાજિક પરિસ્થિતિનું સજીવ ચિત્રણ છે. રાય રઘુનાથ નાયકે (1769–1789) ‘પાર્વતીપરિણયમુ’ નામના પ્રૌઢ કાવ્યની રચના કરી.

અઢારમી સદીના કવિઓમાં તિમ્મ કવિનાં ‘અચ્ચતેલુગુ-રામાયણમુ’ તથા ‘નીલાસુંદરીપરિણયમુ’ શુદ્ધ તેલુગુમાં લખાયેલ પ્રસિદ્ધ ગ્રંથો છે. એનેગુ લક્ષ્મણ કવિની રચનાઓ પણ સારો પ્રચાર પામી છે.

ઓગણીસમી સદીની કવયિત્રીઓમાં તરિગોણ્ડ વેંકટામ્બ અગ્રગણ્ય છે. એમણે ‘વેંકટાચલમહાત્મ્યમુ’ તથા ‘જ્ઞાનવશિષ્ટ-રામાયણમુ’ અને ‘યોગસારમુ’ રચ્યાં છે.

આધુનિકયુગ (1876–1920) : ઓડિસામાં અંગ્રેજોનું આગમન 1803માં થયું. અંગ્રેજોએ તેમનું પ્રભુત્વ જમાવવા માટે સ્કૂલો અને કૉલેજો ખોલી પશ્ચિમી પદ્ધતિનું શિક્ષણ આપવું શરૂ કર્યું. આથી ભારતીય ભાષાસાહિત્ય પર પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ પડ્યો અને આધુનિકતાનું આગમન થયું. આ અસર નીચે ચિન્નય સૂરિ (1809–1862) નામના વૈયાકરણ વિદ્વાને ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજના તેલુગુ ભાષાવિભાગમાં ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું. પ્રજાતંત્રના આધાર પર તેમણે ‘નીતિચંદ્રિકા’ લખી, પોતાના વિચારો પ્રગટ કર્યા. 1857ના ભારતના સ્વાતંત્ર્યયુદ્ધે સાહિત્યમાં નવજાગરણ ફેલાવ્યું. રાજકીય ક્ષેત્રે કૉંગ્રેસે, ધાર્મિક ક્ષેત્રે આર્યસમાજે, સામાજિક ક્ષેત્રે બ્રહ્મોસમાજે નવા વિચારો ફેલાવી જનતાને નવીન માર્ગો ચીંધ્યા. અંગ્રેજ સર. સી.પી. બ્રાઉને તેલુગુ ભાષાનું વ્યાકરણ રચ્યું અને અંગ્રેજી-તેલુગુ તથા તેલુગુ-અંગ્રેજી શબ્દકોશ તૈયાર કર્યા.

તેલુગુ ગદ્યસાહિત્યમાં વીરેશલિંગમે અને પદ્યસાહિત્યમાં તિરુપતિવેંકટ કવિએ યુગપુરુષના રૂપે નવીન સાહિત્યનાં મંડાણ કર્યાં. તેલુગુ કવિતાને પાંડિત્યના કિલ્લામાંથી છોડાવી જનસમાજ સુધી પહોંચાડી. વીસમી સદીના પ્રથમ દાયકામાં પ્રાચીન સંપ્રદાયવાદી કવિઓની સંખ્યા અધિક હતી. તેમાં શ્રીપાદ કૃષ્ણમૂર્તિ શાસ્ત્રી(1866–1961)નું  વિશિષ્ટ સ્થાન છે. તેમનાં ‘રામાયણ’, ‘ભારત’ અને ‘ભાગવત’માં લાંબા સમાસો હોવા છતાં કવિતાનો  પ્રવાહ અનુપમ છે. તેમને રાજકવિ તરીકે નીમી આંધ્રસરકારે તેમનું સન્માન કર્યું હતું.

કણ્ડુકુરી વીરેશલિંગમે (1848–1918) તેલુગુ ભાષા અને સાહિત્યને એક નવી ભૂમિકા પર ઊભાં કર્યાં. તેમણે સર્વપ્રથમ પ્રહસન, નવલકથા, વૈજ્ઞાનિક અને રાજનૈતિક નિબંધો, આત્મકથા, નાટક તેમજ વિવેચનનો આરંભ કર્યો. બાળવિધવાઓની દયાજનક સ્થિતિથી આર્દ્ર બની તેમણે ‘વિવેકવર્ધિની’ માસિક-પત્રિકા દ્વારા દુષ્ટ પ્રણાલીઓ પર પ્રહારો કર્યા.

વીસમી સદીના પ્રથમ દશકામાં ગુરજાડા અપ્પારાવે ‘મૃત્યાલ સરમુબુ’ નામે નવીન કવિતાનો સંગ્રહ પ્રગટ કરી નવીન કવિતાનો આરંભ કર્યો. તેમણે વ્યાવહારિક ભાષાનો પ્રયોગ કરી સર્વમાનવસમત્વ, દેશભક્તિ વગેરે ભાવોથી સભર કાવ્યો લખ્યાં. રાયપ્રોલુ સુબ્બારાવે વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરથી પ્રભાવિત રાષ્ટ્રીયતાના ભાવોનો પ્રચાર કર્યો.

વીસમી સદીના બીજા દાયકામાં સ્વતંત્રતાનું આંદોલન જોર પકડવા લાગ્યું. ગંતુર જિલ્લામાં સર્વપ્રથમ સત્યાગ્રહ-સંગ્રામ થયો. સાયમન કમિશન સામે આંધ્રકેસરી ટંગુટરિ પ્રકાશમ્ પન્તુલુએ કાળો ઝંડો બતાવ્યો. ગરિમેલ્લ સત્યનારાયણે પોતાની કવિતામાં બ્રિટિશ સરકારની નિરંકુશતાનું માર્મિક વર્ણન કર્યું. કોડાલિ સુબ્બારાવે ‘હૃષીક્ષેત્રમુ’ કવિતામાં પ્રાચીન આંધ્રના ગૌરવને વર્તમાન આંધ્રની દુર્દશા સાથે સરખાવી આર્તનાદ કર્યો. વિશ્વનાથ સત્યનારાયણે પ્રાચીન આંધ્રવૈભવનું ગાન કરતાં ‘આંધ્રપ્રશસ્તિ’, ‘આંધ્રપૌરુષ’ વગેરે કાવ્ય-રચનાઓ કરી. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) પછી સમગ્ર ભારતમાં નિરાશાનું વાતાવરણ ફેલાયું.

યક્ષગાન જેવાં દેશી રૂપક છોડી દઈ સંસ્કૃત રૂપકનાં લક્ષણો મુજબ રામચંદ્ર શાસ્ત્રીએ ‘મંજરી મધુકરીયમુ’ નામનું પ્રથમ નાટક લખ્યું. 1880થી ધારવાડથી નાટકકંપનીઓએ નાટ્યક્ષેત્રે નવો પ્રભાવ પાડ્યો. બલ્લારીમાં ધર્મવરમુ રામકૃષ્ણાચાર્યે (1884) મૌલિક નાટકો રચ્યાં અને તે ‘સરસ વિનોદિની સભા’ના આશ્રયે ભજવાયાં. તિરુપતિ વેંકટ કવિયુગ્મનું ‘પાંડવ ઉદ્યોગવિજય’ નાટક પ્રસિદ્ધ છે. વીસમી સદીના બીજા દાયકામાં સામાજિક નાટકો રચાયાં.

1920 પછી તેલુગુ કવિતામાં લાક્ષણિક પ્રયોગ, આત્માભિવ્યક્તિ, પ્રકૃતિપ્રેમ વગેરેની ધૂમ મચી. રીતિ અને નિયમોને સ્થાને ભાવ અને લયનો આગ્રહ વધવા લાગ્યો.

વીરેશલિંગમ્ પુન્તુલુએ ‘રાજશેખરચરિત્ર’ નામની પ્રથમ તેલુગુ નવલકથા રચી, તેમાં સમાજનું દર્શન કરાવ્યું. કોકકોંડ વેંકટરત્નમ્ પુન્તુલુએ ‘કાદમ્બરી’ના આધારે 1864માં ‘મહાશ્વેતા’ નામે નવલકથા લખી હતી. કેનવરળુ વેંકટશાસ્ત્રી અને ભોગરાજુ નારાયણ મૂર્તિએ કેટલીક ઐતિહાસિક નવલકથાઓ લખી. અડવી બાપિ રાજુની કેટલીક નવલકથાઓ આંધ્રના ઇતિહાસ સંબંધી છે. વિશ્વનાથ સત્યનારાયણની સૌથી નાની નવલકથા ‘એકવીરા’ રચનાકૌશલમાં અદ્વિતીય છે. તેમની સૌથી મોટી નવલકથા  ‘વેઈપડગલું’ ‘સહસ્રફેણ’ ભારતીય સંસ્કૃતિનો વિશ્વકોશ છે. આ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ થયો છે.

ગુરજાડા અપ્પારાવે 1911માં આધુનિક વાર્તાલેખનનો પ્રારંભ કર્યો. 1920માં ‘સાહિતી’ના પ્રકાશનથી વાર્તાલેખનને વધુ પ્રોત્સાહન મળ્યું.

આલોચનાત્મક સાહિત્યના જન્મદાતા વીરેશલિંગમે ‘આંધ્ર કવુલ ચરિત્ર’ની વિશિષ્ટ કૃતિ સર્જી. સર.સી.આર. રેડ્ડીકૃત ‘કવિત્વ-તત્વવિચારમુ’ આધુનિક વિવેચનનો પ્રથમ ગ્રંથ છે.

તેલુગુ સાહિત્યના આધુનિક ઉત્થાનકાળની ત્રિમૂર્તિ કણ્ડુકુરી વીરેશલિંગમ્ પંતુલુ, ગુરજાડા અપ્પારાવ અને ગિડુગુ રામમૂર્તિ છે. તેમણે વાવેલાં બીજ આજે વિશાલ ઉદ્યાન રૂપે દેખાય છે. પંડિતોના હાથમાં પડી કૃત્રિમ બનેલી ભાષાને બંધનોમાંથી મુક્ત કરી જનસામાન્ય સમક્ષ લાવવાનું શ્રેય ગિડુગુ રામમૂર્તિ(1863-1940)ને છે. ‘આંધ્રપત્રિકા’ તથા ‘ભારતી’ સામયિકોના સ્થાપક શ્રી કાશીનાથુનિ નાગેશ્વર રાવે પણ આધુનિક સાહિત્યના વિકાસમાં સારો ફાળો આપ્યો છે.

1920 પછી પ્રથમ ઉત્થાનકાલ : પ્રાચીન અને અર્વાચીનનો સમન્વય કરીને ચાલનારાઓમાં કવિ-યુગ્મ ‘તિરુપતિ-વેંકટ કવુલુ’ અગ્રગણ્ય છે. તેલુગુમાં બે કવિઓ એકબીજાના સહકારથી સાહિત્ય-કાવ્યરચના કરે તેવી પ્રવૃત્તિની એક પરંપરા છે. આ કવિયુગ્મે નગરે નગરે શતાવધાન અને અષ્ટાવધાન (એક સાથે સો અથવા આઠ વાત પર લક્ષ્ય સાધી પ્રત્યુત્તર રૂપે રચના કરવાની પ્રવૃત્તિ) દ્વારા કવિતા સંબંધી જનતામાં અભિરુચિ કેળવી. આ યુગ્મના બે કવિઓનાં અલગ નામો નીચે મુજબ છે :

(1) દિવા કર્લ તિરુપતિ શાસ્ત્રી અને (2) ચેલ્લપિલ્લ વેંકટશાસ્ત્રી. વેંકટશાસ્ત્રી મદ્રાસ સરકાર દ્વારા નિયુક્ત પ્રથમ રાજકવિ હતા.

સૌથી અધિક ગ્રંથોના કર્તા રાજકવિ શ્રીપાદ કૃષ્ણમૂર્તિ શાસ્ત્રી પ્રાચીન પદ્ધતિના વિદ્વાન કવિ હતા. તે આંધ્રના બીજા રાજકવિ હતા.

અભિનવ તિક્કનના નામથી પ્રસિદ્ધ તુમ્મુલ સીતારામમૂર્તિ ચૌધરી રાષ્ટ્રભાવનાના અગ્રણી કવિ છે. પ્રાચીન વૈભવ પર લખાયેલાં કોડાલિ સુબ્બારાવનાં ગીતો કરુણ રસપૂર્ણ અને હૃદયદ્રાવક છે.

મહાકવિ વિશ્વનાથ સત્યનારાયણ ભારતીય જ્ઞાનપીઠના પુરસ્કારથી સન્માનિત છે. ગદ્ય અને પદ્યની અનેક શૈલીના તે પ્રણેતા છે. ‘રામાયણ કલ્પવૃક્ષ’ તેમનું મહાકાવ્ય છે.

ખ્રિસ્તી કવિ ગુર્રય જોશુઆની  કૃતિઓ – ‘ફિર-દૌસી’, ‘સ્વપ્નકથા’, ‘મુમતાજ મહલ’ પ્રસિદ્ધ છે. તેમની કવિતામાં હિન્દુ સંસ્કૃતિની છાપ છે. ‘ગબ્બિલમુ’ ખંડકાવ્યમાં સમાજના દલિત વર્ગની ભાવનાઓનું મર્મસ્પર્શી વર્ણન છે.

દ્વિતીય ઉત્થાનકાલ : હિન્દી સાહિત્યના છાયાવાદી યુગ જેવો તેલુગુમાં ભાવ-કવિતા-યુગ શરૂ થયો. આ યુગની કવિતા ભાવ અને લયપ્રધાન હોવાથી ગેય છે. આ કવિતાને લોકપ્રિય બનાવનાર કવિ દેવુલપલ્લી કૃષ્ણ શાસ્ત્રી છે. યુવાન કવિઓને તલ્લાવઝુલ શિવશંકર શાસ્ત્રીએ પ્રોત્સાહન આપી ‘સાહિત્યસમિતિ’ નામે સંસ્થાનું આયોજન કર્યું. તેમની કવિતામાં શબ્દોના નવા ચમત્કાર છે. ખંડ કાવ્યોમાં નવીનતા લાવનાર રાયપ્રોલુ સુબ્બારાવ ‘નવ્યાન્ધ્ર-કવિ-બ્રહ્મ’ ગણાય છે. એમણે ઉમર ખૈયામની રુબાયતોનો સુંદર પદ્યાનુવાદ કર્યો છે.

કૃષ્ણશાસ્ત્રી પછી તૅંડૂરિ સુબ્બારાવે ‘એક પાટલુ’ સંગ્રહમાં ગ્રામીણ ભાષામાં સુંદર પ્રેમગીતો લખ્યાં છે. દુબુરિ રાયરેડ્ડીએ ‘પાનશાલા’માં ઉમર ખૈયામની રચનાઓનો અનુવાદ કર્યો છે. ‘કૃષી વલુડુ’ તેમની સ્વતંત્ર મૌલિક રચના છે.

આધુનિક સમયના પ્રસિદ્ધ કવિ-યુગ્મ પિંગલી લક્ષ્મીકાન્તમ્ અને કાટૂરિ વેંકટેશ્વર રાવે ભેગા મળી પ્રસિદ્ધ કાવ્ય ‘સૌન્દરનન્દમુ’ રચેલું છે. એમાં શૃંગાર અને શાંતરસ, શબ્દમાધુર્ય અને ભાવોનો અજસ્ર પ્રવાહ વહે છે. ‘સૈન્દરનન્દમુ’ સંસ્કૃત કવિ અશ્વઘોષની ‘બુદ્ધચરિત્ર’ રચના પર આધારિત છે. ‘શ્રીશિવભારતમ્’ કાવ્ય છત્રપતિ શિવાજીનું જીવનચરિત્ર છે. જેદ્યાલા પાપય્યા શાસ્ત્રીએ ‘કરુણશ્રી’ના ઉપનામથી સુંદર ભાવુક ખંડકાવ્યો રચ્યાં છે.

તૃતીય ઉત્થાનકાલ : બીજું વિશ્વયુદ્ધ (1939–1945) શરૂ થતાં પહેલાં ભારતમાં દરિદ્રતાનું તાંડવનૃત્ય થઈ રહ્યું હતું. બંગાળામાં ભીષણ દુષ્કાળે હાહાકાર મચાવ્યો હતો. સ્વતંત્રતાની ભાવના સાથે સત્યાગ્રહનું આંદોલન જોર પકડી રહ્યું હતું. હવે કવિને કલ્પનાવિહારનો સમય ન હતો. આધુનિક કાવ્યધારા પોષવા માટે ‘નવ સાહિત્ય પરિષદ’ની સ્થાપના થઈ. તેમાં ‘શ્રી શ્રી’ પ્રતિનિધિરૂપ કવિ હતા.

‘શ્રી શ્રી’ના ઉપનામથી પ્રખ્યાત પ્રતિભાશાળી કવિનું મૂળ નામ શ્રી રંગમ્ શ્રીનિવાસરાવ છે. તેમણે સાહિત્યને નવો વળાંક આપ્યો છે. તે યુગાન્તરકારી કવિ છે. 1943માં વિજયવાડામાં  સ્થપાયેલ ‘આંધ્ર અભ્યુદય રચયિતલ સંઘમ્’ના તેઓ નેતા છે. ‘મહાપ્રસ્થાન’ તેમની આધુનિક પ્રગતિવાદી કવિતાનું સંકલન છે. તેમાં પીડિત દલિત માનવને જાગ્રત થવા હાકલ પાડી છે. તેમના શબ્દોમાં વીજળીની ચમક છે.

અતિ સેટ્ટી સુબ્બારાવજી પ્રગતિવાદી વિચારધારાને કલાત્મક રીતે વ્યક્ત કરે છે. ‘અગ્નિવીણા’ તેમનો કાવ્યસંગ્રહ છે. ‘આરુદ્ર’ (ભાગવતુલ શંકરશાસ્ત્રી) પ્રલયનું આહવાહન કરે છે. ‘ત્વમેવાહમ્’માં તેમની કવિતા સંગૃહીત છે. ‘સિનેવાલી’ તેમનું પ્રસિદ્ધ ખંડકાવ્ય છે.

શ્રીરંગમ્ નારાયણબાબુની અતિયથાર્થવાદી કવિતા નવીન શૈલીની છે. ‘કપાલમોક્ષમુ’, ‘રુધિરજ્યોતિ’ વગેરે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે. જયસૂત્રં રુક્મિણી શાસ્ત્રી પ્રતિકાવ્ય (parody) લખવામાં સિદ્ધહસ્ત છે.

હૈદરાબાદના કવિઓમાં દાશરથી મુખ્ય છે. તે બધા જ પ્રકારની શૈલીઓમાં નિપુણતાથી લખે છે. ‘અગ્નિધારા’ અને ‘રુદ્રવીણા’ તેમના કાવ્યસંગ્રહો છે. ‘મસ્તિષ્કમ્ લૉ લૅબોરેટરી’ તેમની પ્રસિદ્ધ કવિતા છે.

આધુનિક તેલુગુ કવિતા બંગાળી અને અંગ્રેજી સાહિત્યમાંથી પ્રેરણા મેળવીને શરૂ થયેલી. પરંતુ તેણે પોતાની વિશેષતાઓ ઉપાર્જન કરી વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.

નાટક : તેલુગુમાં નાટ્યસાહિત્યનો પ્રારંભિક યુગ સંસ્કૃત નાટકોના અનુવાદોથી થયો. તે પછી શેક્સપિયરનાં નાટકો તથા બંગાળી અને હિન્દી નાટકોના અનુવાદો થયા. 1860માં શ્રી કોરાડ રામચન્દ્ર શાસ્ત્રીએ તેલુગુનું પ્રથમ મૌલિક નાટક ‘મંજરી મધુકરિયમુ’ રચ્યું. 1875માં વાવિલાલા વાસુદેવ શાસ્ત્રીએ ‘નન્દક-રાજ્ય’ નામનું મૌલિક નાટક રચ્યું. મૌલિક નાટકો રચી, ભજવી બતાવી નાટકને લોકપ્રિય બનાવનાર પ્રથમ નાટકકાર અને અભિનેતા ધર્મવરમ્ રામકૃષ્ણાચાર્ય (1853–1913) હતા. તેમણે ત્રીસ કરતાં વધુ નાટકો રચ્યાં છે અને તે બધાંયે રંગભૂમિ પર ભજવાયાં છે. પંદર નાટકો પુસ્તક રૂપે પ્રગટ થયાં છે. ‘વિષાદસારંગધર’ તેલુગુનું પ્રથમ દુખાન્ત નાટક છે. રામકૃષ્ણાચાર્ય ‘આંધ્રનાટક-પિતામહ’ તરીકે પ્રખ્યાત છે.

બલ્લારી નગરના એક વકીલ કોલાચલમુ શ્રી નિવાસરાવે નાટકો રચ્યાં. ‘વાણીવિલાસ નાટકસભા’ સ્થાપી અને ‘પ્રપંચ નાટક ચરિત્ર’માં દુનિયાનાં નાટકોનો ઇતિહાસ લખ્યો. ‘વિજયનગર રાજ્ય પતનમુ’ તેમનું અત્યંત લોકપ્રિય નાટક છે.

વેદમુ વેંકટરાવ શાસ્ત્રીનાં ત્રણ મૌલિક નાટકો ‘પ્રતાપરુદ્રમુ’ ‘બોબ્વિલી’ અને ‘ઉષા’ છે. ‘પ્રતાપરુદ્રમુ’માં કાકતીય પ્રતાપરુદ્ર અને ખિલજી સુલતાનોના ઇતિહાસની વાત છે. તેમાં પાત્રોચિત ભાષા વપરાઈ છે. પાનગુહિટ લક્ષ્મીનરસિંહરાવનું ‘ગંગોપાખ્યાન’ આંધ્રનું એક શ્રેષ્ઠ અને લોકપ્રિય નાટક છે. આ નાટકની પ્રતોનું વેચાણ અભૂતપૂર્વ હતું. તિરુપતિ-વેંકટ કવુલુના ‘પાંડવ ઉદ્યોગ વિજયમુલુ’ નાટકનાં ગીતો જનતાની જીભે ચઢી ગયાં છે. બલિજે પલ્લિ લક્ષ્મીકાન્તમનું ‘સત્ય-હરિશ્ચંદ્ર’ નાટક અત્યંત લોકપ્રિય બન્યું. તેનાં ગીતો પણ અત્યંત મધુર છે.

સામાજિક નાટકોમાં ગુરજાડા અપ્પારાવનું ‘કન્યાશુલ્ક’ (1817) ખૂબ પ્રસિદ્ધ નાટક છે. આજે પણ આ નાટક નવા જેવું લાગે છે. વેશ્યાપ્રથા, બાલવિવાહ, કન્યાવિક્રય, નવી પેઢીના યુવકોના ઢોંગ, ફૅશન વગેરેનું માર્મિક ચિત્રણ એમાં થયું છે. આ નાટકનું ઢોંગી અને ધોખેબાજ પાત્ર ‘ગિરિશમુ’ એક ઐતિહાસિક પુરુષ જેવું બની ગયું છે.

કવિ-સમ્રાટ વિશ્વનાથ સત્યનારાયણનાં રચેલાં નાટકોમાં ‘નર્તનશાલા’, ‘અનારકલી’, ‘વેનરાજુ’ વગેરે સરસ છે. ‘નર્તન-શાલા’માં વિરાટ મહારાજાનો સાળો કીચક ઉદ્ધત ખલનાયક છે.

અન્ય નાટકકારોએ પ્રાચીન સંપ્રદાયોને અનુકૂળ ગદ્ય-પદ્યયુક્ત ઐતિહાસિક તેમજ પૌરાણિક સામગ્રી પર નાટકો રચ્યાં; પરંતુ તે પછી લેખકોનો ર્દષ્ટિકોણ બદલાયો. વર્તમાન સામાજિક સમસ્યાઓ વિશે માત્ર ગદ્યમાં જ નાટકો રચાવા માંડ્યાં. આચાર્ય આત્રેયનાં નાટકોમાં મધ્યમવર્ગીય કુટુંબોની સમસ્યાઓ અને સામાન્ય મનુષ્યની મનોવૃત્તિઓનું ચિત્રણ સિદ્ધ હસ્તે થયું છે. ‘અર્ધકાંપ (ભાડાનું મકાન)’ ‘કપ્પલુ (મેઢક)’, ‘ભય’ તેમની મુખ્ય રચનાઓ છે. કોપ્પલે વેંકટ રામારાવે તેમનાં નાટકોમાં સામાજિક દુરાચારોનું જોરદાર ખંડન કર્યું છે. પિનિ શેટ્ટની ‘પલ્લે પુડુચુ’(ગામડાની યુવતી)માં કિસાન અને જમીનદારના સંઘર્ષનું આલેખન કર્યું છે. બુચ્ચિ બાબુનું ‘આત્મવંચના’. ‘બોઈ ભીમન્નાનાં’ ‘પોલીસ’, ‘કૂલિરાજુ’, રામદાસનાં ‘માસ્ટરજી’ અને ‘પુનર્જન્મ’ સુંદર નાટકો છે. વાસિરેડ્ડી ભાસ્કર રાવ તેમજ સત્યનારાયણનાં ‘મુંદ ડુગુ’ અને ‘મા-ભૂમિ’ મૂડીવાદ અને કિસાન-મજદૂર સંઘર્ષ આલેખે છે. અનિ સેટ્ટી સુબ્બારાવ પ્રગતિશીલ સાહિત્યકાર છે. તેમનું ‘શાન્તિ’ કેવળ મૂક અભિનયનું પ્રથમ નાટક (mime) છે. ડી.વી. નરસ રાજુ, પ્રખ્ય શ્રી રામમૂર્તિ ભામિડિપાટી રાધાકૃષ્ણ, ગોલ્લપૂડિ, ગંગાધરરાવ, એન.આર.નન્દી તથા ગણેશ પાત્રો અન્ય જાણીતા નાટકકારો છે. રેડિયો માટે શ્રાવ્ય નાટકોના લેખકોમાં શ્રી.શ્રી., શ્રીવાત્સવ, નંડૂરિ, આરુદ્રા વગેરે ઉલ્લેખનીય છે. શાળા કૉલેજો માટે એકાંકી નાટકો પણ રચાયાં છે. વિનિ શેટ્ટીના કૌટુંબિક જીવન વિશેના ‘સ્ત્રી’ નાટકમાં એક પણ સ્ત્રી પાત્ર નથી.

ચેન્નાઈના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ પી.વી. રાજમન્નાર તેલુગુના સર્વપ્રથમ એકાંકીલેખક છે. ડૉ. મારેમંડ રામારાવ ઐતિહાસિક એકાંકી લખવામાં સિદ્ધહસ્ત છે. શિવશંકર શાસ્ત્રીએ ‘દીક્ષિત દુહિતા’, ‘પદ્માવતી ચરણચારણ ચક્રવર્તી’ના નામથી પ્રસિદ્ધ ગેય નાટકો લખ્યાં છે. કોપ્પરમુ સુબ્બારાવનું ‘અલીમુઠા’ (ભ્રમરોનો સમૂહ) સંગીત-નાટકોમાં પ્રથમ અને શ્રેષ્ઠ છે.

નવલકથા : દક્ષિણ ભારતની ભાષાઓમાં તેલુગુમાં જ સર્વપ્રથમ નવલકથાની રચના થઈ. ‘ચિન્તામણિપત્રિકા’(1892–99)નો પુરસ્કાર પ્રાપ્ત કરનાર ખંડવલ્લિ રામચદ્રુડુ અને ચિલક મૂર્તિ લક્ષ્મીનરસિંહમ્ ઓગણીસમી સદીના મુખ્ય નવલકથાકારો છે. વિશ્વનાથ સત્યનારાયણની ‘વેઇ પડગલુ’ (સહસ્રફેણ) ભારતીય આંધ્રસમાજ અને સંસ્કૃતિનો સર્વજ્ઞાનસંગ્રહ છે. અડિવિ બાપિરાજુએ ‘નારાયણરાવ’ નામની નવલકથા માટે ‘સહસ્રફેણ’ નવલકથા સાથે આંધ્ર વિશ્વવિદ્યાલયનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.

શ્રીપાદ સુબ્રમણ્યની નવલકથા ‘આત્મબલિ’, ગોપીચન્દની ‘અસમર્થની જીવનયાત્રા’, બુચ્ચિ બાબુની ‘અન્તમે બચનેવાલી’, જી.વી. કૃષ્ણારાવની ‘કઠપૂતલી’, બલિવાડ કાન્તારાવની ‘ભીંત પરની છબિ’, પોતુકૂચિ સામ્બ શિવરાવની ‘ઉદયકિરણ’ વગેરે વિશિષ્ટ સામાજિક નવલકથાઓ છે.

ઉન્નવ લક્ષ્મીનારાયણની ‘માલપલ્લિ (હરિજન વસ્તી)’માં સામાજિક સમસ્યાઓ સાથે ભારતીય સ્વાતંત્ર્ય-આંદોલનનો ક્રમિક વિકાસ સુંદર રીતે આલેખાયો છે. ઉપ્પલ લક્ષણરાવ કૃત ‘વહ (He) અને વહ (she)’, મહીધર રામમોહનરાવની ‘રથચક્ર’ અને ‘દવાનલ’, વટ્ટિકોટ આળવાર સ્વામીની ‘જનતાનો આદમી’ વગેરે નવલકથાઓમાં સામાજિક અને રાજકીય વિચારધારાઓનો સુંદર સમન્વય છે. ઐતિહાસિક નવલકથાકારોમાં નોરી નરસિંહનું પ્રથમ સ્થાન છે. અડિવિ બાપિરાજુ આંધ્રની ઐતિહાસિક નવલકથાને આંધ્રના વર્તુળની બહાર લાવ્યા. તેમની ‘હિમબિંદુ’ નવલકથા વિશ્વની શ્રેષ્ઠ નવલકથાની સમકક્ષ ગણાયેલી છે.

નવલકથામાં યૌન સમસ્યાઓ અને મનોવૈજ્ઞાનિક વિચારધારાઓ વ્યક્ત કરવામાં ગુડપાટિ વેંકટાચલમનું સ્થાન પ્રથમ છે. ‘શશિરેખા’, ‘અમીના’, ‘અરુણા’ તેમની પ્રખ્યાત નવલકથાઓ છે. અતિ યથાર્થવાદી નવલકથાનો આંરભ ‘અમીના’થી થાય છે. કોડવણ્ટિ ગણ્ટિ કુટુંબરાવની ‘ચદુવુ’ નવલકથા જીવનના વાસ્તવિક કાર્યક્ષેત્રમાં ભારતીય શિક્ષણપદ્ધતિ પર તીવ્ર કટાક્ષ છે. રાયકોન્ડ વિશ્વનાથ શાસ્ત્રીની ‘અલ્પજીવી’ નવલકથા એક અનન્ય મનોવિશ્લેષણાત્મક કૃતિ છે. એમાં એક પ્રકારનું સ્વગત ભાષણ છે. લેખકે નવલકથા-રચનામાં નૂતન અભિવ્યંજના-શૈલી બતાવી છે. હાસ્ય-પ્રધાન નવલકથાકારોમાં મુનિમાણિક્યમ્ નરસિંહરાવની ‘કાન્તમ્’ નાયિકા વાચકોને પુલકિત કરે છે. ‘બૅરિસ્ટર પાર્વતીશમ્’ની પંક્તિએ પંક્તિએ હાસ્યરસ વહે છે. લેખિકા રંગનાયકમ્માની નવલકથાઓમાં મુખ્ય વિષય સામાજિક કુરીતિઓ અને અવ્યવસ્થાનું નિરૂપણ છે. તેમની ‘બલિપીઠમુ’, ‘પેકમેડલુ’, ‘સ્વીટ હોમ’, વગેરે નવલકથાઓમાં નારીહૃદયનો પોકાર છે. સ્ત્રી પુરુષની દાસી નથી પણ માર્ગદર્શિકા છે. કૌશલ્યાદેવીની નવલકથાઓમાં કલ્પનાવિહાર છે. ‘યદદન પૂડિ સુલોચનારાણી’ નારીની સુપ્ત ભાવનાઓને સુંદર રૂપે આલેખે છે. દ્વિ વેદુદુલ વિશાલાગ્નિની નવલકથાઓમાં જીવનનાં નવાં મૂલ્યો સ્થાપવા માટેનો સંઘર્ષ છે. ‘લતા’ ઉપનામથી પ્રસિદ્ધ હેમલતાએ મહિલાઓની આધુનિકતા અને જાતીય સંબંધોની ખુલ્લી ચર્ચા નવલકથાઓમાં કરી છે.

વાર્તા : વાર્તાલેખનમાં શ્રીગણેશ વીરેશલિંગમે કર્યા. ગુરજાડા અપ્પારાવે પણ તેમને અનુસરી ‘આપનું નામ’, ‘સુધાર’, વગેરે સુંદર વાર્તાઓ લખી. વેલુરિ શિવરામ સુધારાવાદી વાર્તાલેખક છે. આધુનિક સભ્યતા પર મીઠી ચોટ કરી હાસ્યપ્રધાન વાર્તા લખવામાં ચિન્તા દિક્ષિતુલુ સિદ્ધહસ્ત હતા. શ્રીપાદ્ સુબ્રહ્મણ્યમ્ શાસ્ત્રીની વાર્તાઓમાં તેલુગુ વાર્તાનું શુદ્ધ સ્વરૂપ દેખાય છે. એમની એક એક વાર્તા અમૃતબિંદુ સમી છે. વ્યંગ્ય અને ચમત્કારથી ભરપૂર વાર્તાઓ માટે કોડવણ્ટિ ગણ્ટિ કુટુંબરાવ જાણીતા છે. કથા-વસ્તુ, શૈલી, ભાવ વગેરેમાં નવીનતા લાવનાર મુડિપાટિ વેંકટચલમ્ છે. મુનિમાણિક્યમ્ નરસિંહરાવ તેલુગુ પ્રદેશની વધૂઓના પ્રતિનિધિ છે. પાલગુમ્મી પદ રાજુની વાર્તાઓની રચના આકર્ષક છે. કરુણકુમારે વાર્તાઓમાં ગ્રામીણ જનતાનાં દુ:ખ સાથે આધુનિક સભ્યતામાં પિસાતા નાગરિકોને આલેખ્યા છે. ગોપીચન્દ એક સશક્ત વાર્તાકાર છે. તેમની વાર્તાઓ હૃદય કરતાં દિમાગને વધુ પ્રભાવિત કરે છે. નવીન વાર્તાકારોમાં બુચ્ચિબાબુનું સ્થાન વિશિષ્ટ છે. દિલની સાથે દિમાગને સ્પંદિત કરવામાં તેઓ અત્યંત કુશળ છે. એન.આર.ચન્દૂર સાથે શ્રીમતી માલતી ચન્દૂરનું નામ પણ વાર્તાકાર તરીકે જાણીતું છે. મુલ્લપુડિ વેંકટરમણ ‘રાજકીય વૈતાલપંચવિંશતિ’માં આજની રાજનીતિ પર વ્યંગ્ય-પૂર્ણ વાર્તાઓ રજૂ કરે છે.

વાસિરેડ્ડી સીતાદેવી, ઇલ્લિંદલ, સરસ્વતીદેવી, ડૉ. શ્રીદેવી, નન્દગિરિ ઇંદિરાદેવી, યદ્દનપૂડિ, સુલોચનારાણી, જાનકીરાણી વગેરે લેખિકાઓએ પણ તેલુગુ વાર્તાસાહિત્યને સમૃદ્ધ કરવામાં સારો ફાળો આપ્યો છે.

તેલુગુમાં આત્મકથાઓ અને જીવનચરિત્રો સારા પ્રમાણમાં લખાયેલાં છે.

વિવેચનસાહિત્યના જન્મદાતા પણ વીરેશલિંગમ્ છે. ગુરજાડા રામમૂર્તિની ‘કવિ જીવતિ મુલ્લુ’ પ્રાચીન કવિઓના જીવન અને કવન પર પ્રકાશ પાડે છે. તેલુગુમાં વિવેચનસાહિત્ય સર્જનાત્મક સાહિત્ય કરતાં ઘણું ઓછું છે.

નિબંધરચનાઓમાં પાનગુણ્ટિ રાવના ‘સાક્ષી’ના છ ભાગ, મુટ્નૂરિ કૃષ્ણારાવના વિવિધ નિબંધો, કોમરાજુ લક્ષ્મણરાવની ‘લક્ષ્મણ નિબંધાવલી’, વગેરે ઉપરાંત ‘ભારતી’, ‘આંધ્રપત્રિકા’ જેવાં સામયિકોમાં પ્રગટ થતા લેખો આ પ્રકારના સાહિત્યને સમૃદ્ધ કરી રહ્યા છે. તેલુગુમાં સર્વ પ્રથમ સાપ્તાહિક વીરેશલિંગમે ‘વિવેકવર્ધિની’ (1885) નામે શરૂ કર્યું હતું.

તેલુગુમાં શબ્દકોશ, નિઘંટુ, વિજ્ઞાનસર્વસ્વ (વિશ્વકોશ), નાટ્યશાસ્ત્ર, આંધ્ર વાગ્ગેય કારુલુ વગેરે સંશોધનગ્રંથો પણ પ્રકાશિત થયા છે.

કૃષ્ણવદન જેટલી